હળવાશ / રજા મેળવવાનાં બહાનાં

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Apr 09, 2019, 04:21 PM IST

ચોકઠામાં મળવાનો ટાઇમ થયો, એટલે કલાકાકી ચાલુ ફોને ચોક્ઠામાં આવ્યાં. ધીરે ધીરે તમામ સભ્યો ઓટલે બાંકડે ગોઠવાયાં, પણ કલાકાકીનો ફોન પતતો જ નહોતો. હંસામાસીએ મોઢંુ બગાડીને હાથના ઇશારાથી ફોન મૂકવા હુકમ કર્યો, એટલે... ‘હેંડો ત્યારે મીનાબેન, ફોન મેલું હવે?’ લગભગ પોણા કલાકની વાતચીત પછી કલાકાકીએ ફોન મૂકવા માટે સામેવાળાની અનુમતિ માંગી અને ઉમેર્યુ, ‘આપ્ડે મલીએ લગનમાં ત્યારે સાંતિથી વાતો કરીસું. તાર વહુને ખાસ લાવજે. હેં? સું? વહુન ફાવે એવું નહીં? ચાલતું હસે યાર. લગનમાં તો આબ્બું જ પડે. સું? એને રજા નહીં મલતી ઓફિસમાંથી? હારું તાર. હવ એમાં તો આપ્ડાથી કસું ના થઇ હકે. હેંડો ત્યારે, બાય.’ કલાકાકીએ ફોન મૂક્યો અને મારે ઓટલે બેઠાં. ‘અલા? એવું કેમ કીધું કે આપ્ડાથી કસ્સું જ ના થઇ હકે?’ હંસામાસીએ પૂછ્યું. ‘હાચી વાત. કલાબેન, એને જ નહીં આવવું હોય. બાકી ‘મન હોય, તો માળવે જવાય જ.’ સવિતાકાકીએ વહુની મનોવૃત્તિ છતી કરી એટલે કલાકાકીએ મજબૂરી જણાવી, ‘પણ ઓફિસમાંથી રજા જ ના મળે, તો કોઇ કરીય સું હકે અલા?’

  • વહુને ક્યાંય ન આવવું હોય તો નોકરી કરનારી એમ કહે કે રજા નથી મળતી, પણ નોકરી ન કરતી હોય એમનું શું?

‘ના સેની મળે? લેતાં આવડવી જોવે.’ કંકુમાસી બોલ્યાં અને ઉમેર્યુ, ‘આ અગાઉથી ડાહ્યા થઇને રજા માંગો ને, એટલે આવું જ થાય.’ ‘તે પણ નિયમ હોય અગાઉથી રજા મંજૂર કરાવ્વાનો તો માંગવી તો પડે જ ને અલા.’ કલાકાકીએ ફરી મીનાબેનની વહુની તરફદારી કરી. ‘નિયમ તો હોય હવે. આપ્ડાન આઇડિયા કરતાં આવડવો જોઇએ. મજાની રજા મંજૂર થઇ જાય.’ સવિતાકાકીએ એની બુદ્ધિશક્તિ પર પ્રહાર કર્યો અને બહાનું જણાવ્યું, ‘હું કહું, કે તમને હવારે જ તાવ આવે, તો તમે જઇ હકો ઓફીસે?’ ‘હા હોં. આ હારો આઇડિયા છે.’ ‘હું કહું, નોકરી કરતાં હોય ને, એને ઇમરજન્શીમ કેવી રીતે રજા લેવી, એ આવડતું જ હોય. પેલીને જ લગનમાં નહીં આવવંુ હોય.’ સવિતાકાકીને મીનાબેનની વહુ સાથે ગયા ભવનું વેર હશે, તે એને વાંકમાં લીધે જ છુટકો કર્યો. કંકુમાસીએ તો એ શું કરશે એ પણ જણાવ્યું, ‘એરઇએ લગનમાં નઇ આવે અને રજાય લેસે અને હાહુ ઘેર નહીં, એટલે એ..ય ને બેનપણીયુંને ઘેર બોલાઇન જલસા કરસે.’ ‘નોકરીવારાન તો રજા નહીં મલતી એવું બહાનું મલી જાય, પણ જે નોકરી ના કરતી હોય, એ વહુઓને ના જવું હોય, તોય જવું જ પડેને.’ ‘ના ભાઇ ના, એક હજાર બહાનાં છે એ લોકો માટે તો. ઊલટાનું નોકરિયાત માટે ઓછા છે એમનાં કરતાં એવું કહીએ તોય હાલે. હાચી વાતને?’ ‘હાચું હાચું, નોકરિયાતને તો ઇમરજન્શીમ તાવ આયો છે અને એ લોકોને બહુ તો સરદી-ખાંસી. એ સિવાય કશું નહીં. જ્યારે આ લોકોને તો (આઇ થિંક નોકરી ના કરતી બહેનો) સરદી-ખાંસી-તાવ જેવી સાબિતીવાળી અઘરી બિમારી ના ચાલે. ખાલી દુખાવાથીય વાત પતી જાય.’ કંકુમાસીએ ‘એ લોકો’ અને ‘આ લોકો’ વચ્ચે બિમારી બાયફરકેટ કરતાં કહ્યું, ‘પેટનો દુખાવો, માથાનો દુખાવો, ઢીંચણનો દુખાવો, કસ્સું બી ચાલે..’ હંસામાસીને વાંધો પડ્યો, ‘અલા.. ના, હાવ એવો સાદો દુખાવો હોય ને, તો એની દવાઓ ઘરમાં જ પડી હોય. એટલે એ દુખાવા બહુ સક્સેસફુલ બહાનાં નથી યાર. દુખાવો તો આમ એવો હોવો જોઇએ કે તાત્કાલિક કોઇ પાસે એની દવા ના હોય.’ ‘જેમ કે?’ કલાકાકીએ પૂછ્યું એટલે હંસામાસીએ ઉત્તર વાળ્યો, ‘દાઢનો દુખાવો એ મસ્ત બહાનું છે.’ ‘જો બેન, દુખાવાની જે કોમન દવા હોય ને, એ જ આ દુખાવામા બી ચાલે જ.’ સવિતાકાકી ચપ્ટી વગાડતાં કહે, ‘આઇડિયા! એના કરતાં એવું કરવાનું, કે કોમન દુખાવા કોઇ બી રાખવાનાં, પણ ઘરમાં દુખાવાની જે દવા પડી હોય ને, એની જ એલર્જી છે એમ કહી દો, તો જંગ જીતી ગયાં.’ નોકરિયાત અને ગૃહકાર્ય કરતી તમામ બહેનોને દુખાવા અંતર્ગત ઊંડી સમજણ આપવાના ઇનામ સ્વરૂપે આજે પહેલી વાર મેં સ્વેચ્છાએ બહેનો માટે ચા-નાસ્તો એનાઉન્સ કર્યો.

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી