Back કથા સરિતા
ગુણવંત શાહ

ગુણવંત શાહ

ચિંતન, સાંપ્રત (પ્રકરણ - 39)
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

નક્સલવાદ: ધર્મની ગ્લાનિ, ધર્મની સંસ્થાપના અને યોગેશ્વર કૃષ્ણ

  • પ્રકાશન તારીખ16 Sep 2018
  •  

કોઈ એક્ટિવિસ્ટ સમતાવાદી (ઇગેલિટેરિયન) સમાજની રચનામાં ઊંડી શ્રદ્ધા ધરાવતો હોય, એ તો એની થાપણ ગણાય. એવા સમાજનું સમણું સેવીને એ હિંસક માર્ગે વળે તો એ સામ્યવાદી કોમરેડ ગણાય. જેઓ હિંસક અથડામણોમાં સીધો ભાગ ન લે, પરંતુ નગરમાં રહીને હિંસક જૂથોને સહકાર આપે તેને ‘અર્બન નક્સલ’ કહેવામાં આવે છે. એવા શહેરી સાથીદારોને સજા ફરમાવી શકાય? જે પાંચ પકડાયા અને જેલમાં ગયા, તે લોકો બેગુનાહ ગણાય ખરા? આ બાબતે ગૂંચવાડો છે અને સરકાર પર માછલાં ધોવાઇ રહ્યાં છે. એમાં વાજબીપણું કેટલું?
નક્સલવાદી લોકો હત્યાકાંડ કરે તો સરકાર શું કરે? એ હત્યારાઓ જે કરે, તે આદર્શના નામે કરે છે. એમની પ્રબળ ઇચ્છા એવો સમાજ રચવાની છે, જે શોષણવિહીન હોય અને જેમાં ગરીબ મનુષ્ય પણ રોટલો પામતો હોય. આવી માર્ક્સવાદી ક્રાંતિમાં હિંસા અનિવાર્ય છે, પણ એમાં પાપ નથી. એ તો ક્રાંતિ કહેવાય. ક્રાંતિમાં હિંસા થાય, તો તેનો વાંધો ન હોય. રશિયામાં ક્રાંતિ થઇ હતી અને ચીનમાં પણ થઇ હતી. ભારતમાં રહ્યા છતાં માઓ ઝેડોંગ જ એમની પ્રેરણાનો સ્રોત ગણાય. માઓવાદ પ્રસરે, તો ક્રાંતિ પછી ગરીબી ટળે અને સમાજના ભેદભાવ ટળે. બસ, આવા સમાજવાદી સ્વર્ગ માટે ખપી જવાની તૈયારી, એટલે નક્સલવાદી ઝનૂનની ચરમસીમા. એમના આવા ઝનૂનનું સન્માન કરે અને એમને ગુપ્ત રીતે સહકાર આપે, એ ચતુરસુજાણ બૌદ્ધિક! એ બૌદ્ધિક સજાથી પર ગણાવો જોઈએ?

નરકાસુર કે બકાસુરના વળી માનવઅધિકાર કેવા? ભારતના માનવઅધિકારવાદીઓને કૃષ્ણ ગોકુળમાં કે મથુરામાં કે દ્વારકામાં પ્રવેશવા પણ નહીં દે

યાદ છે? થોડાંક વર્ષ પર છત્તીસગઢમાં નક્સલવાદીઓએ લગભગ 29 કોંગ્રેસીઓની હત્યા કરી નાખી હતી, જેમાં એક કોંગ્રેસી આગેવાનનું નામ નંદકુમાર પટેલ હતું. કોંગ્રેસ પાર્ટીની સમગ્ર કેડર ત્યારે ખતમ થઇ ગઇ હતી. હવે જે ચૂંટણી ટૂંકમાં છત્તીસગઢમાં થવાની છે, તેમાં કોંગ્રેસને એ કેડરની ખોટ પડે એ શક્ય છે. ભૂતપૂર્વ કલેક્ટર અને કોંગ્રેસી આગેવાન શ્રી અજિત જોગી હવે કોંગ્રેસમાં નથી અને નવો પક્ષ રચીને ભાજપ તથા કોંગ્રેસની સામે છે. (ગુજરાતના એક કોંગ્રેસી નેતા અજિત જોગીના મિત્ર છે. એમણે મને કહ્યું કે અજિતભાઇ કુરાનના ઊંડા અભ્યાસી છે.) પેલા 29 જેટલા કોંગ્રેસીઓના માનવઅધિકારો ખરા કે નહીં? આવી કતલ થઇ તેમાં કઇ ક્રાંતિ થઇ? પૂર્વ કોંગ્રેસી વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે આંતરિક સુરક્ષા માટે દેશ સામે સૌથી મોટો ખતરો નક્સલવાદીઓ તરફથી છે. જો નક્સલવાદીઓ કર્મશીલ (એક્ટિવિસ્ટ) હોવાનો દાવો કરે, તો કેટલાક પ્રશ્નો ઊભા થાય:
- કર્મશીલની શ્રદ્ધા કતલ પર હોય કે કરુણા પર?
- કર્મશીલની શ્રદ્ધા હિંસા પર હોય કે અહિંસા પર?
- શું કતલ સાથે માનવઅધિકારની વાતનો મેળ પડે ખરો?
- જે ‘અર્બન નક્સલો’ આવી કતલ કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવે, તે લોકો કવિ હોય, પ્રોફેસર હોય, વકીલ હોય કે માનવઅધિકારવાદી હોય તેથી દોષમુક્ત ગણાય ખરા?
- કતલને ક્રાંતિનું સાધન ગણનારા કોઇ પણ સામ્યવાદી દેશમાં સમતાવાદી સમાજની રચના થઇ હોય એવો એક પણ દેશ પૃથ્વી પર ખરો?
- ચીન અને રશિયાએ મૂડીવાદી અર્થતંત્ર શા માટે અપનાવ્યું?
- હિંસા પણ રોમેન્ટિક?
વડાપ્રધાન મોદી કોંગ્રેસમુક્ત ભારતની હઠ છોડીને ‘નક્સલમુક્ત ભારત’નું સૂત્ર અપનાવે, તો દેશને લાભ જ લાભ થશે. થોડાક સમય પર દાંતીવાડામાં 76 જેટલા અર્ધલશ્કરી જવાનોને નક્સલવાદીઓએ હણી નાખ્યા હતા. દિલ્હીની જે. એન. યુનિવર્સિટીના ડાબેરી વિદ્યાર્થીઓએ એ દુર્ઘટનાની ‘ઉજવણી’ કરી હતી. એમાં કન્હૈયા કુમાર જેવા વિદ્યાર્થી આગેવાનને ક્રાંતિગાન સંભળાયું હશે. સામ્યવાદી હોવું અને સત્યવાદી હોવું એ બંને વાતો સાથોસાથ ટકે ખરી?
આટલી ભૂમિકા પછી કૃષ્ણનો યુગબોધ સમજવામાં સરળતા રહેશે. ગીતાની પરિભાષામાં ‘આતતાયી’ શબ્દ સમજવા જેવો છે. જે નિર્દોષ મનુષ્યને રંજાડે તે ‘આતતાયી’ કહેવાય. નક્સલવાદી ‘આતતાયી’ જ હોય છે. તેઓ તો આદિવાસી વિસ્તારમાં નિશાળોનો નાશ કરે છે અને રેલવેલાઇનના પાટા ઊખેડી નાખે છે. અન્ય ઉપદ્રવો તો જુદા! કાયદો અને વ્યવસ્થાનો જરાય આદર ન કરે, તે આજનો આતતાયી (કે આતંકવાદી) ગણાય. નક્સલવાદી એટલે આતતાયી.
કૃષ્ણ તરફથી જગતને બે બાબતો મળી: 1. ધર્મની ગ્લાનિ અને 2. ધર્મની સંસ્થાપના. નક્સલવાદી ચળવળ ધર્મની ગ્લાનિ ગણાય. ‘ગ્લાનિ’ એટલે શું? ગ્લાનિ એટલે થાક, સુસ્તી, મંદતા, પડતી, નબળાઇ અને અણગમો. આવી રીતે ધર્મને તાવ ચડે ત્યારે ધર્મની સંસ્થાપના જરૂરી બને. ધર્મની ગ્લાનિ, એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. દહેજ લઇને કે આપીને ગોઠવાયેલા લગ્નમાં ધર્મની ગ્લાનિ રહેલી છે. સતીપ્રથામાં ધર્મની ગ્લાનિ રોકડી હતી. મગન જ્યારે છગન પાસે ઉછીના પૈસા લઇને પાછા ન વાળે, ત્યારે પણ ધર્મની ગ્લાનિ નાના પાયે થાય છે. આવી ધર્મગ્લાનિ સામે ધર્મસંસ્થાપનાની પ્રક્રિયા પણ સતત ચાલતી જ રહે છે. પરોપકાર, જીવદયા, અહિંસા, કરુણા અને નિષ્પાપ જીવનશૈલી દ્વારા વિકેન્દ્રિતપણે ધર્મની સંસ્થાપનાની પ્રક્રિયા પણ સતત ચાલતી જ રહે છે. કૃષ્ણની આ વાત મૌલિક છે અને ગીતામાં એ થઇ છે.
કૃષ્ણની દૃષ્ટિએ નક્સલવાદીઓને હણવામાં કોઇ પાપ ખરું? કૃષ્ણ એવી હત્યાને પાપ ન જ ગણે. પ્રત્યેક યુગે આવી ધર્મસંસ્થાપના ન થાય, તો ધર્મની ગ્લાનિ ટાળી ન શકાય. એ માટે દુર્જનોનો વિનાશ ખૂબ જરૂરી છે. નરકાસુર કે બકાસુરના વળી માનવઅધિકાર કેવા? કૃષ્ણ આવા માનવઅધિકારોને કદી પણ ન સ્વીકારે. ભારતના માનવઅધિકારવાદીઓને કૃષ્ણ ગોકુળમાં કે મથુરામાં કે દ્વારકામાં પ્રવેશવા પણ નહીં દે.
માનવઅધિકાર માનવને મળે, દાનવને નહીં. વાત પૂરી!
પાઘડીનો વળ છેડે:
તમારું બંધારણ એ એક
એવા કાગળનો ટુકડો છે,
જેની કિંમત ભારતના વિશાળ
બહુમતી લોકો માટે સંડાસમાં વપરાતા
ટોઇલેટ પેપર જેટલી પણ નથી.
- વિખ્યાત માઓવાદી નેતા આઝાદ
‘Outlook’ 23-08-2010
Blog:http://gunvantshah.wordpress.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP