Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 17)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

સૂફી સંત લતીફ શાહ

  • પ્રકાશન તારીખ07 Mar 2019
  •  

સિંધના રહસ્યવાદી સૂફી સંત શાહ લતીફની રચનાઅોનું ગુજરાતી ભાષાંતર હાલ મારા અભ્યાસમાં આવ્યું. તેમના કથનો અને રચનાઓ સમજવા વાચકે આદ્યાત્મિક ઊંડાણને પામવું પડે. તેઓ કહેતા, ‘તમારા મસ્તકને બંને ગોઠણ વચ્ચે દબાવીને એકાંતમાં જીવો.’ અર્થાત્ તમારા અહંકારને તમારામાં જ ઓગળી એકાંતમાં જીવવાનું કહેનાર શાહ લતીફ આગળ કહે છે, ‘જ્યાં જ્યાં હું દૃષ્ટિ કરું છું ત્યાં ત્યાં હું માત્ર એને જ (પરમાત્મા) નિહાળું છું. દરેક ચીજ એનો ઉદઘોષ કરે છે. દરેક વ્યક્તિ મન્સૂર બની ગઈ છે. કહો, આમાંથી કેટલાને ફાંસીને માંચડે લટકાવું ?’ જીવનની પાઠશાળામાં ભણેલા લતીફ તેમના પિતા પાસેથી ફારસી અને અરબી શીખ્યા હતા. તેમની રચનાઓમાં ભાષાનું સૌંદર્ય અને અર્થની ગહનતા બંને ભારોભાર જોવા મળે છે.

  • યુવાન શાહ લતીફ રાજકુમારીનું સૌંદર્ય જોઈ તેના પ્રેમમાં પડ્યા. પણ રાજકુમારીના પિતાએ તેનો ઇનકાર કર્યો અને શાહ લતીફે સંસારત્યાગ કર્યો

‘ઉપવાસો અને પ્રાર્થનાઓ ! ચોક્કસપણે
તેઓ પોતાનું મૂલ્ય ધરાવે છે જ ;
તેમ છતાં પ્રિયતમના દીદાર કરવા માટે
એકબીજા પર રોશની છે,
એ રોશની એટલે પ્રેમભાવની રોશની.’
બે ગોવાલણો વાતો કરતી હતી. એક ગોવાલણે બીજીને કહ્યું, ‘હું તો મારા પ્રિયતમને આટલીવાર મળી, તું કેટલીવાર મળી ?’
બીજી ગોવાલણે કહ્યું, ‘બહેન,પોતાના પ્રેમીને કેટલી વખત મળવાનું થયું તેનો હિસાબ શા માટે રાખવો જોઈએ ?’ શાહ લતીફ આ સંવાદો સાંભળી બોલી ઊઠ્યા:
‘એમના દેહ જ જપમાળા
મન છે એમના મણકા
એમનાં હૃદય છે વીણા
‘તૂ હી તૂ, તૂ હી તૂ’ નું અંતરગાન
એવા (મહાત્માઓ) કે જેની નિદ્રા પણ પ્રાર્થના બની છે. તેઓ ઊંઘમાં પણ જાગૃતિમાં હોય છે.’
એક વખત શાહ લતીફ રસ્તાની એક બાજુ બેઠા હતા. ત્યારે થોડા યાત્રિકોને તેમને મક્કા તરફ જતા જોયા. એ વખતે તેમના મનમાં પણ મક્કા જવાની ઈચ્છા થઇ. એ જ વખતે એમણે તરસ્યા ઘેટાં-બકરાનું ટોળું જોયું. એ ટોળાએ બાજુનાં ઝરણાનાં સ્વચ્છ, પારદર્શક પાણીમાં પ્યાસ બુઝાવી અને તે ઝરણાં સામે આભારનો દૃષ્ટિપાત કર્યો અને ઘેટાં-બકરાનું ટોળું ચાલવા માંડ્યું. એ જોઈ શાહ લતીફના મોંમાંથી કવિતા ફૂટી: ‘કદાચ આ જન્મ હું તને શોધ્યા કરીશ, શોધ્યા જ કરીશ, પરંતુ કદાચ હું તને કદીયે ન મળી શકું.’
કહેવાય છે કે શાહ લતીફને તેમના શિક્ષકે ‘અલીફ’ પછી ‘બે’ શીખવાડવાનો પ્રયાસ કર્યો. અને તેમને તે શબ્દ શીખવાની ના પડી દીધી. તેમના એક કાવ્યમાં તેઓ લખે છે:
‘તમારા હૃદય પ્રદેશમાં
‘અલીફ” (અલ્લાહ)નો ખેલ ચાલતો રહે
તેથી તમને તમારી કોરી વિદ્વતાની
અર્થવિહીનતા, મિથ્થ્યાભિમાનનું ભાન થશે
તમને એ ચોક્કસ સમજાશે કે
જીવન પ્રત્યે પવિત્ર દૃષ્ટિ જોવા
એકમાત્ર અલ્લાહનું નામ પર્યાપ્ત છે.
જેમના હૃદયોમાં તીવ્ર ઈચ્છા છે.
તેઓ એ જ (જીવન) પૃષ્ઠ વાંચશે
જેના પર તેમને પ્રિયતમાના દીદાર થશે.’
એકવાર શાહી કુટુંબની રાજકુમારી બીમાર પડી. શાહ લતીફના પિતા હકીમ હતા. તેઓ જઈ શકે તેમ ન હતા. એટલે તેમણે પુત્ર લતીફને રાજકુમારી પાસે મોકલ્યો. યુવાન શાહ લતીફ રાજકુમારીનું સૌંદર્ય જોઈ તેના પ્રેમમાં પડ્યા. પણ રાજકુમારીના પિતાએ તેનો ઇનકાર કર્યો. અને શાહ લતીફ સંસાર ત્યાગી નીકળી પડ્યા.
‘હે વિસ્મયકારક, ક્યાં છુપાયો છે તું? ખીલેલા કમળ અને ઉડતા હંસમા સોંદર્યવાન પ્રિયતમાને શોધું છું. એકાદવાર તેની ઝાંખી તો થઇ હતી. પણ અત્યારે તે અતિ સૂદૂર લાગી રહ્યા છે.’ તેમની એક રચનામાં આ વિચાર સાકાર થયો લાગે છે.
‘કમળના મૂળ તો તળિયામાં પથરાયેલાં હોય છે
અને મધમાખી તો નિવાસી છે આકાશની
(તેમ છતાં) ધન્ય છે એ પ્રેમ જે એ બંને ને જોડી દે છે.
ગહરાઈની ગહનતામાં હંસ વસવાટ કરે છે
જો તું એ ઊંડાણ પર એક વખત
પ્રેમભરી દૃષ્ટિ કરીને હંસ નિહાળશે
તો તું ક્યારેય પછી બીજા પક્ષીઓ
જોડે નહીં જ રહી શકે.’
તેમના કેટલાક કાવ્યોમાં સૂફીઝમની સુગંધ ભરેલી જોવા મળે છે.
‘શું તું પોતાની જાતને પતંગિયું કહે છે!
તો પછી આગને જોઈને પીઠ ન ફેરવતો ;
પૂછ પરવાનાને, જલી જવું એટલે શું?
આ આગે ઘણાને ભસ્મીભૂત કર્યા છે
આ આગમાં હોમી દે પોતાની જાતને
આનંદો! આનંદો તમે!
આનંદસમાધિ તો દેખતાને થાય
આંધળાને આનંદસમાધિ વળી કેવી ?
તેઓએ આનંદ ખરીદી લીધો છે
અને તેને તેઓ હંમેશાં પોતાની સાથે રાખે છે
આ સ્થિતિ શબ્દની પેલે પારની છે
તેઓની નજર જો પોતાના શત્રુ પર પણ પડે છે
તો તેઓ તેનામાં પણ પ્રિયતમના દર્શન કરે છે.’

શાહ લતીફ કહે છે, ‘ સત્ય, કલ્યાણ અને સૌંદર્ય, જ્યારે આપણે તેના દર્શન કરીએ છીએ ત્યારે આપણો આત્મા ગાઈ ઊઠે છે:
‘મિત્રો, તમે એને એ રીતે નથી
જોઈ શકતા જે રીતે
એને હું નિહાળું છું
તે વધુ પ્રકાશિત છે સૂર્ય અને તારામંડળથી
ચંદ્રમાંથી અને નક્ષત્રોમાંથી
તે માખણ, મધ અને શેરડી કરતાંય વધુ મીઠો છે. શાહ લતીફ કહે છે કે પ્રિયતમનો જન્મ અંદર થયા છે.’ રહસ્યવાદી સંતો અને કવિઓ જ આવી રચનાઓ સર્જી શકે છે કારણ કે તેઓ દિવ્ય જ્ઞાનથી પ્રજ્વલિત હોય છે.
www.mehboobdesai.blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP