કૃષ્ણકાંત ઉનડકટ / નજીકના લોકોને દિલથી હગ કરો, બહુ સારું ફીલ થશે!

article by krishnakant undakat

દૂરબીન

Jan 20, 2019, 12:05 AM IST

માણસની માણસ પ્રત્યેની આત્મીયતા બતાવવાની રીતો કેટલી છે? ઘણી બધી! દરેક દેશની અને દરેક સમાજની રીતો જુદી જુદી છે. આપણામાં પગે લાગવાની રીતને આદર આપવાની સર્વોત્તમ સિસ્ટમ કહે છે. કોઈ મળે ત્યારે આપણે શેક હેન્ડ કરીએ છીએ. હાથ મેળવતી વખતે કેટલી હાશ થતી હોય છે? કિસને પણ આદરનું ઉમદા પ્રતીક ગણવામાં આવે છે. કોઈ નમસ્કાર કરે છે. ક્યાંક ઝૂકીને આદર આપવામાં આવે છે.

અમુક દેશમાં હગ કરવાની, આલિંગન આપવાની અથવા તો બાથ ભરીને મળવાની પરંપરા છે. હગ માત્ર બે શરીરનો સ્પર્શ નથી, બે આત્માનું મિલન છે. પોતાની નજીકની વ્યક્તિને આલિંગન આપીએ ત્યારે એક ગજબ પ્રકારની તૃપ્તિનો અહેસાસ થાય છે. આપણે બધાને હગ કરતા નથી, પણ અમુક સંબંધો એવા હોય છે જે આલિંગન વગર અધૂરા લાગે છે.

  • કાલે હગિંગ ડે છે. સાચું આલિંગન એ છે જેમાં બે શરીર નહીં, પણ બે દિલના સ્પર્શનો અહેસાસ થાય, આંખોમાં થોડોક ભેજ બાઝે અને જિંદગી થોડીક હળવી લાગે

આવતી કાલે એટલે કે 21મી જાન્યુઆરીએ હગિંગ ડે છે. વેલેન્ટાઇન્સ વીકમાં પણ એક દિવસ હગ ડે તરીકે ઊજવાય છે. જોકે, આ હગિંગ ડે જુદો છે. આમ તો આ દિવસ અમેરિકાની દેન છે. આપણને ભલે એવું લાગતું હોય કે અમેરિકા ફોરવર્ડ દેશ છે, પણ ત્યાંયે લોકો હગ કરીને ખુલ્લા દિલે મળતા નથી. લોકો વચ્ચે આત્મીયતા વધે એ માટે કેવિન ઝોર્બી નામની વ્યક્તિએ 1986માં અમેરિકાના મિશિગન સ્ટેટના ક્લીઓથી હગિંગ ડે ઊજવવાની શરૂઆત કરી હતી.

જોતજોતામાં તો આ દિવસ આખી દુનિયામાં પોપ્યુલર થઈ ગયો. અમુક દેશો તો આ દિવસે રજા પણ પાળે છે. એનું કારણ એક જ છે કે, હગ કરવાના અઢળક ફાયદા છે. એવા ઢગલાબંધ સર્વે અને રિસર્ચ થયા છે જે સાબિત કરે છે કે સુખી જિંદગી અને સારા સ્વાસ્થ્ય માટે હગ કરવું ફાયદાકારક છે. હગને ફક્ત એક છોકરા અને છોકરીનાં આલિંગનથી જ જોવાનું નથી. અલબત્ત, એ પણ મહત્ત્વનું તો છે જ. જે પતિ-પત્ની કામ પર જતી વખતે એકબીજાને હગ કરે છે તેનું દાંપત્ય જીવન ઉમદા રહે છે.

આપણા સમાજમાં એવું પણ જોવા મળે છે કે પતિ-પત્નીને હગ કરવાની ઇચ્છા હોય તો પણ એ કરી શકતા નથી. વડીલો કદાચ એવું પણ બોલે કે, આ શું વેવલાવેળા માંડ્યા છે? પ્રેમ તો જાણે તમે જ કરો છો! હગ કરવામાં મર્યાદાઓનો જરાયે ભંગ થતો નથી. એક અભ્યાસ તો એવું પણ કહે છે કે જે પતિ-પત્ની રેગ્યુલરલી હગ કરતાં હોય છે એનાં બાળકોનું દાંપત્યજીવન પણ સારું થાય છે. પોતાના લાઇફ પાર્ટનર સાથે કેવી રીતે રહેવાય એ પણ બાળકો જોતાં હોય છે.

બાળક માટે તો માતા અને પિતા સાથેનું આલિંગન આશીર્વાદરૂપ છે. ‘બ્રાઇટર બેબી’ નામનું પુસ્તક લખનાર રિસર્ચર જે ગોરડોન લખે છે કે, માતાનું આલિંગન બાળકને સ્માર્ટ અને સંવેદનશીલ બનાવે છે. તેના પરનો અભ્યાસ એવું છતું કરે છે કે, જે બાળકને તેની માતા પોતાનાથી દૂર રાખતી હતી તે નબળાં હતાં. બાળકને માતાનું દૂધ, ખોરાક અને પાણીની જેટલી જરૂર હોય છે એટલી જ આવશ્યકતા માતા અને પિતાના હગની હોય છે.

આપણે ત્યાં બાળક મોટું થઈ જાય પછી તેને ગળે વળગાડવાનું ઘટી જાય છે. તમે છેલ્લે ક્યારે તમારા ફાધર કે મધરને હગ કર્યું હતું? ઘણાં સંતાનો મા-બાપ પ્રત્યેનો પોતાનો પ્રેમ બોલીને વ્યક્ત કરી શકતાં નથી. એ લોકો જો હગ કરતાં હોય તો બંનેની ઉષ્મા જ પૂરતી થઈ જાય છે. સિબલિંગ્સમાં પણ હગ કરવાની આદત એકબીજાની લાગણીમાં ઓટ આવવા દેતી નથી. આપણે ત્યાં ઘણા પરિવારોમાં હગ કરીને મળવાનો રિવાજ હોય છે. હગ ન કરે ત્યાં સુધી કંઈક અધૂરું હોય એવું જ લાગે છે. માણસ હગ કરે ત્યારે ઘણી બધી નારાજગી દૂર થઈ જાય છે.

  • હળવાશ વગરનું હગ એ અનાદર છે! એરપોર્ટ કે રેલવે સ્ટેશને જુદા પડતા કે મળતા લોકોના હગમાં વેદના અને સંવેદના એકસાથે ઊમટે છે

હગ કરવાથી શરીરમાં ઓક્સિટોસિન કેમિકલનો સ્ત્રાવ થાય છે. તેનાથી સુખની અનુભૂતિ થાય છે. સ્ટ્રેસ દૂર થાય છે. હગના પણ પ્રકાર પાડવામાં આવે છે. અમુક દેશોમાં પાછળથી હગ કરવામાં આવે છે, એનો અર્થ એ થાય છે કે હું દરેક સંજોગોમાં તારી સાથે છે. આત્મીયતા બતાવવા પણ સર્ટેઇન ડિસ્ટન્સ રાખવા માટે ચિગ હગ કરવામાં આવે છે. સાઇડ ટુ સાઇડ હગમાં માત્ર ખભે કે કમરે હાથ રાખીને આત્મીયતા વ્યક્ત કરવામાં આવે છે. ટાઇટ હગમાં ઇન્ટિમેટ રિલેશન રિફ્લેક્ટ થાય છે.

બીમાર સ્વજનને મળતી વખતે તો હગ કરવાની સલાહ આપવામાં આવે છે. એનાથી બીમાર વ્યક્તિ જલદી સાજી થાય છે. હગ કરવામાં સમયની અવધિ વિશે પણ બહુ ચર્ચાઓ થાય છે. જનરલી 15થી 21 સેકન્ડનું હગ હોય છે. જોકે, પછી તો એ એના પર આધાર રાખે છે કે, એ વ્યક્તિ કેટલી નજીકની છે અને કેટલા સમય પછી એકબીજાને મળે છે. એરપાર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આલિંગનનાં અદ્્ભુત દૃશ્યો સર્જાતાં હોય છે. કોઈ જુદું પડતું હોય અને કોઈ મળતું હોય ત્યારે વિરહ અને મિલનને વાચા ફૂટતી હોય છે. આંખો પણ ઘણું બધું બયાન કરતી હોય છે.


આ બધા વચ્ચે એક વાત એ પણ છે કે, મન ન હોય તો હગ ન કરવું. હવે લોકો હગના પણ નાટક કરવા માંડ્યા છે. કોઈ પ્રકારની લાગણી ન હોય, એકબીજાને પાડી દેવામાં કંઈ બાકી ન રાખતા હોય એવા લોકો ઘણી વખત એવી રીતે મળતા હોય છે જાણે આપણી સાથે ભવભવના સંબંધો હોય. તમારું હગ કેવું છે અને એની પાછળની દાનત કેવી છે એ હગ મેળવનારને વર્તાઈ જતી હોય છે.

જે હગ સુકૂન ન આપે, જે હગ દિલમાં જરાયે સ્પંદનો ન જગાવે અને જે હગથી જરાયે હળવાશ ન લાગે એ હગ એક પ્રકારની છેતરપિંડી જ હોય છે. સાત્ત્વિક હગ હંમેશાં સરળ, સહજ અને શાતા આપનારું હોય છે. બાય ધ વે, તમે તમને જે વહાલા છે એને કેવી રીતે મળો છો? દિલથી હગ કરજો, એમાં ગજબની તાકાત છે. સ્પર્શની ભાષા બહુ બોલકી હોય છે!


પેશ-એ-ખિદમત
કરાર દિલ કો સદા જિસકે નામ સે આયા,
વો આયા ભી તો કિસી ઔર કામ સે આયા,
મૈં ખાલી હાથ હી જા પહુંચા ઉસકી મહફિલ મેં,
મેરા રકીબ બડે ઇંતિજામ સે આયા.
- જમાલ એહસાની
(રકીબ=પ્રેમીનો પ્રેમી/હરીફ)

(તસવીર પ્રતીકાત્મક છે)
[email protected]

X
article by krishnakant undakat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી