હળવાશ / મોઢુ ઘહાવવાનાં તે પૈસા આલવાનાં હોતા હસે!

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Dec 25, 2018, 12:05 AM IST

‘હાશ! તડકામ બેહીન એટલું હારુ લાગે છે ને, કે વાત ના પૂછો.’ કંકુકાકીએ ઓટલે બેસતાંવેંત હાશકારો કર્યો. બપોરે દોઢ-બે વાગ્યે બધા તડકો ખાવા ચોકઠામાં યથાસ્થાને બિરાજ્યાં. ત્યાં રેખાબેન નીકળ્યાં. ‘આય બેસ’ કહેતાં હંસામાસી ખસવા જેવી એક્શન કરતાં હલ્યાં જ હોં.

રેખાબેન નીકળ્યાં હતાં બ્યૂટી પાર્લરમાં જવા, પણ મહિલા મંડળે એમનો જે ઊધડો લઇ નાખ્યો કે એ વળતાં પગલે ઘરે પાછાં

‘ના ના. તડકે કાળા થઈ જવાય અને હું તો બ્યૂટી પાલરમાં જઉં છું.’ કહેતાં રેખાબેન ચાલવા લાગ્યાં, એટલે સવિતાકાકીએ એમનો ઊધડો લઈ લીધો, ‘અલી, ગ્વાડ્ડી થઈ ગઈ છે કે શું? પાલરમાં તે જવાતું હશે કોઈ દહાડો!’ ‘જવું પડે યાર. પ્રશંગ આવ છ, તો જરા વાળ-બાળ ને મોઢાનો વહીવટ કરાઈએ. થોડા હારા લાગીએ ને યાર.’ રેખાબેને મજબૂરી જણાવી. સવિતાકાકીએ એમને, ‘અલા આમ આવો કહું છું.’

કરીને હાથ પકડીને ફરજિયાત પોતાની બાજુમાં બેસાડી દીધાં અને ધીરેથી કહે, ‘અરે! હું કેટલાયની હારે લાખ વાર જઈ આઇવી છું ને મને ઈ પાલરવાળીયુંનાં બધાં ભેદી રહસ્યોની ખબર છે. હારા લાગવા હાટુ કાંઈ આટલા ઢગલો રૂપિયાની ઘાણી કરાતી હય્શે!’ ‘હાચ્ચી વાત. પાલરવારી કરે ન એ બધી જ વશ્તુ આપ્ડા ઘેર થઈ હક. ખાલી તૈણ-ચાર શાઇજની કાતરો વસાબ્બાની, એટલે જીતી જ્યા. મૂળ તો આપ્ડે વાર જ કાપ્પા છે ને? એક મીડિયમ માપની કાતર ના હોય ઘરમાં?’

કલાકાકીએ પણ સહી કરી ખરડો પસાર કર્યો. ‘હોય જ ને. મારે ઘેર તો દૂધની કોથરી કાપ્પા એક નાની કાતરય વસાઈ જ છ મેં તો.’ હંસામાસીએ કહ્યું. કલાકાકી રેખાબેનને કહેવા લાગ્યાં, ‘બસ ત્યારે. બે કાતરો આવસ્યક છે. ઘરમાં ના હોય, તો લઈ આબ્બાની. આઈબ્રો માટે ન્હેની કાતર, માથાના વાર કાપ્પા માટે એવું લાગે, તો શે’જ મનફેર મોટ્ટી લાબ્બાની. એય જરૂર નહીં આમ તો. ઘરમાં આમ વચ્ચેના માપની કાતર તો રાખી હોય કે નંઈ?’ ‘તે હું તો કઉં છું, આઈબ્રો માટેય ખર્ચો કરીન નાની લાવવાની જરૂર નહીં.

આઈબ્રો અને આગળની લટુ કાપ્પી હોય, તો નેઇલકટરય હાલે અલ્યા. નો હાલે?’ સવિતાકાકીએ પાર્લરમાં પીએચડી એવાં કલાકાકીને પોતાનું રિસર્ચ વર્ક બતાવ્યું. ‘હાલે જ ને. આપ્ડે જો થોડી જ બુદ્ધિ ચલાઈએ ને તો પાલરમાં જવાનો વારો જ ના આવે.’ કલાકાકીએ કહ્યું. રેખાબેન થોડા અણગમા સાથે, પરાણે હકારમાં ડોકું ધુણાવતાં સહમત થયાં, પણ તેઓશ્રીને લાગતોવળગતો જ બીજો પ્રશ્ન થયો.‘આમ, તમારી વાત તો હાચી, પણ આ ફેસિયલ ને બધું કરાબ્બા તો પાલરમાં આંટો મારવો જ પડ ન.’

‘હવે ભાઈ રે’વાદોને. પાલરવારીઓ જુદાં જુદાં ક્રીમોને નામે મલાઈમાં કલરો ને ફ્રૂટોની શુગંધો નાખીન, અઘરા અંગ્રેજી નામોવારી ટ્યૂબોમાં ભરેલી પેસ્ટથી કલ્લાક-બબ્બે કલ્લાક હુધી ઘહી નાખે. એમ ડાચું ઘહાવવાના તે કાંઈ રૂપિયા દેવાતા હશે.’ સવિતાકાકીએ ફેસિયલ અંતર્ગત ભેદી રહસ્યો ખોલ્યાં. ‘હોવે. ફેસિયલને નામે નકરું ઘશ-ઘશ કર. ન પછી પન્નર મિલિટ હુધી નાસ લેવડાવે.’ કંકુકાકીએ નવી જ વાત કરી.

‘હવે ઈ તો ઘી માટે ભેગી કરેલી મલાઈમાંથી થોડી કાઢીન, તું જાતે ઘહીન, નાસ લે ન, તો એમનીમ જ તારું ડાચું લાલ થઈ જાય.’ સવિતાકાકીએ રેખાબેનને ગળે ઉતારી દીધું કે ફેસિયલ કરાવવા તો ના જ જવાય. ‘એક વાત યાદ રાખો. રૂપિયા ખર્ચીન કોઈ દહાડો ધોરું ના જ થવાય. પચ્ચા–હો ખરચતા ધોરા થવાતું હોતને, તો તો પાલરોવારી કોઈ કારી હોત જ નંઈ. તમાર ડાચું ઝગામગા ને ચકચકાટ કરવું હોયને, તો પાલરોમ દોડવાને બદલે એં (મગજની નક્કી કરેલી જગ્યા બતાવતાં કહે) સહેજ દોડાવવાની હોય.

બહુ પૈસા હોય, તો મને આલી દેજો, પણ પાલરમાં ના જ જતાં.’ રેખાબેન વળતા પગલે જતાં રહ્યાં ઘેર અને મેં નક્કી કર્યું, કે મૂંગે મોઢે જ્યાં જવું હોય ત્યાં જવું, પણ આ ટોળી સામે સુજ્ઞ શ્રોતા બની રહેવું જ હિતાવહ છે.

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી