યે અનીશ કપૂર ક્યા હૈ?

article by madhu rye

મધુ રાય

Dec 12, 2018, 03:20 PM IST

અમેરિકાના શિકાગો શહેરની વચ્ચોવચ મિલેનિયમ પાર્ક છે જેમાં ભારતમાં જન્મેલા શિલ્પકાર સર અનીશ મિખાયેલ કપૂર નિર્મિત રૂપેરી રંગનું એક રમ્ય શિલ્પ યાત્રીઓનાં મન અને નયન મોહે છે, પરંતુ નિર્દોષ લાગતું તે શિલ્પ અચાનક એક તકરારી મુદ્દામાં સંડોવાયું છે, કેમ કે નેશનલ રાઇફલ એસોસિએશન ઉર્ફે NRA નામની બડી તાકતવર સંસ્થાએ એક પ્રોપેગેન્ડા વીડિયોમાં તેનો અનધિકૃત ઉપયોગ કીધો છે અને અનીશ કપૂરે ગદા ઉગામી છે, ‘મારું શિલ્પ અને આ મિલેનિયમ પાર્ક અને આખું અમેરિકા જે એખલાસનું, જે માનવતાનું અને જે સહૃદયતાનું પ્રતીક છે તે સર્વની સામે NRA ધરાર લોકોમાં ગભરાટ, હિંસા, અસહિષ્ણુતાનો અને દ્વેષનો ફેલાવો કરે છે.’

અમેરિકામાં દરરોજ રાયફલ કે પિસ્તોલની ગોળીથી 96 વ્યક્તિના જાન જાય છે અને બીજા સેંકડો લોકો આહત થાય છે

અમેરિકામાં ‘ગન વાયોલન્સ’ યાને ગોળીબારથી થતી હિંસા નવી વાત નથી. હમણાં હમણાં જ ફ્લોરિડા, લાસ વેગાસ, ટેક્સાસ તથા બીજાં અનેક શહેરોમાં આવાં શૂટિંગો થયાં છે અને થતાં રહે છે. અનીશ કપૂર કહે છે કે તેનું કારણ એ પણ છે કે NRA સમાજમાં દહેશત ફેલાવવા એમના વિકૃત પ્રોપેગેન્ડાના વિડિયો માધ્યમોમાં વગાડતા રહે છે.


એવા વિડિયોમાં અકારણ અને રજા વિના પોતાના શિલ્પની ક્લિપ મૂકવાથી ક્રોધે ભરાયેલા શિલ્પકારે NRA સામે કાયદેસર કેસ કર્યો અને આખરે NRA તે ક્લિપ કાપવા કબૂલ થયું છે.


અમેરિકાના સંવિધાનમાં દરેક નાગરિકને આત્મરક્ષણ માટે હથિયાર રાખવાનો હક છે અને NRA તેવાં ઘાતક હથિયાર નિર્માતાઓનો સંઘ છે જે સતત તે હક કાયમ રહે તે માટે કરોડોનાં આંધણ કરે છે ને સરકારમાં સજદા કરે છે ને જીજાનથી ઝઝૂમે છે. પ્રસ્તુત વિડિયોમાં અનીશ કપૂરનું શિલ્પ બતાવી NRA કહે છે કે કેટલીક ઉદાર કહેવાતી સંસ્થાઓ અને વ્યક્તિઓ તમારો હથિયાર રાખવાનો હક છીનવી તમને જોખમમાં મૂકવા માગે છે, પણ તે કુપ્રચાર છે.


સામા પક્ષે જનતામાં ગભરાટ છે કે હથિયારો આજે ફક્ત આત્મરક્ષણ માટે રહ્યાં નથી, ગુનેગારો ને ગેંગસ્ટરો ચકનાચૂર થઈને રાયફલોથી સામસામી સામૂહિક કતલો કરે છે જ, પરંતુ જાહેર સમાજમાં પણ હવે રાયફલોનો રોમાન્સ જાગ્યો છે ને સીધો દેખાતો નાગરિક પિસ્તોલના નામે તાનમાં આવીને બે-ચાર લાશ પાડવાને મોજ સમજે છે.


અમેરિકામાં દરરોજ રાયફલ કે પિસ્તોલની ગોળીથી 96 વ્યક્તિના જાન જાય છે અને બીજા સેંકડો લોકો આહત થાય છે. તે ઉપરાંત આ હિંસાના કારણે મૃતકોના પરિવારોના જીવનમાં જે આંધીઓ આવે છે તેનો કોઈ આંક નથી. દેશની લગભગ દર બીજી વ્યક્તિએ આ હિંસા નજરે જોઈ છે અથવા તેઓ એવા કોઈ આસામીને ઓળખે છે જેમના કોઈ સ્નેહી ગોળીનો ભોગ બન્યા હોય.


ઘરકંકાસમાં વારે તહેવારે પતિ પોતાની પત્નીને કે પ્રેમિકાને કે પ્રેમિકાના પરિવારને કે પોતાનાં બાળકોને ગોળીથી ઉડાવી દે છે. આમ જનતાનો મોટો હિસ્સો આવી અવિચારી હત્યાઓનો ભોગ બન્યો હોવાના કારણે પિસ્તોલ વેચાણના કડક કાયદા માગે છે, કેમ કે જેને ને તેને રાયફલો ને પિસ્તોલો વેચાતી મળે છે તેથી લગભગ દર અઠવાડિયે ક્યાંક ને ક્યાંક કોઈ સિરફિરો શખ્શ નિશાળમાં, જાહેર મોલમાં, રેસ્ટોરાંમાં કે સરકારી દફ્તરોમાં મશીનગન લઈને બેફામ ગોળીબાર કરીને નિર્દોષોની હત્યા કરે છે. આવી હત્યાઓ દસ વરસના છોકરાઓથી અને બાળકીઓથી માંડીને પીઢ ગૃહસ્થો, ગૃહિણીઓ, કારકૂનો કે મનોરોગીઓ માટે હવે જાણે એક દિલબહેલાવ છે અને બંદૂકોનો ભોગ ફક્ત સામાન્યજન જ બને છે તેવું નથી, રાજપુરુષો અને રાષ્ટ્રપ્રમુખો પણ તેના શિકાર બને છે. શાળાઓમાં તો આ બદી એવી વકરી ચૂકી છે કે દરવાજે વિદ્યાર્થીઓની જડતી લેવાય છે અને હવે શાળામાં ચોવીસ કલાક હથિયારબંધ સંત્રીઓ રાખવાની તેમજ પોલીસની માફક શિક્ષકોને પણ સતત પિસ્તોલ સાથે રાખી ક્લાસ લેવાની વાતો થઈ રહી છે.


અનીશ કપૂરે NRA પાસેથી ગોળીનો ભોગ બનેલાંઓને સહાય આપતી ધર્માદા સંસ્થાઓને દસ લાખ ડોલર આપે એવી માગણી પણ કરી છે. તેમ બન્યું છે કે કેમ તે હજી સ્પષ્ટ નથી.


પોતાની માન્યતાઓ માટે જાહેરમાં જંગે જવાનો આ પહેલો કિસ્સો નથી, મુંબઈમાં જન્મેલા આ શિલ્પકાર માટે. સન 2015માં પણ યુરોપના નિર્વાસિતોની કટોકટી તરફ સરકારનું ધ્યાન ખેંચવા તેમણે ચીની કલાકાર આઈ વાઈવાઈ સાથે મળીને લંડનમાં એક જબ્બર શોભાયાત્રાનું આયોજન કરેલું. ‘આ ઇમિગ્રેશનનો સવાલ નથી, આ માનવતાનો સવાલ છે.’ જય આઈ વાઈવાઈ!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી