કાવ્યસેતુ / એકાંતે એકલતાનું ગીત

article by lata hirani

લતા હિરાણી

Mar 06, 2019, 12:04 PM IST

આંખે ઝાંખપ ઊતરવાની ઉંમરે મૃગજળ આંજી બેઠાં...
હાય! અમે શું માંડી બેઠાં?
ચેતવ્યો એક ચૂલો પંડે, આતશને સંકોરી- ફૂંકી,
આંધણ મૂકી પળ પળ ઓર્યા, હવે ન જાઉં ટાણું ચૂકી.
કરવો’તો કંસાર અને આ રેતી શાને રાંધી બેઠાં?
હાય! અમે શું માંડી બેઠાં?
ઘીના લથબથ વાસણમાંથી કાઢું કેમ કરી ચીકાશ?
આંખોના ખારાં, ઊનાં પાણીની ફાવી ના ભીનાશ.
છેવટ રેતી રગદોળીને હૈયું ઘસ-ઘસ માંજી બેઠાં!
હાય! અમે શું માંડી બેઠાં?
- કુમાર જિનેશ શાહ

પડખામાં પથરાયેલ શૂન્યતા ધીમે ધીમે પાંસળીઓમાં પ્રવેશવા માંડે ત્યારની પીડા અનુભવ વગર ન જ સમજાય. જીવનની એક-એક ક્ષણોમાં પ્રસરી ગયેલી એકલતાને સમાજ તરફથી, પરંપરા તરફથી જે મળે છે - પ્રેમના ઊંચા આદર્શો, સ્મરણ સામીપ્યની વાતો કે ઈશ્વરની ઇચ્છાનો સ્વીકાર ને એના જ ચરણે સમર્પણના સંદેશ – શરૂઆતના નતમસ્તક સ્વીકાર પછી દિવસે દિવસે વકરતી જતી વેદના સામે સાવ ફીકા લાગે છે. આ સાથની ઝંખના માણસમાત્રમાં તીવ્રતાથી ફેલાયેલી હોય છે એટલે એ જીવનસાથીને ઝંખે છે. અમુક સમયે સાથ ઝાંખો ને ફિક્કો ભાસે પરંતુ એના તંતુ મૂળથી એવા જોડાયેલાં હોય છે કે માણસની પોતાનીય જાણ બહાર ‘અંદર’ એ સચવાઈને રહે છે. જે તંતુ જીવનમાં આમ ‘હાશ’ પ્રગટાવતા હોય, એ જ તંતુ જીવનસાથીના ચાલ્યા ગયા પછી પીડા પેટાવવા માંડે. પરંપરા અને લોહીમાં વહેતા ‘સંસ્કાર’ એનો નાશ કરવા મથે પણ એ નથી જ નાશ પામતાં. એકલતાની ખાઈમાં કોઈ પોતાની સાથે હોવાનું અનુભવાતું નથી.
આવે સમયે એક પ્રૌઢાના હૃદયમાં કોઈના માટે લાગણીના અંકુરો ફૂટે છે અને એનાંમાં જન્મથી રેડાયેલું ‘સંસ્કાર’નું પ્રવાહી એને કોરીધાકોર કરવા પછાડા ખાય છે - ‘ના, આ ન થાય!’ એની બુદ્ધિ બોલી ઊઠે છે, ‘હાય! આ ઉંમરે અમે શું માંડી બેઠાં?’ હૃદયની તીવ્રતાને અવગણી શકાય એમ નથી અને ‘સમજણ’ની સામાજિકતાને ઉવેખાય એમ નથી! બસ, આ બે વચ્ચેનો તરફડાટ આ ગીતમાં સરસ રીતે આલેખાયેલો છે. લયથી લથબથ આ ગીત પ્રતીકોની રીતે પણ નાવીન્ય ધરાવે છે.
આ ભાવ અનુભવનાર એક પુરુષ છે અને છતાંય એને સફળ રીતે આલેખી શક્યા છે. સ્ત્રીના મનોભાવોને અનેક કવિઓએ સુપેરે વાચા આપી છે, એના હૃદયસ્પર્શી કાવ્યો રચાયા છે, પરંતુ મોટાભાગે એ નવયુવતી અંગે અને ખાસ તો એના શૃંગારના ભાવોની આસપાસ રમે છે. અહીંયા લગભગ અછૂતો રહી ગયેલો ભાવપ્રદેશ છે. અલબત્ત, થોડાં અપવાદો ખરાં, પણ આ વિષય હજી અણખેડાયેલો કહી શકાય. જેને કવિઓએ જ નહીં, સર્જકોએ પણ અવગણ્યો છે. આ ગીતમાં પણ શબ્દોમાંથી દૈહિક અભિપ્સાઓની આંધી છૂટે છે, જેને સ્વીકારવી પડે, પણ આ ગીતમાં જે અદૃશ્ય સંગીત સંભળાય છે એ છે, સાથની ઝંખનાનો સૂર અને પોતાના જ સૂરથી ઓઝપાઈ જવાની ઘટના. હૈયાંમાંથી ઊઠતાં ગીતનું સ્વહસ્તે ગળું ઘોંટવાની મજબૂરી તેનું સત્ય છે.
[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી