દૂરબીન / ‘ધ ઇનકમ્પલીટ મેન’ : એક દીકરાને બાપની આત્મકથાથી ડર લાગે છે!

article by krishnakant unadakat

કૃષ્ણકાંત ઉનડકટ

Dec 23, 2018, 12:05 AM IST

‘રેમન્ડ’ની ટેગલાઇન છે, ‘ધ કમ્પલીટ મેન’. ‘રેમન્ડ’ના સ્થાપક વિજયપત સિંઘાનિયાની આત્મકથાનું નામ છે, ‘ધ ઇનકમ્પલીટ મેન’. આ આત્મકથા પ્રસિદ્ધ થાય એ પહેલાં જ અદાલતમાં એવી અરજી કરવામાં આવી કે આત્મકથા પબ્લિશ કરવા દેવામાં ન આવે! તેમાં માનહાનિ થાય તેવી વાતો હોઇ શકે છે! એક સમયે જાહોજલાલીમાં આળોટતા વિજયપત સિંઘાનિયાને તેના દીકરા ગૌતમ સિંઘાનિયાએ ઘરમાંથી કાઢી મૂક્યા છે એવા સમાચાર બહાર આવ્યા ત્યારે આખા દેશે આઘાતનો આંચકો અનુભવ્યો હતો.

દેશના અગ્રણી ઉદ્યોગપતિ વિજયપત સિંઘાનિયાએ જ્યારે કહ્યું કે, દીકરાએ મને પાઈ પાઈનો મોહતાજ કરી દીધો છે ત્યારે આખા દેશે આંચકો અનુભવ્યો હતો

આલીશાન બંગલામાં રહેનારા અને સાહ્યબી જેનાં ચરણોમાં આળોટતી હતી એવા 79 વર્ષના વિજયપત સિંઘાનિયા આજે ભાડાના નાનકડા મકાનમાં રહે છે. પોતાનું પ્રાઇવેટ જેટ જાતે ઉડાડીને ફરવાના ગાંડા શોખીન વિજયપત પાસેથી દીકરાએ કાર પણ રહેવા દીધી નથી. ફેબ્રુઆરી-2015માં વિજયપત સિંઘાનિયાએ રેમન્ડનો પોતાનો સ્ટેક દીકરા ગૌતમના નામે કરી દીધો હતો. જે શેર દીકરાને ટ્રાન્સફર કર્યા હતા તેની કિંમત રૂપિયા એક હજાર કરોડથી વધુ થતી હતી.


‘તમારાં સંતાનોને પ્રેમ કરો પણ આંખો મીંચીને નહીં’, આવી વાત વિજયપત સિંઘાનિયાએ અનેક વખત જાહેરમાં કરી છે. વિજયપતની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી રહે છે. યુ ટ્યૂબ પર આ ક્લિપ બહુ જોવાય છે. વિજયપત સિંઘાનિયાએ તેના દીકરા ગૌતમ સામે કેસ કરીને તેના આલીશાન જેકે હાઉસમાં પોતાના હિસ્સાનો ડુપ્લેક્ષ ફ્લેટ આપવાની માંગણી કરી છે. તેણે કહ્યું છે કે, જ્યારે જેકે હાઉસ બનાવવામાં આવ્યું ત્યારે એક ડુપ્લેક્ષ મને આપવાનું નક્કી થયું હતું. વિજયપત સિંઘાનિયાની લાઇફ સ્ટાઇલ દુનિયાના માલેતુજારોને આંટી દે તેવી હતી.

એ પછી તેની જિંદગીમાં એક ગજબનો ટર્ન આવ્યો અને તે રૂપિયે રૂપિયાના મોહતાજ થઇ ગયા. ઘરનો ઝઘડો અદાલતના આંગણા સુધી તો ક્યારનો પહોંચી ગયો છે. ગૌતમ સિંઘાનિયાને ભય છે કે પિતા પોતાની આત્મકથામાં બધી વાત ડિટેઇલમાં લખશે તો પોતાની આબરૂ જશે અને રેમન્ડ બ્રાન્ડને અસર પહોંચશે. અદાલતે આત્મકથા પર સ્ટે આપવાની વાતને ફગાવી દીધી છે. આપણા દેશના બંધારણમાં પોતાના વિચારો વ્યક્ત કરવાનો મૂળભૂત અધિકાર છે. તમે કોઇને પોતાના વિચારો રજૂ કરતા રોકી શકો નહીં. વિજયપત સિંઘાનિયાની સક્સેસ સ્ટોરી કાબિલેદાદ છે. તેણે જે રીતે કંપનીને ઊભી કરી અને આગળ ધપાવી તે કોઇપણ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ માટે પ્રેરણાદાયી છે. જોકે વિજયપત સિંઘાનિયા પરિવારના મામલે ક્યાંક થાપ ખાઇ ગયા અથવા તો તેમને થાપ ખવડાવી દેવામાં આવી.

પિતા વિજયપત સિંઘાનિયાની આત્મકથા ‘ધ ઇનકમ્પલીટ મેન’ પ્રસિદ્ધ કરવા સામે મનાઈહુકમ મેળવવાનો ગૌતમ સિંઘાનિયાનો પ્રયાસ નિષ્ફળ ગયો!

વિજયપત સિંઘાનિયાએ પોતાનું સત્ય જાહેર કર્યું છે અને બાકી હશે તે આત્મકથામાં કહેશે. બધો જ વાંક ગૌતમ સિંઘાનિયાનો જ હશે એવું માની લેવાનું કોઇ કારણ નથી. તેનું પણ પોતાનું સત્ય હશે. પિતાએ કરેલા કેસ અંગે ગૌતમ સિંઘાનિયાએ જે વાત કરી એ પણ જાણવા જેવી છે. તેમણે કહ્યું કે, જે સમયની સાથે બદલતા નથી એ રાખમાં મળી જાય છે. જડ જેવા વૃક્ષ કાં તો જમીનદોસ્ત થાય છે અથવા તો એને કાપી નાખવામાં આવે છે. એક કંપનીના વડા તરીકે મારા શેર હોલ્ડર્સ પ્રત્યેની મારી જવાબદારી અને એક દીકરા તરીકે મારા પિતા તરફની મારી જવાબદારી જુદી જુદી છે.

મેં એક દીકરા તરીકેની જવાબદારી અદા કરવાના તમામ પ્રયાસો કર્યા હતા પણ પિતા તેમની જીદને વળગી રહ્યા હતા. મેં રેમન્ડ કંપનીને 20-25 વર્ષ સુધી કોઇ જ તકલીફ ન થાય એ કક્ષાએ મૂકી દીધી છે. પરિવારના ઝઘડાનું મૂળ ગમે તે હોય પણ એક હકીકત એ પણ છે કે, ગૌતમ સિંઘાનિયાએ રેમન્ડ બ્રાન્ડને નબળી પડવા નથી દીધી, બલકે આગળ વધારી છે. પિતા પ્રત્યેની જવાબદારીમાં એ કદાચ ઊણા ઊતર્યા હશે. આમ તો આવી બાબતોમાં પણ જજમેન્ટલ ન બનવું જોઇએ. ઘણી વખત દેખાતું હોય અથવા ચર્ચાતું હોય એ બધું સાચું નથી હોતું.


બાપ અને દીકરાના સંબંધો એક અલગ અને અલૌકિક ધરી પર જિવાતા હોય છે. પિતા માટે પુત્ર શું હોય છે? માત્ર વારસદાર કે બીજું કંઇ? દરેક પિતાની પોતાના દીકરા પાસે જુદી જુદી અપેક્ષા હોય છે. સરવાળે દરેક માણસે પોતાની પાસે જે કંઇ હોય એ દીકરા અને દીકરી માટે છોડતા જવાનું હોય છે. ગૌતમ સિંઘાનિયાએ પણ એવું જ કહ્યું હતું કે, વાત સંપત્તિની છે તો એ તો વહેલી કે મોડી મને જ આપવાની હતી. બીજું એ કરવાના પણ શું હતા?

દરેક બાપની એક ઇચ્છા તો હોય જ છે કે એનો દીકરો એનાથી સવાયો થાય. કોઇને વળી પોતાનું નામ રોશન કરે એવી પણ અપેક્ષા હોય છે. ઘણા બાપને દીકરા સાથે બનતું નથી. અમારો દીકરો અમારા કહ્યામાં નથી એવી જાહેરાતો કંઇ એમ જ તો નહીં અપાતી હોય ને? ક્યાંય એવી જાહેરાત વાંચી છે કે મારે મારા પિતા સાથે બનતું નથી? પિતા પ્રત્યે દરેક પુત્રની ફરજો હોય છે. પિતા જન્મદાતા છે. પિતા આપણને મોટા કરે છે. આપણા માટે પોતાનાથી બને એ બધું જ કરે છે. પિતા વિરુદ્ધ કંઇ બોલીયે તો સમાજ આપણને કપાતર સમજવા લાગે છે.


દરેક પિતાનું અને તમામ પુત્રનું એક સત્ય હોય છે. બંનેનાં સત્યો એકસરખાં જ હોય એવું જરૂરી નથી. બંનેનાં સત્યો જ્યારે ટકરાય ત્યારે સવાલો સર્જાય છે. દેશ અને દુનિયામાં અમુક એવી ઘટનાઓ બનતી હોય છે જે સમાજના દરેક વ્યક્તિને વિચારતા કરી મૂકે. એમાં પણ જ્યારે એ ઘટના દેશના પહેલી હરોળના ફેમિલીની હોય ત્યારે તેની અસરો પણ વર્તાતી હોય છે. આવા બનાવો પરથી ઘણા પિતા પોતાના દીકરાઓ ઉપર પણ શંકા કરવા લાગે છે. દરેક પિતાએ દીકરાના નામે બધું જ કરી દેતા પહેલાં પોતાનું વિચારવું જોઇએ એ વાતમાં ના નહીં. જોકે આપણા સમાજમાં એવા કિસ્સા વધુ છે કે, બાપ કંઇ મૂકીને જવાના ન હોય તો પણ દીકરા પિતાને સાચવે છે, માન આપે છે અને તેનું આત્મસન્માન ઘવાય નહીં તેની દરકાર રાખે છે. આખા ગામમાં ગાજનારા સિંઘાનિયા અને તેના પરિવાર જેવા બીજા પરિવારોના કિસ્સાઓની સામે ઘણી વખત ચાર દીવાલો વચ્ચે જિવાતા બાપ-દીકરાના સંબંધો વધુ શ્રેષ્ઠ અને
ઉમદા હોય છે.

[email protected]

X
article by krishnakant unadakat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી