Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 19)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો

  • પ્રકાશન તારીખ20 Sep 2018
  •  

10 સપ્ટેમ્બરના રોજ મહોરમ માસનો આરંભ થયો છે. એ માસ દરમિયાન મુસ્લિમો કોઈ શુભ કાર્ય કરતા નથી. મહોરમ હિજરી સંવતનો પ્રથમ માસ છે. મુસ્લિમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે. મહોરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે શોક કે દુ:ખ. આ જ માસની ૯ અને ૧૦મી (૧૮,૧૯ સપ્ટેમ્બર) તારીખે હજરત ઈમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ હતી.


મોહંમદ સાહેબ (સ.અ.વ.)ના પુત્રી ફાતિમા (ર.અ.)ના નિકાહ હજરત અલી (ર.અ.) સાથે થયા હતા. તેમના સંતાન હજરત ઈમામ હુસેન (ર.અ.) કરબલાના યુદ્ધમાં તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ થયા. એ ઘટના ઇસ્લામી ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હજરત ઈમામ હુસેનનો જન્મ મદીનામાં ૫ શાબાન હિજરી સંવત ૪મા થયો હતો. નાના હજરત મોહંમદ સાહેબ (સ.અ.વ.)નો ખોળો ખુંદી અત્યંત લાડકોડમાં ઉછરેલા અને ૨૫ વાર હજ કરનાર હજરત ઈમામ હુસેનની ઈબાદત અને સખાવત ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે.


એકવાર એક નિર્ધન, પણ આબરૂદાર માનવી આપના દ્વારે આવ્યો. એક નાનકડી ચબરખીમાં તેણે લખ્યું, ‘હું અત્યંત ગરીબ છું . જવનો એક દાણો ખરીદવા જેટલા પૈસા પણ મારી પાસે નથી. માત્ર એક વસ્તુ મારી પાસે છે, અને તે મારી આબરૂ. તેને વેચવા આપની પાસે આવ્યો છું. આપ તેની જે કિંમત આંકો તે મને મંજૂર છે.’

કરબલાની લડાઇ વખતે ચંદ્રગુપ્તે સેનાપતિ પંડિત ભૂરિયા દત્તના નૈતૃત્વમાં ૫૦૦ સૈનિકોનું લશ્કર ઇમામ હુસેનના રક્ષણાર્થે ભારતથી ઇરાક રવાના કર્યું હતું

હજરત ઈમામ હુસેન આ ચબરખી વાંચી બહાર દોડી આવ્યા. પેલા આબરૂદાર માનવીના હાથમાં દસ હજાર દીનાર મૂકતા આપે ફરમાવ્યું, ‘હે સવાલી, હાલ તુરત આનાથી વધારે રકમનો બંદોબસ્ત મારાથી થઇ શકે તેમ નથી. તું એમ જ સમજજે કે તેં સવાલ નથી કર્યો અને મેં તારી આબરૂની કિંમત નથી આંકી.’


કરબલાના મેદાનમાં મહોરમ માસમાં હજરત ઇમામ હુસેન યઝીદ સાથેના યુદ્ધ અને તેમની શહાદતને ભારતના કેટલાક ઇતિહાસકારો ભારતીય ઇતિહાસ અને એ સમયના શાસકો સાથે જોડી રહ્યા છે. અલબત્ત તેની આધારભૂતતા તપાસવી જોઇએ. આમ છતાં ભારતીય ઇતિહાસવિદ્ રાજકુમાર આસ્તાનાએ તેમના પુસ્તક ‘પ્રાચીન ભારત’ (પ્રકાશન ૧૯૩૬)માં હજરત હુસેન અને ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતા લખ્યું છે, ‘ઇરાનના શહેનશાહ બરદન ઝરદની પુત્રી મહરબાનો, જેનું નામ ભારતમાં આવ્યા બાદ ચંદ્રલેખા થયું હતું, તે ઉજ્જૈનના મહારાજા ચંદ્રગુપ્ત મૌર્યનાં પત્ની હતાં. પોતાના ઇરાની વંશના આધારે હિજરી સન ૬૧માં ઇમામ હુસેને કરબલામાં યઝીદના સેનાપતિ ઉમર સઅદ સમક્ષ પોતે ભારત જવા ઉત્સુક હોવાનો વિચાર વ્યકત કર્યો હતો.’


ઇતિહાસવિદ્ અસ્તાના આગળ લખે છે, ‘એવી માહિતી પણ પ્રાપ્ત થાય છે કે કરબલાની લડાઇના પ્રસંગે ચંદ્રગુપ્તે પોતાના સેનાપતિ પંડિત ભૂરિયા દત્તના નૈતૃત્વમાં ૫૦૦ સૈનિકોનું લશ્કર ઇમામ હુસેનના રક્ષણાર્થે ભારતથી ઇરાક રવાના કર્યું હતું, પરંતુ જ્યારે લશ્કર ઇરાકના કુફા નગરમાં પહોંચ્યું ત્યારે એવી જાણ થઇ કે ઇમામ હુસેનને યઝીદે શહીદ કરી દીધા છે. ઇમામ હુસેનનો લૂંટાયેલો કાફલો જ્યારે મદીના પહોંચ્યો ત્યારે ઇમામ હુસેનની શહાદતનો બદલો લેવા મુખ્તાર સફીક ઊભા થઇ ગયા. ભારતીય લશ્કરનો મોટો ભાગ તેમની સાથે જોડાઇ ગયો. બાકીના સૈનિકો ભારત પરત આવ્યા હતા.’


ઇતિહાસકાર અસ્તાનાના આ સંશોધન મુજબ ભારતીય લશ્કર હજરત હુસેનની મદદે સમયસર પહોંચી ગયું હોત તો માનવતાની એ લડાઇમાં ભારત-આરબ બંધુત્વનો એક નવો ઇતિહાસ રચાત.


હજરત ઇમામ હુસેન સાથેના હિન્દુ શાસકો સાથેના સંબંધોને ‘ઇસ્લાહુ’ નામના માસિકના મહોરમ વિશેષાંકમાં પણ સ્વીકારવામાં આવ્યા છે. એપ્રિલ-મે ૨૦૦૨માં લખનૌથી પ્રકાશિત થયેલ એ અંકના ૧૦૯માં પૃષ્ઠ પર લખ્યું છે, ‘ઇસ્લામના પ્રણેતા મહંમદ સાહેબના પરિવારના ભારત સાથેના સંબંધો હજરત અલીથી શરૂ થયા છે. ત્યાર બાદ ઇમામ હુસેનનો ભારત સાથેનો સંબંધ એ રીતે થયો હતો કે ઇરાનના બાદશાહ બરદન ઝરદની ત્રણ પુત્રીઓ હતી. મોટી પુત્રીનું નામ મહરબાનો, બીજીનું નામ શહરબાનો અને ત્રીજીનું નામ કિસરાનબાનો હતું. તે સમયે ભારતમાં મહારાજા ચંદ્રગુપ્તનું શાસન હતું. તેમની રાજધાની ઉજ્જૈન હતી. તેમના સેનાપતિનું નામ ભૂરિયા દત્ત હતું. ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. મહરબાનો ઇરાની નામ છે. ‘મહર’નો અર્થ ચંદ્ર થાય છે.


એ મુજબ ભારતના ઇતિહાસમાં ચંદ્રમુખી તરીકે જાણીતી છે. ચંદ્રલેખાએ જ સમુદ્રગુપ્તને જન્મ આપ્યો હતો. ઇરાન પર જ્યારે આરબોએ આક્રમણ કર્યું, ત્યારે ઇરાનીઓ પરાજિત થયા. ઇરાની બાદશાહ માર્યા ગયા. ત્યારે તેમની બંને પુત્રીઓને મદીનામાં આશ્રય આપવામાં આવ્યો હતો. તેમાંની શહરબાનો સાથે હજરત ઇમામ હુસેને નિકાહ કર્યા હતા. ઇમામ હુસેનના પુત્ર જૈનુલ આબિદ્દીનને તેમણે જ જન્મ આપ્યો હતો.’


આ ઐતિહાસિક બાબતો એ સૂચવે છે કે હજરત મહંમદ પગયગમ્બર અને હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો ઘણા નિકટના હતા. એ દૃષ્ટિએ હજરત ઇમામ હુસેન ભારત અને અરબસ્તાન વચ્ચે બંધુત્વની એક અદ્્ભુત કડી હતા.
www.mehboobdesai.blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP