શક્તિરૂપેણ સંસ્થિતામ્

article by madhu rye

મધુ રાય

Oct 17, 2018, 06:55 PM IST

ટાઇમ મેગેઝિનની નાની બહેન જેવા અર્થકારણના સામયિક ‘ફોરચ્યુન’ના છેલ્લા અંકમાં છે એક ચોંકાવનાર સમાચાર: અમેરિકાની મિલિટરીનો ખૂંખાર શસ્ત્રાગાર ખડકી રહેલી વૃકોદર સંસ્થાઓની બાગ્ડોર સંભાળે છે લેડિઝો! તેમાં સૌથી અગ્રેસર છે લોકહીડ માર્ટિન નામે કંપનીનાં અધિનાયક ૬૪ વર્ષીય સીઇઓ (મુખ્ય કર્તાહર્તા) મેરિલીન હ્યૂસન! રોકેટ અને કિલેબંદીના નિર્માતા લોકહીડ એફ–૩૫ ફાઇટર જેટથી માંડીને હાઇપરસોનિક યાને અવાજની ગતિથી પાંચગણી ઝડપે સન સન કરતાં હમલાવર હથિયારો સમેત ખુશ્કી, તરી અને હવાઈ જ નહીં પણ અવકાશનાં યુદ્ધ માટેનાં યુયુત્સુ શસ્ત્રો વિકસાવી રહેલ છે.

ફોરચ્યુન કહે છે કે તેની યાદીમાં છે તે સમસ્ત મહાપ્રતાપી નારીઓની સંસ્થાઓ ‘મારકેટ કેપ’માં એક ટ્રિલિયન ડોલરનો વહીવટ કરે છે

એ જ અંકમાં જાણે આપણા વિજયા દશમીના ઉત્સવને અનુલક્ષીને જગતની ૫૦ મહાપ્રતાપી નારીઓ વિશે બૃહદ લેખો પ્રકાશિત થયા છે. તેમાં જણાવેલ છે કે જગતની અનેક વડી વડી કંપનીઓનાં સીઇઓ(મુખ્ય કર્તાહર્તા)ના સ્થાને હવે મહિલાઓ વિરાજે છે. લોકહીડ ઉપરાંત બ્રિટનની ફાર્મા કંપની ગ્લેક્સોનાં એમા વેમ્સલી, ભારતની ફ્લિપકાર્ટ કંપનીને ખરીદી લેનાર વોલમાર્ટ કંપનીનાં જૂડિથ મકેના ઇત્યાદિ. હાલાંકિ ગયા વર્ષ કરતાં આ વર્ષે નેત્રીસ્થાને સંસ્થિતા નારીઓની સંખ્યા ઘટી છે; જેમકે પેપ્સી કોલાનાં ઇંદિરા નૂયી જેવાં સુખ્યાત ઉદ્યોગવીર પદચ્યુત થયાં છે. બિન–ગોરી મહિલાઓને રંગદ્વેષ અને જાતિદ્વેષ એમ બેમાથાળા ભોરિંગનો સામનો કરવો પડે છે; હજી પુરુષ સમોવડી નારીઓને પુરુષ સમોવડું સમ્માન તેમ જ દરમાયો મળવાનો સમય આવ્યો નથી; ફોરચ્યુનની લેખિકાઓ કહે છે કે તે સમય આપણે જાતે જાતમહેનતથી લાવવાનો છે.
ફોરચ્યુન કહે છે કે તેની યાદીમાં છે તે સમસ્ત મહાપ્રતાપી નારીઓની સંસ્થાઓ ‘મારકેટ કેપ’માં એક ટ્રિલિયન ડોલરનો વહીવટ કરે છે. એક ટ્રિલિયન એટલે એકડા પછી ૧૨ મીંડાં.


અગાઉ કહ્યું છે તેમ અમેરિકાના ડિફેન્સનો કાર્યભાર જાણે હાલ મહિલાઓના શિરે છે, કારણ કે લોકહીડ ઉપરાંત બીજી ચાર લશ્કરી સામગ્રી, શસ્ત્રાસ્ત્ર નિર્માતા કંપનીઓના ઉચ્ચાસને પણ મહિલાઓ છે. વાણિજ્ય ક્ષેત્રે જનરલ મોટર્સ, ફાઇડાલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ, આઈબીએમ, ઓરેકલ, જનરલ ડાયનેમિક્સ, બોઈંગ, વોલમાર્ટ અને યૂટ્યુબ્ જેવી સંસ્થાઓ અને ફેસબુક, ગૂગલ, એપલ, માક્રોસોફ્ટ વગેરે મહાકાય ટેકનો સંસ્થાઓનાં મુખ્ય નાણાંકીય અધિકારી કે તેવાં જ અતિશક્તિમંત પદે વિરાજી તે તે સંસ્થાઓ ઉપર શાસન કરે છે જે કર ઝુલાવે પારણાં.
મહિલાઓને બિઝનેસમાં ઉચ્ચાસને પહોંચવામાં અનેક વ્યવધાનો છે, જેમાં સૌથી મુખ્ય છે જાતીય સતામણીનો પલીત. અમેરિકામાં આ દૂષણનો શોર હમણાંથી અમેરિકાની ગલી ગલીમાં છે, તેથી અમેરિકાના પુરુષો વધુ બદનામ થયા છે, પરંતુ ભારતમાં કે બીજા કોઈ દેશમાં પણ પુરુષો પોતાના હાથ નીચે કામ કરતી છોકરીઓની જાતીય કનડગત કરવાને પોતાનો હક માને છે. એવી કનડગતનો શિકાર નારી તે વાત જાહેર કરતાં ડરે છે અથવા નામોશી અનુભવે છે. વિધિવક્રતા તો તે છે કે જો વાત બહારઆવે તો તે કરનાર પુરુષની નહીં, દુષ્કર્મનો ભોગ બનેલી સ્ત્રીની આબરૂ ધૂળધાણી થાય છે.


સ્ત્રીઓ પુરુષો કરતાં જન્મજાત કમતાકાત હોવાના કારણે પરંપરાગત ઓછો પગાર મેળવે છે અથવા સ્ત્રીઓ પોચા હૃદયની હોવાના કારણે કઠોર નિર્ણય નહીં લઈ શકે અથવા બિઝનેસની ગુપ્તતા નહીં સાચવી શકે એવી વાહિયાત માન્યતાઓ પણ નારીઓ માટે કર્મસ્થાનમાં વ્યવધાન બને છે. અમેરિકામાં સ્ત્રીઓનું મુખ્ય કામ ઘરસંભાળ છે તેવી માન્યતાના કારણે તથા ઘરની બહાર કામ કરતી મહિલાઓ પણ પ્રસવ વખતે રજા માગશે તેવી ભીતિના કારણે કર્મચારી તરીકે આદર્શ ગણાતી નથી. એમાંયે બિનગોરી નારીઓ હજી ઓછું ભણેલા લોકમાનસમાં કશીક ‘અધૂરપ’વાળી ગણાય છે. આથી વિરાટ સંસ્થાઓમાં આગળ આવવા માટે નારીઓએ બમણી લાયકાત બતાવવી પડે છે.
ગગનવાલા આતુરતાથી આ મહાપ્રતાપી નારીઓના ઝુંડમાં શોધતા હતા કોઈ શાહ, શુક્લા, દવે કે પટેલ; અથવા કોઈ કોહલી, ગુપ્તા કે કીર્થિ કે આરથી, કે માલથી કે કોઈ બી ભારથીય નામ! અચાનક લાલ અક્ષરે ચમકે છે દિવ્યા સૂર્યદેવડા! અમેરિકાની મહારાક્ષસી કારનિર્માતા કંપની જનરલ મોટર્સનાં ૧૩ વર્ષનાં કાર્યશીલા અને હવે જનરલ મોટર્સનાં નૂતન ચીફ ફાઇનાન્સિયલ ઓફિસ! મુખ્ય અર્થઆમાત્યા! જનરલ મોટર્સની સેલ્ફ ડ્રાઇવિંગ સબસિડિયરી ‘ક્રૂઝ‘ને બરામદ કરવામાં તથા ‘ઉબર’–‘ઓલા’ જેવી રાઇડ શેરિંગ કંપની ‘લિફ્ટ’ના મૂડીરોકાણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તમિળનાડની નારી! નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ:

[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી