હળવાશ / આ લોકો કુદરતને ય ના છોડે

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Feb 11, 2019, 04:24 PM IST

બપોરે દોઢ વાગ્યો’તો અને વિમાન નીકળ્યંુ. વાત પડતી મૂકીને કંકુકાકીએ તરત આકાશ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યંુ અને વિમાન ટપકંુ થઇ ગયું ત્યાં સુધી આનંદાશ્ચર્ય સાથે જોયા કર્યું. વિમાન દેખાતંુ બંધ થયંુ એટલે કહે, ‘એક તો આ વિમાન અને બીજંુ હાથી. આ બંનેનું મને હમ્મેસા કૌતુક થાય.’ ‘વિમાન તો હમજ્યા, કે આટલા બધાન બેહાડવાનાં હોય, અટલે એ મોટંુ રાખવું જ પડે, પણ હાથી તો ભૈસાબ, એટલો મોટ્ટો, એટલો મોટ્ટો કે વાત જ ના પૂછો. એં, આપ્ડી બસ હોય ને બસ? એટલો મોટો હોં. એક વાર હું બસમાં બેઠેલી ને મેં ખુદ બારીમ્થી એને હાથ અડાડેલો બોલો!’

  • કંકુકાકીએ વિમાન જોયાં પછી હાથીથી શરૂઆત કરી અને મહિલા મંડળે જે રીતે કુદરત પર પ્રહારો કર્યાં છે, બોસ! સખ્ખત!

હંસામાસી જાણે છઠ્ઠી સદીની વાત કરતાં હોય એમ બોલ્યાં. એમાં વિવેચન કરતાં કલાકાકી અભિમાનથી કહે, ‘પણ એનું નામ રાખવામ થોડી ભૂલ થઇ ગઇ આપડા પૂર્વજોની. નક્કી તમાર જેમ કો’ક આળસુ જ હસે, તે લાંબુ નામ લખવંુ પડે, એટલે આવો અન્યાય કર્યો આ મહાકાય પ્રાણી સાથે. તમે જુઓ, ‘હાથી’ નામ બહુ નાનંુ પડે એના સરીર પરમાણે અને દેખાવે જરા સોબર બી લાગે છ. જો ‘હિપ્પોપોટેમસ’નંુ નામ કેટલંુ વેવસ્થિત પાડ્યંુ છે. નામથી જ ખબર પડી જાય, કે કસુ મોટ્ટું અને બીક લાગે એવું હસે.’ કલાકાકીએ હંસામાસી સહિત ગુજરાતની હાલની વસતિના તમામ પૂર્વજોનેય લપેટમાં લઇ લીધા.

‘છુછ.. છુછ જા કહંુ છું. અલા નહી જોઇતા મારે મે’માન. હુ ક્યારનો માર બારીમ ‘કા’‘કા’ મંડ્યો છે. સહેજ તડકો આવે એટલે પાંચ મિલીટ બારી ખોલીએ, તો બર્યંુ મઇ કાગડાઓ આઇન સેટ થઇન બેહી જાય છે.’ લીનાબેન પ્રગટ્યા એમની રસોડાની બારીમાં.‘હં.. કા કા કર્યા કરે, તે કંટાળો આઇ જાય.’ સવિતાકાકીએ કહ્યું, એટલે લીનાબેન કાગડાના કંઠનો બચાવ કરતાં કહે,‘ના ના. કંટાળો તો ના આવે, પણ મહેમાન આઇ જાય એટલે. હવે એને ગરાની મઇ ‘ક’ જ આલ્યો છે, તે એ ‘કા’ ‘કા’ જ બોલવાનો ને!

એમાં આપડે સુ કરી સકીએ? એને બાપ્ડાને ‘ટ’ આલ્યો હોત, તો ટેહુંક ટેહુંક કરત. ‘ટ’ વરી પેલા મોરને આલી દીધો લો. હવે ત્યાં જંગલમાં એનું ટેહુંક ટેહુંક કોણ મારા ભા હાંભળવાના હતા? અહીંયા સહેરમાં કાગડાને ‘ટ’ આલતા હુ જતુ’તુ?’ મને થયું, આજે આ પબ્લિક પશુ-પક્ષીઓનો વારો કાઢશે કે શું? ‘મે’માનનેય હાલો ચા પીવડાઇને વહેતા કરી દેવાય, પણ મને તો એને જોવો જ નહી ગમ્તો. આટલો નકરો કાળો બનાવાય? એના કરતાં કાબર દેખાવે જરી હારી. હું તો કહુ, ચકલી બી જોવામ સહન થાય એવી તો છે જ.

લાકડા કરલની ને વરી નાજુક બનાઇ છે. કબુતર બી ચલો ગ્રે કરલનું, આમ જોવામ તો હારું લાગે છે યાર.’ કલાકાકીએ કહ્યું એટલે સવિતાકાકી કહે, ‘વાઘ-સિંહમાં બી કરલ-કોમ્યુનિકેસન એકદમ મસ્ત છે. દેખાવ બી અલગ અલગ. જ્યારે કૂતરા-વરુ-સિયાળ લગભગ સેમ ટુ સેમ.’ ‘હાચંુ કઉં, આ કુદરતમાં અમુક બરોબર છે, પણ અમુકમાં તો ભયંકર લોચા વાગી ગ્યા છે.’ લીનાબેને કુદરત પર પ્રહાર કર્યો. ત્યાં કંકુકાકી ટૂંકનોંધ બોલ્યાં,‘પણ એક વાતમાં તો સંમત થવું જ પડે કે, એક માત્ર વાંદરા ઉપર બરોબર ધ્યાન આપવામાં આવ્યંુ છે.

એનું નામ બી બધા કરતાં યુનિક, દેખાવ બી યુનિક, અવાજ બી યુનિક અને બીજી મેઇન ખૂબી તો એ, કે બીજા બધા પસુ-પક્સીઓ કાં તો નીચે હાલે, કાં તો ઊડે. કાં તો પાણીમ તરે, પણ કૂદકા મારવા વારું માત્ર આ એક જ છે. વરી, સહેરમાં બી હોય, જંગલમાં બી હોય. વાંદરાને બરોબર ન્યાય મલ્યો કહેવાય હોં.’ કહેવાય છે, કે કુદરત કોઇને નથી છોડતી, પણ આ લોકોએ આ વાતને તદ્દન ખોટી સાબિત કરી છે, કે જેઓ કુદરતને ય નથી છોડતા..!

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી