સવિતાકાકીનું ફ્રીજ બગડ્યું!

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Nov 27, 2018, 12:05 AM IST

‘અલા ફ્રીજ બગડ્યું.’ સવિતાકાકીએ દુ:ખીવદને વાતનો ઉપાડ કર્યો. ‘નસીબદાર.’ કંકુકાકીએ હરખનો ઉદ્્ગાર કાઢ્યો. ‘ધૂળ નસીબદાર? કોઈ સિરિયસનેસતા છે કે નંઈ તમને? અહીંયાં લાલાતાણ થઈ ગઈ છે કે હુ ક્યાં મૂકવું? હું આંઈ ઘાંઘી થઈ ગઈ છું ને તમને મજાક હુજે છે યાર. રાંધેલાં શાકોથી લઈને આખું કોન્સ્ટેન્ટિનોપલ બંદર એકહાયરે અનાથ થઈ ગ્યું હોય એવી ફીલિંગ આવે છે યાર. પ્રસંગ-સંજોગો પ્રમાણે કસી વાતનો મલાજો તો રાખતા સીખો યાર. જ્યારે ને ત્યારે મન ફાવે એમ બોઇલા જ કરવાનું નો હોય.’ સવિતાકાકી આકરે પાણીએ થયાં. ‘અરે! હું જરાય મજાક નહીં કરતી અલા. મને ગંભીરતા છે ને એટલી તો કોઈને નંઈ હોય.’ કંકુકાકીએ ક્લેરિટી કરી, એટલે સવિતાકાકી વધારે ખિજાયાં, ‘જવા દો. ખોટે ખોટું હારુ લગાડવાની કોઈ જરૂર નથી. બોલતા તો બોલી નાખ્યું ને હવે વાળી લેવાનો ટ્રાય કરો છો.’ ‘અરે ના, તમે યાર હમજતા જ નથી. હું હાચ્ચું કઉં છું.

સવિતાકાકીનું ફ્રીજ બગડતાં કલાકાકી અને કંકુકાકીએ એમને એવા હમજાયા કે ન ગમતા લોકોને ભેખડે ભરાઇ દીધા

નસીબદાર છો તમે કે શિયાળામ ફ્રીજ બગડ્યું.’ કંકુકાકીએ ગંભીરતાથી કહ્યું. એટલે કલાકાકીએ પણ કહ્યું, ‘તમારે તો ભગવાનનો પાડ માનવો જોઈએ કે તમને દુનિયાને જાણવાની તક આપી. ઉનાળામ ફ્રીજ બગડે, તો તાબડતોબ નવું લાબ્બું પડે. આ તો સિયાળો છે, તે ફાવી ગ્યાં તમે! હું તો કઉં છું હવડે અઠવાડિયું નવું ફ્રીજ લેતા જ નંઈ.’ ‘તમેય હુ વાતું કરો છો. તમારે બે’નપણા હોય ઈ હમજ્યાં, પણ કાંઈ બધી વાતે એમની હારોહાર લોલમલોલ નો કરવાનું હોય.’ સવિતાકાકીએ ટોણા મારવાનું કામ પતાવ્યું. ‘હા હા અલા, તમારો તો જન્મારો સફળ થઈ ગ્યો. અઠવાડિયું નંઈ તો હવડે તૈણ-ચાર દિ’ તો ખમ્મા કરો. પછી લેજો હારા માયલુ.’ કલાકાકીએ પોતાની વાતને વધુ ભારપૂર્વક રજૂ કરી.

‘હવે આમાં જન્મારો સફળ થવાની વાત ક્યાં આઈ યાર? અને તમે તૈણ-ચાર દિ’ની વાત ક્યાં કરો. મારે તો એક દિ’ય હાલે એમ નથી.’ સવિતાકાકીએ ફ્રીજોવ્યથા (ફ્રીજ અંગેની મનોવ્યથા) રજૂ કરી. ‘તે તમારે હલાવવાનુંય નથી. ફ્રીજની વસ્તુઓ ફ્રીજમાં જ રાખવાની, પ..ણ કોકના.’ કંકુકાકીએ ફોડ પાડ્યો. ‘શું કોકના? જેના તેના ફ્રીજમાં એમની વસ્તુઓ ના હોય? વા..ત કરો છો.’ હંસામાસીએ પોતે હડફેટે ન આવી જાય એટલે ટહુકો કર્યો. ‘તે વહેંચી દેવાની ને...’ કહેતાં કલાકાકીએ જ વાતનો દોર હાથમાં લીધો. ‘જો, હું તમને હમજાવું, કે તમારે હુ કરવાનું. પહેલાં તો તમે લિસ્ટ બનાવો કે ફ્રીજમાં કઈ કઈ વસ્તુઓ છે. પછી નક્કી કરેલાં તૈણ ઘરોમાં બધું બાયફરકેટ કરવાનું. કાગળ પેન? (બોલીને મારી સામે ‘ભાન નથી પડતી કાગળ-પેન આપવાની?’ એવી રીતે જોયું.) પણ હા, ઘરની પસંદગીમાં ધ્યાન રાખવાનું હોં.’


‘તે પણ એ તો તમારા બધાને ત્યાં જ મેળ પાડવો પડશે ને.’ સવિતાકાકીએ કહ્યું, એટલે કંકુકાકી કહે, ‘હોતું હશે? પોળમાં બીજાં ઘર નથી, તે અમારો વારો કાઢો છો. અમને તો તમે હારી રીતે ઓળખો જ છો. અત્યારે તો તમારે એવાને ઘેર સેટિંગ કરવાનું કે જેમનામાં તમને રસ હોય કે આ ઘર કેવું રાખતી હશે!’ કલાકાકી એમની પાસે ગયાં અને ચાલુ કર્યું,‘જો, કોકના ઘરની છેક અંદર હુધી ડોકિયાં કરવાનો આવો મોકો આપ્ડાને ક્યારે મલે? માર્કેટમાં નવું સું આયું કે જે લાબ્બા જેવું છે. એ જોવા-જાણવાનો આ જ તો લાગ મલ્યો કહેવાય. પછી એ વસ્તુઓ ફ્રીજ માટે હોય કે ઘર માટે હોય.

હમજ્યા.’ ‘અને જે આખો દિ’ ચટ-મટ થઈને ફરતી હોય, એના ઘેર તો ખાસ જવાનું. તો ખબર પડે કે આ ખરેખર વેવસ્થિત છે કે પછી ફૂહડ? ઘણા એવા હોય કે ઇમ્પ્રેસનો પાડવા આમ એં રેડી હોય એકદમ, પણ આમ જુઓ તો ‘બા’ર બા’ર બેઠા ને અંદર અંદર એંઠા’ એવુંય હોય. હમજ્યા અને કોઈના ફ્રીજને બહુ લોડ નંઈ આપવાનો.’ કાગળ-પેન મારા, ફ્રીજ બગડ્યું કોકનું ને ન ગમતા લોકોને ત્યાં દૂધ, કોકને ત્યાં શાક અને કોકને ત્યાં સૂકો મેવો મુકાવડાવવાનું નક્કી કરી નાખ્યું. ‘હમજ્યા, હમજ્યા’ કહીને કંકુ-કલાએ સવિતાકાકીને હમજાવી, પોતાના ફ્રીજને બચાવી ને બીજાને ભેખડે ભરાઈ દીધા.

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી