Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 18)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

કર ભલા હો ભલા, અંત ભલે કા ભલા

  • પ્રકાશન તારીખ14 Mar 2019
  •  

દરેક ધર્મમાં કર્મનો સિદ્ધાંત કેન્દ્રમાં છે. માનવી જીવનમાં જેવાં કર્મ કરશે, તેવું ફળ પામશે. ગીતામાં પણ આ અંગેનો બહુ જાણીતો શ્લોક છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

અર્થાત્ કર્મ પર જ તારો અધિકાર છે. કર્મ જ હાથમાં છે, પણ તેના ફળની અપેક્ષા ન કરીશ. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં પણ કહ્યું છે, ‘અલ આમલ બિન નીયતે’
અર્થાત્ સદ્્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે. અર્થાત્ તમારા ખિસ્સામાં સો રૂપિયા હોય અને કોઈ ગરીબ કે લાચાર જરૂરતમંદને જોઈને તમારા મનમાં માત્ર વિચાર આવે કે જો આ પૈસા મારી જરૂરિયાત ન હોત તો, પેલા ગરીબ જરૂરતમંદ માનવીને આપી દેત. બસ, આપનો આ વિચાર માત્ર આપનું સદ્્કાર્ય છે.
આ વિચારને સાકાર કરતો એક કિસ્સો મને હમણાં આપણા વયોવૃદ્ધ ગાંધીવાદી વાપીના ઉદ્યોગપતિ ગફુરભાઈ બિલખિયા પાસેથી સાંભળવા મળ્યો. વાપીની મોડર્ન શાળાના એક કાર્યક્રમમાં ત્યાંના સંચાલક રફિકભાઈ લાલોડિયાએ નિમંત્રણ પાઠવ્યું હતું. એ સંદર્ભે વાપી જવાનું થયું. ગફુરભાઈ બિલખિયા 86 વર્ષની ઉંમરે પણ ‘અતિથિ દેવો ભવઃ’ના સંસ્કારોને સાકાર કરતા અમને મળવા આવ્યા અને મારી સાથે રાત્રિના દસેક વાગ્યા સુધી વાતે વળગ્યા. એ દરમિયાન ગફુરભાઈએ તેમના જીવનની એક ઘટના જણાવી.

  • સદ્્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે. આ વિચારને સાકાર કરતો એક કિસ્સો વાપીના ગાંધીવાદી ઉદ્યોગપતિ ગફુરભાઈ બિલખિયાના જીવનનો જાણીએ

લગભગ 50-60 વર્ષ પહેલાંની એ ઘટના છે. એ દિવસો ગફુરભાઈ માટે ઘણા તાણના હતા. આર્થિક તંગીના એ દિવસોમાં ગફુરભાઈ ભાવનગર જિલ્લા પંચાયતના સભ્ય હતા. જિલ્લાપંચાયતના ગંગાજળિયા તળાવના નાકે આવેલા ગેસ્ટહાઉસમાં એ રાત્રે તેમનો ઉતારો હતો. ખિસ્સામાં માત્ર એકસો દસ રૂપિયા હતા. બીજે દિવસે સવારે એસ.ટી.ની બસમાં જિલ્લાપંચાયતના કોઈ કાર્ય અંગે તેમને ગાંધીનગર જવાનું હતું. એટલે જિલ્લાપંચાયતના ગેસ્ટહાઉસના ચોકીદારને સવારે વહેલા ઉઠાડવાનું કહી ગફુરભાઈ સૂઈ ગયા. સવારે તેઓ ગેસ્ટહાઉસની બહાર આવ્યા. બહાર એક બેહાલ માનવી લાચાર નજરે તેમને તાકી રહ્યો હતો. ગફુરભાઈને જોઈ પેલો લાચાર માનવી તેમની પાસે દોડી આવ્યો અને ગળગળા સ્વરે બોલ્યો, ‘મારી સાત વર્ષની દીકરીને હોસ્પિટલમાં દાખલ કરી છે. દવા માટે મને સો રૂપિયા આપો.’

ગફુરભાઈ એ બેહાલ માનવીને જોઈ રહ્યા. પછી બોલ્યા, ‘જો મારી પાસે માત્ર એકસો દસ રૂપિયા જ છે. એ પૈસા બસમાં ગાંધીનગર જવા માટે રાખ્યા છે. જો હું એ તને આપી દઈશ તો, મારે ગાંધીનગર જવાનું મુલતવી રાખવું પડશે.’
પેલા માનવીએ આ સાંભળવા છતાં લાચાર બની આજીજી ચાલુ રાખી અને ગફુરભાઈનું મન પીગળી ગયું. તેમણે ખિસ્સામાંથી સો રૂપિયા કાઢી એ માનવીને આપી દીધા અને ગાંધીનગર જવાનું મુલતવી રાખી, ગેસ્ટહાઉસની લોબીમાં એક બાંકડા પર નિરાંતે બેઠા. થાડીવારે ભાવનગરના જાણીતા કાર્યકર પ્રતાપભાઈ શાહની ગાડી આવી ચઢી. ગફુરભાઈને જોઈને તેઓ બોલ્યા, ‘ગફુરભાઈ, ગાંધીનગર આવવું છે? સાંજના પાછા આવી જઈશું.’
‘આવવું તો છે, પણ મારે ત્યાં મંત્રીને મળી એક કામ પતાવવાનું છે.’

‘બધું થઈ પડશે, આવી જાવને.’ અને એસ.ટી.ની બસમાં ધક્કા ખાતાં ખાતાં જવાના બદલે શાંતિથી કારમાં જવાનું આયોજન કરનારા ખુદાને યાદ કરતા ગફુરભાઈ પ્રતાપભાઈ શાહ સાથે તેમની કારમાં બેસી ગયા.
સાંજે બધું કામ પતાવી પ્રતાપભાઈએ ગફુરભાઈને જિલ્લાપંચાયતના ગેસ્ટહાઉસના દરવાજે ઉતાર્યા. ત્યારે રાત્રિના લગભગ નવેક વાગ્યા હતા. ગફુરભાઈને દરવાજે ઉતારી પ્રતાપભાઈએ વિદાય લીધી. ગફુરભાઈ જિલ્લાપંચાયતના ગેસ્ટહાઉસનાં પગથિયાં ચડ્યાં કે સામે જ સવારે એકસો રૂપિયા લઈ જનાર લાચાર માનવી ઊભો હતો. ગફુરભાઈને જોઈ તે તેમની પાસે દોડી આવ્યો. તેણે પોતાના હાથની હથેળીમાં દબાવી રાખેલી સોની નોટ ગફુરભાઈ સામે ધરતાં કહ્યું, ‘વડીલ, આ આપના સો રૂપિયા પરત કરું છું. હવે મને તેની જરૂર નથી. ઈશ્વરે મારી દીકરીને એવી આકાશી મદદ મોકલી છે કે અત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ છે.’ ગફુરભાઈ એ માનવીની આંખોમાં સચ્ચાઈની રોશની જોઈ રહ્યા. પછી ચહેરા પર સ્મિત પાથરતાં બોલ્યા, ‘ભલા માણસ, એ સો રૂપિયા તો હવે તું જ રાખ. તને સો રૂપિયા આપ્યા પછી મને તો ખુદાએ કાર મોકલી. હું એસ.ટી.ની બસમાં ધક્કા ખાતાં ખાતાં ગાંધીનગર જવાનો હતો તેના બદલે કારમાં ગયો. ગાંધીનગરનું બધું કામ કારમાં જ પતાવી આરામથી પરત આવી ગયો અને તો ય મારા ખિસ્સામાં હજુ દસ રૂપિયા બચ્યા છે.’

પોતાના ખિસ્સામાંથી બચી ગયેલા એ દસ રૂપિયાની નોટ કાઢતાં ગફુરભાઈ બોલ્યા, ‘આ દસ રૂપિયા પણ હવે તો તું જ રાખી લે. રખેને ખુદા આ દસ રૂપિયા પણ મારી નેકીમાં સામેલ કરી મને અન્ય કોઈ રીતે હજુ વધુ નવાજે.’
એમ કહી પેલા બાકીના દસ રૂપિયા પણ એ માનવીના હાથમાં મૂકી ગફુરભાઈ લાંબા ડગ માંડતાં જિલ્લાપંચાયતના તેમના રૂમમાં અલોપ થઈ ગયા અને વાતાવરણમાં કર ભલા હો ભલા, અંત ભલે કે ભલા ઉક્તિને સાકાર કરતા ગયા.
www.mehboobdesai.blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP