વોટ્શેપના મેસેજનું ‘ટીણીંગ’

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Oct 23, 2018, 12:05 AM IST

‘આ...ઐં...યા! આ...ઐં...યા!’કક્કામાં આવતા સ્વરોને જ સામેલ કરતી રાડ સંભળાઇ. હું ફરીવાર બૂમ સાંભળીને એમાં ભેદી રીતે છુપાએલ વસ્તુનું નામ જાણવા જાળીએ આવી. હજી વિચારમાં હતી, કે ફિનાઇલવાળા ભાઇ છે, કે પસ્તી-ભંગારવાળા ભાઇ? ત્યાં તો ઓટલે બેઠેલા હંસામાસી મને જોઇને બૂમ પાડી, ‘જા, ખાંચામ જઇન સવિતાકાકીન બોલઇ આય. કે’જે, કે ઝાળાં-બાવા પાડવાની લાંબી સાવરણી વેચવાવાળા ભાઇ આવે છે... જલદી આવો, નકર ઓલા ખાંચામ જતા રે’સે, તો આપડે અડધો કલાક લગી રાહ જોઇને બેહી રે’વુ પડસે.

વોટ્શેેપના મેસેજના પણ ટાઇમિંગ હોય અને એના પણ નિયમો હોવા જોઇએ એવું મહિલામંડળની ચર્ચામાં નક્કી થયું

એ ખાંચાની લપ્ડીઓ બધી ધાર્યા ભાવ કરાવવા લપ મૂકસે નઇ, ને નકામી માથાફોડ કરીને આપડો ટાઇમ બગાડસે.’ ‘નવરીઓ છે બધીઓ એક નંબરની...’ કલાકાકીએ આવતાવેંત ટહુકો કર્યો. ‘અલા હાવરણીવાળો આયવો, ને કહેતાય નથી?’ રાડ સાંભળીને છેવટે સવિતાકાકી આવી જ ગયા. ત્યાં તો ચોક્ઠામા રિક્ષા આવી અને કંકુકાકી નાસ્તાની થેલી લઇને ઊતર્યાં. ગાંઠીયાનંુ પેકેટ ઉપર ડોકિયાં કરતંુ’તું. એ જોઇને ઓટલે ઊભેલા લીનાબેને કોમેન્ટ કરી, ‘આ..હા હા.. વણેલા ગાંઠીયા હારે આથેલા ખાટા લીલા મરચાં ખાધા હોય, તો બત્રીસે કોઠે દીવા થાય.’ આટલંુ બોલવંુ, ને સવિતાકાકી તૂટી પડ્યાં, ‘લીલા રંગનુ નામ નો લેશો બે દિ’ નકર ઝગડો થઇ જાસે કારણ વગર.’ એમણે વક્તવ્ય ચાલુ કર્યું.

‘કાલ યાર, જમ્બા ગયા’તા. તે વાયડીએ એટલું ભંગાર જમાડ્યા કે પેટમાં ચુંથારો થવા માંડ્યો. ઘાટ્ટા લીલા લીમ્ડાના પાંદડા ને લાઇટ લીલી કોથમીર, ને પોપટી રંગના મરચાંવારી પીળી ધમરખ સુકી ભાજી, અરે યાર, માનતા માની હોય એમ, બધ્ધી વસ્તુમ કોથમીર-મરચા-લીમ્ડો..?’ ‘હાચી વાત છે. એકાદી વસ્તુમ ઠીક છે, એકાદ-બે વાનગીઓમ હમજ્યા, કે ફેસન કરે.. પણ બધું યાર, ફેસનમાં લીલંુ થોડંુ કરી મેલવાનંુ હોય!’ ‘હા અલા, મારું મગજ લીલું કરી નાખ્યંુ.. તે રાતે ઘેર આઇને લાલ ગાઉન પે’રવો પડ્યો યાર!’ ત્યાં ‘ટીંગ’ મોબાઇલમાં મેસેજ આવવાનો રણકાર સંભળાયો ને પિત્તો ગયો બોસ.‘આ લોકો યાર.. ટાણે-કટાણે ‘ટીણીંગ- ટીણીંગ..!’

આપ્ડાને થાય, કે શી વાત્યંુ કરતાં હય્શે? જુઓને, તો નવરીયું હવ્વાર-બપોર-હાંજ જોયા વગર નકરા ફુલડા, ને ચાના કપ, ને ‘ગુડ મોર્નિંગ’ ને ‘સુપ્રભાત’ના મેસેજોનો ઢગલો કરી મેલે છે વોટ્શેપમાં.. મારે તો બેન, રોજ રાત પડે, ને મોબાઇલનું દિવાળીકામ કરવું પડે છે.’ ‘પછી ધોબીના કૂયતરા જેવી ભૂંડી દસા થાય. આપ્ડાને થાય, કે આપ્ડે રહી જાસુ. તે વોટ્શેપ ખોલીએ, અને પછી તો આઈ ભરાણા. હામેવારું આપ્ડાન ઓનલાઇન જોવે ને જો જવાબ ના આલીએ, તો અભિમાની હમજે.’ કલાકાકીએ જણાવ્યંુ.‘હાચી વાત છે, આખો દિ’ ટીણીંગ ટીણીંગ થયા કરે, એટલે થાય તો ખરું ને, કે એવી તે સી વાત હસે. એટલે આપ્ડે બી જોઇએ અને આપ્ડાને બી કસંુ મમરો મેલવાનું મન થાય. પછી બધા કામ રખડે છે.’ હંસામાસીએ ઊભરો ઠાલવ્યો. ‘તે પણ નીકળી જાવ ગ્રૂપમાંથી.’ સવિતાકાકી તાડુક્યાં, ‘સું કામ? હું સુ કામ નીકળી જઉં?’

‘તો શાયલેન (આઇ થિંક–‘સાયલેન્ટ’) કરી દેવાનો મોબાઇલ.’ લીનાબેને બીજો ઉકેલ આપ્યો.‘ના રે.. એમાં તો વધુ પોબ્લેમ થાય. જ્યારે બે-તૈણ કલાકે મોબાઇલ જોઇએ, ત્યારે બધો કાર્યક્રમ પતી ગયો હોય. કોક દિ’ વાત નીકળે, ત્યારે આપ્ડે મૂંગે મોઢે એમની વાતું હાંભળ્યા કરવાનો વારો આવે. બીજો હારો આઇડિયા બતાવો.’ ‘તમે એડમિન થઇને, એક નવંુ ગ્રૂપ બનાવો. જેમાં નિયમો રાખો કે ‘નવથી બાર માત્ર ‘ગુડ મોર્નિંગ’, બારથી ચાર કાયદેસર પંચાત જેને ઊંઘવું હોય, એ મોબાઇલ શાયલેન કરીન ઊંંઘી જાય અને પંચાત કરવી હોય, એ જાગે! કોઇ ઊઠીને જોવે, કે બે-તૈણ ટોપિક ચર્ચાયા છે, તો જે-તે રનિંગ ટોપિક પર જ કોમેન્ટ થઇ સકસે.’ બધા અન્ડર કંટ્રોલ!’ (મેં વોટ્સેપ દેવી-લીનેશ્વરીની મનોમન જય બોલાવી.)

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી