હળવાશ / રિક્સામાં બેસતાં ખાડાના પ્રકારને ધ્યાનમાં લેવો

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Mar 19, 2019, 01:06 PM IST

‘ભૈસાબ કાલ તો આખ્ખી રાત કોકનું છોકરું રોતું’તું, તે મને તો બરાબર ઊંઘ જ ના આઇ..’ કચરો નાખવા સૌ ચોકઠામાં આવ્યાં અને કલાકાકીએ કહ્યું. ‘નક્કી મુનીયો રોતો હશે..’ લીનાબેને અનુમાન લગાવ્યું, પણ સવિતાકાકીને વાંધો પડ્યો, ‘મુનીયો કાંઇ ધીમું નથ રોતો. ઓલી સ્મિતાના ઘેર ગેસ્ટો આયા છે ને. એમાંથી જ કોકનો વસ્તાર હશે.’ ‘ના મુનીયો જ રોતો’તો.. ઇ તો હંસાબેન, તમે ચોક્ઠામ રહો અને સવિતાબેન, તમે ઓલા ખાંચામ રહો, અટલે ધીમું હંભળાય.. બાકી અમાર ખાંચામ તો આ રોજનંુ.

  • ચંદનમાસીને જોતાં જ સૌ ખબર પૂછવા લાગ્યાં ને પછી પોતપોતાને વાગવાના અનુભવની જે વાતો થઇ છે...

ઓલી ચંદનના છોકરાનો છોકરો આખેઆખો એની દાદી ઉપર ગ્યો છે. એ કકળાટીયો એવું રોવે છે ને, કે હાહાકાર મચી જાય.’ ‘ગમ્મે ઇ ક્યો, પણ છોકરાંવ તો થોડું મોટું રડે ઇ જ હારું. ધીમું રોવે, ઇ તો મોટા થઇને હાવેય બાઘા-ચકા જેવા થાય. આ મુનીયો જોજો. મોટો થઇને ભડભાદર નો થાય ને તો કહેજો.’ હંસામાસીએ મત રજૂ કર્યો. એક રિક્સા આવી ચોક્ઠામાં અને ચંદનમાસી રિક્સામાંથી ઊતર્યાં. દુબળા-પાતળા અને પાણીનું ટીપું હોય ને, એવા જ આકારનું મોઢું. એમનાં ગળામાં સાવ પાછળ સેટ કરેલી અલગ સ્વરપેટીમાંથી એવો તીણો અવાજ આવે કે એમનું બોલવાનું પતી જાય પછીય બે મિનિટ કાનની આસપાસ ભમરા-તમરાં ભેગાં થઇને ગોષ્ઠી કરતાં હોય એવું ફીલ થાય. એમને અને અનુસ્વારને બહુ ઘરોબો. મીંડું તો એટલંુ સ્વાભાવિક બોલે કે શ્વાસનળીની જેમ જ સ્વરપેટી સાથે અડોઅડ જોડાયેલું જ ન હોય! ‘હાય હાય અલા, હું થ્યું? કોની હાયરે મગજમારી થઇ?’ સવિતાકાકી બોલ્યાં.‘જો બેન, હામે પહેલવાન હોય ને, તો મોઢે ચોકડું રાખવાનંુ હોય. બધાયની હારે બાખડવાની ને તલવારો ઊંચકવાની જરૂર નઇ.’

‘બહુ બાઝકણો સ્વભાવ હારો નઇ, બધાં કાંઇ સહન ના કરે, કો’ક તો માથાનું મળે જ.’ ‘અસે, બહુ નથી વાગ્યંુ ને?’ કંકુકાકીએ સહાનુભૂતિથી પૂછ્યું. એટલે ચંદનબાળા બોલ્યાં. ‘કસું નંઇ યાર.. રિંક્સાંમ બેઠી’તીં અને રસ્તાંમ બમ્પનો ખાડો આયો ને રિંક્સાં ઉલળીં. હારોહાર હુંય. એમાં સાંમેના સંળિયા જોડે બરાંબંરનો ટીંચકાણો પગ..’ ‘બમ્પનો ટેકરો હોય માસી..’ મારાથી ન રહેવાયું. ‘હું તનેં ગાંડી લાગું છું? એંક જમાનામા એં બમ્પ જ હતો, પંણ એ રસ્તાં પંર એંટલા બધા કામ થ્યાં... કેં થીંગડાં મંરાતા મંરાતા રસ્તોં ઊંચો આંવી ગ્યો, ને બમ્પનો ટેંકરો બાપ્ડો ખાંડામાં ફેંરવાઇ ગ્યો.’ ચંદનમાસીએ ઉધડો લઇ લીધો. ‘મારે તો સાચ્ચો કુદરતી ખાડો આયો’તો. બમ્પનો ખાડો તો હમજ્યા, કે છીછરો હોય, મારે તો રીતસરનો ખાડો જ આયો. મારું માથું ભટકાણું સીધું ડાયવરની સીટના-પીઠના ભાગના ખૂણા હારે.. તે બેન, કપાળે મોટ્ટું ઢીમડું થઇ ગ્યું’તું.’ સવિતાકાકીએ કહ્યું.‘અરે, બહાર ગમ્મે તેટલું વાગે, એને પહોંચી વળાય, પણ ખરી હેરાનગતિ તો મને થઇ’તી. રિક્સામં બેઠી’તી. ખાડો આયો.. ને એ વખતે હું મોબાઇલમાં કો’ક જોડે વાતો કરતી’તી. તે બેન, મારી તો ગાલની ચપ્ટી આઇ ગઇ દાંત વચ્ચે. તે સીસકારા બોલી ગ્યા’તા અને એ બહુ વહમું લાગે. (હંસામાસી આમેય ગાદલાં-ગોદડાં સાથે જન્મ્યા છે, એટલે એ બાબતે વાગવાની ચિંતા અસ્થાને છે) આ મોઢામાં વાગે, તો હારું થતાં તૈણ-ચાર દિ’ થાય. ઓલામાં તમે ખાઇ હકો. આમાં તો ખાવાની જ તફલીક. એટલે બળ્યું અસક્તિય આઇ જાય. બીજું બધ્ધું હારું, પણ મોઢામં વાગે એ નહીં હારું.’ હંસામાસીનું સમાપન. આજની સીખ્ખે રિક્સામાં બેઠાં પછી ફોન આવે, તો ખાડાના પ્રકાર બાબતે સભાન રહીને વાત કરવા નમ્ર વિનંતી.

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી