દૂરબીન / કામના કલાકો : જિંદગી માટે ક્વૉલિટી ટાઇમ કાઢતા શીખીએ

article by krishnakant undakat

કૃષ્ણકાંત ઉનડકટ

Feb 10, 2019, 05:57 PM IST

જિંદગીને જુદા જુદા ટુકડાઓમાં વહેંચી શકાતી નથી. આટલા કલાક કામ કરીશું, આટલો સમય આરામ કરીશું, આટલા અવર્સ ચિલ મારીશું કે આટલી ક્ષણો માત્ર ને માત્ર પોતાના માટે જીવીશું. ક્યારેક તો એ પણ નક્કી નથી થઈ શકતું કે આપણે જિંદગીને દોરવીએ છીએ કે જિંદગી આપણને દોરે છે? ધાર્યું હોય કંઈક અને થઈ જાય છે સાવ જુદું જ. પ્લાનિંગ્સની પથારી ફરી જાય છે. આદર્યાં કામ અધૂરાં રહી જાય છે. આ બધી પરિસ્થિતિમાં માણસે કામ તો કરવું જ પડે છે. લોકોના મોઢે એવું સાંભળવા મળે છે કે, બે ટાઇમ થોડુંક ખાવાનું અને આટલી બધી ઝંઝટ. મોટા ભાગના લોકો આજે સર્વાઇવલ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. એમાં જ્યારે અમુક સર્વે કે અભ્યાસ ઉપર ધ્યાન જાય ત્યારે એવું થાય કે, આવું થઈ શકતું હોત તો કેવું સારું હતું!

  • વીકમાં 39 કલાકનું કામ આઇડિયલ સ્થિતિ છે. જોકે, બધા એટલા નસીબદાર નથી હોતા કે આટલો સમય કામ કરે તો ચાલે. આપણને આપણા માટેય સમય મળતો નથી!

માણસે એક અઠવાડિયામાં કેટલા કલાક કામ કરવું જોઈએ? આ વિશે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસ થયો હતો. એ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, એક વીકમાં 39 કલાકથી વધારે કામ કરવું જોઈએ નહીં. તેના કરતાં વધુ સમય કામ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જોખમાવાની શક્યતા વધી જાય છે. રવિવારને બાદ કરતાં બાકીના છ દિવસને 39 કલાકના હિસાબે ગણીએ તો દરરોજના સાડા છ કલાક થાય. ફાઇવ ડેઝ વીક ગણીએ તો 7.8 કલાક થાય. વિદેશોમાં અમુક કંપનીઝમાં પાંચ દિવસ કામની સિસ્ટમ છે. બે દિવસની રજા મળે છે. આપણા દેશમાં પણ અમુક કંપનીઓમાં પાંચ દિવસની જોબ છે. એવી કંપનીમાં જે લોકો કામ કરે છે એ નસીબદાર છે.

બાકી અમુક કંપનીઓ તો એવી છે જે રવિવારે પણ નોકરીએ બોલાવે છે. વખાના માર્યા લોકો નછૂટકે કામ કરવા જાય પણ છે. આખરે એણે ઘર ચલાવવાનું હોય છે. અઠવાડિયામાં છ દિવસ તો મોટાભાગના લોકોએ કામ કરવું પડે છે. હવે તો નોકરી આઠ નહીં પણ નવ કલાકની થઈ ગઈ છે. એક કલાકનો લંચ બ્રેક ગણવામાં આવે છે. નોકરીએ હોઈએ ત્યારે તો જમતી વખતે પણ અમુક બબાલો ચાલતી જ હોય છે. ઘરથી ઓફિસ દૂર હોય તો એ સમય પણ ગણવો પડે. ટોટલ મારો તો દસથી બાર કલાક જેટલો સમય કામ પાછળ પસાર થઈ જાય છે. આમાં માણસ આરામ ક્યારે કરે? હવે સ્માર્ટ ફોનના કારણે નોકરી સંદર્ભેના મેલ આવતા રહે છે. અમુક મેલના જવાબો તો તરત જ આપવા પડે છે. વોટ્સએપ પર પણ બોસની સૂચનાઓ આવતી રહે છે.હવે તો હાલત એવી થતી જાય છે કે, રજા લીધી હોય તો પણ રજા જેવું કંઈ ન લાગે. ફોન પર નોકરી ચાલુ જ હોય છે.
આપણે જ્યાં કામ કરતા હોઈએ એને એવું કહીએ કે, અમે આટલા કલાક જ કામ કરીશું, તો બીજી જ ક્ષણે એ આપણને આવજો કહી દે. અમુક કંપનીઓમાં તો એવું છે કે, આવવાનું તમારા સમયે પણ જવાનો કોઈ સમય નહીં. કામ પૂરું થાય ત્યારે જ ઘરે જવાનું. લોકોને આજે પૂછીએ તો એવું સાંભળવા મળે છે કે, મરવાની પણ ફુરસદ નથી. મરવાની ફુરસદ ન હોય તો પણ જીવવાનો સમય કાઢી લેવો જોઈએ. આખરે જિંદગી આપણી છે. કામને પ્રેમ કરી શકો તો બહુ સારી વાત છે. કામથી કંટાળો ન લાવો. જેને કામમાં બળ પડે છે તેમણે એક વખત એવા લોકોને મળવું જોઈએ જેની પાસે કામ નથી. એનએસએસઓ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસનો અહેવાલ એવું કહે છે કે, દેશના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, પચાસ ટકા લોકો પાસે કામ નથી. જેની પાસે કામ નથી એની મનોદશાની કલ્પના કરવી અઘરી છે. વેલ એજ્યુકેટેડ લોકો પોતાની ડિગ્રી બાજુએ મૂકી જે કામ મળે એ કરવા તૈયાર થઈ જાય છે. એટલે કામના કલાકો વિશે ફરિયાદ ન કરો. ફરિયાદો કરશો તો પણ તમારું કંઈ ચાલવાનું નથી.

  • અત્યારનો સમય કટ થ્રોટ કમ્પિટિશનનો છે,કામના કલાકો વધ્યા છે. જિંદગી સારી રીતે જીવવા માટે ટાઇમ મેનેજમેન્ટ જરૂરી બની ગયું છે

કામનું પ્રેશર તો રહેવાનું જ છે. તેની સાથે એક વાત પણ સમજવાની છે કે, જિંદગીને પણ ભરપૂર જીવવાની છે. જિંદગી જીવવા માટે હવે દરેક વ્યક્તિ માટે ટાઇમ મેનેજમેન્ટ શીખવું મસ્ટ બની ગયું છે. તમે તમારી જાતને અને તમારા લોકોને ક્વોલિટી ટાઇમ આપો. જેટલો સમય મળે એને હન્ડ્રેડ પર્સન્ટ એન્જોય કરો.
જિંદગી નાની નાની ખુશીઓથી મધુર બનતી હોય છે. પોતાના લોકો સાથે હોય ત્યારે મોબાઇલથી દૂર રહો, પોતાના લોકો સાથે ન હોય ત્યારે મોબાઇલથી સંપર્કમાં રહો. મોબાઇલને બધા કોસતા જ રહે છે, પણ તેના ફાયદા પણ છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે એના માટે તો મોબાઇલ આશીર્વાદરૂપ છે. આજે સંબંધો દાવ પર લાગ્યા છે તેનું એક કારણ સમયનો અભાવ પણ છે. તું મને સમય નથી આપતો કે નથી આપતી એ સમસ્યા વકરી રહી છે. જેને જિંદગી સારી રીતે જીવવી છે એ જિંદગી માટે સમય કાઢી જ લે છે. તમારા કામના કલાકો કેટલા છે? ગમે એટલા હોય, તેનાથી તમે ભાગી શકો નહીં. પ્લાનિંગ એવું કરો કે જેના માટે સમય કાઢવો છે એના માટે સમય મળી રહે. એક વાત યાદ રાખજો કે દાનત હોય તો આપણે આપણા લોકો માટે સમય મેનેજ કરી જ શકીએ છીએ. કામનાં બહાનાં ન આપો, આપણા લોકોને કારણો નહીં, આપણો સમય જોઈતો હોય છે.
પેશ-એ-ખિદમત
ઘટે તો ચૈન નહીં બઢે તો ચૈન નહીં,
હમેં લગા હૈ યે ક્યા રોગ કોઈ પહચાને,
ચલે તો હૈ કિ દિખાએંગે ઉનકો ચીર કે દિલ,
પહુંચ સકેંગે હમ ઉન તક યે અબ ખુદા જાને.
- જિગર બરેલવી
[email protected]

X
article by krishnakant undakat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી