સહેરોમાં શરનામાંની શોધ

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Sep 18, 2018, 12:05 AM IST

‘અલા હવડે રાણીપ જવા નીકળેલા ને કલાકમાં પાછા કેમના આઈ ગ્યાં?’ નિરાશ પગલે આવતાં સવિતાકાકીને જોઈને હંસામાસીએ પૃચ્છા કરી. ‘હું તો આખા વિસ્તારની પ્રદક્ષિણા ફરીન પાછી આઈ. ઘર જ ના મલ્યું. ખરેખર હોં, સહેરોમ તો ઘરો સોધવા એટલાં અઘરાં કે ભૈસા’બ હું તો ગ્વોડ્ડી થઈ ગઈ. જેને પૂછીએ, એ અંગ્રેજીમ શાઇડ બતાવે. રાઇટ ટન, લેપ્ટ ટન અને યુ ટન. આડાઅવળા ટનો લઈને રિક્સાવાળાએ અઢીસો રૂપિયા લઈ ઘરભેગી કરીે.’

‘એડ્રેસ આપવાવારાનો જ વાંક. આખા શરનામાનો મેશેજ ભલેને કર્યો હોય, પણ ફોનમાં હમજાવવાનું અગત્યનું. એક તો સહેરોની શોશાયટીઓમ બે બે-તૈણ તૈણ ગેટો (ગેટ નં-1, 2, 3 એવું કહેવા માગે છે) હોય, તો છેલ્લું શેમાં વરવાનું?’ હંસામાસીએ ગુસ્સો ઠાલવ્યો. ‘આપડે પોળોમ તો ખાંચા હોય અને ખાંચો જ વળતો હોય. એટલે વાંધો ના આવે યાર, પણ સહેરોનું એમની રીતે હમજાવવું જોઈએ.’ કંકુકાકીએ પણ સામેવાળાનો વાંક કાઢ્યો. ‘પણ ખરી તકલીપ તો ત્યારે પડે જ્યારે ‘આપડે પોત્તે’ શરનામું ‘શોધવાનું’ આવે, કારણ કે ત્યાં તો તૈણ રસ્તાઓ હોય પાછા. ચાર રસ્તાઓ તો વળી બે બે મિલિટે આવ અને હદ તો જુઓ આ હેરોવાળાઓની. પાંચ-પાંચ છ-છ રસ્તાઓ રાખે.’ સવિતાકાકી કહે, ‘એં, બે કિલોમીટર જેટલું શર્કલ ફરો, તંઈ તમે એકાદા મેઇન રસ્તા પાંહે પહોંચો. ત્યાં હુંધીમ તો માર જેવા ભુલકણા ક્યાં વળવાનું હતું ઈય ભૂલી ગ્યાં હોય. એમાં જ તો પાછી આઈ.’

સવિતાકાકી જેમનાં ઘરે ગયાં હતાં, એમનું ઘર જ ન મળ્યું. પછી મહિલામંડળમાં શરનામાંની જે શોધો થઇ છે... વાત ન પૂછો

‘એડ્રેસ બતાવવાની બી કળા છે. જેને આવડે એને જ આવડે.’ કંકુકાકીએ કહ્યું. ‘હાચી વાત. સરનામું બતાવતી વખતે પહેલાં તો આપ્ડા મનમાં દિસાઓ ફિક્સ હોવી જોઈએ.’ કલાકાકીએ પ્રકાશ પાડ્યો. ‘એ તો પોસ્ટલ એડ્રેસ હોય તો મોબાઇલમાં મેપ આવે છે, એ જોઈને પણ પહોંચી જવાય.’ મેં વાત રજૂ કરી. હંસામાસી તૂટી પડ્યાં. ‘એટલે? રિક્સામ બેઠાં બેઠાં મોબાઇલમાં જોવાનું? હામે નંઈ જોવાનું? આપડે નીચું જોઈને શાઇડો આલીએ અને રિક્સાવારા ભઈ ના હમજે તો? મૂંગી રહેને ખબર ન પડતી હોય તો. બધી વખતે ટેક્નોલોજી ના કામ આવે.

આપડામાં બુદ્ધિ હોય ને એ જ કામ લાગે. હમજી.’ મને શિસ્તભંગ કર્યાની સજા મળી. ‘આમ તો મોટ્ટાં મોટ્ટાં બોર્ડો લગાએલાં હોયને, જેમાં એરોટાઇઝો ચીતરેલી હોય. એ હમજાઈને રસ્તો બતાઈ શકાય.’ કલાકાકીએ કહ્યું. ‘એ તો રાતોરાત એરોટાઇઝોનાં બોર્ડો બદલાઈ જાય, તો હામે વારું તો ધંધે લાગી જાયને યાર.’ ‘તો પછી કોઈ દુકાનનું નામ કે મકાનનો કલર કહી દેવાનો એટલે આવવાવારા ભૂલા જ ન પડે.’ કંલાકાકીએ બીજું સૂચન કાઢ્યું. ‘પણ જેણે જોએલું હોય, એ છ બાર મહિને આવતું હોય. એ આવે ત્યારે મકાન વેચાઈને ફ્લેટો બની ગયા હોય તો એ ભૂલું જ પડે.’ ‘પણ આ સંસારમાં ન બદલાય એવું તો કસું છે જ નંઈ.’ કલાકાકીએ કહ્યું. કંકુકાકીએ વાતનો દોર હાથમાં લેતાં, ‘ના ના. એક વસ્તુ છે, જે કદી ન જ બદલાય અને એ છે ‘બમ્પ.’

સહેરોના એરિયામ કોઈને બી શરનામું આલો, ત્યારે એમણે જ્યાં હુધી જોયું હોય, ત્યાંથી આપ્ડા ઘર લગીની બમ્પની શંખ્યા કહી દો. પછી કોઈ દિ’ ભૂલું ના પડે. આપડો પર્સનલ એક્સપિરિયન્સ છે. પહેલ્લી વાર આબ્બાવારાને આપડા ઘર આસપાસના બમ્પની માહિતી આલી હોય, તો કોઈ બી પહોંચી જ જાય અને બીજી વાર બે વરહે આવે ને તોય બમ્પે બમ્પે સીધા દરવાજે આઈને ઊભા રહે. (ત્રાંસી આંખે મને જોઈને કહે) અને ‘બમ્પ’ની હામે ‘મેપ’ના તો ચણાય ના આવે. ઇન્ટરનેટની હાડાબારી તો નંઈ.’

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી