ધર્મનો મર્મ સમજવો હોય, તો તરબૂચને સમજો!

article gunvant shah

ગુણવંત શાહ

Sep 09, 2018, 12:05 AM IST

પૃથ્વી પર આજે જેટલાં મંદિરો, દેવળો, મસ્જિદો, દેરાસરો, પેગોડા અને ગુરુદ્વારા હોય, તે બધાં જમીનદોસ્ત થઇ જાય પછી પણ ધર્મ નામની ચીજ બચે ખરી? હા, બધાં જ ધર્મનાં સ્થાનકો ખતમ થાય, તોય પૃથ્વી ધર્મવિહીન ન થાય. કદાચ એમ બને કે પૃથ્વી પર ખરેખરો ધર્મ ફરીથી ઉદય પામે. ધર્મ સાથે જોડાયેલી એક પણ ઇમારત પૃથ્વી પર ન હતી, ત્યારે પણ ધર્મ તો હતો જ! આજની દુનિયામાં તો ધર્મનું ‘ઇમારતીકરણ’ થયું છે. પરિણામે ધર્મતત્ત્વ ગૌણ બન્યું છે અને ઇમારતની બોલબાલા બહુ વધી પડી છે. સાચી ધાર્મિકતાનો વિકાસ થાય, તે માટેની પૂર્વશરત એ છે કે ખોટી ધાર્મિકતા ક્ષીણ થાય. સંત જલાલુદ્દીન રૂમી સાચું જ કહી ગયા: ‘જગતમાં બનાવટી સોનું છે, એ બતાવે છે કે ક્યાંક અસલી સોનું હોવું જ જોઇએ.’


અસલી ધર્મની શોધ કરવામાં (બાદશાહ બાબરને પ્રિય એવું) તરબૂચ આપણી મદદે આવી શકે તેમ છે. તરબૂચ ગમે તેટલા મોટા કદનું હોય, તેથી શું? એના કેન્દ્રમાં રહેલો લાલ ગર્ભ જ તરબૂચનો ખરેખર ખાવાલાયક ભાગ છે. સદીઓથી કહેવાતા ધર્મને નામે માનવજાત તરબૂચના છોટલાં અને એનો સફેદ ભાગ જ ખાતી આવી છે. તરબૂચનો લાલ ગર્ભ જ તરબૂચનો મધુર સાર છે. એમાં જે સ્વાદ છે, તે અતિ મધુર હોય છે અને લોકો માટે એ જ મનભાવન અને હૃદયલુભાવન હાર્દ છે. જો આટલી વાત સમજાઇ જાય, તો યુદ્ધ ટળે, હુલ્લડો ટળે અને માનવજાત શાંતિથી સુખપૂર્વક જીવી શકે.


મારી આ વાતને મહાત્મા ગાંધી ટેકો આપે ખરા? જવાબમાં ગાંધીજીએ ક્વિલોન ખાતે જે પ્રવચન કર્યું તેમાં કહેલા થોડાક યાદગાર શબ્દો જ પૂરતા છે. એમણે કહ્યું હતું:
અને હવે હું એવા આખરી નિર્ણય
પર આવ્યો છું કે:


બધાં ઉપનિષદો અને બધાં
શાસ્ત્રો એકાએક બળીને
ભસ્મ થઇ જાય, પરંતુ
ઇશાવાસ્ય ઉપનિષદનો
પ્રથમ મંત્ર આખો ને આખો જો
હિંદુઓની સ્મૃતિમાં બચી જવા પામે,
તો હિંદુત્વ કાયમ માટે બચી જાય.
(Harijan, 30-01-1937, પાન 405)

તરબૂચ ગમે તેટલા મોટા કદનું હોય, તેથી શું? એના કેન્દ્રમાં રહેલો લાલ
ગર્ભ જ તરબૂચનો ખરેખર ખાવાલાયક ભાગ છે. સદીઓથી કહેવાતા
ધર્મને નામે માનવજાત તરબૂચના છોટલાં અને એનો સફેદ ભાગ જ
ખાતી આવી છે. જેઓ કેવળ છોડાંનો જ મહિમા કરે છે, તેમને લોકો
મહંત, મુલ્લા અને પાદરી તરીકે ઓળખે છે

બોલો! મહાત્માએ હિંદુ ધર્મના મોટા કદના તરબૂચનો લાલ ભાગ માત્ર એક જ મંત્રમાં તારવી અને સારવી લીધો! સાર શું? ‘ત્યાગીને ભોગવી જાણો.’ આવી તાત્ત્વિક સમજણ માટે ઇંટ-ચૂનાના કોઇ સ્થાનકની આવશ્યકતા ખરી? ગોળા સંગાથે ગોફણ ગઇ!


ઇસ્લામનું સારતત્ત્વ શું? એક તત્ત્વ છે: ‘તૌહીદ’, એટલે કે વિશ્વનો સર્જનહાર એક જ અને માત્ર એક જ છે. મારી આર્યસમાજી કુળપરંપરાને કારણે મને તૌહીદમાં (કોઇ મુસલમાનને ન હોય એટલી જ) પાકી શ્રદ્ધા છે. ઇસ્લામ નેકી (પ્રામાણિકતા) પર ખૂબ જ ભાર મૂકે છે. ઇસ્લામનો મર્મ સમર્પણ (શરણાગતિ)માં સંતાયેલો છે. ઇસ્લામ એટલે કેવળ એક જ, એવા અલ્લાહને શરણે જવું. અર્જુન ગીતા-ઉપદેશને અંતે કૃષ્ણને શરણે ગયો અને ‘કરિષ્યે વચનં તવ’ જેવા ત્રણ શબ્દો બોલ્યો, ત્યારે અર્જુનનો ‘ઇસ્લામ’ પ્રગટ થયો. કેટલાક હિંદુઓને મારી આવી વિચિત્ર વાત નહીં ગમે એમ બને, પરંતુ હું લાચાર છું. આવી વિચિત્ર વાતો કરવા માટે જ તો મારો જન્મ થયો છે!
બનાવટી સોનાનો ચળકાટ ઓછો નથી હોતો. ‘છપ્પન ભોગ’ની ધામધૂમ ઓછી આકર્ષક નથી હોતી. ચર્ચ ગમે તેટલું ભવ્ય હોય, પરંતુ સંત ફ્રાન્સિસની કરુણા વિના ચર્ચની ભવ્યતા બેકાર બની જાય. તેથી એક ઝેન સાધુએ શિષ્યોને સંભળાવ્યું હતું: ‘તમે ચર્ચમાં ન જાવ, પરંતુ જ્યાં જાવ ત્યાં તમારી સાથે ચર્ચ સાથે લેતાં જાવ.’ જે સાથે લેતાં જવાની વાત છે, તે તો ધર્મ નામના તરબૂચનો સુમધુર લાલ ગર્ભ છે. તરબૂચનાં છોડાંને શું કરવા લઇ જવાં? જરા ઝીણી આંખે નિહાળજો. જેઓ કેવળ છોડાંનો જ મહિમા કરે છે, તેમને લોકો મહંત, મુલ્લા અને પાદરી તરીકે ઓળખે છે. આ ત્રણે પાત્રો ખરા ધર્મના સંરક્ષકો નથી, પરંતુ ધર્મના શબને ઊંચકીને ચાલનારા ડાઘુઓ છે. વધારે શું કહેવું?


સાચા ધર્મની ખોજ માટે એ જરૂરી છે કે બનાવટી એવો ‘છોટલાધર્મ’નો ત્યાગ થાય. છોટલાધર્મમાં અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારની બોલબાલા હોય છે. એમાં ગુરુ ઘંટાલનો જયજયકાર હોય છે. આ બાબતે મને આપણા રેશનલિસ્ટ મિત્રોની વાત સાચી લાગે છે. જગતમાં પશ્ચિમની પ્રજા ‘ઇસ્લામોફોબિયા’ (ઇસ્લામના કલ્પિત ભય)થી પીડાય છે. ISIS જેવા ચાર અક્ષરો દુનિયાને ડરાવે છે. હું પણ ખાનગીમાં ‘ઇસ્લામોફોબિયા’થી મુક્ત નથી. આવા ભયથી દુનિયાની બિનમુસ્લિમ પ્રજાને મુક્ત કરવાની જવાબદારી શાણા મુસ્લિમોની છે. ‘શાણો મુસ્લિમ’ એટલે એવો મુસ્લિમ, જે એકમાત્ર અલ્લાહને જ શરણે જાય છે અને માને છે કે વૃક્ષનું પાંદડું પણ અલ્લાહની મરજી વિના હાલતું નથી. સામેનો માણસ આપણા કારણે ડરે, તેવું શા માટે થવું જોઇએ? ‘શાણો મુસ્લિમ’ એટલે એવો મુસ્લિમ, જે સામે મળેલા માણસને સલામ પાઠવીને સલામતીનો પૈગામ પહોંચાડે છે. શાણો મુસ્લિમ પોતાની પત્નીને સંપૂર્ણ સલામતીનો અહેસાસ કરાવે છે. આ દુનિયામાં સુખી યુગલથી ચડિયાતી કોઇ ઘટના ન હોઇ શકે. જે પતિ પોતાની પત્નીને પીડા પહોંચાડે, તે નથી સાચો હિંદુ હોતો કે નથી સાચો મુસલમાન હોતો કે નથી સાચો ખ્રિસ્તી હોતો. જે માણસ ધાર્મિક હોય તેનું તો ઘર, એ જ મંદિર! સંસ્કૃતમાં ‘ઘર’ માટે ‘મંદિર’ શબ્દ છે. જ્યાં જ્યાં સુખી પરિવાર જીવતો હોય, ત્યાં ત્યાં ઘરને મંદિરનો દરજ્જો પ્રાપ્ત થાય છે. ખલનાયક તે છે, જે મંદિર તોડે છે. જ્યાં અને જ્યારે ક્યાંક પ્રેમમંદિર સર્જાય છે ત્યાં અને ત્યારે ક્યાંકથી ખલનાયક પહોંચી જ જાય છે. માનવજાતેને રાવણ, નરકાસુર અને બિન લાદેન પ્રત્યેક યુગે મળી જ રહે છે. બોલો! આપણે ભગવાનનું શું બગાડ્યું છે?

માણસને ભગવાન વિના ચાલે, પરંતુ ભગવાન માણસ વિના ટકી શકે ખરો?

પાઘડીનો વળ છેડે
પીપા પાપ ન કીજિયે,
તો પુણ્ય કિયો સો બાર,
કિસી કા કછુ ન લીજીયે,
તો દાન દિયો હજાર!
નોંધ: રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી સદ્્ગત આચાર્ય ક્ષિતિમોહન સેન નોંધે છે: ‘દ્વારકાને માર્ગે પીપાવડ પાસે તેમનો એક મઠ છે. આ મઠ અતિથિસેવા માટે જાણીતો છે. શીખોના ધર્મોત્સવમાં પીપાનાં ગાન ગવાય છે. ‘ગ્રંથસાહેબ’માં તેમનાં ભજન છે.’ (સાધનાત્રયી, પાન-267) ઉપરોક્ત ચાર પંક્તિઓમાં તરબૂચનો લાલ ગર્ભ પ્રગટ થયો દીસે છે. કોઇનું પડાવી ન લઇએ, તો હજારોનું દાન કર્યું ગણાય છે. કોઇ પાપ ન કરીએ, તો સો વખત પુણ્ય કર્યું એમ ગણાય. પીપા ભગતની પંક્તિઓમાં તરબૂચનો લાલ ગર્ભ પ્રગટ થતો જણાય છે. {

Blog:http://gunvantshah.wordpress.comX
article gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી