કાવ્યસેતુ / આંતરખોજની દિશામાં

article by lata hirani

લતા હિરાણી

Mar 19, 2019, 02:27 PM IST

નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથિ હું.

ખભો કોઈનો આજ સુધી નથી હું,
બની ના શકાયું સદીઓ મથી હું.

દશા પણ, દિશા પણ બધું હાથમાં છે,
નથી માનતી ભાગ્યમાં જ્યારથી હું.

ગમ્યું છે બધું, ને ગમાડ્યાં છે સૌને,
બની ગઈ બધાંની કહો, ક્યારથી હું?

તરસ પણ નથી ઝાંઝવાની હવે તો,
સભર છું અને મુક્ત સૌ ભારથી હું.
- રેખા જોશી

સરળ બાની સમજદાર લોકોને સ્પર્શી જાય છે. ગહન વાતો કહેવા માટે કોઈ અઘરી ભાષા કે અઘરા શબ્દો વાપરવાની જરૂર નથી. એવાં અનેક કાવ્યોમાંનું આ એક. ભગવદગીતામાં પ્રબોધાયેલો શબ્દ ‘વિવેક’ અથવા કહો કે સમજણ, એના વિકસવાની એક પ્રક્રિયા હોય છે અને જરૂરી નથી કે એ બધાંમાં શરૂ થાય. હકીકત એ છે કે આ પ્રક્રિયા ભાગ્યે જ જોવા-અનુભવવા મળતું તત્ત્વ છે. જન્મોની આ યાત્રા છે. વિચારથી શરૂ થઈ આચારમાં પ્રગટતી આ સુગંધ છે. મોટાભાગના લોકો માટે આ પ્રક્રિયા દૂર જ રહે, બીજી અનેક આળપંપાળમાં એમનું જીવન પૂરું થાય. નસીબદાર લોકોમાં આ વિચાર ચિંતન પ્રેરે અને બહુ જૂજ કિસ્સામાં એ ચિંતનથી આચાર સુધી પ્રગટે.

જીત અને હાર બંનેનો સામનો દરેકે કરતાં જ રહેવો પડે છે. જીત વખતે ઉછાળો અને હારમાં ઢગલો થઈ જવું, એ સ્વાભાવિક પ્રતિભાવ છે. અઘરું છે, બેયમાં સ્વસ્થ રહેવું. હારથી નહીં ડરવાની હિંમત પ્રશંસનીય છે અને કોઈના સારથિ ન બની શક્યાનું કે કોઇનો ટેકો ન બની શક્યાનો અફસોસ સરાસર માનવીય ભાવના છે. મુદ્દો એ છે કે માનવીએ પહેલાં ખુદના સારથિ થવું પડે છે, જે સહેલું નથી. દીવો લઈને કોઈને રસ્તો બતાવી શકાય છે, પણ પોતાનો રસ્તો શોધવા તો અંદરનો દીવો જરૂરી છે જે ક્યાં સહેલાઈથી પ્રગટે છે? એના માટે મથામણ કર્યા જ કરવી પડે છે.

કાવ્યમાં થોડી નિરાશા પછીના શબ્દો આશા અને ઉત્સાહ જગવનારા છે. ‘દશા પણ, દિશા પણ બધું હાથમાં છે, નથી માનતી ભાગ્યમાં જ્યારથી હું.’ કવિએ પ્રેરક વાત કહી છે. ભાગ્ય, કિસ્મત વિશે લોકોમાં ગેરસમજણ વધારે પ્રવર્તે છે. કિસ્મત એ આપણે સ્વહસ્તે જ પોતાના માટે લખેલી બાબત છે. આપણે જ આપણા વિધાતા હોઈએ છીએ. એને કર્મફળ પણ કહી શકાય. ‘ગમ્યું છે બધું’ એ શબ્દો જરા વિસ્તાર માંગી લે એવા છે. અહીંયા ગમવાની પ્રક્રિયા સામેની વસ્તુ કે વ્યક્તિ સાથે જોડાયેલી નથી. એ અંદર છુપાયેલી સમતા છે, જેને સામે રહેલી પરિસ્થિતિમાં ભેદ નથી દેખાતો. સામે જે પણ છે, એની સાથે અંદરની પરમ શાંતિ જોડાય છે અને બહાર પ્રતિબિંબિત થાય છે. આ તળિયે છુપાયેલા મોતીની પ્રાપ્તિ છે જેની જાહોજલાલી કશાની તોલે ન આવે. આ સ્થિતિ સુધી પહોંચવું અઘરું છે પણ એની શરૂઆત સાવ સહેલી છે ને યાત્રા ચાલુ રાખી તો ક્યારેક પહોંચવાના જ ને! લગભગ દરેકની આ પીડા છે એમ કહી શકાય.
[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી