દવાના પત્તાંથી બીમારીની ચિંતા

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Dec 04, 2018, 12:05 AM IST

‘હજી રેખાબેન દેખાયાં કેમ નંઈ?’ સવિતાકાકીએ વાત માંડી. ‘તે તમારે વળી એમનું હુ કામ પડ્યું?’ હંસામાસીને ગમ્યું નહીંં, સવિતાકાકી કહે, ‘એનું તો મારે હુ કામ હોય? આવડત ને હુશિયારી બેય મારામાં જ વધારે છે.’ ‘તો પછી એની વાટ કેમ જોવો છો?’

કંકુકાકીએ પૂછ્યું. ‘અરે! આ તો જાણવું’તું કે રિપોટમાં હુ આયું એમ.’ સવિતાકાકીએ વાતનો ઉઘાડ કર્યો. ‘એને હુ થ્યું’તું? ઘોડા જેવી તો ફરે છે ઊભી બજારે.’ કલાકાકીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. ‘એને તો પથરાય પડે એમ નથી. આ તો એના છોકરાને તાવ આવતો’તો, તે દાક્તરે રિપોટ કરાવવાનું કીધું’તું.’ સવિતાકાકી બોલ્યાં, ત્યાં ચોકઠામાં સ્કૂટર આવ્યું. રેખાબેન હાથમાં કોથળી લઈને ઊતર્યાં અને એમના પતિએ પાછા જવા સ્કૂટર મારી મૂક્યું. એમને ચોકઠામાં જ પૂછ્યું સવિતાકાકીએ, ‘સું રિપોટ આયા?’ ‘પેલાના રિપોટ તો હારા જ આયા, પણ બીજું કસું વત્તું-ઓછું આયું છે.

રેખાબેનના દીકરાની બીમારીની સાચી જાણ માટે લીનાબેને સચોટ ઉપાય જણાવ્યો

તે હવે એની દવા કરાબ્બાની છે.’ રેખાબેને સહેજ ચિંતા સાથે કહ્યું. ‘તે પણ દાક્તરે સેના રિપોટ કરાબ્બાનું કીધું’તું?’ હંસામાસીએ પૂછ્યું. એટલે કલાકાકીએ એમના વતી જવાબ આપ્યો, ‘ડેંગુનું જ કીધું હસે. ખબર નંઈ કેમ, પણ આ વખતે દિવાળીમ મેક્શિમમ બધાને ડેંગુ જ થયેલા.’ ‘હા, એમણે તો ડેંગુનું જ કીધું’તું, પણ મને વરી એમ થયું કે સ્કીમ છે ને હો-બહો વધારે નાખતા બીજા તૈણ-ચાર રિપોટો થાય છે, તે એ બી કરાઈ જ નાખીએ.

એ કરાયા, એમાં આ ખબર પડી.’ રેખાબેને કહ્યું. હંસામાસી ભડક્યાં,‘કર્યાં ભોગવો હવે બીજું હુ. (સાંભળતા રેખાબેનનું મોઢું સહેજ ફરેલું લાગ્યું હંસામાસીને, તરત ફોડ પાડતાં કહે) અલા, હું એમ કઉં છું, કે આ દોઢા થઈને બધાય ટેસ્ટો કરાવોને એટલે કસ્સું નવું ફદક નીકળે જ.’ ‘હાચી વાત છે. આપડે શોએ શો ટકા એંગ્રી તમાર જોડે. આ હુ થ્યું ખબર પડી? ઊંટ કાઢતાં બકરું પેઠું. ખરેખર તો, આ વિટામિનોની જ મોકાણ છે. એકાદું તો ઓછું હોય જ ને યાર!’

કલાકાકી સહમત. ‘જેમ જેમ ખાવામાં ઓપ્સનો વધ્યા છેે એમ વાઇરસો વધ્યા અને એટલે વિટામિનોય વધ્યાં.’ હંસામાસી બોલ્યાં. ‘હંઅ. અમારા વખતમાં આટલાં બધાં વિટામિનો નહોતાં યાર.’ સવિતાકાકીએ પણ ટેકો આપ્યો. ‘પણ થ્યું હુ, કે આ વિટામિનો વધ્યાંને, એટલે જ ટેસ્ટો વધ્યા. જેટલું ફર્નિચર વધારે, એટલું એને સાફ કરવા માટે ઝાપટવાનું વધારે.’ ‘કંકુકાકીની વાત હાચી છે. આ તો કેવું છે બેન, જેટલું મોટું ઘર લો, જેટલા વધારે રૂમ, એટલું જ મેન્ટેન કરવું અઘરું! પેલું કહે છેને કે સગવડ એટલી અગવડ.’ સામેના ઓટલેથી લીનાબેન ચોકઠામાં આવી બાંકડે ગોઠવાતાં કહે, ‘અસે, હવે તમે એમ કહો કે શિલ્વર પત્તામાં દવા આઈ છે કે સાદા પ્લાશ્ટિકના પત્તામાં?’ લીનાબેને (બુદ્ધિનું પ્રદર્શન) ચાલુ કર્યું, ‘એના પરથી જ ખબર પડે કે બીમારીનું ટેન્સન કરવું કે નંઈ! જો રેખાબેન, આપડું કમ્પ્લીટ ઓબ્જરેસન છે કે જો દવાનું પત્તું સાદું હોયને, તો તૈણ-ચાર દહાડામ તબિયતનો પાર આઈ જાય, પણ જો શિલ્વર પત્તાંમાં દવા આઈ, તો પન્નર દિ’ તો હાજા થતાં થાય જ.’ મને (એનું) માથું ભટકાડવા કોઈ ખૂણો ના મળ્યો.

સમસમીને ઊભા રહેવું એનું ચોક્કસ ઉદાહરણ જાત અનુભવે સમજાયું. ‘એન પપા દવા લેવા જ ગ્યા છે. આવે એટલે તરત આઉ તમાર ઘેર. તમે દવા જોઈને કહો, એટલે આઇડિયા આવે.’ રેખાબેને (ડોક્ટરનો કાંકરો કાઢી નાખતા) લીનાબેનને કન્સલ્ટ કરવાનુ નક્કી કર્યું. રેખાબેન તો ઘેર જતાં રહ્યાં, પણ મારા સહિત આખું મંડળ ઓટલે (એન પપાની) રાહ જોતું બેસી રહ્યું.

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી