Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 19)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

‘ઇસ્લામની ઓળખ’ એક પરિચય

  • પ્રકાશન તારીખ06 Mar 2019
  •  

ગુજરાતના સામાજિક અને ધાર્મિક ચિંતકો અને સુધારકોમાંના એક કરીમ મહંમદ માસ્તર (1884-1962) આજે તો ઇતિહાસનાં પાનાંઓમાં ખોવાઈ ગયા છે, પણ તેમણે લખેલ ગ્રંથો ‘મહાગુજરાતના મુસલમાનો’, ‘પંચસુરા’,‘મુસલમાન વકફ એક્ટ’ અને ‘ઇસ્લામની ઓળખ’ આજે પણ તેમના અસ્તિત્વનો અહેસાસ કરાવતા રહે છે.
18 ઓગસ્ટ, 1884માં સુન્ની વહોરા કુટુંબમાં જન્મેલ કરીમ મહંમદ માસ્તરનું લેખનકાર્ય આજે પણ ગુજરાતના વાચકો વિચારકોને માર્ગ ચીંધતું રહ્યું છે. કરીમ મહંમદ માસ્તરે પ્રારંભના કાળમાં અર્થાત્ ઈ.સ. 1928માં નડિયાદમાં વકીલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. એ પછી સદર અદાલત, જૂનાગઢમાં જજના ઉચ્ચ હોદ્દા પર કાર્ય કર્યું અને ઈ.સ. 1948માં તેઓ સેવાનિવૃત્ત થયા, પણ તેમની સેવાનિવૃત્તિ અંગ્રેજ સરકારની નોકરી પૂરતી સીમિત ન રહી. નિવૃત્તિ પછી તેમણે ગુજરાતના મુસ્લિમો અંગેના તેમના સંશોધનને ગતિ આપી. તેને પરિણામે ગુજરાત અને વિશ્વને એક આધારભૂત ગ્રંથ ‘મહાગુજરાતના મુસલમાનો’ ભાગ-1, 2 સાંપડ્યો. ગુજરાતમાં વસતા મુસ્લિમોની તલસ્પર્શી માહિતીથી સભર આ ગ્રંથ આજે તો સૌ કોઈ પાસે ઉપલબ્ધ નથી.

  • ગુજરાતના ચિંતક- સુધારક કરીમ મહંમદ માસ્તરે લખેલા ‘ઇસ્લામની ઓળખ’ સહિતના અનેક ગ્રંથો તેમના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે

તેમનું એક પુસ્તક ‘ઇસ્લામની ઓળખ’ એ યુગમાં ખાસ્સું ચર્ચિત થયું હતું. 1927માં પ્રસિદ્ધ થયેલ એ પુસ્તક ‘ઇસ્લામની ઓળખ’ આજે તો ઉપલબ્ધ નથી, પણ તેમના બીજા એક પુસ્તક ‘કરીમ મહંમદનાં કાવ્ય અને લેખો’ (પ્રકાશન 1936)માં ‘ઇસ્લામની ઓળખ’નો અનેક વિદ્વાનોએ આપણને પરિચય કરાવ્યો છે. જેમાં પુસ્તકની વિશિષ્ટતાઓ અને 1927ના સમયનું કોમી વાતાવરણ દૃષ્ટિગોચર થાય છે. કરીમ મહંમદ માસ્તર એ યુગના વિદ્વાન હતા, જે યુગમાં ‘મારી’ ને ‘મ્હારી’ લખવાનો રિવાજ હતો. એ યુગના મોટા સાક્ષર કવિ ન્હાનાલાલ દલપતરામ ‘ઇસ્લામની ઓળખ’ અંગે 25-11-27ના પત્રમાં લખે છે: ‘મ્હને તો થયું કે એ પુસ્તક ઉપર અહીં ભાષણ આપું, પણ પછી થયું તમ્હે પોતે જ એ પુસ્તકની રુચાઓ લઈને જાહેર ભાષણ દ્વારા અમદાવાદને સમજાવો તો? અમદાવાદ જૂનું બાદશાહી શહેર છે ને ઇસ્લામની પાંચસો વર્ષની રાજધાની છે. તમે લખ્યું છે એટલાથી ઇસ્લામી થવાતું હોત તો હૂં મુસલમાન છું. મ્હારો હિન્દુ ધર્મ મ્હને ‘એકસેવા દ્વિતીયમ’ શીખવે છે, મ્હારી Islamism મ્હને શીખવે છે કે પયગંબર મહંમદ સાહેબ ખુદના પયગંબર હતા. એટલે ત્મ્હારા પુસ્તક અનુસાર હું મુસલમાન છું.’
અમદવાદનું ‘બુદ્ધિપ્રકાશ’ સામાયિક તેના સપ્ટેમ્બર, 1927ના અંકમા લખે છે, ‘ગુજરાતી ભાષા સાહિત્યની સેવા જે ગણ્યાગાંઠ્યા મુસ્લિમ ભાઈઓ કરી રહ્યા છે, તેમાં મિ. કરીમ મહંમદ માસ્તર એક અગ્રગણ્ય છે. લેખકના શબ્દોમાં કહીએ તો ‘હિન્દુઓને ઇસ્લામની અને મુસલમોને સનાતન ધર્મની પરસ્પર ઓળખ થશે, ત્યારે જ હિન્દના અર્વાચીન હિન્દુ-મુસલમાન કલહો વિરામશે, એવું મ્હારું દૃઢ માનવું છે. કોમી નેતાઓ ઐક્ય સ્થાપવા અનેક મંત્રણા કરે અથવા યોજના ઘડે, પરંતુ જ્યાં સુધી જનસમૂહ પરસ્પર ધર્મ પરત્વે અતિ અજ્ઞાન છે, ત્યાં સુધી આવા પ્રયત્નો નિષ્ફળ જાય એ સ્વાભાવિક છે.’ આ ઉપરથી વાચક સમજી શકશે કે કેવી લાગણી અને વિચારથી પ્રેરાઈને લેખકે આ કાર્ય હાથ ધર્યું છે.
‘એ વિવાદ ઓછો કરવાનો-દૂર કરવાનો માર્ગ એક જ છે અને તે એ કે પરસ્પર ધર્મ વિશે સાચી માહિતી એકબીજાના જાણવા, સમજવામાં આવે. એ દૃષ્ટિએ ‘ઇસ્લામની ઓળખ’ પરિચય પ્રસિદ્ધિ વખતસરની છે અને તે ઇસ્લામ વિશે પ્રમાણભૂત અને મુદ્દાની હકીકત આપણને પૂરી પાડે છે.’
મુસ્લિમ કોમના એક આગેવાન ગૃહસ્થ, નડિયાદ કોર્ટના ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ખાન બહાદુર મેહબૂબ મિયાં કાદરી સાહેબ ‘ઇસ્લામની ઓળખ’ પુસ્તક અંગે લખે છે, ‘ખાસ કરીને સૂરાઓના અનુવાદ સૌ કોઈને મનન કરવા જેવા અને મુખપાઠ કરવા જેવા છે. જેમ કે,
કહી દે ઈશ એક જ,
એક જ છે, સંસારથી પાક, પવિત્ર જ છે ,
દીધું નામ ખુદા, રહ્યું યાદ સદા
ઈશ એક જ, એક જ, એક જ છે’
આમ આ પુસ્તક કીમતી અને ઉપયોગી છે.’
સ્વ. શ્રી. મટુભાઈ કાંટાવાલાના તંત્રીપદ હેઠળ વડોદરાથી પ્રગટ થતું સાહિત્ય માસિકના ઓક્ટોબર, 1927 ના અંકમાં લખે છે, ‘કુરાનની આરબી સૂરો ગુજરાતી લિપીમાં આપી તેનો અક્ષરશઃ ગુજરાતી તરજૂમો લેખકે કર્યો અને એનો સંપૂર્ણ સાર પણ પદ્યમાં ઉતાર્યો ને વિશેષમાં જરૂર જણાઈ ત્યાં ટિપ્પણી અગર સમજૂતી આપેલી છે.
‘પ્રભુ એક વિના નથી અન્ય પ્રભુ,
મહમૂદ રસુલ્લાહ ગણું છું.
પરભુ એક તું હી વિણ અન્ય પ્રભુ,
નથી કોઈ પ્રભુ બીજો સાક્ષી પૂરું.
પરભુ પાક તું હી સંસાર થકી,
સહુ તારીફ છે પ્રભુ એક તણી.’
મહંમદનું નામ બાદ કરીએ તો કોણ કહેશે કે આ ઇસ્લામી ધર્મને લગતું કાવ્ય હશે? આ ઉપરાંત મહોરમ, દુલા વગેરેનું રહસ્ય સમજાવનારા નિબંધો આ કૃતિમાં છે.’
આવા અદ્્ભુત પુસ્તકની એક પણ પ્રત ઉપલબ્ધ નથી, પણ તેના પ્રતિભાવોમાં વ્યક્ત થયેલ પુસ્તકના અંશો આજે પણ‘ઇસ્લામની ઓળખ’નો આપણને પરિચય કરાવતા રહે છે.
www.mehboobdesai.blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP