Back કથા સરિતા
કૃષ્ણકાંત ઉનડકટ

કૃષ્ણકાંત ઉનડકટ

ચિંતન (પ્રકરણ - 64)
લેખક ‘દિવ્ય ભાસ્કર’ના મેગેઝિન એડિટર છે. ચિંતન અને સાંપ્રત વિષયો પરના એમના લેખો રસપૂર્વક વંચાય છે.

દિલથી જે કંઈ પણ થાય એ પવિત્ર બની જાય છે

  • પ્રકાશન તારીખ24 Oct 2018
  •  

દરેક માણસનું પોતાનું એક ‘તેજ’ હોય છે. આ તેજ સમય આવ્યે વર્તાતું હોય છે. તેજ ચહેરા પર પ્રગટે છે. આપણી અંદર જે હોય એ ચહેરા પર પ્રગટ થતું હોય છે. ઉદાસ ચહેરા એ વાતની સાબિતી છે કે એનું અંદરનું તેજ ઓસરી ગયું છે. રોજ સવારે અરીસો આપણા ચહેરાના તેજની ચાડી ફૂંકી દે છે. અંદરથી ‘હાશ’ ન હોય ત્યારે ચહેરા પર ચાસ પડે છે. આપણે સજીવન હોઈએ છીએ પણ જીવંત હોઈએ છીએ ખરાં? માત્ર શ્વાસ ચાલવો એ જિંદગી નથી. શ્વાસ તો ઓક્સિજનના બાટલાથી પણ ચાલે છે. વેન્ટિલેન્ટર પણ શ્વાસ ચલાવતા રહે છે. શ્વાસ ચાલવો એ જિંદગી જિવાતી હોવાની નિશાની નથી. જિંદગી મહેસૂસ થવી જોઈએ. દરેક વસ્તુનો ખરો અહેસાસ ત્યારે જ થાય જ્યારે આપણું દિલ એ ફીલ કરવા તૈયાર હોય. તનની સ્વસ્થતા માટે મનની સુંદરતા જરૂરી છે.

મૈં ખુદ ભી સોચતા હું યે ક્યા મેરા હાલ હૈ, જિસકા જવાબ ચાહિયે વો ક્યા સવાલ હૈ,
બેદસ્તોપા હું આજ તો ઇલ્જામ કિસકો દૂં, કલ મૈંને હી બુના થા યે મેરા હી જાલ હૈ.
- જાવેદ અખ્તર

મજામાં ન હોવું એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. ક્યાંય ગમતું નથી એવું બધાને થાય છે, પણ કેમ નથી ગમતું એના પર આપણે વિચાર નથી કરતા. કંઈક તો કારણ હોય છે, કંઈક તો આપણને રોકતું હોય છે. શું રોકે છે? જેનું કારણ હોય એનું મારણ પણ હોય જ છે. ક્યારેક તો આપણને ખબર હોય છે કે, મજા નથી આવતી એનું કારણ શું છે! આપણે એ વાતને ઘોળતા રહીએ છીએ અને ધૂંધવાતા રહીએ છીએ. કંઈક ઉચાટ છે, કંઈક ઉકળાટ છે, કંઈક વલોપાત છે, કંઈક એવું ચાલતું રહ છે આપણી અંદર જે આપણને હળવાશનો અહેસાસ કરવા દેતું નથી! તેજ ઓસરી જાય છે. તેલ ખૂટી જાય છે. સરવાળે તો જે અંદર હોય એ જ બહાર આવવાનું છે. મગજ છટકી જાય છે, સંબંધો ભટકી જાય છે. બધું સરખું કરવા ફાંફાં મારતા રહીએ છીએ. કંઈ સરખું નથી. બધું વધુ ને વધુ ગૂંચવાતું જાય છે.


સુખી, સ્વસ્થ, સહજ, સરળ અને સુંદર રહેવા માટે દિલ ઉપર નજર કરો, દિલને પૂછો કે તું ઓકે છે ને? દિલના ખૂણા તપાસો. જે હોવું જોઈએ એ છે કે નહીં? થોડીક કરુણા, થોડીક સંવેદના, થોડોક પ્રેમ, થોડીક ભીનાશ, થોડીક હળવાશ, થોડોક આદર, થોડીક વફાદારી, થોડીક ઇમાનદારી, થોડીક દિલદારી જેવું બધું બરકરાર છે કે નહીં? આ બધું સુકાઈ તો નથી ગયું ને?

આમ તો આ બધું હોય જ છે, મોટાભાગે તો આપણે જ એને નિચોવી નાખતા હોઈએ છીએ! ભરેલા તળાવમાં ચાસ ન પડે, એ તો તરબતર જ હોય! સુકાય પછી જ સન્નાટો વર્તાતો હોય છે. પડઘા ખંડેરમાં જ પડે, હર્યાભર્યા ઘરમાં નહીં. ઘર જીવતું હોય છે. ખંડેર મરેલું હોય છે. આપણી અંદર પણ જો કંઈ મરી ગયું હશે તો પછી પડઘા જ પડશે. માણસે નક્કી કરવાનું હોય છે કે મારે સાદ જોઈએ છે કે પડઘા? મારે હળવાશ જોઈએ છે કે શૂન્યવકાશ, મારે સૂસવાટો જોઈએ છે કે સન્નાટો? મારે આયખું જોઈએ છે કે અજંપો? શાંતિમાં અને સૂનકારમાં ફર્ક છે. ખામોશી અને મૌનમાં પણ ફેર છે.


પ્રસન્નતા માટે પવિત્રતા આવશ્યક છે. જે કંઈ કરો એ દિલથી કરો. દિલથી જે કંઈ પણ થાય છે એ પવિત્ર થઈ જાય છે. એના માટે બસ, દિલ પવિત્ર હોવું જોઈએ. દિલ સાફ હોવું જોઈએ. આપણું દિલ કેટલું સાફ હોય છે? દિલની કેટલી સફાઈ આપણે કરીએ છીએ. એક સંત હતા.

દરરોજ ઊઠીને પહેલું કામ નહાવાનું કરે. નાહીને ઝૂંપડીમાં જઈ મૌન રહે. આંખો બંધ કરીને કંઈક વિચારતા રહે. સંતના શિષ્યએ એક વખત તેને પૂછ્યું કે, તમે શું વિચારતાં હોવ છો? સંતે કહ્યું, હું પહેલું કામ નહાવાનું કરું છું. ઝૂંપડીમાં જાવ છું. વિચારું છું કે તન તો સ્વચ્છ કરી લીધું, મન પવિત્ર છે કે નહીં? બહારની સ્વચ્છતા પૂરતી નથી, અંદરની પવિત્રતા હોવી જોઈએ. જે અંદરથી પવિત્ર છે એ દરેક માણસ સંત છે. દરેક માણસનો એક આકાર હોય છે. એમાં વિકાર ન હોવો જોઈએ. વિકાર ન હોય એ જ એકાકાર થઈ જશે. કામમાં, વાતમાં, વર્તનમાં અને સંબંધમાં વિકાર આવે તો વિનાશ જ થાય. શરીરની સફાઈ પાણીથી થાય છે, મનની સફાઈ સારા વિચારોથી થાય છે.


આપણે બહારનું જેટલું ધ્યાન રાખીએ છીએ એટલી સંભાળ અંદરની રાખતા નથી. એક છોકરી હતી. મોપેડ પર જાય ત્યારે એ પોતાની ચૂંદડી મોઢે બાંધી લે. તાપ ન લાગે, ધૂળ ન ઊડે એટલે એ ચૂંદડી બાંધીને રૂપનું રખોપું કરે. તેના ચહેરા પર ચમક રહેતી. તેની આંખોમાં તેજ છલકતું.

એક વખત તેની ફ્રેન્ડે પૂછ્યું, તું ચૂંદડી બાંધે છે એટલે તારું સૌંદર્ય બરકરાર રહ્યું છે. છોકરીએ કહ્યું, ના, એ વાત ખોટી છે. હું માત્ર ચહેરાને ચૂંદડીમાં લપેટતી નથી. રોજ રાતે સૂતી વખતે હું મારા દિલને પણ મારી પવિત્રતામાં લપેટી લઉં છું. ચહેરા પર ચૂંડદી વીંટતી વખતે મને એક વિચાર આવ્યો હતો કે હું મારા ચહેરા જેટલી કેર મારા દિલની કરું છું? એ પછી હું દિલને પણ શાતા મળે એમ કંઈક ઓઢાડી દઉં છું! દિલને પણ તાપ લાગતો હોય છે! દિલને પણ ધૂળ બાઝતી હોય છે. મારા ચહેરાની ચમક મોઢા પર લગાવાતી ચૂંદડી નથી, પણ દિલની ઉપર ઓઢાડાતું આવરણ છે. દિલને હું મૂરઝાવા નથી દેતી, દિલને કટાવવા નથી દેતી. ચહેરો તો મેકઅપથી પણ સુંદર કરી શકાય, પવિત્રતા તો દિલની માવજતથી જ થાય!


આપણા બધાની અંદર એક ‘ખાલીપો’ જીવે છે. સતત કંઈક ખૂટતું હોય એવું લાગે છે. સતત કંઈક ઘટતું હોય એવું મહેસૂસ થાય છે. આપણા સંબંધો કેટલા પવિત્ર અને સાત્ત્વિક હોય છે? આપણા કેટલા સંબંધો દિલથી જિવાય છે? કેમ આપણને આપણી વ્યક્તિ પર ભરોસો નથી? કેમ આપણને સતત કોઈ ને કોઈ શંકા કોરી ખાય છે? આપણને આપણો ખાલીપો વર્તાય છે, પણ આપણી વ્યક્તિનો ખાલીપો સમજાય છે? આપણી વ્યક્તિનો ખાલીપો પૂરવા માટે આપણે શું કરીએ છીએ? ખાલીપો ક્યારેક એકાદ શબ્દથી પુરાઈ જતો હોય છે, પણ આપણા મોઢામાંથી કોઈ શબ્દ નીકળે છે? ખાલીપો ક્યારેક નાજુક સ્પર્શથી ભરાઇ જાય છે, પણ આપણા ટેરવા પર એટલી સંવેદના પ્રગટે છે? આપણું તેજ આપણી વ્યક્તિને પણ ઉજાગર કરવું જોઈએ. દીવો પ્રજ્જ્વલિત રાખવા જેટલું જ પવિત્ર કામ આપણા દીવાથી બીજાનો દીવો પ્રગટાવવાનું છે. પ્રકાશને રોકો તો અંધારું જ ફેલાય.


એક કપલની આ વાત છે. પત્ની આઇટી એક્સપર્ટ હતી. એને એક ચેલેન્જિંગ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. પત્ની એના માટે સખત મહેનત કરતી હતી. એક દિવસ એ પ્રોજેક્ટ પૂરો થયો. એનો પ્રોજેક્ટ બેસ્ટ હોવાનું કહેવામાં આવ્યું. ઘરે આવીને એ એના પતિને વળગી પડી. પતિને પ્રેમથી કહ્યું કે, થેંક યુ ફોર એવરીથિંગ. પતિએ કહ્યું, મને શેનું થેંક યુ. મેં તો કંઈ જ નથી કર્યું. હું તો મેનેજમેન્ટનો માણસ છું. આઇટીમાં તો મને કંઈ જ ખબર પડતી નથી. મેં તો તને જરા સરખી પણ મદદ કરી નથી. પત્નીએ કહ્યું, એવું ન કહે કે તેં મારા માટે કંઈ નથી કર્યું! તેં મારા માટે પ્રાર્થનાઓ કરી છે. તેં મારી સફળતા ઝંખી છે. તેં મને સારું વાતાવરણ પૂરું પાડ્યું છે. તંે મને નબળી પડવા નથી દીધી. તને ખબર છે, મહેનત મારી હતી પણ સાથ તારો હતો. તારી પ્રાર્થનાઓ મારા પુરુષાર્થ સુધી પહોંચતી હતી. તું ઇચ્છતો હતો કે હું આમાં સફળ થાવ. એક એનર્જી મળતી હોય છે આપણી વ્યક્તિ પાસેથી, એક હૂંફ વર્તાતી હોય છે. દરેકની પોતાની એક ‘ઔરા’ હોય છે. ઔરા દેખાતી નથી, અનુભવાતી હોય છે.

મજામાં ન હોવું એ
આજના સમયની સૌથી મોટી સમસ્યા છે

પોઝિટિવિટી એટલે શું? એ ક્યાંથી આવે છે? એ આવતી નથી. લાવવી પડે છે. દિલની સમજાવવું પડે છે. આપણે તો દિલ પર અત્યાચાર કરીએ છીએ. બહારથી ઘણું બધું લાવીને અંદર ઠાલવતા રહીએ છીએ. ફરિયાદો, વિવાદો, નારાજગી અને નેગેટિવિટી! આપણે જ આવવા દેતા હોઈએ છીએ ને! નેગેટિવિટી તો બહાર હોવાની જ છે! બધું સારું અને સરખું હોત તો તો ક્યાં કોઈ સવાલ જ હતો! દિલ સાફ રાખવા માટે એ પણ જરૂરી છે કે બહારની નેગેટિવિટી આપણી અંદર ઘુસવા ન દેવી! દુર્ગંધ આવતી હોય ત્યારે આપણે નાકની આડે રૂમાલ રાખી દઈએ છીએ. નેગેટિવિટીને તો આરામથી અંદર આવવા દઈએ છીએ!


કઈ વાત, કઈ વસ્તુ અને કઈ વ્યક્તિ તમારામાં નેગેટિવિટી લાવે છે? એને રોકો. એવા વ્યક્તિને ન મળો જેનાથી તમને અસુખ લાગે છે. એવી વાત ન કરો જે પીડા આપે છે. એવા સ્થળે ન જાવ જ્યાં ઉદાસી પથરાયેલી છે. સાથોસાથ એ પણ વિચારો કે કઈ વાત, કઈ વસ્તુ અને કઈ વ્યક્તિ તમને પોઝિટિવિટી આપે છે. એનર્જીના સ્ત્રોતને પણ આવકારવો પડે છે. અમુક માણસો મનથી જ કંગાળ હોય છે. એની પાસેથી કંઈ મળવાનું નથી. એ તો આપણને પણ લાચાર કરે છે. તર્કના તવંગર, આશાના અમીર, ધગશના ધનવાન મર્મના મોલેતુજાર અને દિલના દિલાવર લોકોને મળો તો જ લાઇફની રઇસીને સમજાય! માત્ર એવા લોકોને મળો નહીં, એવા બનો પણ ખરાં!


છેલ્લો સીન : આધાર એ જ બની શકે જે દિલથી સધ્ધર હોય. આધાર શોધો નહીં, આધાર બનો. પાયાના પથ્થરે દબાઈ જવું પડતું હોય છે, પણ ઇમારત એનાથી જ ટકતી હોય છે.
- કેયુ

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP