હળવાશ / મહિલા મંડળનું મલ્ટિ ટાઇપ બિસ્કિટ પ્રકરણ

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Apr 23, 2019, 05:38 PM IST

મીટિંગ ટાઇમ ઉનાળાને કારણે સાંજે પાંચ વાગે થઇ ગયો છે. હું જાળીએ આવી, પણ કોઇ દેખાતું નહોતું. સવિતાકાકી પાલવથી પરસેવો લૂછતાં મારે ઓટલે બેઠાં, ‘રેગ્યુલેટર બગડ્યું કે હું થ્યું, પંખો ચાલુ નહીં થતો.’ ‘તમાર પોબ્લેમનું તો હવડે ઇલેક્ટીકવારો આવ્સે, એટલે સોલુસન આઇ જસે, પણ મારો ઉધ્ધાર નહીં થાય.’ હંસામાસીએ નિસાસો નાખ્યો.‘કેમ? એવી હુ વિપદા આઇ પડી?’ કલાકાકીએ પૂછ્યું, ‘અલા આ બિસ્કિટ, તો ભૈસાબ હારું કરજો. મારા ઘરમાં અત્યારે એટલા મલ્ટિ ટાઇપના બિસ્કિટો પડ્યા છે ને, કે એનું કરવું હુ એ ખબર નહીં પડતી.’ હંસામાસીએ બિસ્કિટપુરાણ શરૂ કર્યું.
‘તે પણ નઇ લાબ્બાના.’ કંકુકાકીએ ઉકેલ આપ્યો. ‘હાસ્તો વળી, નો’તા લાવવાને. કોણે તમને ગળાના હમ દીધા, તે કંઇ નઇ.. ને બિસ્કિટો લાઇવા તમે?’ સવિતાકાકીએ સૂર પુરાવ્યો. ‘એ તો તમાર ઘેર અમાર જેવા સ્ટાઇલો મારવાવારા ઓફિસોના મે’માન ના આવતાં હોય ને, એટલે તમને ખબર ના પડે. અમુક વખતે આપડી ઇચ્છા ના હોય ને, તો બી લાવવા જ પડે.’ હંસામાસીએ ટોણો મારવા સાથે મજબૂરી જણાવી.

  • હંસામાસીને ત્યાં બિસ્કિટ પડ્યા હતા, પણ એ વધેલા બિસ્કિટ આપતાં જીવ ન ચાલે અને ઘરમાં જગ્યા રોકે... કરવું શું?

‘મારે બી એવું થાય હોં. આ દૂરના રીલેસનના ટેમ્પરરી મે’માન આવે એટલે ચા જોડે આલવા બિસ્કિટ લાઇએ, પણ એ તૈણ-ચાર જ ખાય અને પેકેટમાં બીજા તૈણ જ વધે. પછી પડ્યા રહે. આપડે બે-તૈણ જાતના પેકેટો લાયા હોઇએ એટલે બધામથી બે-તૈણ જ કાઢ્યા હોય. પછી એવા ક-મેળના વધે ને, કે એનું કસું ના થાય.’ ક્લાકાકીએ પોતાનો બિસ્કિટ પ્રોબ્લેમ જણાવ્યો. ‘હાચું કઉં. લાયાને માંડ પંદર દિવસ થયા હોય, એટલે કોઇને આપી દેતાંય જીવ નઇ ચાલતો.’ હંસામાસીએ પેટાપ્રોબ્લેમ તરફ ધ્યાન દોર્યું. ‘ખારા-ગળ્યા મિક્સ છે? કે પછી નકરા ખારા જ છે?’ સવિતાકાકીએ એમની પસંદગી ઉપર પ્રહાર કર્યો. ‘ગળ્યા છે? ક્રીમવાળા?’ લીનાબેને પૂછ્યું. ‘ગળ્યા છે. આપી જઉ?’ હંસામાસીએ નિકાલ કરવાનું નક્કી જ કરેલું. ‘ના ના, મારે તો ખારા હોય, તો કામ લાગત. દૂધ તો અમાર ઘરમાં કોઇ પીતું નથી અને ગળ્યા ચા જોડેય ના ભાવે.’ લીનાબેને માંડી વાળ્યું.‘દરેક જાતના ચાર-પાંચ વધ્યાં હોય ને, ત્યારે અઠવાડિયા સુધી પડ્યા રહે અને મોટ્ટો ડબ્બો રોકી રાખે. પછી દરેક સાઇઝના ડબ્બાઓમાં એ બિસ્કિટનંુ શિફ્ટિંગ જ થયા કરે.’ ‘મારે તો કેવું થાય? કો’કનો ડબ્બો આયો હોય ને, એમાં કંઇક ભરીને આલીએ, એવા સેટિંગમાં આપવાનું જ ભૂલી ગયાં હોઇએ અને પછી વધેલા બિસ્કિટો એવા કો’કના ડબ્બામા જ ફિટ થઇ જાય.’ કંકુકાકીએ મૂંઝવણ કહી.
‘ઠી....ક, હાળું મને ક્યારુંનું એમ થાય, કે મારો ડબ્બો હજી કેમ તમે હલવાડી રાખ્યો છે? પણ એમાં બિસ્કિટો ભર્યા હય્શે હમજાણું.’ સવિતાકાકીએ તરત બિસ્કિટમાં મમરો મૂક્યો. બિસ્કિટ પ્રકરણનો ઉકેલ લાવવો જરૂરી લાગતા લીનાબેન મેદાનમાં ઊતર્યાં અને બંને વચ્ચે પ્રશ્નોત્તરી ચાલી, ‘અં.. સવાલ થોડો અઘરો છે. બે-તૈણ નાની સરતો છે, પણ જો તમે એમાં પાસ થઇ ગયાં તો જંગ જીત્યાં..’ (બધાં આતુરતાથી સવાલની કે પછી શરતોની રાહ જોવા માંડ્યાં એટલે એમણે અઘરું પેપર કાઢ્યું) તમાર ઘેર એવો ડબ્બો છે? જે છ-આઠ મઇના પે’લા આયો હોય ને હામેવાળું લગભગ ભૂલી ગયું હોય? અને હા, એમનાં ઘરમાં કો’ક નાનું છોકરું છે? યાદ કરીને કહો.’ ‘કદાચ છે.’ ‘તો જુઓ, એક સરસ આઇડિયા આલું તમને. પૈસા ખર્ચીને લાયા હોઇએ, એટલે કોઇને આલવાનું મન ના જ થાય, પણ એં.., શેજ મન મોટું રાખીને સમાય એટલા બિસ્કિટો એ ડબ્બામ ભરી પ્રસ્નલી એમના ઘેર જવાનું અને નાના ટેણીયા કે ટેણીન ડબ્બો આલવાનો. ‘લે બકા, જો, બા તાર માટે સું લાયા જો તો!’ ‘પણ એને ના ભાવતા હોય તો?’ ‘એ આપ્ડો પોબ્લેમ નહીં. આપડે છુટ્ટા..’ બાય ધ વે, તમારી ફ્રેન્ડને ત્યાં તમારા ડબ્બા હોય, તો બિસ્કિટથી સંભાળવું.

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી