કાવ્યસેતુ / ઇશ્કી ધમાલ

article by lata hirani

લતા હિરાણી

Feb 12, 2019, 12:05 AM IST

પ્રેમના મારગમાં રાહ તારી જોઈને,
થાકી ગયું છે દિલ આ...
તને કોણ કરે પ્રેમ હવે... જા…
એકલામાં મારી તું હાજરીને ઝંખે,
ને હાજરીમાં પાળે એકાંત.
લોકોથી જાણ્યું કે ઘણી વાર તું,
મારી યાદમાં કરે છે કલ્પાંત.
મનથી તો ફૂલોની ઝંખના કરે ને,
તોય પકડે છે કાંટો તું કાં?
તને કોણ કરે પ્રેમ હવે… જા…
પહેલાં તો ચોરીથી સામું જુએ,
ને પછી શરમુંના ખોડી દે સ્તંભ.
આંખોના ચમકારા પલકોથી ઢાંકીને,
ડાહ્યા થવાનો કરે દંભ.
આંખે તો ઠીક રગે રગમાં ‘હ-કાર’,
તોય પૂછું તો કહે; ‘ના રે ના’
તને કોણ કરે પ્રેમ હવે… જા…
- ચંદ્રા તળાવીયા

આજના સમયનો હોટ ફેવરિટ ડાયલોગ ‘I love u’ કે પછી થોડો સાહિત્યિક સંવાદ‘હું તને પ્રેમ કરું છું’ - આ બંનેમાંથી કોઈ પણ બોલો ને, એની પાસે સાવ ફિક્કું જ લાગે, જ્યારે કોઈ એમ કહે ‘તને કોણ કરે પ્રેમ હવે...જા...’! આમ કહેનાર પોતે જ એને પ્રેમ કરે છે. પ્રેમ છે જ. વચ્ચેનો ‘કોણ’ શબ્દ અર્થ વગરનો, કેમ કે બીજું કોઈ વચ્ચે આવીને તો જુએ! વેલેન્ટાઇન સ્પેશિયલ બની જાય એવો આ ફ્રેઝ! તમારાં પ્રિયપાત્ર આમાં વર્ણવેલ છે એવા ન હોય તોય વાપરી જુઓ. પછી જોજો, એનો જાદુ. એક નવી કવયિત્રી પાસેથી આ મસ્ત ગીત મળી આવ્યું ને મને તો મોજ પડી ગઈ.
સામાન્ય રીતે છોકરીઓ શરમાળ હોય ને છોકરાઓ બિન્દાસ્ત. (અલબત્ત નવી જનરેશનમાં આ સ્થિતિ બદલાઈ ગઈ છે એ સ્વીકારવું પડે અને જૂની પેઢીમાં અપવાદો હતાં) આ તો જનરલ વાત થઈ, પણ છોકરાને છેડવો પડે (‘છેડતી’ ના સમજતાં) એ મજા આવી જાય એ વાત પાક્કી. છોકરી ‘હવે જા....’ કહી દે અને પેલાએ દોડી આવવું પડે એ નક્કી. એમાં શંકા નથી કે છોકરો છોકરીને પ્રેમ કરે જ છે. બિચારો શરમનો માર્યો કોઈ એકશન લઈ શકતો નથી. ગભરાય છે એમ પણ કહી શકાય. આવા કોઈ છોકરાઓ આ વાંચનારમાંથી હો, તો જરા ચેતી જજો, સાવ મૂંગામંતર રહેવું ડેન્જરસ. છોકરી ખોઈ બેસવાનું જોખમ ખરું અને બીજી વાત કે છોકરીના મોઢેથી આવા શબ્દો સાંભળવા ગમેય ખરા. આ તો રસબસ મસ્તીનો પ્રકાર છે. છોકરો બોલતો નથી, પણ મનની વાત એના રુવાંડા પર લખાયેલી છે. છોકરીની આંખો સાચું પકડી લે છે અને શબ્દો ફૂટે છે, ‘આંખે તો ઠીક રગેરગમાં ‘હ-કાર’, તોય પૂછું તો કહે; ‘ના રે ના’. પ્રેમની વાતના તો ગ્રંથો રચાય તોય ઓછા પડે, વિષય જ એવો છે પણ એટલું તો લખવું જ પડે કે આ કવિતામાં, ‘તને કોણ કરે પ્રેમ હવે… જા...’ આ શબ્દો જે શરારત કરે છે એ લાજવાબ છે. આ સાંભળ્યા પછી બેય વચ્ચે ધમાચકડી મચી જાય. શરમાળ પ્રેમીના હૈયામાં ભરેલા ભાવોને ઉલેચવાની રીત છે.

મીડિયાએ કેટલા સારા લેખકો, કવિઓને લોકો સામે રજૂ કર્યા છે? પહેલાં લોકો કવિતાઓ લખીને ડાયરી ભરતા. એને કોઈ છાપવાવાળું, ક્યારેક મળે-ક્યારેક ન પણ મળે. હવે સમય બદલાયો છે અને એ સારું થયું છે. છપાવવાની કોઈ ચિંતા જ નહીં. પોતાને જે સૂઝયું એ લખીને મૂકી દો સ્ક્રીન પર. લખાણમાં દમ હશે તો લોકો વખાણશે ને આપોઆપ પ્લેટફોર્મ સામેથી આવશે. કવયિત્રીને, All the best!
[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી