ફ્લેટોવારાનું શેન્શિંગ

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Sep 11, 2018, 01:01 PM IST

હું સામાસીએ ઓટલે બેસી ગળેથી પરસેવો લૂછતાં ઊંચું જોયું ને પહેલે માળે મીનાક્ષીબેનનું ગાઉન સુકાતું જોયું. (સ્ટાર્ટ) ‘આ ગાઉનો પે’રવાવારીઓ હાડીઓવારાને તો જાણે ગામડિયણો જ ગણે છે નંઈ.’


કલાકાકીએ ફ્લેટોના ત્રાસની નવી દિશા ખોલતાં જણાવ્યું, ‘હા, જ્યારથી પોળમાં ફ્લેટો થવા માંડ્યા છે ત્યારથી ત્રાસ વધી જ ગયો છે. પાછા એવું માને કે જે ફ્લેટોમ રહે, એ ફેસનેબલ ને આપડે દેસી. ટેણિયાઓ આગર પોતાને આંટી કહેવડાવે અને આપડાન માસી ને કાકી ને બા.’ ‘ખરી વાત તો એ છે કે આપ્ડા લોકોમ જેટલી શેન્શ છેને, એટલી તો કોઈનામ નહીં. આપડે જમીન પર રહીએ, પણ ઊંચી શેન્શિંગવાળી વાતો આપ્ડી જોડે જ હોય અને એ લોકો રહેતા હોય પહેલા-બીજા માળે, પણ મગજના બધા માળ ખાલી.’

ફ્લેટમાં રહેતી મહિલાઓ વિશે અમારા મહિલા મંડળે જે મત બાંધ્યો છે...

કંકુકાકીએ રહેઠાણના ઊંચાઈના સ્તર અને માનસિક સ્તરનો ભાગાકાર કરીને છેદ જ ઉડાડી દીધો. ‘હાચી વાત. આ ખાંચામ નવા ફ્લેટો થયા, એમાં રે’ છે. એને કાલ જોઈ’તી?’ હંસામાસીએ કહ્યું. ‘હંઅન. ઓલુ ફેસનેબલ ગાઉન તો ઇન જરાય હારુ નથ લાગતું, પણ જંઈ જુઓ તંઈ ઈ પે’રીન હાલી નીકળે છ ‘હાલાતુલી’. ડ્રેસ પે’રે તો દુપટ્ટોય હરખો નથ નાખતી. કાયમ ઊંચકનીચક જ હોય ને પાછું જ્યાંથી ઊંચો હોયને ન્યાંથી જ હરખો કયરા કરે ‘અકલમઠી’.’ સવિતાકાકીએ વિશેષણો આપીને એની બેદરકારી અને અણઆવડત વર્ણવ્યાં. ‘લાલ-પીળી ડાંડિયુંવાળાં ચશ્માં ચડાવે પાછી અને એને સૂતળી જેવા ઝટિયા ઉપર સેટ કરે.

મેં તો એનું નામ મલ્ટિકલર મીનાક્સી જ પાયડું છ.’ ‘એક દિ’ એના ઘેર ગઈ’તી, એણે જે રીતે શલાડ શમારેલું ને, એની પર નજર પડતાં જ મને ખબર પડી ગઈ કે આનામ ભલેવાર નંઈ જ હોય. ગોળ કાકડીના ત્રિકોણ કટકા કરેલા ને એક ટમેટાના ચાર જ ભાગ સફરજન કાપીએ એવા અને કોબીનાં પાંદડાંના તો વળી બે જ ભાગ કરેલા. ગાજરની અંદર ઓલું ધોરું હોય ને વચ્ચે, ઈ એમ જ રાખેલું ને લાંબી કેળાંવેફરની જેમ સમારી નાખ્યું’તું. વેઠ ઉતારી’તી વેઠ. પાછો બાજુમ ફળફળતો ભાત મેલ્યો ને ઉપર ઉકળતું તેલ નાખીન કહે, ‘ધિજ ઇજ શિજલર. યુ નો.’ આવી રીતે રસોઈ બનાવે, એનો અરથ એમ થાય કે આવડી આ બધા જોડે ઉપર ઉપરથી શંબંધ રાખતી હોય.’ ‘ત્યારે એની નીચેવાળી સુનયના તો વળી જુદું જ રતન. એક દહાડો મારું નીકળવું ને એની રહોડાની બારી ખુલ્લી હતી. ગાઉન્ડ ફ્લોર પર રહે છે ઈ, તે મેં વળી હાલતાં હાલતાં એની જાળીએ ડોકિયું કરેલું. ત્યારે એને લીંબુ નીચોવતી જોઈ અને મેં એ જ શેકન્ડે ડિસીજન લઈ નાખ્યું કે આની હારે શંબંધ ન રખાય. આપડું આઈ જ બને. એવા હામું જોઈને હસવાનુંય નંઈ.’

સવિતાકાકી હંસામાસીને કહે, ‘જો હંસાબેન, તમાર ભાણિયા હાટુ છોકરી જોતાં હો ને, તો જન્માક્સર તડકે મૂકી દેવાના. શભાવ જાણવા માટે એની આગર તડબૂચ શમારાવવાનું. જો બિયાં પહેલાં જ કાઢી નાખે, તો હમજી લેવું કે પૈણીન આયાભેગી તરત નડવાવારાને શાઇડમાં કરી દેસે અને જો ખાતાં ખાતાં કાઢે તો હમજી લેવાનું કે જ્યારે કોઈ એને નડસે, ત્યારે એ ફેંકાઈ જવાનોે. તમારે કે કેવી જોઈએ છે. એ રીતે ‘હા’ કે ‘ના’ કરવાની.’ ‘જો ખાતાં ખાતાંય ના કાઢે તો?’ ‘તો હમજી લેવાનું કે એ ભલભલાને ચાવીને, ગળે ઉતારીને, એકલી ઓડકાર ખાસે.’ (લોકો કેવી આગવી પ્રતિભાઓ છુપાવીને બેઠા હોય છે નંઈ.)

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી