અમુક ઘર પાવરહાઉસ જેવાં હોય છે, જ્યાંથી એનર્જી મળે

article by krishnakanth unadkat

કૃષ્ણકાંત ઉનડકટ

Dec 05, 2018, 12:05 AM IST

કૈંકને મૂર્તિ મહીં પથ્થર મળ્યા’તા, કૈંકને રસ્તે જતાં ઈશ્વર મળ્યા’તા,
રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા જે, બેઉ જણના ખૂબ જ જન્માક્ષર મળ્યા’તા.
- હર્ષ બ્રહ્મભટ્ટ

આપણી ઊઠકબેઠક કોની સાથે છે તેના પરથી આપણી પ્રકૃતિ છતી થતી હોય છે. આપણામાં એક કહેવત છે કે સંગ એવો રંગ. સંગ જો સંગીન અને સશક્ત હોય તો સંવેદનાઓ સજીવન રહે છે. એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે માણસ કેવો છે એ જાણવું હોય તો એના મિત્રો કોણ છે એની તપાસ કરો. આપણું વર્તુળ એવું જ હોવાનું જેવા આપણે હોઈએ. કોની નજીક રહેવું, કોનાથી દૂર રહેવું અને કોનાથી સેફ ડિસ્ટન્સ મેઇન્ટેન કરવું એની સમજ આપણા અસ્તિત્વને સક્ષમ રાખે છે. અમુક લોકો પ્રેરણાના સ્ત્રોત જેવા હોય છે. એને મળીએ ત્યારે આપણામાં કંઈક ઉમેરાતું હોય છે. એ લોકો હળવાશ, ઉત્સાહ, એનર્જી અને આત્મીયતાથી છલોછલ હોય છે. તળાવમાં પાણી હોય તો જ તરસ છિપાય. સૂકા તળાવ પાસેથી તલસાટ જ મળે. અમુક લોકો દરિયા જેવા પણ હોય છે. એકદમ વિશાળ. જોકે, એના પાણીનું એક ટીપુંય આપણે ગળે ઉતારી શકતા નથી. એવા લોકો પાસેથી આપણને કંઈ જ શીખવા કે સમજવા મળતું નથી. અમુક લોકો પરબ માંડીને બેઠા હોય છે, એને તો તમારી તરસ જ છિપાવવી હોય છે. આપણે કેવા લોકો સાથે રહેવું એ આપણે નક્કી કરવાનું હોય છે.

જેને પોતાની શરમ નથી એને બેશરમ થતાં કોઈ
રોકી શકતું નથી

અમુક ઘરો પણ એવાં હોય છે જ્યાંથી એનર્જીનો ધોધ વહેતો હોય છે. કોના ઘરે જવું તમને ગમે છે? કયા ઘરે ગયા પછી તમને થોડાક ‘સમૃદ્ધ’ થયા હોવ એવું લાગે છે? એક છોકરીની આ વાત છે. એ એની જિંદગીમાં સફળ થઈ. ખબ મહેનત, લગન અને ધગશથી આગળ આવી. એક વખત એક કાર્યક્રમમાં તેને પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનો રાઝ શું? એ છોકરીએ કહ્યું કે, હું નાની હતી ત્યારે પડોશમાં એક અંકલ અને આન્ટી રહેતાં હતાં. એકદમ લાઇવ અને જિંદાદિલ. એ બંને મારી સાથે વાતો કરતાં. મને મહાન માણસોના કિસ્સા સંભળાવતા. મારી કેર કરતાં. મને આગળ વધવા માટે પ્રોત્સાહન આપતાં. હું ઘણી વખત હતાશ થઈ જતી ત્યારે એ મને જિંદગીના પાઠ સમજાવતાં. મારામાં જે આવ્યું છે એ તેમની પાસેથી મળ્યું છે. એ સમયે મને ખબર ન હતી કે એનો પ્રભાવ મારા પર કેવો છે! મોટી થતી ગઈ એ પછી મને સમજાયું કે મને એનર્જી એ પાવરહાઉસ જેવા ઘરમાંથી મળતી હતી.


એક વખત હું સફળ થઈ ત્યારે એ અંકલ-આન્ટીને વંદન કરીને કહ્યું કે, હું આજે જે કંઈ છું એમાં તમારો બહુ મોટો ફાળો છે. આ વાત સાંભળીને અંકલે કહ્યું કે, દીકરા અમે તો અમારા ઘરે જે છોકરાંઓ આવે છે, એ બધાની સાથે એ જ રીતે રહીએ છીએ. તેં તને ગમ્યું એ અપનાવ્યું. સાચી અભિનંદનની અધિકારી તો તું જ છે. એ વખતે મને એ પણ સમજાયું કે ક્યાંથી શું ગ્રહણ કરવું એ સમજણ પણ આપણને હોવી જોઈએ. શેરડીના ચિચોડે જઈએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે હું શેરડીના રસ માટે જાઉં છું, રસ નિચોવી નખાયેલા શેરડીના કૂચા માટે નહીં. આપણી જિંદગીમાં અમુક લોકોનો પ્રભાવ હોય છે અને અમુક લોકોનો દુષ્પ્રભાવ હોય છે. અભાવ સર્જાવાનાં ઘણાં કારણો હોય છે. આપણામાં જે અભાવ હોય એ પૂરવાનો પ્રયાસ ન કરીએ તો અભાવ બેવડાતો રહે છે. જે માણસને મળીને એવું લાગે કે આનામાં નેગેટિવિટી ઠાંસી ઠાંસીને ભરી છે, એનાથી દૂર રહો.


કોના ઉપર ભરોસો મૂકવો અને કોના પર ટ્રસ્ટ ન કરવો એ સમજદારી કેળવવી પડતી હોય છે. ક્યારેક તો આપણને ખબર પણ હોય છે કે એ માણસની પ્રકૃતિ અને પ્રવૃત્તિ સારી નથી. તો પણ આપણે એની નજીક રહેતા હોઈએ છીએ. આપણે એવું પણ વિચારતા હોઈએ છીએ કે, એ મને ક્યાં કંઈ નડે છે? દુનિયા માટે ખરાબ હશે પણ મારા માટે તો સારો છે ને! જે દુનિયા માટે સારા ન હોય એ આપણા માટે ગમે ત્યારે ખરાબ થઈ શકતા હોય છે. એવા માણસ સાથે સંબંધ રાખવા કરતાં સારા માણસ સાથે જ સંબંધ ન રાખીએ? અમુક લોકો કદાચ કોઈ ફાયદો ન કરાવી શકે, પણ નુકસાન તો ન જ કરે.


હૂંફમાં અને તાપમાં ફેર હોય છે. એ જ તાપણું સાચું જે શિયાળામાં સાથે હોય. ઉનાળામાં તો એ તાપ જ આપે. અમુક વ્યક્તિઓની પ્રકૃતિ જ હૂંફાળી હોય છે. એ શિયાળામાં તાપણાનું અને ઉનાળામાં ટાઢક આપવાનું કામ કરતી હોય છે. માણસને જો ઓળખતા ન આવડે તો તેમાં વાંક આપણો હોય છે. એક મદારીએ કહ્યું હતું, અમુક સાપ ઝેરી હોય છે અને અમુક બિનઝેરી હોય છે. અમે બિનઝેરી સાપને સાથે રાખવાનું જ પસંદ કરીએ છીએ. ઝેરી સાપનું ઝેર કાઢી લઈએ તો પણ એ ડંખ મારવાનું છોડતા નથી. અમુક સાપનું ઝેર કાઢી લીધા પછી એ ક્યારે પાછું ઝેર બનાવી લે એનો ભરોસો નહીં. મજાની વાત એ છે કે જે સાપ ઝેરી હોય છે એની પ્રકૃતિ પણ ઝેરી જ હોય છે. તમે ઝેર કાઢી શકો, સાપની પ્રકૃતિ બદલી ન શકો. અમુક લોકો લાયક ન હોય એ લાયક નથી જ બનવાના. એ લોકો ફાવે એમ ન હોય એટલે ચૂપચાપ બેઠા હોય છે, મોકો મળે એટલે તરત જ એનું પોત પ્રકાશે છે. તમને માણસના પોતને ઓળખતા આવડતું હોવું જોઈએ. અમુક માણસો સંનિષ્ઠ જ હોવાના. એ ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં પણ સારા જ રહેવાના. અમુક કાપડના રંગ ઊડી જાય છે, પણ એ પહેરો તો એની કુમાશ તમને એવી ને એવી વર્તાય છે. રંગ જરાયે ફીકો ન પડ્યો હોય, પણ ચારે તરફથી ચિરાઈ ગયાં હોય એવાં કાપડ શું કામનાં?


દુનિયામાં સારા માણસોની કમી નથી. આપણને બસ એને શોધતા આવડવું જોઈએ. સારા માણસને શોધતા અને ખરાબ માણસને ઓળખતા આવડે તો ઘણું છે. ગુલાબની સાથે કાંટા હોવાના જ છે. તમે ગુલાબના છોડને જોયો છે? જોજો! એમાં ગુલાબનાં ફૂલ કરતાં કાંટાની સંખ્યા વધુ જ હોવાની છે. દુનિયાનું પણ આવું જ છે. આપણને પસંદગી કરતા આવડવી જોઈએ. દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. સંસ્કાર કે કુસંસ્કાર લેબલ લઈને આવતા નથી, એના વિશે આપણને ખબર હોવી જોઈએ. અમુક વ્યક્તિઓનો સંગ ન છોડીએ તો આપણને એની સાથે મજા આવવા માંડે છે. એ મજા ક્યારેક સજા બની જાય છે.


સારા માણસનું સાંનિધ્ય શીતળતા બક્ષે છે. ઘટાટોપ વૃક્ષ જ છાંયો આપે. નાળિયેરી ઊંચી હોય છે, પણ એનો છાંયો કામ લાગતો નથી. આપણે આખી દુનિયા વિશે વિચારતા હોઈએ છીએ. બધાને ઓળખવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આપણે ક્યારેક એ પણ વિચારવું જોઈએ કે હું કેવો છું? મારામાં એવું કંઈ છે જેનાથી લોકોને મારી પાસેથી કંઈક મળે? તમે કોઈના માટે પ્રેરણારૂપ છો? જે માણસ પોતાને ઓળખી શકે છે એ જ દુનિયાને સમજી શકે છે. હું કેવો છું? મારે શું કરવું છે? શું મને શોભે? જેને પોતાની શરમ નથી એને બેશરમ થતાં કોઈ રોકી શકતું નથી. આપણી આસપાસ એવું જ વાતાવરણ સર્જાતું હોય છે જેવા આપણે હોઈએ.


માણસ કોઈને બદલાવી શકે નહીં. જોકે, સારાનરસાની પસંદગી ચોક્કસ કરી શકે. આપણે કોની નજીક રહેવું અને કોને નજીક રહેવા દેવા એ આપણે નક્કી કરવાનું હોય છે. દરેક માણસનું પોતાનું એક અંગત ‘કિંગ્ડમ’ હોય છે. તમે તમારા રાજા છો. આપણું આધિપત્ય આપણે જ મેઇન્ટેન કરવાનું હોય છે. જે લોકો પોતાનું ‘કિંગ્ડમ’ સાચવી શકતા નથી એ બીજાના ગુલામ થઈ જાય છે. એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે પોઝિટિવિટી મેળવ્યા પછી પણ એક અંતર જાળવવાનું હોય છે. કોઈ માણસ ખરેખર સારો, સજ્જન, સમજુ અને શ્રેષ્ઠ હોય તો તેની સાથે સંબંધ રાખો, તેનામાંથી પ્રેરણા મેળવો, તેને આદર પણ આપો, પણ એને સરન્ડર ન થઈ જાવ. આપણે સારા વિચારો મેળવીને એને આપણામાં રોપી આપણી રીતે ઉછેરવાના હોય છે. મહાન માણસની નજીક રહી મહાન બનવાનો પ્રયાસ કરો, પણ મહાન માણસના અનુયાયી ન બની જાવ. અમુક લોકો સારા હોય છે, પણ ધ્યાન ન રાખીએ તો એ આપણને તેના આધારિત બનાવી દે છે. માણસે માનસિક રીતે પણ કોઈ પરાધીનતા સ્વીકારવી ન જોઈએ. તમારી બુદ્ધિ જ તમને સાચા માર્ગે લઈ જાય. ગાડી સ્ટાર્ટ કરવા માટે કોઈની મદદ લો એમાં વાંધો નથી, પણ ગાડી તમે જ ચલાવો. ડ્રાઇવિંગ સીટ કોઈ છીનવી ન જાય એની તકેદારી રાખો.


છેલ્લો સીન : માણસે એ પણ તકેદારી રાખવી જોઈએ કે, કોઈ તેના પર ‘મેન્ટલ એન્ક્રોચમેન્ટ’ ન કરી જાય. માનસિક અતિક્રમણથી બચવાની આવડત પણ કેળવવી પડે છે.
- કેયુ

[email protected]

X
article by krishnakanth unadkat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી