Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 19)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ

  • પ્રકાશન તારીખ18 Oct 2018
  •  

2 ઓક્ટોબરના રોજ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિનની ઉજવણી થઈ. આજથી ૧૨૨ વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને એક માનપત્ર આપવામાં આવ્યું હતું. જેનો આરંભ “કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમથી થયો હતો. છતાં તેમાં કોઈ ધર્મ કે મજહબની વાત ન હતી. તેમાં તો માત્ર ગાંધીજીનાં કાર્યોમાં ખુદા અને હજરત મહંમદ પયગંબર સાહેબની રહેમત અને મહેરબાનીની વાત કહેવામાં આવી હતી. અને છતાં એ માનપત્ર દક્ષિણ આફ્રિકામાં વસતા તમામ હિંદુ-મુસ્લિમ ભાઈઓ તરફથી ગાંધીજીને આપવામાં આવ્યું હતું. ગાંધીજીએ પણ તેનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

ગાંધીજીનાં સેવાકીય કાર્યોની સુવાસ દક્ષિણ આફ્રિકામાં ચોમેર પ્રસરી ગઈ હતી, એટલે હિંદુ મુસ્લિમો બંને સમાજમાં ગાંધીજીને સમાન માન મળતું હતું

આજે એ માનપત્રની થોડી વાત કરવી છે. સન ૧૮૯૬ની સાલમાં ગાંધીજી છ માસને માટે દક્ષિણ આફ્રિકાથી ભારત આવી રહ્યા હતા. એ સમયે હજુ તેમને ‘મહાત્મા’નું બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને ‘ભાઈ’ના સંબોધનથી બોલાવતા હતા. છતાં સેવાકીય કાર્યોની તેમની સુવાસ દક્ષિણ આફ્રિકામાં ચોમેર પ્રસરી ગઈ હતી. એટલે હિંદુ-મુસ્લિમો બંને સમાજમાં ગાંધીજીને સમાન માન મળતું હતું. અને એટલે જ ગાંધીજીના માનમાં ઠેરઠેર વિદાય સમારંભો યોજાયા હતા. એવો જ એક સમારંભ ૨ જૂન ૧૮૯૬ના રોજ યોજાયો હતો. તેમાં નાતાલ ઇન્ડિયન કોંગ્રસ તરફથી ગાંધીજીને આ માનપત્ર આપવામાં આવ્યું હતું. તેમને આપવામાં આવેલ એ માનપત્ર સાહિત્યના અદ્્ભુત નમૂના સમું આજે પણ ઉપલબ્ધ છે. એ માનપત્ર ઇસ્લામિક તહેજીબ અને સંસ્કારોથી તરબતર છે. તેમાં ખુદા અને તેના પરવરદિગારને પ્રશંસા કરવામાં આવી છે. તેની પ્રતીતિ પ્રથમ પંક્તિથી જ થાય છે.


‘કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાં કા ગફ્ફૂર રહીમ’


અર્થાત્ સૌ પ્રથમ પ્રશંસા ખુદની કરું છું જેણે આ સંસારનું સર્જન કર્યું છે.
ખુદા શબ્દ ફારસી ભાષાનો છે. જેનો અર્થ સાહેબ કે માલિક થાય છે. ખુદા શબ્દને તોડીને તેનો સાચો ભાવાર્થ જાણવો હોય તો કહી શકાય કે ખુદ+ આ = ખુદ આવનાર, જાતે આવનાર. અર્થાત્ અલ્લાહતઆલા પોતાના વજૂદ કે હસ્તી માટે કોઈનો મોહતાજ નથી. એ જાતે જ, પોતે જ તેના બંદાઓની મદદે આવે છે. કુરાને શરીફમાં કહ્યું છે, ખુદાએ જમીન અને આસમાનનું સર્જન કર્યું છે. તે સંદર્ભમાં બીજી કડીમાં કહ્યું છે.


‘કિયા જિસને પૈદા જમી આન પર
મેં કુરબા હું ઉસકે નામ પર’


ખુદાતાલા દરેક પલનો માલિક છે. અને દુનિયાનો સમગ્ર કારોબાર તેના દ્વારા જ ચાલે છે. એ વિચારને સાકાર કરતી ત્રીજી કડીમાં કહ્યું છે,


‘ઓ ચાહે કરે પલ મેં મુખ્તાર હેં
સભી કારોબાર ઉસકે અખત્યાર હે’
કુરાને શરીફમાં કહ્યું છે,


“ખુદા એક છે. તે નિરપેક્ષ છે. તેના સિવાય કોઈ ઈબાદત(ભક્તિ)ને લાયક નથી’
ઇસ્લામમાં કહ્યું છે, ‘લાહીલાહા ઈલ્લ્લાહ મુહંમદ રસુલીલ્લાહ’ અર્થાત્ અલ્લાહ એક જ છે અને મહંમદ તેના રસૂલ અર્થાત્ પયગંબર છે. એ જ સંદર્ભમાં ચોથી કડીમાં કહ્યું છે,


‘હબીબ ઉન કે મહંમદ રસૂલ
સબૂ ને કિયા દિન ઉસકા કબુલ’


માનપત્રની આવી અન્ય ઇસ્લામિક સિદ્ધાંતોને સાકાર કરતી અન્ય કડી પણ માણવા જેવી છે. જેમ કે,


‘કયામત મેં હર જન મુનાદી કરે
સફાઅત કા તાજ તેરે સર પે ધરે
કુરાં મેં લીખ હક ને ખેરુલ અનામ
નબુવત ખતમ ઓર દુરદો સલામ
ખુદાને કિયા હમ પર લુંફ્તો કરમ
મોહનદાસ ગાંધી કા દિલ હૈ નરમ’


આ માનપત્ર દક્ષિણ આફ્રિકાની હિંદુ-મુસ્લિમ ભારતીય પ્રજાનો ગાંધીજી પ્રત્યેનો અનહદ પ્રેમ અને આદર વ્યક્ત કરે છે. તેમાં ગાંધીજીના સેવાકીય કાર્યની પ્રશંશા અને દક્ષિણ આફ્રિકા તરત પાછા ફરવાની વિનંતી કાવ્યાત્મક શૈલીમાં કરવામાં આવી હતી. ૨ જૂન ૧૮૯૬ના રોજ લખાયેલ આ માનપત્ર મસ્નવી શૈલી (ઉર્દૂ-ફારસી ગદ્ય લેખનશૈલીનો એક પ્રકાર)માં લખાયું છે. માનપત્રની ભાષા હિન્દી-ઉર્દૂ મિશ્રિત છે. ૧૨૨ વર્ષ પૂર્વે ગાંધીજીને અપાયેલ આ માનપત્રમાં આગળ લખ્યું છે,


‘નિગેબાન તેરા ખુદાવિંદ કરીમ,
કે હે પાદશા દો જહાં કા અકીમ
નસારુ કા યે મુલ્ક નાતાલ હૈ
અવલ કાયદા યાંકા બે તાલ હૈ
વો હિંદી કી કરતે ન દરકાર હૈ
અકલમંદ એસી યે સરકાર હૈ
ફતેહ સારે કામો મેં તુમ કો મિલે
તેરે નામ કા ફૂલ જગ મેં ખીલે
ન દુશ્મન સે બિલકુલ વો દિલ મેં ડરે
લગા કાયદા વો બરાબર લડે
આને સે ઉસ કે હુઆ ફાયદા
નસારુકા તોડા હે જુલ્મો જહાં’


ડરબનમાં ગાંધીજીને ૨ જૂન ૧૮૮૬ના રોજ કોંગ્રસ ભવનમાં આપવામાં આવેલ ૩૧ કડીઓના આ મસ્નવી શૈલીમાં લખાયેલા માનપત્રના રચયિતા દાઉદ નામના શાયર હતા. તેમાં વ્યક્ત થયેલ માહિતી અને વિચાર ઐતિહાસિક તથ્યો સાથે સુસંગત તો છે, પણ તેમાં ખુદા અને તેની રહેમતનું બખૂબી બયાન પણ છે. એ બાબત ગાંધી યુગના દક્ષિણ આફ્રિકાના જીવંત કોમી એખલાસને પણ વ્યક્ત કરે છે.
www.mehboobdesai.blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP