લગ્નમાં પડ્યા પાથર્યા રે’વાનું

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Nov 20, 2018, 12:05 AM IST

‘હજી તો હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર કહીને જીભ નથી થાકી. મઠિયાંય હજી દાંતે જ ચોંટેલાં છે અને કવરો આપ્યાં એની કળય નથી વળી, ત્યાં બધ્ધાયને એકહાયરે પૈણ ચડસે હોં. ચારે બાજુ લગન લગન લગન.’ હંસામાસીએ વાત ચાલુ કરી. ‘ખર્ચાના ખાડા નંઈ? પૈણવાવાળા પૈણે ને અપડે પૈસા ધડાધડ ખાલી થાય. જવું ને આવવું ને પાછો ચાંદલો અને પછી ડ્રાયક્લીનનાં કપડાં. આ બધા ખર્ચા જ મારી નાખે છે યાર.’ કલાકાકીએ એની આડઅસરો પર ફોકસ કરતાં કહ્યું. એટલે સવિતામાસીએ વિરોધ જાહેર કરતાં કહ્યું, ‘ખર્ચા તો હમ્જ્યા મારા ભૈ કે જેના તેના ઘેર લગન હોય, એને ન્યાં જમીએ અટલે થોડું હાટું વળી જાય. કોક દૂરનાં હગાંવહાલાંનાં કે ફ્રેન્ડશર્કલમાં કોઈનાં લગન હોયને, તો હારુ રહે અલા. ચાંદલો ઓછો કરવાનો હોય, બીજું ન્યાં જઈને તો પછી નવરા ને નવરા જ ને.’

ઘરનાં લગ્ન અને સાસરામાં ઘરનાં લગ્ન હોય ત્યારે તો કામ કરવું જ પડે! પણ અમારા મહિલા મંડળે ઉપાય શોધી કાઢ્યો

‘અને નવા લોકો મળે યાર, એટલે નવી પંચાત. વોટ્સએપનું નવું ગ્રૂપ બી બની જાય. એટલે એ બહાને થોડું ચેઇન્જ બી રહે અને ફ્રેસ બી થવાય.’ દિવાળી પછી હમણાં જ ગ્રૂપમાં જોડાએલા રેખાઆન્ટી બોલ્યાં.


‘એમ તો ઘરના લગનમાં બી મજા જ આવે. આખો દિવસ ત્યાં જ પડ્યા-પાથર્યા રહેવાનું ને ગપાટા માર્યા કરવાના.’ કંકુકાકીએ લગ્નના બીજા પ્રકાર તરફ ધ્યાન દોરતા ટૂંકમાં તેના લાભ જણાવ્યા. ‘એ તો પિયર બાજુ હોય તો મજા આવે, પણ સાસરે તો ઘરનાં લગન હોય, તો બધી મજા હોંહરી નીકળી જાય. છોકરાના હોય કે છોકરીના. સાસરામાં ઘરનાં લગન હોય એટલે કામ કરી કરીન તૂટી જવાય છે!’ કલાકાકીએ ગેરલાભ તરફ આંગળી ચીંધી એટલે સવિતાકાકીએ ટેકો આપતાં કહ્યું,‘હાચી વાત છે. મારે તો કેડ ને વાંહો એક થઈ જાય છે બાપા અને એમાંય મેંદીની રસમમાં તો વહુવારુઓ મારી બેટિયુ પહેલાં બેય હાથમાં મેંદો મુકાઈને સોફામાં સેટ થઈને બેહી જાય અને આપડે છેલ્લે મુકાવવાની થાય એટલે બધું પરવારીને બેહવું પડે.’


‘તે લગનપ્રસંગે તો સાસરું હોય કે પિયર, આપડા આરામનું સેટિંગ કેવી રીતે કરવું, એમાં તો થોડી આવડત અને હોશિયારી વાપરવી જ પડે.’ કંકુકાકીએ વાતને બીજી દિશામાં વળાંક આપ્યો. સવિતાકાકીએ નડતાં પરિબળો પર ધ્યાન દોર્યું, ‘હવે ન્યાં એક જ ઘરમાં બધા હાયરે હમચી ખૂંદતા હોય, ત્યાં હુ હોશિયારી વાપરવાની? હારોહાર કામમા મંડી જ પડવું પડે. બેઠા થોડું રહેવાય?’ ‘આરામ કેવી રીતે શોધી લેવો, એ આપડા હાથમાં છે બેન. થોડું મગજને કષ્ટ આપોને, તો બધાય રસ્તા નીકળે બેન! સહેજ વાપરવાની.’ કંકુકાકીએ કહ્યું.


મારા સહિત બધાને જાણવું’તું કે ઘરના લગ્નમાં આરામ કરવો શી રીતે? મેં શરમ મૂકીને પૂછી જ લીધું, ‘કેવી રીતે?’ (મારા ઘરમાંય સાસરામાં જ લગ્ન આવે છે, તો એ ટાઇમે આરામ કેવી રીતે કરી લેવો, એ જાણી લેવાની ઉત્કંઠા મનેય થઈ.) કંકુકાકી તાનમાં આવી પોતાની આવડત અને હોશિયારીનું પ્રદર્શન કરતાં કહેવા લાગ્યાં, ‘જો, પહેલા તો છેને ‘લાવો કાંઈ કામ છે?’ કરતું સૌથી પહેલું પહોંચી જવાનું. એટલે આપડી ‘કામગરા’ હોવાની મસ્ત ઇમ્પ્રેસન પડી જાય. પછી કોક બેઠાબેઠ કરવાનું કામ હાથમાં લઈ લેવાનું. એટલે આમતેમ દોડાદોડીનું કામ આપડા પછી જે કોઈ આવે, એણે જ કરવું પડે. હા, બને ત્યાં સુધી કોક પંચાતિયણને હારે રાખીને આપડે રોટલી વણવા બેહી જવાનું. એટલે એયને મજાનું એક્યુપ્રેસર થાય, બે વાત જાણવા મલે અને થાકય ના લાગે અને જમીને છેલ્લે ઊભા થવાનું એટલે લગભગ બધું મુકાઈ ગ્યું હોય. પછી બધા ભેગા થઈ જાય ને એક રૂમમાં ચર્ચાઓ કરતા હોય ત્યારે આપડે એ રૂમમાંથી વટી થઈ જવાનું. બે-તૈણ વાર ખોટેખોટું કશું લે-મૂક કરવાનું. એટલે બધાને એમ થાય કે આ જ બિચારી દોડાદોડ કરે છે. બે-ત્રણ મિલિટ ત્યાં બેહવાનું પછી લાગ જોઈને હળવેકથી ખસકી જવાનું.

સામાનવાળા રૂમમાં જઈને જગ્યા કરીને આડા પડી જવાનું. ત્યાં કોઈ બહુ આવે જ નહીં, એટલે ડિસ્ટોપ જ ના થાય આપ્ડાને. જો ઊંઘતા ઝડપાઈએ, તોય લોકો આપડી દયા જ ખાય કે ભલે ઊંઘતી બિચારી!’ વક્તવ્ય પૂરું. ખરું પડ્યા ને પાથર્યા રહેવાનું કોને કહેવાય, એ મને બરાબર સમજાઈ ગયું.

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી