Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 19)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

હજરત ઈસા મસીહા ‘કલિમતુમમીનલ્લાહ’

  • પ્રકાશન તારીખ20 Dec 2018
  •  

25 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ક્રિસમસ અથવા નાતાલનો ઉત્સવ ઊજવશે. ભગવાન ઈસુ જેમને ઇસ્લામમાં હજરત ઈસા મસીહા અને ‘કલિમતુમમીનલ્લાહ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘કલિમતુમમીનલ્લાહ’ અર્થાત્ પ્રકૃતિ વિરુદ્ધના અલ્લાહના આદેશનું પરિણામ. ભગવાન ઇસુનો જન્મ ખુદાના આદેશ માત્રથી થયો હતો. કુરાને શરીફમાં હજરત ઈસા કે ભગવાન ઇસુના જન્મનું સુંદર વર્ણન આપવામાં આવ્યું છે.

ભગવાન ઈસુએ જગતને સત્ય, કરુણા અને માનવતાનો સંદેશ આપ્યો. તેમના ઉપદેશો અને આચરણમાં માત્ર ને માત્ર સત્ય જ હતું

કુરાને શરીફના પારા ત્રણમાં સુરતુલ આલે ઈમરાનમાં હજરત ઈસા (ઈસુ)ના જન્મની વિગતો આપતા કહેવામાં આવ્યું છે, ‘હે મરિયમ, અલ્લાહ તને પોતાના એક ફરમાનની ખુશખબરી આપે છે. તને એક પુત્રનો જન્મ થશે. તેનું નામ મસીહ ઈસા ઇબ્ને મરિયમ હશે. અને તે આખિરતમાં સન્માનિત થશે. અલ્લાહના સમવર્તી બંદામાં તેને માનવમાં આવશે. લોકો સાથે તે પારણામાં પણ વાત કરશે. અને મોટી વયે પહોંચીને એક સદાચારી પુરુષ બની રહેશે.’


આ સાંભાળી મરિયમે કહ્યું, ‘પરવરદિગાર, મને બાળક કેવી રીતે થઇ શકે? મને કોઈ પુરુષે હાથ સુધ્ધાં નથી લગાડ્યો.’
ઉત્તર મળ્યો, ‘આવું જ થશે. અલ્લાહ જે ચાહે છે તે પેદા કરે છે. તે જ્યારે કોઈ કામ કરવાનો નિર્ણય કરે છે ત્યારે માત્ર કહે છે ‘કુન’ અર્થાત્ ‘થઇ જ’ અને તે થઇ જાય છે.’


કુરાને શરીફની આ ઘટના જેવી જ ભગવાન ઇસુના જન્મ અંગે ખ્રિસ્તી ધર્મના ગ્રંથોમાં પણ એક કથા છે. ‘ભગવાન ઈસુ’ (અનુવાદક : રમણલાલ સોની અને ઈસુદાસ કવેલી, પ્રકાશક: ગુજરાતી સાહિત્ય પ્રકાશન,અમદાવાદ) નામક પુસ્તકમાં ઇસુના જન્મનું વર્ણન આપતા લખવામાં આવ્યું છે, ‘પ્રણામ હે મરિયમ, તું પ્રસાદ પાત્ર છે. પ્રભુ તારી સાથે છે. જગતની સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે.’ દેવદૂતનાં આવાં વચનો સાંભળી મરિયમ ક્ષોભ પામ્યાં અને વિચાર કરવા લાગ્યાં કે આ કેવા પ્રકારના પ્રણામ!


ત્યારે દેવદૂતે કહ્યું, ‘ગભરાઈશ નહિ મરિયમ, ઈશ્વર તારા પર પ્રસન્ન છે. તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે. તેનું નામ ઈસુ રાખજે. એ મહાન થશે અને પરમાત્માનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાઉદનું રાજસિંહાસન આપશે. અને તે યુગોના યુગો સુધી ઇઝરાઇલની પ્રજા પર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત નહિ થાય.’ આ વિધાન સત્ય સાબિત થયું. અને જગતમાં ઈસા મસીહાનું આગમન થયું.

પણ દરેક ધર્મપુરુષને પોતાના વિચારો અને ઉપદેશો લોકોને સમજાવવામાં પ્રારંભિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેમ ભગવાન ઇસુના જીવનમાં પણ બન્યું. ભગવાન ઈસુને પોતાના શિષ્યોને પ્રારંભમાં ઉપદેશ આપતા ઘણી મુશ્કેલીઓ સેહવી પડી. તેથી ઘણીવાર તેમને એક જ ઉપદેશ વારંવાર આપવો પડ્યો હતો. એમાંનો એક ઉપદેશ એ હતો કે, ‘મારે અને જિંદગીમાં મારા ભાગીદાર થનારાઓએ દુઃખનો જામ પીવો પડશે. અને મૃત્યુની દીક્ષા લેવી પડશે. એ અનુભવ ગમે તેટલા આકરા હોય પણ તેનો સ્વાદ સૌએ ચાખવાનો છે.’


આમ જગતમાં ભગવાન ઈસુ (હજરત ઈસા મસીહા)એ જગતને સત્ય, કરુણા અને માનવતાનો સંદેશ આપ્યો. તેમના ઉપદેશો અને આચરણમાં માત્ર ને માત્ર સત્ય જ હતું. તેઓ કહેતા, ‘મૂર્ખાઓ જ્ઞાન ને શિક્ષણને તુચ્છ માને છે.’
‘તું તારી સ્ત્રીમાં જ હંમેશાં સંતોષી અને આનંદિત રહે. પર સ્ત્રી પર આશક થવું યહોવાહને છેતરવા સમાન છે.’


‘જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને રોટલી આપ. અને તરસ્યો હોય તો પાણી આપ.’
‘તું તારા પુત્રને શિક્ષા કરીને પણ સત્યના રસ્તે ચડાવ. મોટો થઇ તે તને દુવા આપશે.’


એકવાર એક યુવાન ભગવાન ઈસુ પાસે આવ્યો. અને બોલ્યો, ‘હે ખુદા, નાનપણથી હું ધર્મનાં નૈતિક મૂલ્યોને વળગી રહ્યો છું. જેમ કે ખૂન ન કરવું. વ્યભિચાર ન કરવો. ચોરી ન કરવી. મા-બાપને માન આપવું. છતાં મને આત્મસંતોષ નથી.’
ઈસુએ તે યુવાન સામે જોયું. તેના વૈભવી લિબાસ અને આભૂષણો જોઈ ઈસુ બોલ્યા, ‘તારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખ અને જે કંઈ ઊપજે તે ગરીબોમાં વહેચી દે. એ જ તને સંતોષ આપશે.’


ઇસુના ઉપદેશોમાં રહેલ આવી માનવતા અને તેના આચરણ અંગે ઘણા અંગ્રેજ ચિંતકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. ‘ધી કોડ ઓફ ક્રાઈસ્ટ’ ગ્રંથમાં જીરાલ્ડ હર્લ્ડે લખે છે, ‘ઇસુના ઉપદેશોની વાતો સાચી માનવી આપણને વસમી લાગે છે. કારણ કે એ ઉપદેશો આપણા ચારિત્રની કસોટી કરવા માંગે છે. સૌથી મોટી અને મુખ્ય સમસ્યા તો ઇસુના ગીરી પ્રવચનની છે. એ ગીરી પ્રવચન સાચું હતું, એમ આપણે માની શકીએ. આપણા વર્તમાન જીવનમાં તેનો અમલ કરવામાં અડચણ ન આવે, તો ઇસુની સુવાર્તાઓનાં બાકીનાં બધાં કથનો તો એના કરતાં ઘણા ઓછા અસંભવિત લાગે એમાં શંકા નથી.’


ભગવાન ઇસુના ઉપદેશો અંગે જાણીતા ચિંતક બર્નાડ શો કહે છે, ‘ઇસુના ઉપદેશમાં વિદ્યુત જેવી શક્તિ છે. તેને માટે યોગ્ય યંત્ર શોધવાની જરૂર છે. એવું યંત્ર કે જે તેમના ઉપદેશોને માનવજાતિના કલ્યાણ માટે વ્યવહારમાં મૂકી શકે. અને તેના પરિણામે માનવા સમાજમાં ભારે ક્રાંતિ સર્જાઇ.’


આવાં નીતિ વચનોના પોષક હજરત ઈસા મસીહા અર્થાત્ ઈસુનું સમગ્ર જીવન માનવ સેવામાં વ્યતિત થયું હતું. એટલે જ ક્રિસમસની સાચી ઉજવણી તેમના ઉપદેશોના આચરણમાં
છે.

www.mehboobdesai.blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP