સુણો સુણો સુણો રસિકડાં

article by madhu rye

મધુ રાય

Nov 28, 2018, 12:05 AM IST

સુણો સુણો સુણો રસિકડાં, સતજુગ હજી આવ્યો નથી, પણ આ વાંચીને કદાચ તમનેયે થશે કે એ...ય આવ્યો, એ...ય આવ્યો! કેમ? હવે ફણગાવેલા મગમાંથી ઈંડાં બનશે, પાણી વિના માછલી બનશે, યીસ્ટમાંથી ગાયનું દુગ્ધમ્ અને વનસ્પતિમાંથી હેમબર્ગરનું બીફમ્! વિજ્ઞાનિકો પડ્યા છે રણમોજાર, મીટ ઇન્ડસ્ટ્રી અને ડેરી ઇન્ડસ્ટ્રીને લલકારવા! નવા વેપારી સાહસિકો મચત પડત હૈં લેબોરેટરીમાં ટેક્નોલોજી દ્વારા વનસ્પતિઓના બંધારણમાં રદ્દોબદલ કરીને પશુના માંસનો સ્વાદ તૈયાર કરવા. યસ, વનસ્પતિ મીન્સ કે પ્લાન્ટ્સ, વેજિટેબલ્સ, કેમ કે હાલ છે એવી અનર્ગલ પ્રાણીહત્યા હવે જો ચાલુ રહેશે તો લિટરલી પૃથ્વી રસાતાળ જશે. બ્રિટનના વરિષ્ઠ દૈનિક ગાર્ડિયનમાં અને અલબત્ત ઠેર ઠેર દૈનિકોમાં, ન્યૂઝ ચેનલોમાં અને વૈજ્ઞાનિક પત્રિકાઓમાં સમાચાર છે કે હવે પશુઓ વિનાનાં મીટ અને બીફ અને ચિકન ફિકન બધું મળશે ને આખી દુનિયામાં ધનાધન વેચાશે, પવનસુત હનુમાન કી જય!

ફિનલેસ ફૂડઝ કંપની હાલ સખત
મોંઘા ભાવે માછલી ઉગાડે છે

ઇન્ડસ્ટ્રિયલ ફાર્મિંગ યાને રાક્ષસી ધોરણે ઢોરઉછેરનો ઉદ્યોગ વાતાવરણમાં કાર્બનનું ઝેર રેડે છે, ગંજાવર તાદાદમાં પાણીનો વપરાશ કરે છે અને રોગચાળો ફેલાવે છે. એટલે પશુજનિત પ્રોટીનને બદલે હવે ‘ઓલ્ટ–પ્રોટીન’ યાને વૈભાષિક પ્રોટીન યા પર્યાયી પ્રોટીન વપરાશે, કાલ ને કાલ નહીં, પણ સૂન સૂન વેરી સૂન.


સાંભળો, પહેલાં દાક્તરી ઉપયોગ માટે થયેલી શોધખોળો અને તે અંગેની અધુનાતમ ટેક્નિકો હવે ઓલ્ટ પ્રોટીન તૈયાર કરવામાં વપરાય છે. જેમ કે ડાયાબિટીસ માટેનું ઇન્સ્યુલિન પહેલાં ભૂંડના પેન્ક્રિયાસ (અગ્નાશય)માંથી ખેંચવામાં આવતું તથા ચીઝ બનાવવામાં વપરાતું રેનેટ પહેલાં વાછરડીઓની હોજરીમાંથી ઉસેડાતું, તે બંને હવે વનસ્પતિમાંથી ઉપજાવેલા યીસ્ટમાંથી બનાવાય છે. તે જ ફર્મેન્ટેશનની ટેક્નિકનો વિનિયોગ બીજા નિર્માતાઓ તે જ પદાર્થમાંથી ઈંડાં બનાવવામાં અને દૂધ તૈયાર કરવામાં કરે છે. ગાય વિના ગાયનું દૂધ બનાવવાની વાત પાગલામિ લાગે, પણ સિલિકોન વેલીની કંપની ‘પરફેક્ટ ડે’ બજારમાં મૂકી ચૂકી છે વનસ્પતિ દહીં, ચીઝ અને આહા! આઇસક્રીમ.


વિજ્ઞાનિકો કહે છે કે ખોરાકની ચાવી છે સ્વાદ. જો લોકોને સ્વાદ નહીં ભાવે તો તમે ઉપરથી નીચે પછડાઓ તોપણ અહિંસક મીટ લોકપ્રિય નહીં થાય. સ્વાદ એવો બનાવો કે હિન્દુ ખાયે, મુસ્લિમ ખાયે, ખાયે સિક્ખ ઇસાઈ, ભાજપિયા ખાયે, કોંગ્રસિયા ખાયે ને લારીઓમાં વેચાયે ને વીશીઓમાં પીરસાયે. નહીંતર આ બધી જફા ફોકટ છે. આ લેખ માંસાહારની વિરુદ્ધ પ્રપેગેન્ડાનો નથી. સમય બદલાતાં ભોજન બદલાતું રહે છે અને હવે ભવિષ્યનું ભોજન શાકાહારી હશે, ભલે તેના વાઘા મીટ ને બીફ ને ચિકન ને એગ્ઝના આકારના હોય. સાંભળો, પશુ થકી પ્રોટીન બનાવવામાં, યાને પશુને વનસ્પતિ ખવડાવીને તેનું માંસ મેળવવામાં 3 ટકા વળતર મળે છે, જ્યારે સીધું વનસ્પતિ થ્રૂ પ્રોટીન બનાવીએ તો તે 85 ટકા વળતર આપે છે. ગાયને 23 કેલરીનું દાણ ખવરાવીએ ત્યારે ગાય એક કેલોરી ‘બીફ’ આપે છે. પશુના બદનના અમુક અમુક ભાગને ખાતર આખેઆખું પશુ ઉછેરવું પડે છે. જ્યારે આ નવી ટેક્નોલોજીથી અહિંસક મીટ તૈયાર કરવામાં ઝેરી કાર્બન પ્રદૂષણમાં 25 ટકાનો, પાણીના વપરાશમાં 75 ટકાનો અને ગ્રીન હાઉસ ગેસીસમાં 87 ટકાનો ઘટાડો થાય છે.


સુણો સુણો રસિકડાં, ‘ઇમ્પોસિબલ બર્ગર’ નામે એવું વેજિટેરિયન બીફ આજે જ વપરાઈ રહ્યું છે અમેરિકાની 1,000 ધંધાદારી રાંધણીઓમાં! બર્ગરના બંધાણીઓ વહાલી વિદ્યાના સોગન ખાઈને કહે છે કે ટેસ્ટ એટલે અદ્દલ બીફનો ટેસ્ટ હોંકે! એ ટેસ્ટ આવે છે સોયાબીનના છોડનાં મૂળિયાંમાંથી કાઢેલા હેમેપ્રોટીન(hemeprotein)નો. (જુઓ ઉપરનું ચિત્ર) મેમફિસ મીટ નામે કંપની ઉગાડી રહેલ છે ‘વનસ્પતિ’ ચિકન અને બતક! ઇઝરાયેલી કંપની આલેફ ફાર્મ્સ લેબમાં બીફના ચોપ્સ બનાવે છે. ફિનલેસ ફૂડઝ કંપની હાલ સખત મોંઘા ભાવે માછલી ઉગાડે છે, પરંતુ સમયાનુસાર તે પણ કિફાયતી દરે મળતી થશે.


આ ‘નવોદિત’ ઉદ્યોગમાં જબ્બર નાણારોકાણ કરનારા છે બિલ ગેટ્સથી માંડીને મીટ જાયન્ટ બિઝનેસ હાઉસ ટાયસન! તેઓ સમજે છે કે આ નૂતન ક્ષેત્ર પૃથ્વી માટે લાભદાયક છે, પશુઓ માટે કલ્યાણપ્રદ છે અને હલો! ટોટલી નફાકારક છે! દેખો દેખો દેખો: https://www.theguardian.com/environment/2018/apr/30/lab-grown-meat-how-a-bunch-of-geeks-scared-the-meat-industry


એટલે ગગનવાલાની છાતીમાં ધક ધક થાય છે: સતજુગ આવી રહેલ છે? સતજુગ આવી રહેલ છે? સાચેસાચ આવી રહેલ છે કે કેમ તે હવે આપણે પદ્માસન વાળીને જોવાનું છે. જય જિનેન્દ્ર!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી