કૃષ્ણનો સૌથી મોટો મેસેજ તમારું યુદ્ધ તમારે જાતે જ લડવું પડે!

article by krishnakanth unadkat

કૃષ્ણકાંત ઉનડકટ

Sep 02, 2018, 12:05 AM IST

ભગવાનશ્રી કૃષ્ણનું કયું રૂપ તમને ગમે છે? એવો સવાલ તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો? દરેકના મનમાં કૃષ્ણનું કોઇ ને કોઇ સ્વરૂપ અંકાયેલું રહે છે. દરેક માતાને એવું મન થાય જ છે કે એક વખત મારા દીકરાને કાનુડો બનાવું. પોતાના દીકરાને ક્યારેક તો માએ લાલો, કિશન, કનૈયો કે કાનુડો કહ્યો જ હોય છે. હાલરડામાં ક્યાંક કાનાનું નામ આવી જાય છે. જેના જીવનમાં સંઘર્ષનો સામનો કરવાની ઘડી આવે છે એને ગીતાના ગોવિંદ મદદે આવે છે અને કહે છે કે, ડર નહીં, તારું યુદ્ધ લડવા ઊભો થા. સ્વામી વિવેકાનંદે સૌથી નીચે દબાયેલી ગીતાને હટાવી લીધી અને બધા ગ્રંથો વેરાઇ ગયા, એ ઘટનાનો મર્મ એ જ હતો કે ગીતા તો પાયો છે.

સુખ, દુ:ખ, યુદ્ધ, પ્રેમ, સંબંઘથી માંડી દરેક પરિસ્થિતિમાં સક્ષમ રહેવાની શીખ કૃષ્ણની કથની અને કરણીમાંથી મળી રહે છે

પાયો મજબૂત હોય તો ઇમારત બુલંદ જ રહેવાની છે. બીજી રીતે જોઇએ તો જ માણસની સમજમાં ગીતાનું જ્ઞાન હોય તો એ ક્યારેય કોઇ પણ પરિસ્થિતિમાં ડગી કે ડરી જતો નથી.
ભગવાન શ્રી કૃષ્ણનો માણસ જાતને જો કોઇ સૌથી મોટો સંદેશો હોય તો એ જ છે કે દરેક વ્યક્તિએ પોતાનું યુદ્ધ પોતે જ લડવાનું હોય છે. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે કુરુક્ષેત્રમાં જ્યારે પોતાનાં વડીલો અને સ્વજનોને જોઇને અર્જુનનાં ગાત્રો શિથિલ થઇ ગયાં ત્યારે ભગવાન કેમ તેને સમજાવવા બેઠા? એ તો ભગવાન હતા, એણે કેમ એવું ન કહ્યું કે તું બેસ, તારા વતી હું યુદ્ધ લડી લઇશ. એમાં એ જ વાત હતી કે જેનું કામ હોય એણે જ એ કરવું પડે. આપણી જિંદગીમાં જે પડકારો, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને લડાઇઓ આવે એનો સામનો આપણે પોતાએ જ કરવો પડે. અંધશ્રદ્ધાળુ લોકોને પણ આમાં ઇશારો છે કે ભગવાનના ભરોસે બેસી ન રહો, તમે પ્રયાસ કરો. કૃષ્ણને એટલે જ દુનિયાના શ્રેષ્ઠ લીડર પણ કહે છે, એવો લીડર જે પોતાના સબોર્ડિનેટ વતી કામ કરી નથી નાખતો પણ તેને કામ કરવા માટે મોટિવેશન આપે છે અને સફળતા માટે તૈયાર કરે છે.


કૃષ્ણની દરેક વાતમાં કોઇ ને કોઇ મેસેજ મળી રહે છે. કર્મનો સિદ્ધાંત તો આપણને દરેકને એકસરખો લાગુ પડે છે. કર્મ કર અને ફળની ચિંતા ન કર એવું ભગવાને કહ્યું છે. આમ જુઓ તો આપણે બધા કોઇ કામ ફળની આશા રાખ્યા વગર કરતા જ નથી, કોઇ ને કોઇ વળતરની અપેક્ષા તો હોવાની જ છે. સેવા કે દાન-પુણ્ય પણ આપણે સારું થાય એવી ભાવના સાથે જ કરતા હોઇએ છીએ. ભગવાને પણ આમ જુઓ તો કર્મના ફળની ચિંતા ન કરવાનું કહીને એવી જ વાત કરી છે કે તમે જે કર્મ કરો એનું ફળ તો મળવાનું જ છે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. જેવું અને જેટલું કામ કરશો એટલું ફળ મળશે. આ વાતમાં એવો મતલબ પણ છુપાયેલો છે કે જો ખોટું કામ એટલે કે દુષ્કર્મ કરશો તો એનું ફળ પણ ભોગવવાનું જ છે. કોઇપણ માણસ જે જગ્યાએ હોય એ જગ્યાએ પહોંચવા પૂરતી મહેનત તેમણે કરી હોય છે. કોઇ એમ ને એમ ક્યાંય પહોંચી શકતું જ નથી. તમે જેટલી મહેનત કરશો, જેટલું કર્મ કરશો એટલું જ ફળ તમને મળવાનું છે.


તમે ભગવાન કૃષ્ણના જીવનનું ક્યારેય બારીકાઇથી નિરીક્ષણ કર્યું છે? કૃષ્ણના જીવનમાં કેટલા પડકારો અને કેટલા સંઘર્ષો હતા? સામાન્ય માણસના જીવનમાં જો એમના જેવું થયું હોય તો કદાચ એ પોતાની જિંદગીને કોસવામાં અને રોદણાં રડવામાં કંઇ બાકી ન રાખે. ભગવાનનો જન્મ જેલમાં થયો. તેઓ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમના માતા અને પિતા કંસના ભયની નીચે હતાં. સાત બાળકોની હત્યા સગા ભાઇના હાથે થઇ હોય એ માતાની માનસિક હાલત કેવી હોય એ કલ્પના જ ધ્રુજારી ઉત્પન્ન કરાવે તેવી છે. કૃષ્ણના જન્મ પછી તરત જ તેમને માતા પાસેથી દૂર કરી દેવાયા. નાના હતા ત્યારથી તેમને રાક્ષસો સાથે જ પનારો પડ્યો હતો. કૃષ્ણએ એની જિંદગી દરમિયાન કેટલું માઇગ્રેશન કર્યું એની કલ્પના આવે છે? ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા અને છેલ્લે સોમનાથ નજીકના ભાલકા તીર્થે અંતિમ શ્વાસ લીધા. તમને ખબર છે ભગવાન એક વખત જ્યાંથી નીકળી ગયા ત્યાં પાછા ગયા જ નથી, તેમના જીવનમાં આગળ ને આગળ જવાનું જ લખ્યું હતું. નિર્વાણ સમયે પણ તેઓ સાવ એકલા હતા. વિદાયવેળાએ તેમના પર આખા કુળના નાશનો ભાર હતો. આપણે એટલું સહન કરી શકીએ?

બે ઘડી માણસે પોતાની જાતને કૃષ્ણની જગ્યાએ મૂકવી જોઇએ અને પોતાની લાઇફને ઝીણવટથી જોવી જોઇએ. આપણી જિંદગીમાં કદાચ એમના કરતાં ઓછી તકલીફો છે. એ ભગવાન કહેવાયા એનું એક કારણ એ પણ છે કે એમણે ક્યારેય પોતાની લાઇફ વિશે ફરિયાદ નથી કરી. આ વાત પણ એ જ મેસેજ આપે છે કે આપણી જિંદગીમાં જે કંઇ બને છે એ જિંદગીનો જ એક ભાગ છે એને સહજતાથી લેવો જોઇએ.

ભગવદ્ ગીતામાં જિંદગીની દરેક સમસ્યાના ઉકેલ મળી આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે યુદ્ધ વખતે હથિયાર હેઠાં મૂકવાં એ કાયરતા છે

સુખ અને દુ:ખની જે ફિલોસાફી ભગવાને આપી છે એવી કદાચ કોઇએ કહી નથી. સ્થિતપ્રજ્ઞ રહેવાની વાતમાં તેમણે કહ્યું છે કે સુખમાં જે છકી જતો નથી અને દુ:ખમાં જે ડગી જતો નથી એ ખરો સ્થિતપ્રજ્ઞ છે. સ્થિતપ્રજ્ઞ એટલે જડ નહીં. સ્થિતપ્રજ્ઞ એટલે દરેક ઘટના, દરેક સ્થિતિ, દરેક સંજોગ અને દરેક માનસિકતાને તટસ્થતાપૂર્વક નિહાળવાની આદત. આપણે તો જરાકેય દુ:ખ પડે એટલે રોવા બેસી જઇએ છીએ અને થોડુંક સુખ મળે કે હવામાં આવી જઇએ છીએ.

ભગવાને તો મૃત્યુને પણ સહજતાથી સ્વીકારવાની વાત કરી છે. ભગવાન કૃષ્ણનું વ્યક્તિત્વ પૂજવા માટે નથી પણ સમજવા માટે છે અને એનાથી પણ વધુ તો જીવવા માટે છે. આપણે બધા આંખો મીંચીને ભગવાનને ભજતા રહીએ છીએ, ભગવાનને ભજવામાં કંઇ ખોટું નથી પણ આપણે એને આપણા જીવનમાં કેટલા ઉતારીએ છીએ એ વિચારવાની જરૂર છે. તમને જે કંઇ ડર, ભય, ચિંતા, પીડા, દુ:ખ, વેદના અને વલોપાત છે એ બધું કૃષ્ણાર્પણ કરી દો, મતલબ કે એનો ઉકેલ કૃષ્ણના જીવનમાં શોધો, પછી જિંદગીમાં સુખ જ સુખ છે. ભગવાનની સાચી ભક્તિ એ જ છે કે એને આપણામાં જીવીએ અને જિંદગીને સાચા અર્થમાં માણીએ.

પેશ-એ-ખિદમત
કરુણતા તો જુઓ,માણસ અવસાન પામે પછી તેની પાછળ ગીતાના પાઠ કરાય છે,
ગીતા તો જીવતેજીવ અનુસરવાની
અને જીવવાની રીત છે.
[email protected]X
article by krishnakanth unadkat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી