દૂરબીન / ટેરરનું લાઇવ ટેલિકાસ્ટ : હવે ભય, ભ્રમ અને નફરત વાઇરલ થાય છે!

article by krishankant undakat

કૃષ્ણકાંત ઉનડકટ

Mar 24, 2019, 03:51 PM IST

સાયન્સ અને ટેક્નોલોજી બેધારી તલવાર જેવાં છે. તેના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ કંઈ ઓછા નથી. એક જગજાહેર તથ્ય છે કે, પોઝિટિવ હોય એના કરતાં નેગેટિવ હોય એ વધુ અસર કરે છે. છેલ્લા થોડા સમયમાં બનેલી ત્રણ ઘટનાઓ આખી દુનિયા માટે લાલબત્તી સમાન છે. સોશિયલ મીડિયા પર આજે જે રીતે દે ધનાધન બધું ચાલી રહ્યું છે તે ભવિષ્યમાં વધુ જોખમી સાબિત થાય એમ છે. કોઈ પ્રવાહ ફૂંકાય ત્યારે એને આસાનીથી કાબૂમાં લઈ શકાતો નથી. આપણે બધા ‘વેબકૂફ’ બની રહ્યા છીએ. આપણને સમજ ન પડે એ રીતે આપણી માનસિકતા પર પ્રહારો થઈ રહ્યા છે. આપણને એમ થાય કે, એનાથી મને શું ફેર પડે? મેં ક્યાં કંઈ કર્યું છે? સાચી વાત છે, છતાં આપણે જાણે અજાણે ભય, ભ્રમ અને નફરત ફેલાવવામાં નિમિત્ત બનતા હોઈએ છીએ. કૂતુહલતા ખાતર કે રમૂજમાં આપણે જે કંઈ કરીએ છીએ એની અસરો આપણને ખબર નથી હોતી. હવેનો સમય આપણે શું કરવું જોઈએ એ વિચારવા કરતાં પણ વધુ આપણે શું ન કરવું જોઈએ એ વિચારવાનો છે.

  • ન્યૂઝીલેન્ડ એટેક, પાકિસ્તાન સાથેનો તનાવ અને ઇથોપિયાની વિમાન દુર્ઘટના પછી વહેતા થયેલા વિડિયો આજના હાઇટેક જમાનાનાં સૌથી વરવાં ઉદાહરણો છે

ન્યૂઝીલેન્ડમાં બ્રેન્ટન ટેરેન્ટે કરેલા હુમલાનું ફેસબુક લાઇવ કર્યું. વિડિયો ગેમ રમતો હોય એવી રીતે એ નિર્દોષ લોકો પર ગોળીઓ વરસાવતો હતો. હેલ્પ હેલ્પ કરતી એક મહિલાને તે ગોળી મારી દે છે. મરી ગયા હોય એ લોકો પર પણ ગોળીઓ ચલાવતો હતો. તેણે ફેસબુક લાઇવ શા માટે કર્યું? તે આખી દુનિયાને પોતાનાં ક્રૂર કારસ્તાન બતાવવા માગતો હતો. તેમાં એ સફળ પણ થયો. સવાલ એ છે કે, તેને સફળ બનાવ્યો કોણે? આપણે બધાએ જ સ્તો! ફેસબુક પર તેણે લાઇવ કર્યું તેના 24 કલાકમાં 12 લાખ લોકોએ એનો વિડિયો શેર કર્યો હતો. યુટ્યૂબમાં જોનારાનો આંક કદાચ તેનાથી પણ વધુ હશે. સોશિયલ મીડિયાના સંચાલકો એ વિડિયોને વીણી વીણીને ડિલીટ કરી રહ્યા છે. જોકે, એ હવે તો બધાના મોબાઇલ સુધી પહોંચી ગયો છે. બધા ફોરવર્ડ કરી રહ્યા છે. લોકો જોઈને આઘાત અને આંચકો અનુભવે છે, પણ જુએ તો છે જ. હ્યુમન સાયકોલોજી છે કે, આપણાથી જોયા વગર રહેવાતું નથી. જોઈને વળી ફોરવર્ડ કરીએ છીએ. અરરર! એવાં ઉદ્્ગારો કાઢીએ છીએ. બસ, આપણે ફોરવર્ડ કરવાનું બંધ કરતા નથી. આપણે ક્યારેય વિચાર કરીએ છીએ કે આવું કોઈને બતાવીને હું શું સાબિત કરવા માંગું છું? વાઇરલ વિડિયો વિશે એ સમજવા જેવું છે કે, એ પાસિંગ ગેમ નથી કે આવ્યું એટલે મોકલી દેવાનું.
પાકિસ્તાન સાથે જે કંઈ બન્યું એ પછીની એક સાવ સાચી ઘટના શેર કરવાનું મન થાય છે. આપણો પાઇલટ અભિનંદન અકસ્માતે પાકિસ્તાન પહોંચી ગયો. લોકો તેને મારતા હતા એ વિડિયો વાઇરલ થયો. એક મિત્રએ કહ્યું કે, તેનો આઠ વર્ષનો દીકરો આ વિડિયો જોઈને એવું બોલ્યો કે, હું મોટો થઈને મશીનગન લઈ પાકિસ્તાનમાં ઘૂસીને બધાને પતાવી દેવાનો છું! આ બાળકની માનસિકતા ઉપર આ વિડિયોએ કેવી અસર કરી છે એનો આપણે જરાયે વિચાર કરીએ છીએ ખરા? કેવી નફરત ફેલાઈ રહી છે એનો અંદાજ આવે છે? ન્યૂઝીલેન્ડના બ્રેન્ટન ઉપર આવી જ કોઈ ઘટનાની અસર થઈ હશે? બનવા જોગ છે! દુનિયામાં ઘણા લોકો એવા છે જેનામાં લાંબી બુદ્ધિ નથી. એને વાઇરલ થવું છે. સારી રીતે જાણીતા ન થઈ શકાય એટલે એ આવી ઘટનાઓને અંજામ આપી દે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે, આપણે તો વસુધૈવ કુટુમ્બકમ્ અને સર્વે સુખીના સન્તુમાં માનનારા લોકો છીએ. નવી પેઢીમાં નફરતનાં બીજ ન રોપાઈ જાય એ જોવાની જવાબદારી પણ આપણી જ છે.

  • કલ્ચર્ડ, મેચ્યોર્ડ અને સિવિલાઇઝ્ડ સોસાયટીની વ્યાખ્યામાં એ ઉમેરવાની જરૂર છે કે, જે લોકો નક્કામું વાઇરલ નથી કરતા એવા લોકોનો સમાજ

ઇથોપિયામાં વિમાનની દુર્ઘટના થઈ. 157 લોકોનાં મોત થયાં. એ પછી ત્રણ-ચાર વિડિયો વાઇરલ થયાં. વિમાનના મુસાફરો ચીસો પાડતા હોય તેવી આ ક્લિપ્સ હતી. એમાંથી એકેય વિડિયો જે વિમાનની દુર્ઘટના થઈ તેના ન હતા. હવે એ જોઈને લોકોને શું થયું હશે? સામાન્ય માણસ વિમાનમાં બેસે ત્યારે એને ડર લાગવા માંડે કે મારી સાથે આવું કંઈક થશે તો? આપણે કેવડો મોટો ભય ફેલાવી રહ્યા છીએ?

સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ છરાથી લોકોનાં ગળાં કાપીને અથવા તો લોકોને લાઇનમાં ઊભા રાખીને ગોળીઓ મારી દેતા વિડિયો રિલીઝ કરતા હતા. આ વિડિયોએ જે ભય ફેલાવ્યો છે તે લોકોના મગજમાંથી નીકળતા વર્ષો નહીં પણ દાયકાઓ થશે. સોશિયલ મીડિયા એ પછી ફેસબુક હોય, ટ્વિટર હોય, યુટ્યૂબ હોય, વોટ્સએપ હોય કે પછી બીજું કોઈપણ હોય, આવું ન કરવા માટે લોકોને હાથ જોડીને સમજાવી રહ્યા છે, પણ લોકો છે કે આવું બધું કરતા જ રહે છે. આતંકવાદીઓ અને માથાફરેલા લોકો તો આવું કરવાના જ છે, કારણ કે એની તો દાનત જ ભય, ભ્રમ અને નફરત ફેલાવવાની છે. એ લોકોની સાયકી સમજી ગયા છે. આપણે ક્યારે એની મથરાવટીને ઓળખીશું? આપણને આ બધાના ખતરાની જાણ તો છે જ, છતાં આપણે આવું કરીએ છીએ. દરેક વ્યક્તિએ કંઈ પણ ફોરવર્ડ કરતા પહેલાં એક ક્ષણ માટે એવો વિચાર કરવો જોઈએ કે, હું આ શા માટે કરી રહ્યો છે? એ જોવાથી લોકોનાં દિલ અને દિમાગ પર કેવી અસર કરશે? હવે કલ્ચર્ડ, મેચ્યોર્ડ કે સિવિલાઇઝ્ડ પિપલની વ્યાખ્યામાં એ વાત પણ આવે છે કે જે લોકો આવું નથી કરતા એ જ સારા અને સાચા લોકો છે. સરવાળે તો આપણે જેવા હોઈએ એવા જ સમાજનું નિર્માણ થતું હોય છે. સો બી કેરફુલ.

પેશ-એ-ખિદમત
રસ્તે મેં લૂટ ગયા હૈ તો ક્યા કાફિલા તો હૈ,
યારો નએ સફર કા અભી હૌસલા તો હૈ,
યે ક્યા જરૂરી હૈ મૈં કહૂં ઔર તૂ સુને,
જો મેરા હાલ હૈ વો તુઝે ભી પતા તો હૈ.
- જમીલ મલિક

[email protected]

X
article by krishankant undakat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી