ચિંતનની પળે / તારું સાથે હોવું એ મારો સારો સમય જ છે!

article by krishnakant undakat

કૃષ્ણકાંત ઉનડકટ

Feb 06, 2019, 12:43 PM IST

દિલ અગર હૈ તો દર્દ ભી હોગા, ઇસકા કોઈ નહીં હૈ હલ શાયદ,
રાખ કો ભી કુરેદ કર દેખો, અભી જલતા હો કોઈ પલ શાયદ.
- ગુલઝાર

સમય બદલાતો હોય છે કે માણસ બદલાતો હોય છે? સમયના કારણે માણસ બદલાતો હોય છે? કે પછી માણસના કારણે સમય બદલાતો હોય છે? આપણે સહુ એક વાત સારી રીતે સમજીએ છીએ કે સમય ક્યારેય એકસરખો રહેતો નથી. આપણે એવું પણ કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે સમયની સાથે માણસ ઓળખાઈ જતો હોય છે. ખરાબ સમય વિશે આપણે કેવી વાતો કરીએ છીએ? જિંદગીમાં ક્યારેક ખરાબ સમય પણ આવવો જોઈએ જેથી આપણને ખબર પડે કે કોણ આપણાં છે અને કોણ પરાયાં છે! સમય આપણને હકીકતનું ભાન કરાવે છે. સમય આપણને સત્યની નજીક લઈ જતો હોય છે. સમય આપણને ઘણું બધું ભાન કરાવે છે. સમય જ આપણને સાચા સંબંધની સમજણ આપે છે.

  • આપણી જિંદગી કેટલા લોકોના કારણે જીવવા જેવી બનતી હોય છે?

એક યુવાનની આ વાત છે. એ એક કંપનીમાં સિનિયર પોસ્ટ પર કામ કરતો હતો. તેની અંડરમાં મોટી ટીમ હતી. બધા લોકો સર સર કહીને સંબોધતા હતા. મિટિંગ્સ અને એપોઇન્ટ્સમેન્ટ એટલી હતી કે મરવાની પણ ફુરસદ ન મળે. પોતાના માટે પણ સમય ન મળતો હોય ત્યારે ઘરના લોકો માટે તો સમય ક્યાંથી મળવાનો છે? તેને એમ હતું કે બધું આમ જ ચાલવાનું છે. સમય બદલાયો. એક દિવસ અચાનક જ મેનેજમેન્ટે તેને કહી દીધું કે, હવે તમારી સેવાની જરૂર નથી. એ યુવાન બેકાર થઈ ગયો. આખો દિવસ નવરો. હવે કોઈ તેને યાદ કરતું ન હતું.
એ યુવાન એક દિવસ તેના મિત્ર સાથે બેઠો હતો. તેણે કહ્યું કે, એક સમય હતો જ્યારે હું લોકોથી ઘેરાયેલો હતો. ફોન એટલા આવતા કે મને વોશરૂમ જવાનો પણ સમય મળતો ન હતો. હવે કોઈના ફોન આવતા નથી. ફોન જાણે કે સાવ મૂંગો થઈ ગયો છે. યુવાનના મિત્રએ કહ્યું કે, દોસ્ત આ જ દુનિયા છે. તમારી બોલબાલા હોય ત્યારે બધા જ તમને સારું લગાડતા હોય છે. તમે બેકાર હોવ ત્યારે કોઈ યાદ પણ કરતું નથી. આ વાત સાંભળીને એ યુવાને કહ્યું કે, તારી વાત સાચી છે.

મને પણ એ વાત સમજાય છે કે દુનિયા આવી જ છે. જોકે, તેના કરતાં પણ વધુ એક વાત સમજાઈ છે એ વધુ મહત્ત્વની છે. જ્યારે હું કામ પર હતો, બહુ બિઝી રહેતો ત્યારે અમુક લોકોના ફોન હું ઉપાડતો ન હતો! મજાની વાત એ છે કે, હવે માત્ર એના જ ફોન આવે છે જેના ફોન હું ઉપાડતો નહોતો! બિઝી હતો ત્યારે થતું કે, પછી કરીશ. એ બધા પાસે તો સમય છે. મારી પાસે નથી. આજે મને સમજાય છે કે, મારા માટે એ લોકો પાસે જ સમય છે. સારા સમયમાં આપણે ઘણી વખત આપણા લોકોને જ ટેકન ફોટ ગ્રાઉન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. એને જ ઇગ્નોર કરતા હોઈએ છીએ. ખરાબ સમયમાં આપણને જે લોકો ફોન કે યાદ નથી કરતા એને આપણે કોસીએ છીએ, પણ ખરાબ સમયમાં જે આપણી નજીક હોય છે એને આપણે કેટલા યાદ રાખીએ છીએ?

માણસમાં જો પોતાના સ્વજનોને ઓળખવાની આવડત હોય ને તો ખરાબ સમયની રાહ જોવી પડતી નથી. આપણી જિંદગી આખરે કેટલા લોકોના કારણે જીવવા જેવી બનતી હોય છે? બહુ થોડા લોકો જ એવા હોય છે. આખી દુનિયા માટે તમારાથી થાય એ બધું જ કરો. એમાં કંઈ જ ખોટું નથી. ધ્યાન માત્ર એટલું જ રાખો કે જે પોતાના છે એના ઉપરથી ધ્યાન ન હટી જાય. જે લોકો આપણી જિંદગીમાં અપવાદ જેવા હોય એ કાયમ પ્રાયોરિટી જ રહેવા જોઈએ. કોઈ નહીં હોય ત્યારે એ જ લોકો હશે. એવા લોકોને લાઇફમાં ‘પિનઅપ’ કરી રાખો. ગમે એવા સંજોગો હોય, ગમે એટલા બિઝી રહેતા હોઈએ, એ લોકો માટે આપણે હાજર હોવા જોઈએ. એનો સાદ પડે કે તરત જ હોંકારો આપો, તમે સાદ પાડશો ત્યારે હોંકારો ત્યાંથી જ મળવાનો છે. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ એક કંપનીમાં સારી પોસ્ટ પર હતો. તેની પત્ની તેને ફોન કરતી. સ્વાભાવિક રીતે જ પત્નીને ખબર ન હોય કે પતિ અત્યારે શું કામ કરતો હશે. એક દિવસ પત્નીએ ફોન કર્યો. તેનો પતિ મીટિંગમાં હતો. રિંગ વાગી એટલે પતિએ ફોન ઉપાડીને કહ્યું કે, એક મિટિંગમાં છું. ફ્રી થઈને તને ફોન કરું? ફ્રી થયો એટલે પતિએ ફોન કરી લીધો.

પતિ સાંજે ઘરે ગયો. તેની પત્નીએ કહ્યું કે, તું મિટિંગમાં હોય ત્યારે શા માટે મારો ફોન પિક કરે છે? કટ કરી નાખતો હોય તો? હું સમજી જઈશ કે તું કામમાં છે! આ વાત સાંભળીને પતિએ બહુ પ્રેમથી કહ્યું કે, તારાથી વધુ કંઈ નથી. પત્નીએ કહ્યું કે અરે વાહ! આટલો બધો પ્રેમ છે! પતિએ કહ્યું, આ વાત હું મારા એક બોસ પાસેથી શીખ્યો છું. એક વખત મિટિંગ ચાલતી હતી. બરાબર એ જ સમયે એક કર્મચારીના ફોનની રિંગ વાગી. તેણે કટ કર્યો. થોડી વારમાં બીજી વખત રિંગ વાગી. તેણે કટ કર્યો. બોસે પૂછ્યું, કોનો ફોન છે? કર્મચારીએ કહ્યું, મારી ડોટર છે. ફોન હાથમાં આવી ગયો લાગે છે. થોડી વાર થઈ તો ફરીથી રિંગ વાગી. બોસે કહ્યું, વાત કરી લો. પેલાએ ફોન ઊંચક્યો. દીકરીને કહ્યું, તને ખબર નથી પડતી કે ડેડી ફોન ઉપાડતા નથી તો કંઈક કામમાં હશે. આવી રીતે ફોન નહીં કરવાના! તેણે ફોન કાપી નાખ્યો. બોસે કહ્યું કે, તેં બહુ ખરાબ રીતે વાત કરી. સારી રીતે વાત કરી હોત તો આટલો જ સમય જાત! માત્ર એટલું કહ્યું હોત કે, દીકરા હું કામમાં છું હોં, નવરો પડું ને એટલે તને ફોન કરું! ક્યારેક આપણે જે જવાબ ખરાબ રીતે આપતા હોઈએ છીએ એનાથી ઓછા સમયમાં સારો જવાબ આપી શકાતો હોય છે. તને ખબર છે હવે તું ઘરે જઈશ ત્યાં સુધી તારી ડોટર ડિસ્ટર્બ રહેશે. એના મનમાં એવું થશે જાણે એનાથી કોઈ મોટી ગંભીર ભૂલ થઈ ગઈ. એ બિચારી ક્યાંથી સમજવાની કે ભૂલ એની ન હતી, પણ એના ડેડીની હતી!

જિંદગીને સારી રીતે જીવવા માટે બહુ ગંભીર બનવાની જરૂર હોતી જ નથી, એના માટે તો આપણે જેવા છીએ એનાથી થોડાક હળવા બનવાની જ જરૂર હોય છે. જિંદગીને સમજવી, જિંદગીને સ્વીકારવી અને જિંદગીને જીવવી સાવ સરળ હોય છે, આપણે જ તેને ગૂંચવી નાખતા હોઈએ છીએ. સરળ હોય એને પહેલાં ગૂંચવીએ અને પછી એને જ ઉકેલવા મહેનત કરીએ! આપણે જ જિંદગીને કોમ્પ્લિકેટેડ બનાવવા માટે જવાબદાર હોઈએ છીએ. જિંદગીમાં ક્યારેક તો ખરાબ સમય આવવાનો જ છે. ખરાબ સમયને જીવી જાણવો એ નાનીસૂની વાત નથી.

એક યુવાન હતો. તેનો નાનકડો બિઝનેસ હતો. એ ખૂબ મહેનત કરતો હતો, પણ તકદીર એને સાથ આપતી નહોતી. એક સમય એવો આવ્યો કે તેણે પોતાનો ધંધો સમેટી લેવો પડ્યો. તેણે નક્કી કર્યું કે હવે હું ક્યાંક જોબ શોધી લઈશ. નોકરી માટે તેણે ખૂબ મહેનત કરી. નોકરીમાં પણ ક્યાંય મેળ પડતો ન હતો. એક દિવસ એ પત્ની સાથે બેઠો હતો. પત્નીએ કહ્યું કે, ચાલ્યા રાખે. હમણાં તારો ખરાબ સમય ચાલે છે. પતિએ એનો હાથ પકડીને કહ્યું કે, તું મારી સાથે છે તો મારો સમય સારો જ છે. કામ તો મળી જશે, નહીં મળે તો કંઈક બીજું કરી લેશું. તું છે મારી સાથે પછી બીજું શું જોઈએ? આવી જ એક બીજી ઘટનામાં પતિની જોબ ચાલી ગઈ હતી. પતિ ડિસ્ટર્બ રહેતો હતો. પત્નીને એની ચિંતા થતી હતી. પત્નીને ડર લાગતો હતો કે ક્યાંક આ ડિપ્રેશનમાં સરી ન પડે! એક દિવસ પત્નીએ કહ્યું કે, મેં થોડોક હિસાબકિતાબ કર્યો છે એ તને સમજાવવો છે. પતિએ કહ્યું, બોલ ને! પત્નીએ વાત માંડી. તારો દર મહિને પગાર આટલો હતો. તેમાંથી આટલા રૂપિયામાં આપણું ઘર ચાલતું હતું. પતિ કહે, ખબર છે, તો? પત્નીએ કહ્યું કે, આપણી પાસે જે બેન્ક બેલેન્સ છે, જે દાગીના છે એનું મેં ટોટલ માર્યું છે. એ બધાનો જે સરવાળો થાય છે એમાં આપણાં બે વર્ષ આરામથી નીકળી જવાનાં છે. મારે તને એટલું જ કહેવું છે કે, બે વર્ષ સુધી નયા ભારની ચિંતા ન કરતો. હવે બીજી વાત, મને તારા પર શ્રદ્ધા છે કે થોડાક સમયમાં કામ મળી જ જશે! તારી જાતને નબળી પડવા ન દેતો! રૂપિયા ગુમાવવા પડે તેનો કોઈ વાંધો નથી, તારા આત્મવિશ્વાસને ડગવા ન દેતો! હું તારી સાથે છું! બહુ વિચારો ન કર. કામ નથી, જિંદગી નથી અટકી ગઈ. જિંદગી જીવવાનું ન છોડ! આ વાત સાંભળીને પતિએ એટલું જ કહ્યું કે, તેં તો મારી તાકાત વધારી દીધી.

આપણી વ્યક્તિ આપણી સામે જ જો ધીમે ધીમે નબળી પડતી હોય, ડિપ્રેશનમાં જતી હોય તો એનું કારણ માત્ર એની નિષ્ફળતા હોતું નથી, આપણી નિષ્ફળતા પણ હોય છે. આપણે બધામાં સફળતા અને નિષ્ફળતાની વાતો અને ચિંતા કરતા હોઈએ છીએ, સંબંધોની સફળતા કે નિષ્ફળતા વિશે કેટલું વિચારીએ છીએ? એક વાત યાદ રાખજો, જો તમારા સંબંધોની સફળતા સલામત હશે ને તો દુનિયાની બીજી કોઈ નિષ્ફળતા તમને ડરાવી કે થકાવી નહીં શકે. નિષ્ફળતાથી એ જ માણસ હારી જતો હોય છે જેના સંબંધો સાર્થક અને સજીવન નથી! તમને પ્રેમ કરનારાઓને પ્રેમ કરતા રહો, સમયને તમારી ફેવરમાં રહ્યા વગર કોઈ છૂટકો જ નથી!

છેલ્લો સીન : સમય તો સંતાકૂકડી રમતો જ રહેવાનો છે. આપણે બસ, પકડાઈ ન જવાય એનું જ ધ્યાન રાખવાનું હોય છે!- કેયુ

[email protected]

X
article by krishnakant undakat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી