‘હિન્દી’માં રહેવાનું એટલે...

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Sep 25, 2018, 12:05 AM IST

‘હાઇફાઈ થવું છે, પણ અમાર ઘરમાં તો ફરજિયાત હાડલો જ પેરવો પડે અન મને તો બોલીય ગામડાની જ આવડે. કંટારો આઇ ગ્યો યાર.’ ખાંચામાંથી કંકુકાકી અકળાતાં આવ્યાં ને ઊભરો કાઢ્યો. ‘જો બેન, જેમાં ફેરફાર ના થાય એવું હોયને એ વિસે વિચારીન હેરાન નંઈ થવાનું!

હાઇફાઈ થવાનું પોશિબલ ના હોય અને હાઇફાઈ ફીલિંગ લાબ્બી હોય, તો અઠવાડિયે એક વાર હિન્દીમાં રહેવાનું ચાલુ કરવું. તૈણથી ચાર વશ્તુઓ એવી થસે કે તમને એટલું હારુ લાગસે કે વાત ના પૂછો! હાચું કઉં છું.’ કલાકાકીએ સલાહ આપી. ‘હેં? માણહ પોળમાં રહે, ફ્લેટોમ રહે, બંગ્લામ રહે, પણ હિન્દીમાં રહેવાનું? નવી સોસાયટી થઈ છે?’ હંસામાસીને પ્રશ્ન થયો. ‘ના હવે. એવી શોશાયટી હોય? એ તો આપડી પોળમાં ખાંચામ પેલી નોનગુજરાતી રહેવા આઈ છે. એની હારે વાતો કરી તાણ ખબર પડી કે હિન્દીની આખી લાઇફ જ અલગ હોય યાર. (મનથી) ફોરવર્ડ થવાનું પહેલું પગથિયું એટલે જ હિન્દી. હાચું કઉં છું. જો, હમજાઉં. ગુજરાતી અને નોનગુજરાતીનો મેઇન ડિફરન્શ જ આ છે.’ ‘એટલે?’ કલાકાકી કહે, ‘એટલે. તમે હાડલો પેર્યો હોય, ડ્રેશ પેર્યો હોય કે જીન્સ પેર્યું હોય, પણ જો તમે ‘રિ..ક્સા’ બોલાવો ને કોઈ ઊભું નહીં રહેતું, પણ ‘ઓટો’ કહીન બોલાવો. ઓલો તરત ઊભો રે’ છે ક નૈ. જોવું હોય તો જોજો કોક દહાડો.’

નવાઇ લાગીને શીર્ષક વાંચીને? પણ સાચું છે. તમે ‘હિન્દી’માં રહો એટલે માનસિક રીતે બધું ફરી જાય છે. અનુભવ કરી જોજો

‘અને બીજું, આપડે ન્યાં મહેમાન આવે ઈ બધાં હગાંવહાલાં કે’વાય અને હિન્દીમાં રિસ્તેદાર.’ (સવિતાકાકીએ ઢાળ પર ગાડી હાંકવા માંડી.) મને એક વાર અનુભવ થયેલો. તમારી વાત હાચી. આમ તમે એ લોકોને જુઓ ને ઈ ભેગું જ તમારું મગજ હિન્દીમ હાલવા માંડે. પછી આમ પકોડે ને પરાઠે ને સબ્જીને એવું બધું ચાલવા માંડે મનમાં. હાળું એક વાત તો છે હોં. આપડે હિન્દી નામો બોલીએ ને, આપડાન હારી ફીલિંગ આવ.’ ‘પણ અલા, જે દહાડે તમે હિન્દીમાં રશોઈ બનાવસોને એ દહાડે પછી ખાના લગાવવાના હોય, એટલે-દાલ ને રાઇશ ને રોટી સબ્જી બધું કરવું પડસે અને ત્યારે જ ખરો પોબ્લેમ થસે, કારણ કે હિન્દીમ દાલ બનાઈએ ને, તો એમાં તો ફરજિયાત કોથમીર-લીમ્ડો ભભરાબ્બાં જ પડે અને ખાને મેં સ્વીટ ડિસમાં ‘ગાજર કા હલવા’ ને બધું કરવું પડે. ઓલું દાળમાં લીમડા-કોથમીરની ગરજ નહીં. હુ કહો છો!’ હંસામાસીએ હિન્દી વખતે થતી હેરાનગતિ વિશે જણાવ્યું. તો કલાકાકીએ ફાયદો જણાવ્યો, ‘પણ હિન્દીની ‘રોટી’નો મોટ્ટો ફાયદો હુ ખબર છે. ‘ફુલ્કે’ કહીન એયને જાડી જાડી ઉતારી જ દેવાની. પાતળાં નાનાં નાનાં રમકડાં કરવાની પળોજણમાંથી છુટકારો.’


‘એક બીજો ગેરફાયદો બી છે, વાહણો બહુ બગડે. ઓલું તો તાંહળું લઈન ડોઇંગરૂમમાં વચ્ચે મેલીન જમ્બા બેહી જઈએ તો હેંડે. હિન્દીમ રાંધોને, તો આવું તો શેજ્જેય ના હેંડે.’ હંસામાસી ગેરફાયદા કાઢવા લાગ્યાં. ‘વાહણો બગડે, તો ‘બરતન ધોને હૈ’ બોલસો ને ઇજી થઈ જસે બધું. એક વાત યાદ રાખો. હિન્દીને દહાડે બધું જ હિન્દીમાં. નકર તમે હેરાન થઈ જાવ યાર અને ખાસ તો ઈ કે આ બધું ‘હિન્દી’ મનમાં જ બોલવાનું હોં. નકર સાકવારીથી માંડીન ઘરના બધા આપડી ફીરકી લ્યે.’ કલાકાકીએ પોતાનું સૌથી પહેલાં કહેલું ‘કથન’ સત્ય સાબિત કરતાં કહ્યું, ‘એટલે જ તો મેં કીધું કે આ રોજ રોજ ના પોહાય. અઠવાડિયે એક વાર હિન્દી રાખોને, તો તમાર મનને હારુ લાગે અને આમ જોવોને, તો આ બધું ફીલિંગ લાબ્બા માટે જ છે. બાકી તો જે કરતા હોય ઈ જ કરવાનું. મેઇન ફેરફાર તો મનમાં કરવાનો છે. (જાણે-અજાણે કહેવાઈ, પણ વાત મુદ્દાની છે નંઈ.)’

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી