હળવાશ / વેલણ - જાડ્ડું અને પાતળું

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Mar 26, 2019, 03:25 PM IST

કચરાની બૂમ પડી ને લીનાબેન સુંદર કોથળી હાથમાં લઇને બહાર નીકળ્યાં. એમને જોઇને સવિતાકાકી બોલ્યાં, ‘અલ્યા, તમાર હાડી કરતાં તો કોથળી રૂપાળી છે. આવી હારા માંયલી કોથળી લઇને ક્યાં હાય્લા?’ ‘ક્યાંય નથ જતી. આજ કચરો નાખવાનો રહી ગ્યો’તો, તે બહાર ટોપલીમ મૂકી દઉં.’ લીનાબેને કીધું ત્યાં કલાકાકીનો હાયકારો નીકળી ગયો, ‘હાયહાય, આટલી સરસ કોથળીમાં કચરો છે?’ ‘અલા.. મગજ ફરી ગ્યું છે? આવી સરસ કોથળીમ તમે કચરો નાખ્યો?’ ‘આવી હાડી મૂકવાની કોથળીમાં કચરો નખાય? પાતળી લીલી કોથળીઓ નહીં અલા?’ સવિતાકાકીએ ઓપ્શન આપ્યો. ‘પાતળી લીલી કોથળીમ તો બહારગામ જવું હોય ને, તો બ્રસ ને પેસ્ટને બધું મુકાય યાર. કચરો તો ધોળીમાં જ નખાય, પણ પાતળી ધોળી. જાડી ધોળી નઇ હમજ્યાં?’ કંકુકાકીને જાડી કોથળીનું જ ખરાબ લાગેલું. કોથળી વિશે લોકોને આવું વિચારતાં જોઇને લીનાબેન એમને સમજાવવાનો નિર્ણય કરતાં બાંકડે બેઠાં અને સ્ટાર્ટ...
‘તમારા બધાંના મનમાં કોથળીઓ વિશે ખોટા ખ્યાલો પ્રવર્તે છે. મારો તો એક જ નિયમ છે. કચરો સારો હોય એટલે કે આપડે કસું નવું લાયા હોઇએ, એના કલરિંગ બોક્સ હોય, તો એને તો પાતળી પારદર્સક કોથળીમાં જ નખાય. લોકોન ખબર પડે, કે આપડે કસું નવું લાયાં. જો એ પ્રોપરલી કચરો જ હોય, તો કોથળી જાડી. કોથળી ઉપર તો લોકો તમારી કિંમત કરી જાય હમજ્યાં?’ પ્રોપર કચરાને ફાળવવામાં આવેલ પ્રોપર કોથળીની ક્લેરિટી સાથે કોથળી ચેપ્ટર કમ્પલીટ.

  • વાત શરૂ થઇ કોથળીથી એમાં વચ્ચે વેલણની વ્યથા શરૂ થઇ તે છેક પહોંચી મઠિયા બનાવવા સુધી

અને... હંસામાસીએ હળવા હાથે જાળી ખોલી, પણ ‘ઢાઇ કિલો કા હાથ’ના ફોર્સને કારણે જાળીના બંને બારણાં દીવાલે અથડાઇને પાછા એમના માથા સાથે જ ટીચકાઇને અધખુલ્લા સેટ થયા. ફુંગરાએલા મોઢે હંસાગૌરી ઓટલે બેઠા. કાને મોબાઇલ રાખેલો અને વાત ચાલુ કરી. ફોનમાં સામે વાત કરનાર વ્યક્તિની સાથેસાથે ચોકઠામાં હાજર સૌને પણ આંખોથી સામેલ કર્યાં. ‘અલા એટલું જાડ્ડું વેલણ કે મારી અને પૂરીના લુઆની વચ્ચે જાણે કોઇએ અદૃસ્ય દીવાર ખડી કરી દીધી હોય, એવું લાગતું’તું. મને તો ભૈસાબ પાતળું વેલણ જ જોઇએ હોં..’ ‘જો, જાડું હોય એ વેલણ, ને પાતળી હોય એ લાકડી અને લાકડીથી તો વણવાનો સવાલ જ નહી આવતો.’ કંકુકાકીએ મંતવ્ય આપ્યું. ‘હાચી વાત છે. પાતળા વેલણથી તે કંઇ વણાતું હોય?’ સવિતાકાકી બોલ્યાં. કલાકાકીએ વિરોધ કર્યો, ‘એવું નથી. રોટલી-ભાખરી-પૂરી-પરોઠાં જાડ્ડા વેલણથી વણાય અને પાપડ-ખાખરા પાતળા વેલણથી.’ ‘ખરેખર તો પાતળું વેલણ ઝાપટીયું કરવું હોય ને, તો જ વપરાય. બાકી વણવામાં તો જાડા વેલણની જ ફેસન છે અત્યાર.’ ‘કેમ? ખીચું અને લાપસી હલાવવા માટે પાતળું વેલણ ના જોઇએ? તમે સાવ એનો કાંકરો ના કાઢી નાખો યાર..’ સવિતાકાકીએ સમજાવ્યાં, ‘એ તો હવે દાળ કે છાશ ઝેરવાની ઝેરણીથીય હલાઇ દેવાય. એના માટે પેશીયલ પાતળા વેલણની જરૂર નઇ..’ પછી કહે, ‘એક વાત કહું તમને. બને ત્યાં સુધી પાતળું વેલણ ના વાપરો. પહેલાંની વાત જુદી છે, પણ વર્તમાન સંજોગોમાં પાતળા વેલણની સમાજમાં કોઇ જ વેલ્યુ નથી.’ ફોન અધવચ્ચેથી મૂકીને ચર્ચા સાંભળતાં હંસામાસીએ પૂછ્યું, ‘એક મોટુ કન્ફ્યુજન છે મારે યાર. મઠિયાનો લોટ ઝુડવા હાટું કયું વેલણ લેવાનું? જાડું કે પાતળું?’ ‘જો, આ તમારો અંગત પ્રસ્ન છે કારણ કે હું તો આ વખતે મઠિયા તૈયાર લાબ્બાની છું. એટલે આપડાન એ પ્રસ્ન નહીં નડવાનો, આપ્ડે એ વિસે વિચારવાનો કોઇ અરથ નથી.’ કલાકાકીએ રાજીનામંુ આપી દીધું. બધાંએ લીનાબેન સામે જોયું, પણ એમનેય કદાચ પાતળું વેલણ ફાવતું હશે, એટલે એય ઘરભેગાં થઇ ગયાં. મૂળ મુદ્દે મઠિયા બાબતે મુંઝાતાં સૌ પોતપોતાને ઘેર ગયાં.

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી