પ્રેમ જ મને સૌથી વધુ વેદના આપે છે

article by krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ

Sep 19, 2018, 03:37 PM IST

એક રાજા હતો એક રાણી હતી, એ તો તારી અને મારી કહાણી હતી,
માત્ર એના અનુભવ થયા સૌ નવા, પ્રીત તો એની સાથે પુરાણી હતી.
- બરકત વિરાણી ‘બેફામ’

પ્રેમ એક અલૌકિક અનુભૂતિ છે. પ્રેમની વ્યાખ્યા ન થઈ શકે. પ્રેમ કોઈ પણ વ્યાખ્યાથી ક્યાંય વધુ અદ્્ભુત હોય છે. પ્રેમ ખુલ્લી આંખે જીવાતું એક એવું સપનું છે જે રાતે આપણને સૂવા નથી દેતું. પ્રેમ આંખોમાં ઉજાગરા આંજે છે. પ્રેમ હૃદયમાં ધબકારા સાથે સંગીત સર્જે છે. પ્રેમ આંખોમાં ક્યારેક ભેજ બનીને ઝળકે છે. પ્રેમ શરીરના રુવાંટે રુવાંટે ખીલે છે. પ્રેમમાં એક નશો હોય છે. પ્રેમમાં માણસ મદહોશ થઈ જાય છે. પોતાની વ્યક્તિ જ્યારે સાથે હોય ત્યારે આખું જગત રળિયામણું લાગે છે. પ્રેમમાં હોઈએ ત્યારે બધું જ આહ્્લાદક લાગે છે, કારણ કે આપણે જગતને અંદરથી જીવતા હોઈએ છીએ. બહારના વાતાવરણ કરતાં અંદરનું અસ્તિત્વ એટલું સ્ટ્રોંગ બની જાય છે કે બધું પવિત્ર લાગે છે. જીવવાની સૌથી વધુ મજા માણસ પ્રેમમાં હોય ત્યારે જ માણતો હોય છે. સમયનું ભાન ન રહે, ભૂખની પરવા ન હોય, કંઈ જ મેળવવાનું બાકી ન હોય અને આપણે પરમ તત્ત્વની નજીક હોઈએ એવો અહેસાસ માત્ર ને માત્ર પ્રેમમાં જ થઈ શકે.


‘તારો હાથ જ્યારે મારા હાથમાં હોય છે ત્યારે એવું લાગે છે જાણે સમગ્ર અસ્તિત્વ મારી મુઠ્ઠીમાં છે. મારા હાથની રેખાઓ જ્યારે તારા હાથની રેખાઓને સ્પર્શે છે ત્યારે આપણી તકદીર પણ જાણે એક બની જાય છે. મારી હસ્તરેખા તારામાં ઓગળી જાય છે અને તારા હાથની રેખાઓ મારું આયખું બની જાય છે. હથેળીમાં થોડીક ભીનાશ વર્તાય છે અને આખેઆખા લથબથ થઈ જવાય છે. ટેરવાંને જાણે મુલાયમ પાંખડીઓ લાગી જાય છે અને દરેક સ્પર્શ મખમલી બની જાય છે. તારી નજર સાથે નજર મળે ત્યારે નજરિયો પણ નાજુક બની જાય છે. શ્વાસમાં સ્નેહની સુગંધ ઉમેરાઈ જાય છે. એવું લાગે છે જાણે બધું જ પામી લીધું. તારી સાથેનો સંવાદ પ્રાર્થના જેવો લાગે છે. તારો અવાજ આરતીના મધુર ઘંટારવ જેવો લાગે છે.

તમારી વ્યક્તિ કેવી છે? એ તમારી કલ્પના મુજબની હોવાની જ નહીં, કારણ કે એ એના જેવી જ હોય છે

તું હસે છે તો એવું લાગે છે કે જાણે ખળખળ ઝરણું વહે છે. તારું સાંનિધ્ય હોય ત્યારે તું જ સાક્ષાત્ સમગ્ર પ્રકૃતિનું સ્વરૂપ બની જાય છે. સૌંદર્યની સોળેસોળ કળા સજીવન થઈ જાય છે. એવું થાય છે કે બસ એક તું મળી જાય તો બીજું કંઈ જ નથી જોઈતું. મારા સુખનું કારણ જ તું છે. ઈશ્વરને જો કોઈ એક ઇચ્છા પૂરી કરવાનું કહે તો તને માગી લઉં. તારા સિવાય કોઈ જ ઇચ્છા કે કોઈ કામના નથી. તું હોય તો બધું જ સાર્થક લાગે છે, બધાં જ સપનાં સાકાર લાગે છે, સુખનો કોઈ આકાર હોય તો એ તારો આકાર જ છે.’ પ્રેમમાં હોય ત્યારે માણસ થોડોક કવિ અને થોડોક ફિલોસોફર બની જાય છે. માત્ર પ્રેમ જ એવું તત્ત્વ છે જ્યારે માણસને બધું જ ઉત્તમ, શ્રેષ્ઠ અને જીવવા જેવું લાગે. આપણે પ્રકૃતિનો અંશ છીએ. પ્રેમ એવું વાતાવરણ છે જ્યારે આપણી પ્રકૃતિ સોળએ કલાએ ખીલે છે.


પ્રેમ સૌથી વધુ સુખ આપે છે. એ જ પ્રેમ સૌથી વધુ દુ:ખ, પીડા, વેદના, દર્દ અને ઉદાસી આપે છે. જે તીવ્ર હોય એની તીવ્રતા જ વધુ હોવાની. મિલન જેટલું ઉત્કૃષ્ટ હોય એટલો જ વિરહ વેદનામય રહેવાનો. પ્રેમમાં દુ:ખ પણ સૌથી વધુ આપવાની તાકાત હોય છે. પ્રેમને આપણે આપણું અસ્તિત્વ બનાવી લીધું હોય છે. આ અસ્તિત્વમાં નાની સરખી તિરાડ પડે તો પણ એ કારમી લાગે છે. એક નાનો અમથો ઘસરકો પણ ઊંડો આઘાત આપે છે. દિલની નાજુક રગોમાં એક તરફડાટ થાય છે. કંઈક તૂટતું હોય એવું લાગે છે, કંઈક છૂટતું હોય એવું લાગે છે. પ્રેમ જરાકેય ઝાંખો થાય ત્યારે અંધારું લાગવા માંડે છે. પ્રેમમાં નશો હોય છે, પણ દુનિયાનો કોઈ નશો ક્યારેય એકસરખો રહેતો નથી. એ ચડતો અને ઊતરતો રહે છે. પ્રેમમાં નાનું અમથું કંઈ થાય તો પણ સહન થતું નથી. પ્રેમમાં જરાયે ઓટ આવે તો એવું લાગે છે જાણે અસ્તિત્વ ઉપર પાનખર બેસી ગઈ છે. એવો વિચાર આવે છે કે અમારા પ્રેમને કોની નજર લાગી ગઈ?


પ્રેમી દ્વારા જાણે-અજાણે થોડીક અવગણના કે થોડીક બેદરકારી થાય તો લાગે છે કે હવે એને મારી પડી નથી. હવે એનું દિલ મારાથી ભરાઈ ગયું છે. એને હવે પહેલાં જેવો પ્રેમ નથી. પહેલાં તું આવો નહોતો કે પહેલાં તું આવી ન હતી. મેસેજનો જવાબ ન મળે તો પણ આઘાત લાગે છે. થોડીક વાર કંઈ કમ્યુનિકેશન ન થાય તો જાણે બધું જ ‘બ્લોક’ થઈ ગયું હોય એવું લાગે છે. તું બોલવાનું બંધ કરે પછી તું બ્લોક કરે કે ન કરે, બધું ચૂપ થઈ ગયું હોય એવું લાગે છે. તું બ્લોક કરી દે પછી ટાઇપ કરેલો મેસેજ તને પહોંચતો નથી, પણ દિલમાં લખાઈ જાય છે એનું શું?

મોબાઇલમાંથી જેટલી આસાનીથી બધું ડિલીટ કરી દેવાય છે એટલી સહેલાઈથી દિલમાં કોતરાયેલું હોય એ ડિલીટ થતું નથી. શબ્દો ડિલીટ થાય, સંવેદનાને કેવી રીતે ડિલીટ કરવી? તસવીરો ડિલીટ થાય, પણ સ્મરણોને કેવી રીતે ડિલીટ કરવાં? દિલમાં રિસાઇકલબિન હોતું નથી, કંઈ જ કાયમ માટે ડિલીટ નથી થતું, ક્યાંક સચવાયેલું હોય છે, જોવું નથી હોતું, પણ આંખોની સ્ક્રીન ઉપર અચાનક ઝબકી જાય છે. એક વખત સર્ચ કર્યું હોય એ જેમ પાછું સામે આવી જાય છે એમ તારી સાથેની બધી જ યાદો તાજી થતી રહે છે. કાશ, જિંદગીના અમુક સમયને ‘ફોર્મેટ’ કરી શકાતો હોત! દિલ હાર્ડ નથી સોફ્ટ છે એટલે જ દિલમાંથી કંઈ ભૂંસાતું નથી. હાર્ડ હિસ્ક હોય તો ડિલીટ મારી દઉં, પણ હાર્ટ ડિસ્કમાં કોતરાયેલું બધું એવું ને એવું જ રહે છે. ક્યારેક એને ઢાંકી દઉં છું, પણ તારી યાદોની હવા એવી ચાલે છે કે ઢાંકેલી ચાદર પણ ઊડી જાય છે અને બધું પાછું જીવતું થઈ જાય છે.


પ્રેમ ઓસરે છે ત્યારે આયખું અંધકાર ઓઢે છે. પ્રેમના અંધકારની કાળાશ વધુ તીવ્ર હોય છે. બ્લેક બ્લેક હોય છે, પણ પ્રેમનો બ્લેક ડાર્ક બ્લેક બની જાય છે. એવું કાળું જ્યાં કંઈ જ ન દેખાય. કંઈ જ ન સૂઝે. ન કોઈ દિશા સૂઝે, ન કોઈ રસ્તો મળે. આગિયા જેટલું અજવાળું પણ રહેતું નથી. આગિયાનું અસ્તિત્વ પણ ત્યારે અંધકારમાં ઓગળી ગયું હોય છે. ચાલવું હોય છે, પણ પગ સાથ નથી આપતા, શ્વાસ અવરોધતો હોય ત્યારે અસ્તિત્વ ખોડંગાતું હોય છે. જીવતા હોઈએ, પણ કંઈ જીવવા જેવું લાગતું નથી. જમતા હોઈએ પણ સ્વાદ સંતાઈ ગયો હોય છે. બોલતા હોઈએ છીએ, પણ અવાજ ખરડાતો હોય છે. એક છોકરી ફિલોસોફર પાસે ગઈ. તેણે કહ્યું કે જે સુખ આપતું હતું એ જ હવે સંતાપ આપે છે. મારો પ્રેમ જ મને સૌથી વધુ વેદના આપે છે.


ફિલોસોફરે કહ્યું કે, પ્રેમમાં હોઈએ ત્યારે આપણે માત્ર ને માત્ર દિલથી વિચારતાં હોઈએ છીએ. દિમાગથી વિચારવાનું શરૂ થાય ત્યારે દિલની અસર ધીમે ધીમે ઓછી થાય છે. કોઈ માણસ ક્યારેય માત્ર ને માત્ર દિલથી કે ફક્ત ને ફક્ત દિમાગથી ન વિચારી શકે. વિચાર પણ ક્યારેક દિલમાંથી ગળાઈને આવે છે અને ક્યારેક દિમાગમાંથી ચળાઈને આવે છે. એટલે જ તો આપણા મનમાં દ્વંદ્વ ચાલતું રહે છે. સંબંધમાં માણસે ન તો સંપૂર્ણપણે દિલ ઉપર આધાર રાખવો જોઈએ અને ન તો માત્ર દિમાગ જ ચલાવવાનું હોય છે. માણસે તટસ્થ રહી, બેલેન્સ જાળવીને વિચારવું પડે છે.

તમારી વ્યક્તિ કેવી છે? એ તમારી કલ્પના મુજબની હોવાની જ નહીં, કારણ કે એ એના જેવી જ હોય છે. આપણે પણ ક્યાં આપણી વ્યક્તિની કલ્પના જેવા હોઈએ છીએ? આપણે પણ સરવાળે તો આપણા જેવા જ હોઈએ છીએ.

કોઈ વ્યક્તિ ક્યારેય એકસરખી રહેતી નથી. દિલથી વિચાર્યું હોય ત્યારે આપણને આપણી વ્યક્તિનું બધું જ સારું લાગે છે. દિમાગથી વિચારીએ એટલે એક પછી એક ખામીઓ બહાર આવવા માંડે છે. આપણને આપણી વ્યક્તિમાંથી છેલ્લે તો એ જ મળતું હોય છે જે આપણે આપણી વ્યક્તિમાં શોધતાં હોઈએ છીએ. તમે તમારી વ્યક્તિને જેવી છે એવી સ્વીકારો તો વાંધો આવતો નથી. એક ભાઈ એના બોસના ઘરે ગયા. બોસે પત્ની પાસે પાણી મંગાવ્યું. પત્ની તાડૂકી, હું કંઈ નવરી છું? મારે બીજું કામ નથી? તમારા ગેસ્ટની સરભરા જ મારે કરવાની છે? પાણી આપવું હોય તો જાતે લઈ લો, હું નથી આપવાની. બોસ કંઈ બોલ્યા નહીં, ઊભા થઈને પાણી લાવ્યા અને ગેસ્ટને આપ્યું. બોસે તેના સાથીને કહ્યું કે તને એવું થયું ને કે જો તો આની વાઇફ કેવી કર્કશા છે! કેવી રીતે વાત કરે છે! પણ તું જરાયે આશ્ચર્ય ન પામતો કે તેના વિશે કંઈ માની ન લેતો. એ એવી જ છે. મને તેના આ વર્તનથી કોઈ આશ્ચર્ય થતું નથી, કારણ કે મને ખબર જ છે કે એ એવી છે. આપણને ખબર હોય કે મારી વ્યક્તિ કેવી છે એ પછી આપણે એને જેવી છે એવી જ સ્વીકારવાની હોય છે. એ મારી પત્ની છે, મેં પત્ની આગળ મારી શબ્દ વાપર્યો, એ જ કહે છે કે જેવી છે એવી મારી છે.


તમારી વ્યક્તિ કેવી છે? એ તમારી કલ્પના મુજબની હોવાની જ નહીં, કારણ કે એ એના જેવી જ હોય છે. આપણે પણ ક્યાં આપણી વ્યક્તિની કલ્પના જેવા હોઈએ છીએ? આપણે પણ સરવાળે તો આપણા જેવા જ હોઈએ છીએ. તમે કોઈને ધરાર કે જબરદસ્તીથી બદલાવી ન શકો, પ્રેમથી બદલાવી શકો. એ પણ એને બદલાવું હોય તો જ. સંપૂર્ણ કંઈ જ નથી હોતું, માણસ તો ક્યારેય સંપૂર્ણ હોઈ જ ન શકે. પ્રેમને પામવો હોય તો પ્રેમને માપવાનો પ્રયાસ ન કરો. એક પ્રેમીએ પ્રેમના પ્રસ્તાવમાં કહ્યું કે, તારી દરેક ખામીઓ મને મંજૂર છે, તારી દરેક મર્યાદાઓનો મને સ્વીકાર છે, એટલા માટે કે મારામાં પણ ખામીઓ અને મર્યાદાઓ છે. હું તને તું જેવી છે એવી જ ઇચ્છું છું, તું મને જેવો છું એવો સ્વીકારીશ? આપણે એકબીજાને સમજવાનો ઓછો પ્રયાસ કરીશું અને પ્રેમ કરવાનો વધુ પ્રયાસ કરીશું. સમજવા જ જઈશું તો ઘણું બધું ન સમજાય એવું પણ દેખાશે, જો પ્રેમ જ કરીશું તો બધું પ્રેમ કરવા જેવું જ લાગશે.


છેલ્લો સીન : પ્રેમમાં જ્યારે ગણતરીઓ શરૂ થાય છે ત્યારે સરવાળા ખોટા જ પડે છે. દિલની વાત હોય ત્યાં ગણિતના નિયમો લાગતા નથી. પોતાનામાંથી બાદ થઈ પોતાની વ્યક્તિમાં ઉમેરાવું એ સરવાળો નહીં, પણ પ્રેમનો ગુણાકાર કરે છે.- કેયુ[email protected]

X
article by krishnakant unadkat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી