દૂરબીન / યાદ રાખવું છે એ રહેતું નથી, ભૂલવું છે એ ભુલાતું નથી!

article by krishnakant undakat

કૃષ્ણકાંત ઉનડકટ

Mar 10, 2019, 12:05 AM IST

યાદશક્તિ વિશે વાતની શરૂઆત એક જોકથી કરીએ. એક ભાઈ હતા. તેણે કહ્યું કે, હું ક્યારનો વિચારતો હતો કે, વિચારવાનું ઇંગ્લિશ શું થાય? મેં બહુ થિંક કર્યું, થિંક કરી કરીને થાકી ગયો, પણ મને યાદ જ ન આવ્યું, બોલો! યાદશક્તિનું શાસ્ત્ર એટલું અટપટું છે કે, સાયન્સ પણ હજુ હન્ડ્રેડ પર્સન્ટ તેનાં રહસ્યો ઉકેલી શક્યું નથી. કોઈની યાદશક્તિ એટલી સતેજ હોય છે કે, એને નાનામાં નાની વાત યાદ રહે છે. વર્ષો પહેલાંની ઘટના એટલી પરફેક્ટલી યાદ હોય જાણે એ ઘટના હમણાં જ બની હોય. આપણી જિંદગીમાં એવી કેટલીય ઘટનાઓ બની હોય છે, જેના વિશે આપણે એવું ઇચ્છતા હોઈએ છીએ કે, એ ભુલાઈ જાય તો સારું. જોકે, એ ભુલાતી જ નથી. તમારી લાઇફની એવી કઈ ઘટના છે જે તમે ભૂલવા ઇચ્છો છો? મગજની મેમરી એવી છે કે, અમુક વાત જાણે ડેસ્કટોપ પર હોય એમ સામે જ રહે છે. લાખ કોશિશો છતાં ભૂલવાના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે.

  • પરીક્ષાની મોસમ ચાલી રહી છે. યાદ રાખવાની મથામણમાં વિદ્યાર્થી અટવાયેલો છે. યાદશક્તિનું શાસ્ત્ર એટલું બધું અટપટું છે કે, વિજ્ઞાનને પણ પૂરેપૂરું સમજાયું નથી

તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, જો જિંદગીની એકેય વાત આપણે ભૂલી શકતા ન હોત તો આપણી જિંદગી કેવી વેદનામય હોત! બચપણની કેટલી બધી વાતો ઇરેઝ થઈ જાય છે. આપણા પરિવારજનો કહે કે, તું નાનો હતો કે નાની હતી ત્યારે આમ કરતી કે કરતો હતો, તો આપણને જ આશ્ચર્ય થાય છે. જોકે, અમુક ઘટનાઓ જાણે દિલ કે દિમાગ પર કોતરાઈ ગઈ હોય એમ ભુલાતી જ નથી. અલ્ઝાઇમર આપણી યાદદાસ્તને ભૂંસી નાખે છે. આ બીમારી વિશે તો બધાને ખબર છે, પણ ભૂલવાની બીજી ઘણી બીમારીઓ આજે પણ રહસ્ય જ છે. યુરોપમાં ‘ફર્ગોટન ગર્લ’ નામની બુકે સારી ચર્ચાઓ જગાવી છે. આ એક સત્યકથા છે. બ્રિટનની 32 વર્ષની નાઓમી જેકોબ એક દિવસે ઊઠી ત્યારે તે છેલ્લાં 17 વર્ષની તમામ યાદો વીસરી ગઈ! 17 વર્ષમાં શું થયું હતું તેની કોઈ વાત તેને યાદ ન હતી! 32 વર્ષની નાઓમી પોતાને 15 વર્ષની જ સમજવા લાગી. ટીન એજર જેવું જ એ વર્તન કરતી. નાઓમી એ પણ ભૂલી ગયેલી કે, તેને દસ વર્ષની એક દીકરી છે. મનોચિકિત્સકોનું કહેવું છે કે, નાઓમીને ભાગ્યે જ થતી ડિસોસિએટિવ એમ્નિજિયા નામની બીમારી થઈ છે. આ ડિસઓર્ડરનું એક કારણ તેની પોતાની વિચિત્ર લાઇફ પણ છે. નાઓમી ડ્રગ્સ લેતી હતી. છ વર્ષની હતી ત્યારે તેના પર રેપ થયો હતો. વીસની થઈ ત્યારે તેના બોયફ્રેન્ડે ગળું દબાવીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. નાઓમીએ બીજી બુક પણ લખી છે. જેનું નામ છે, ‘આઇ વોક અપ ઇન ધ ફ્યૂચર’. યાદશક્તિના આવા રહસ્યમય કિસ્સાઓનો તો કોઈ તોટો નથી. બધાની વાત સાંભળીએ તો આપણી મતિ મૂંઝાઈ જાય.

  • કંઈક ભૂલવા માટે વધુ મહેનત કરવી પડે છે કે કંઈ યાદ રાખવા માટે? અમુક ઘટનાઓ કેમ ક્યારેય ભુલાતી જ નથી?

આપણે મહાભારતના અભિમન્યુની કથા સારી રીતે જાણીએ છીએ. અભિમન્યુ માતાના પેટમાં હતો ત્યારે જ તેણે ચક્રવ્યૂહની કલા શીખી લીધી હતી. ગર્ભમાં હતો એ વખતની વાત અભિમન્યુને યાદ હતી. આ શક્ય છે ખરું? એ આજની તારીખે એક કોયડો છે. જોકે, સ્પેનના જાણીતા ફિલ્મ કલાકાર સાલ્વાડોર ડૈલીએ પોતાની આત્મકથા ‘ધ સિક્રેટ લાઇફ ઓફ સાલ્વાડોર ડૈલી’માં લખ્યું છે કે, મને બચપણની ઘણી વાતો યાદ નથી, પણ માતાના ગર્ભમાં હતો ત્યારની એક એક વાત યાદ છે! આપણે અમુક સતાવધાની જૈન મુનિઓની યાદશક્તિના કિસ્સાઓ માત્ર સાંભળ્યા જ નથી, નરી આંખે જોયા અને આપણા સગા કાને સાંભળ્યા પણ છે.
અત્યારે પરીક્ષાની મોસમ ચાલી રહી છે. યંગસ્ટર્સ જવાબો યાદ રાખવાના ટેન્શનમાં છે. કેવી રીતે યાદ રાખવું એના જાતજાતના નુસખાઓ આપવામાં આવે છે. કોઈને એક કરતાં વધુ વાર વાંચીને તો કોઈને હાથથી લખીને જ યાદ રહેતું હોય છે. તેના વિશે પણ એક વાત એવી છે કે, દરેકની યાદ રાખવાની પોતાની તરકીબો હોય છે. એને એ જ રીતે યાદ રાખવા દેવું જોઈએ. જે લોકો ભૂલી જાય છે, એ લોકો મોટા ભાગે તો પરીક્ષાના પ્રેશરના કારણે ભૂલી જતા હોય છે. એક્ઝામિનેશન હોલનો ખોફ અને માર્ક્સ મેળવવાનું ટેન્શન જ સ્ટુડન્ટને મૂંઝવી નાખે છે. મહેનત કરવાની સાથે જે રિલેક્સ રહી શકે છે તે સારી રીતે જવાબ આપી શકે છે. કેટલાક તો ગોખી નાખે છે. ગોખવાને બદલે સમજીને યાદ રાખવાની સલાહો આપવામાં આવે છે. એ સલાહ સાચી પણ છે. જોકે, ગોખવું પણ કંઈ સહેલું તો નથી જ ને? પરીક્ષા સુધી તો ગોખેલું પણ યાદ રાખવું પડતું હોય છે.
વિજ્ઞાન મેમરી પાવરને એની રીતે મૂલવવાના સતત પ્રયાસો કરતું રહ્યું છે અને હજુ પણ એ પ્રયત્નો ચાલુ જ છે. સાચી વાત એ છે કે, કુદરતે દરેક વ્યક્તિમાં અમુક ચોક્કસ પ્રકારની શક્તિઓ મૂકેલી છે. બાકી ઘણા લોકોને તો નજીકના લોકોનાં નામ પણ યાદ રહેતા નથી. ચહેરો યાદ હોય, તેની સાથેની તમામ ઘટનાઓ પણ રજેરજ યાદ હોય. બસ, નામ યાદ ન આવે. તમારી સાથે આવું થાય છે? તો તમે એકલા નથી. આવા લોકોની સંખ્યા બહુ મોટી છે. કેવી રીતે નામ યાદ રાખવાં એના નુસખાઓ છે, પણ એ નુસખાઓયે યાદ તો રહેવા જોઈએ ને? જિંદગીનું બાકી તો એવું જ છે કે, જે ભૂલવાનો સૌથી વધુ પ્રયાસ કરીએ એ જ સતત યાદ આવતું રહે છે. સાચી વાત છે કે નહીં?
પેશ-એ-ખિદમત
તુમ આયે હો તુમ્હેં ભી આજમા કર દેખ લેતા હૂં,
તુમ્હારે સાથ ભી કુછ દૂર જા કર દેખ લેતા હૂં,
હવાએં જિનકી અંધી ખિડકિયોં પર સર પટકતી હૈં,
મૈં ઉન કમરોં મેં ફિર શમએં જલા કર દેખ લેતા હૂં.
- અહમદ મુશ્તાક
[email protected]

X
article by krishnakant undakat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી