Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 19)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

ઇસ્લામમાં સ્ત્રીનું સ્થાન

  • પ્રકાશન તારીખ04 Apr 2019
  •  

વિશ્વના સર્જનમાં નારીનો ફાળો પુરુષ સમોવડિયો છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ મુજબ આદમ અને ઈવ જન્નત(સ્વર્ગ)માં રહેતાં હતાં. ખૂબ ખુશહાલ હતાં. તમામ સુખો-સગવડતાઓ તેમને ઉપલબ્ધ હતાં. માત્ર એક ફળ ખાવાની તેમને મનાઈ હતી. એક દિવસ શૈતાને તેમને એ ફળ ખાવા ઉશ્કેર્યાં અને આદમ અને ઈવને તે ફળ ખાવાની ઇચ્છા જન્મી. તેમણે તે ફળનો સ્વાદ ચાખ્યો અને બંને વચ્ચેનું શરીર પરનું આવરણ અલિપ્ત થઈ ગયું અને બંને વચ્ચે સહવાસ થયો.પરિણામે ખુદાએ તેમને જન્નતમાંથી કાઢી મૂક્યાં અને બંને પૃથ્વી પર આવ્યાં. એ જ આદમ અને ઈવ દ્વારા માનવનું સર્જન થયું. એ કથા મુજબ આપણે બધા આદમ અને ઈવનાં સંતાનો છીએ.

  • કુરાને શરીફમાં સ્ત્રીઓ અંગેની અનેક આયાતો જોવા મળે છે. જેમાં સ્ત્રીના નિકાહ, વારસા હક, તલાક જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે

આ રીતે માનવસમાજનું સર્જન થયું, પણ સ્ત્રી અને પુરુષની તુલનામાં માનવસમાજે હંમેશાં પુરુષને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. છેક આદિકાળથી માનવસમાજ પુરુષપ્રધાન રહ્યો છે. દરેક ધર્મ, સમાજ અને રાષ્ટ્રમાં સ્ત્રી કરતાં પુરુષનું સ્થાન ઊંચું રહ્યું છે. પરિણામે પુત્રીનો જન્મ ભારણ અને પુત્રનો જન્મ ખુશી બની રહ્યાં. ભારતમાં એક સમયે દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા પ્રચલિત હતી. ઇસ્લામના નવસર્જન પૂર્વે અરબસ્તાનમાં પણ દીકરીને દાટવાની પ્રથા પ્રચલિત હતી. દીકરીનો જન્મ થાય એટલે પિતા તાજી જન્મેલી પુત્રીને લઈને રણમાં એકલો ચાલી નીકળે. વસ્તીથી દૂર એકાંત રણમાં પહોંચી, રેતીમાં એક ખાડો કરે અને તાજી જન્મેલી બાળકીને તપતી રેતીમાં દાટીને ચૂપચાપ આવતો રહે. આરંભના દિવસોમાં મહંમદ સાહેબ આ જોઈ વ્યથિત થઈ જતા અને લોકોને સમજાવતા, પણ અરબસ્તાનની જંગલી પ્રજા મહંમદ સાહેબ (સ.અ.વ)ની વાત ન માનતી. મહંમદ સાહેબ પયગંબર (સ.અ.વ)થયા પછી ધીમે ધીમે તેઓ પ્રજાને સમજાવવામાં સફળ રહ્યા. મહંમદ સાહેબ (સ.અ.વ.) ઉપર ઊતરતી વહી અર્થાત્ ઈશ્વરીય આદેશમાં પણ સ્ત્રીઓના હકો અને તેમના પ્રત્યેના વ્યવહાર અંગે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આદેશો આપવામાં આવતા. પરિણામે મહંમદ સાહેબ પોતાના ઉપદેશોમાં તે બાબતો ખાસ ભારપૂર્વક પ્રજાને સમજાવતા. કુરાને શરીફમાં સ્ત્રીઓ અંગેની અનેક આયાતો જોવા મળે છે. જેમાં સ્ત્રીના નિકાહ, વારસા હક, સ્ત્રીની સાક્ષી, સ્ત્રી સાથેનો વ્યવહાર, તલાક જેવી અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે.
પડદાપ્રથા કે બહુપત્નીત્વના ઇસ્લામના સામાજિક રિવાજોના મૂળમાં એ સમયની અરબસ્તાનની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ જવાબદાર હતી. એ યુગમાં અવારનવાર યુદ્ધો થતાં. યુદ્ધોમાં અનેક સિપાઈઓ શહીદ થતા. પરિણામે તેમની વિધવાઓના નિભાવ અને રક્ષણનો પ્રશ્ન ઉદ્્ભવતો. એટલે મહંમદ સાહેબે એક વ્યક્તિ વધુમાં વધુ ચાર નિકાહ કરી શકે તેવો ખુદાનો આદેશ લોકોને સંભળાવ્યો. હિન્દુ સમાજ પણ બહુપત્નીત્વના રિવાજથી મુક્ત નહોતો. રાજા દશરથને ત્રણ પત્નીઓ હતી. હિન્દુ ધર્મગ્રંથોમાં ભગવાન શ્રીકૃષ્ણએ સાત લગ્નો કર્યાંના આધારો મળે છે. મહંમદ સાહેબે પણ અગિયાર નિકાહ કર્યાનું ઇસ્લામિક ઇતિહાસમાં નોંધાયેલું છે. ટૂંકમાં, બહુપત્નીત્વ પ્રથા જે તે યુગની સામાજિક અને રાજકીય જરૂરિયાત હતી. તેને હિન્દુ કે ઇસ્લામ ધર્મ સાથે જોડવાની જરૂર નથી.
ઇસ્લામમાં સ્ત્રી સ્વાંત્ર્યના સિદ્ધાંતને સ્વીકારવામાં આવેલ છે. એ માત્ર એક આદર્શ નહીં, પણ વાસ્તવિક અમલીકરણનો વિષય રહ્યો છે. સ્ત્રીઓના સમાન સામાજિક દરજજાનો સ્વીકાર કરતા કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે, ‘હું તમારામાંથી કોઈ પણ વ્યક્તિના કામને વ્યર્થ નથી ગણતો. ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી, તમે પરસ્પર એકમેકનાં અંગો છો.’
ઇંગ્લેન્ડમાં છેક સન 1871માં સ્ત્રીઓને મિલકતમાં વારસાહક આપવાનું સ્વીકારવામાં આવ્યું હતું. જ્યારે ઇસ્લામે તો સ્ત્રીને આજથી ચૌદસો વર્ષ પહેલાં વારસા હક આપ્યો છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે, ‘પુરુષ અને સ્ત્રી બંનેને મા-બાપ કે નજીકના સંબંધી મૂકી ગયા હોય તે સંપત્તિમાં અધિકાર છે.’
સંપત્તિમાં અધિકારની જેમ જ લગ્ન કે શાદીમાં પણ સ્ત્રીની સંમતિને ઇસ્લામે વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. એક હદીસમાં ફરમાવવામાં આવ્યું છે, ‘કોઈ વિધવાનાં લગ્ન તેની સલાહસૂચન વિના ન કરવામાં આવે અને કોઈ કુંવારીનાં લગ્ન તેની સંમતિ વગર ન કરો.’
લગ્ન કે શાદી અંગે ઇસ્લામે સ્ત્રીની સંમતિને એટલું બધું મહત્ત્વ આપ્યું છે કે જો નિકાહ પછી પણ સ્ત્રી એમ કહે કે તેની શાદી સંમતિ વગર કરવામાં આવી છે, તો નિકાહ તૂટી જાય છે. આટલેથી ન અટકતાં દુવા કે પ્રાર્થનામાં પણ સ્ત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે, ‘જમીઇલ મુઅમિનીના વલ મુઅમિનાત વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત.’ અર્થાત્ ‘મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓ ઈમાનદાર પુરુષો અને ઈમાનદાર સ્ત્રીઓ માટે ક્ષમાયાચના.’
ઇસ્લામમાં સ્ત્રીની ચારિત્ર્યશુદ્ધિ જેટલું જ મહત્ત્વ પુરુષના ચારિત્ર્યને આપવામાં આવ્યું છે. એટલે કે પુરુષના વ્યાભિચારી સંબંધોને ઇસ્લામે ધિક્કારેલા છે. એ દૃષ્ટિએ પણ સ્ત્રી અને પુરુષને સમાન રાખવામાં આવ્યાં છે. સ્ત્રીઓની ઘરબહારની સેવાકીય પ્રવૃત્તિઓને પણ ઇસ્લામમાં આવકારી છે. યુદ્ધના મેદાનમાં શૌર્યગીતો લલકારવાં કે સૈનિકોને પાટાપિંડી કરવામાં આરબ સ્ત્રીઓએ આપેલ પ્રદાનની નોંધ અરબસ્તાનના ઇતિહાસમાં લેવાઈ છે. આમ, દરેક ક્ષેત્રમાં ઇસ્લામે સ્ત્રી અને પુરુષના સમાન સામાજિક દરજ્જાનો સ્વીકાર કર્યો છે.
આમ, ઇસ્લામે સ્ત્રીઓને વારસા અધિકાર, વિધવા વિવાહનો સન્માનિત અધિકાર, અમુક સંજોગોમાં પતિથી મુક્ત થવાની છૂટ, સ્ત્રીધન સ્વાધીન રાખવાની પરવાનગી અને વિદ્યાપ્રાપ્તિનો અધિકાર આપ્યો છે. Á
www.mehboobdesai.blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP