Back કથા સરિતા
જિગિષા ત્રિવેદી

જિગિષા ત્રિવેદી

હાસ્ય (પ્રકરણ - 26)
લેખિકા હાસ્યલેખક છે.

રીઝોલ્યુશનનું સોલ્યુસન

  • પ્રકાશન તારીખ19 Feb 2019
  •  

બપોર થઇ. મહિલામંડળના તમામ ક્રીએટિવ મેમ્બર્સ આવીને બાંકડે-ઓટલે ગોઠવાયાં અને મંજુબેનનું ટુ-વ્હીલર ચોકઠામાં આવ્યંુ. એને પાર્ક કરવા એમના ફ્લોર લેન્થ ટોપમાંથી બે તરફ બે પગ બહાર આવ્યા અને હંસામાસી આંખો પહોળી કરીને, ‘હેં? આ શું? તારી આગળથી આવી આસા નહોતી. મને તો એમ, કે તું પરફેક(‘ટ’ સાયલેન્ટ) છે, પણ તું આવું કરીસ, એ માન્યામ નહીં આવતું.’ ‘અરે! પણ થયું શું?

  • મંજુબેન સ્કૂટી પરથી ઊતરવા ગયાં અને અમારા મહિલા મંડળે અંગ્રેજીની જે એક-બે-ત્રણ કરી છે... વાત જ ન પૂછો!

મારાથી શું ભૂલ થઈ?’ મંજુબેને પૂછ્યંુ.‘ક્યાં તારા ટોપનો કલર અને ક્યાં તારા ચંપ્લાનો કલર. કોઇ જાતનું મેચિંગ નઇં? વેરી બેડ હોં...’ ‘એ તો હંસાબેન, મેં ન્યૂ યર રીઝોલ્યુશન લીધું છે કે ચાંદલા-ચંપલનંુ મેચિંગ અને સાડલા-સેન્ડલનું. એટલે જો, સાડલો પેર્યો હોય, તો પગમાં એના મેચિંગ સેન્ડલ પહેરવાનાં અને જો ડ્રેસ પેર્યો હોય, તો ચાંદલાના કલરના ચંપલ પહેરવાના.’ ‘અં.. હં’ હંસાબેન સમજી ગયાં, પણ એમનાં મગજમાં કોઇ બાબતે પ્રશ્ન સળવળ્યો હોય એવું લાગ્યું. થોડી સેકંડોમાં જ બહાર આવ્યો, ‘આ રીઝોલ્યુસન હું હોય?’ ‘રીઝોલ્યુસન એટલે..’

મંજુબેનનો મુદ્દાસર જવાબ ચાલુ થાય, ત્યાં જ સવિતાકાકી કહે, ‘એક મિલીટ, સ્પેલિંગ લખીને આલ કાગળમાંં. પછી હું તને અરથ હમજાવંુ એનો.’ કહેતાં સવિતાકાકીએ એનંુ પર્સ લગભગ ઝુંટવી લીધંુ અને એમાંથી ડોક્ટરનંુ પ્રિસ્ક્રિપ્શન કાઢીને એને ઊંંધંુ કરીને ધરી દીધું. મંજુબેને સ્પેલિંગ લખ્યો. એમણે ધારી ધારીને વાંચ્યો. પછી શરૂ કર્યંુ, ‘આ સમજવા માટે આપડે જરા આજુબાજુ નજર કરવી પડશે.’ ‘કેમ? કોઇથી છાનું રાખવાનંુ છે?’

હંસામાસીએ એમની બુદ્ધિ પ્રમાણે પ્રશ્ન કર્યો.‘મૂંગા ર્યોને. મારી લિંક તૂટી જાય છે યાર!’ ખીજાઇ ગ્યાં સવિતાકાકી, પછી ચાલુ કર્યું,‘જો, ‘રીપીટ’નો અરથ થાય એનું એ ફરી વાર બોલવું કે કરવંુ. ‘રીટન’ એટલે પાછા ફરવાનંુ. પછી મોબાઇલ ‘રીચાર્જ’ અટલે ફરી વાર ચાર્જ કરાવવાનંુ, પછી છે‘રીકેપ’ કાલનંુ ફરી વાર બતાડે. એટલે મુદ્દે અંગ્રેજીમાં ‘રી’ એટલે પાછું. હવે આ સબ્દ ‘રીસોલ્યુસન’ની વાત કરીએ, તો કોઇ પોબ્લેમનંુ સોલ્યુસન આપડે લાયાં હોઇએ, એ જ પોબ્લેમ ફરી વાર થાય અને એનું આપડે ફરી વાર સોલ્યુસન લાઇએ, એને રીસોલ્યુસન કહેવાય.’ સવિતાકાકીએ ‘રી’ પર કરેલા ઊંંડા અભ્યાસનો સર્વેને પરિચય આપ્યો અને કહે, ‘સ્પેલિંગ ઉપરથી બધું નક્કી થાય. બોલ્વામ તો બધાં મન ફાવે એમ બોલે યાર. આપડે ‘સ’ નો ‘હ’ કરીએ અને એ લોકો ઝ કરે એટલો ફેર. એવા પચ્ચા-હો સબ્દો છે, જેમાં લખ્યો હોય ‘સ’ અને ઉચ્ચાર ‘ઝ’ કરે છે.’

‘હાચંુ. આપડે ચાલતાં ને બદલે હાલતાં ગ્યાં. મસોતાં ને મહોતું કહીએ, એમ એ લોકો ‘સ’ નો ‘ઝ’ કરે, પણ એનાથી એનો મૂળ અરથ ના બદલાઇ જાય.’ કલાકાકી સંમત પણ બીજો પેટાપ્રશ્ન, ‘પણ આમાં તો ‘ટી-આઇ-ઓ-એન’ છે, તો ‘શન’ કેમ કહે છે?’ ‘એ તો અપભ્રંશ કહેવાય. એ લોકોના કક્કામા ‘ઠ’ છે. મૂળ તો ‘ઠન’ બોલતાં હશે એમાં અપભ્રંશ થતાં થતાં ‘ઠ’નો ‘શ’ થઇ ગ્યો. તમે જાતઅનુભવ કરો. જીભને વધારે કસ્ટ આલ્યા વગર ઠન ઠન ઠન દહ-પન્નર વાર શ્પીડમાં બોલો. હામે વારાને મીંડાવારો ‘શ’ જ હંભરાસે.’ મેં તરત કરી જોયું હોં અને પરાણે ‘શ’ સાંભળવાનો પ્રયત્ન કર્યો, તો સંભળાયોય ખરો! ‘હાચી વાત હોં... આ લોકો ઉચ્ચાર બદલે, ને બીજા વી-પચ્ચી(20-25) અરથ કાઢે અને આપ્ડે ગોથે ચડી જઇએ યાર.’

કલાકાકીય સમજી ગયાં. મંજુબેને પૂછ્યું, ‘પણ રીઝોલ્યુશન એટલે કસું નક્કી કરવાનું કે હવેથી હંુ આમ નહીં કરું કે હવેથી આમ કરીસ. એવું બધંુ ના હોય?’ ‘ના. એમ બકરીને તૈણ વાર કૂતરો કહો એટલે કૂતરો હમજવા માંડે બધાં, પણ આપડે કોઇની વાતોમાં નઇં આઇ જવાનંુ. જાતે થોડી ચલાવવાની આપ્ડી.’ કહેતાં સવિતાકાકીએ લમણા પાસે, જ્યાં ખરેખર મગજ હોય જ નહીં, ત્યાં આંગળી પછાડી. ‘મૂળ અંગ્રેજીમ આવું છે બધું એટલે એમાં ગૂંચવાઇ જવાય હમજો તમે.’ સવિતાકાકીએ અંગ્રેજીની એક-બે-ત્રણ કરી ને રીઝોલ્યુશનનુંય સોલ્યુશન લાવી દીધંુ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP