વિચારોના વૃંદાવનમાં / રામયુગમાં પણ બૌદ્ધિકો હતા આજે ટુકડે ટુકડે ગેંગ જીવતી છે

article by gunvant shah

ગુણવંત શાહ

Apr 21, 2019, 03:29 PM IST

ચૌદ વર્ષના વનવાસ પછી રામ અયોધ્યા પાછા ફર્યા હતા. અયોધ્યાના પાદર પર ભરતમિલાપ થયો ત્યારે અયોધ્યાનાં નગરજનોની આંખો છલકાઈ ગઈ હતી. નંદિગ્રામમાં તપસ્વીની માફક રહેનારા ભરતની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો હતો. રાજગાદી પર ચૌદ વર્ષ માટે આરૂઢ થયેલી રામની પાદુકા ભરત રામને પહેરાવી રહ્યો હતો. રામની અશ્રુધારા ભરતના હાથને ભીંજવી રહી હતી. રામરાજ્યનો પ્રારંભ કેવો હતો? રામ રડતા હતા અને ભરતને કહી રહ્યા હતા, હે ભરત!
મૈં વન જાકર હંસા,
કિન્તુ ઘર આકર રોયા!
ખોકર રોયે સભી,
ભરત! મૈં પાકર રોયા!
- મૈથિલીશરણ ગુપ્ત
ત્યાગની આવી હરીફાઈ પર ઊગેલું રામરાજ્ય શરૂ થઈ ગયું. એ દિવસોમાં સરયૂને કિનારે આવેલા એક શિવમંદિરના ઓટલે અયોધ્યાના કેટલાક અવળચંડા બૌદ્ધિકો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. એક ચતુર સુજાણે પ્રશ્ન ઉઠાવ્યો: ‘રાવણે જ સીતાનું હરણ કર્યું એની કોઈ સાબિતી ખરી?’ બીજા ચતુરે ટાપશી પૂરી અને ઉમેર્યું: ‘એક વાત નોંધવી પડશે કે પંચવટીમાં એકાંત હતું અને કોઈએ રાવણને સીતા ઉપાડી જતાં જોયો ન હતો. આ કિસ્સાનો કોઈ પણ દાર્શનિક પુરાવો નથી. માટે આ તો રામની સરકારનો પ્રચાર છે. વાસ્તવિકતાનો પત્તો ક્યાંય નથી.’ એક ચતુરસુજાણે પોતાનો ભિન્ન મત પ્રગટ કર્યો અને કહ્યું: ‘જટાયુએ રામને કહ્યું હતું કે રાવણ સીતાને ઉપાડીને આકાશમાર્ગે દક્ષિણ દિશામાં લઈ જઈ રહ્યો હતો અને સીતા મોટા અવાજે રડી રહી હતી.’ તરત જ બીજા એક બૌદ્ધિકે તીવ્ર ઉશ્કેરાટ સાથે કહ્યું: ‘જટાયુની એ જુબાની સર્વથા અસ્વીકાર્ય ગણાય, કારણ કે રામને પોતાની વાત કહેતી વખતે જટાયુની પાંખ રાવણની તલવારના પ્રહારથી કપાઈ ગઈ હતી અને એટલું બધું લોહી વહી ગયું હતું કે એની જુબાનીને વિશ્વસનીય ગણી ન શકાય. એ લગભગ મૃત્યુન્મુખ હતો ત્યારે અભાન અવસ્થામાં એણે રામને જે કહ્યું તેના પર આધાર રાખીને રાવણને અન્યાય થાય એવું કરવામાં માનવઅધિકાર અને લોકતાંત્રિક મૂલ્યોની વિડંબના થાય.’
બૌદ્ધિકોની સંગોષ્ઠિ પૂરી થઈ અને સૌને થયું કે રામની વાતમાં દમ નથી અને રાવણને અન્યાય થાય એમાં લોકતંત્ર સાથે વણાયેલાં બધાં જ માનવીય મૂલ્યો જોખમમાં છે. રાવણની છાપ સારી નથી, પરંતુ છાપ પરથી કોઈ મનુષ્યનું ખરું મૂલ્યાંકન ન થઈ શકે. રાવણ પણ આખરે લંકા જેવા રાજ્યનો પ્રથમ નાગરિક છે. આવી માન્યતા ધરાવવી એ આપણો મૂળભૂત અધિકાર છે અને તે અધિકાર આપણને વૈદિક પરંપરામાંથી પ્રાપ્ત થયો છે. (સંગચ્છધ્વં સંવદધ્વં સં વો મનાંસિ જાતનામ્). આપણે સૌ તો વિચારક્રાંતિને ઓવારે બેઠેલાં બૌદ્ધિકો છીએ. રામરાજ્ય પુરાણાં મૂલ્યો પર આધારિત એવું ફ્યૂડલ સમાજતંત્ર છે. છેવાડે બેઠેલા વંચિત અને શોષિત મનુષ્ય માટે રામરાજ્યમાં કોઈ પ્રાવધાન નથી. એમાં તો વર્ણાશ્રમ વ્યવસ્થાનો જયજયકાર છે અને ગરીબીનું અભિવાદન છે. આપણા જેવા સૌ કર્મશીલોને આવી જર્જરિત મૂલ્યપ્રથા મંજૂર નથી. અંતે એક દાઢીવાળો બૌદ્ધિક જોરથી બોલ્યો: ‘This is my choice. મને આવો અધિકાર રામતંત્રમાં પ્રાપ્ત થયો છે. પ્રશ્ન પૂછવો એ મારો અધિકાર છે. સાબિતી માગવી એ મારો અધિકાર છે. રાવણ સીતાને લઈ ગયો એટલામાં સમગ્ર લંકાના નાગરિકો પર ઝાળ કાઢવી, એમાં ન્યાય ક્યાં રહ્યો? હિંમત હોય તો રામ જવાબ આપે! અમારો વિદ્રોહ ચાલુ જ રહેશે.’
  • રામના સમયમાં રાવણ પ્રત્યે બૌદ્ધિક સહાનુભૂતિ ધરાવનાર એ ટોળકી આજે પણ જીવતી છે. એ ટોળકી માટે નવો શબ્દપ્રયોગ આજકાલ રમતો થયો છે: ‘ટુકડે ટુકડે ગેંગ.’ એ ટોળકી JNUમાં સક્રિય છે
માનશો? રામના સમયમાં રાવણ પ્રત્યે બૌદ્ધિક સહાનુભૂતિ ધરાવનાર એ ટોળકી આજે પણ જીવતી છે. એ ટોળકી માટે નવો શબ્દપ્રયોગ આજકાલ રમતો થયો છે: ‘ટુકડે ટુકડે ગેંગ.’ એ ટોળકી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં (JNU)સક્રિય છે. એ ટુકડીના મહામૂર્ખ યુવાનેતાનું નામ કન્હૈયાકુમાર છે. એવું તે શું છે કે આતંકવાદી પરિબળો તરફ જ ભારતના તથાકથિત બૌદ્ધિકોને અંદરથી સ્પષ્ટ પક્ષપાત રહેતો હોય છે? એમને અંદરખાનેથી હાફિઝ સૈયદ કેમ ગમતો હોય છે? કન્હૈયા કુમારને ‘બૌદ્ધિક’ ગણવાનો હું ઇનકાર કરું છું. મારી વાત વિચિત્ર લાગી? તો નીચે આપેલ ગદ્યખંડ ઊંડો શ્વાસ લઈને બે વાર વાંચી જાઓ:
અમારી જેહાદ માત્ર
કાશ્મીર પૂરતી જ નથી.
લગભગ પંદર વર્ષ પહેલાં
જો કોઈએ લોકોને એવું કહ્યું હોત
કે યુ.એસ.એસ.આર.નું વિભાજન
થવાનું છે, તો તમને એ મજાક લાગી હોત.
આજે હું ભારતના વિભાજનની જાહેરાત કરું છું.
ઇન્શાઅલ્લાહ! જ્યાં સુધી આખું ભારત
પાકિસ્તાનમાં ઓગળી નહીં જાય
ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહીં.
- પ્રોફેસર હાફિઝ મોહંમદ શેખ
(લશ્કરે તૈયબાનો સ્થાપક)
લાહોર તા. 03-11-1999
‘Outlook’, 15-12-2008
આવા ઝનૂની શબ્દો વાંચીને તમને ખલેલ પહોંચી? જો પહોંચી હોય, તો તમે તરત જ હિન્દુત્વવાદી ગણાઈ જશો, પરંતુ જો તમને ખલેલ ન પહોંચી હોય, તો તમે ‘બૌદ્ધિક’ ગણાશો. કેટલાક પ્રગતિશીલો એવું માનતા ફરે છે કે ‘હિંદુ’ હોવું એટલે જ અબૌદ્ધિક હોવું! સદ્્ભાગ્યે આપણા દેશમાં એક એવો મહાત્મા થઈ ગયો, જે પોતાને ગૌરવપૂર્વક સનાતની ‘હિંદુ’ ગણાવવામાં શરમ અનુભવતો ન હતો. એમ કહેવાય છે કે પોતાનાથી જુદો અભિપ્રાય ધરાવનારા વિચારવીર ટ્રોટ્સ્કીને સ્તાલિને માથામાં હથોડો મારીને પતાવી દીધેલો. ગુજરાતમાં એક સંનિષ્ઠ ટ્રોટ્સ્કીવાદી એવા રોહિત પ્રજાપતિને હું ઓળખું છું. રોહિત વારંવાર ઘરે વિચારની આપ-લે માટે પત્ની તૃપ્તિ સાથે આવતો, પરંતુ વર્ષ 2000 પછી આવતો બંધ થઈ ગયો. એણે સ્તાલિનનું વલણ અપનાવ્યું. બાકી, હું રોહિતનો પાકો પ્રશંસક આજે પણ છું. શું નકસલવાદીઓ માનવઅધિકારના રખેવાળો છે? પ્રશ્નનો જવાબ છે? આઝમગઢ જેવા શહેરને લોકો ‘આતંકગઢ’ કહે છે. ત્યાંના લોકપ્રિય કવિ ઇકબાલ સુહેલની પંક્તિઓ સાંભળો:
તમારી તલવારની ધાર
કેટલી તીક્ષ્ણ છે, તેની
ચકાસણી કરવા માટે
તમે ક્યાં સુધી અમારાં
ડોકાં કાપતાં રહેશો?
પાગલ મૂર્ખ કરતાં પાગલ બૌદ્ધિક વધારે જોખમકારક હોય છે. શું હિંસાપ્રેમી નકસલવાદીઓને ફેક-એન્કાઉન્ટર કર્યા વિના ખતમ કરી શકાય કે? દેશમાં બૌદ્ધિક ગણાતા મહામૂર્ખોને ટીવી પર દલીલોના દડા ફેંકતા જોવા એ ભારે ત્રાસદાયક અનુભવ છે. એમને આતંકવાદીઓનું તાણવામાં જે મજા પડે છે તેમાં નિર્દોષ માનવીના માનવઅધિકારોની ચિંતાને બદલે એમની કતલ કરનારાઓની ચિંતા વિશેષ હોય છે. આવા કહેવાતા બૌદ્ધિકોને ‘મહામૂર્ખ’ કહેવાનો રિવાજ આજથી જ શરૂ થવો જોઈએ. તેઓ સામ પિત્રોડાની માફક ભારે ઉદ્દંડતાપૂર્વક કહેવાના: ‘This is my choice.’ તેઓ પિતાને પૂછી શકે: ‘હું તમારો પુત્ર છું એની સાબિતી શું?’ ચીને આપણને 1962માં ભૂંડી રીતે હરાવ્યું તેની સાબિતી પણ માગી શકાય. ‘હિંદ છોડો’ની લડત થઈ હતી તેની સાબિતી ન માગી શકાય? આવા તર્કનો કોઈ અંત ખરો?
કન્હૈયા કુમારે જે સૂત્રો JNUમાં ગૌરવભેર ઉચ્ચાર્યાં તે સૂત્રો ચીનમાં કે રશિયામાં ઉચ્ચાર્યાં હોત તો! એને તો ચીન અને રશિયાની સામ્યવાદી સત્તા પ્રત્યે આદર છે ને? ભારતના ટુકડા થાય એવી ઝંખના પ્રગટ કરનારાં આવાં સૂત્રો રામમનોહર લોહિયાને, આચાર્ય કૃપાલાનીને કે ભગતસિંહને માન્ય હોત ખરાં? નેહરુને માન્ય હોત ખરાં?
છેલ્લો યક્ષપ્રશ્ન આ છે: એવું તે કયું વિચાર પરિબળ છે, જે આવા કહેવાતા બુદ્ધિખોર લોકોને રાવણતા, કંસતા, નરકાસુરતા, બકાસુરતા, લાદેનતા, મસૂદ અઝહરતા, સોહરાબુદ્દીનતા, ઇશરત જહાનતા અને એવાં બધાં જ આસુરી તત્ત્વો તરફ આકર્ષે છે? વિચારવું પડશે, હઠપૂર્વક વિચારવું પડશે અને સ્વસ્થતાપૂર્વક વિચારવું પડશે. ખરી ટક્કર માનવ અને પ્રતિમાનવ વચ્ચેની છે. જેઓ પ્રતિમાનવનું જ તાણે તેને ‘બૌદ્ધિક’ કહેવામાં કયો વિવેક? રામને બદલે રાવણનો પક્ષ લેવામાં કયો વિવેક? કૃષ્ણને બદલે નરકારસુરનું તાણવામાં કયો વિવેક? કોઈ તો બોલો! ⬛
}}}
પાઘડીનો વળ છેડે
જોરાવરના જુલમનો કોણ કરે દરિયાફ *,
વાઘે માર્યો માનવી એનો શો ઇન્સાફ.
ન્યાય નિયમ સૌ ગરીબને, સમર્થને સૌ માફ.
વૃષ્ટિ વિશ્વપ્રલય કરે, એનો શો ઇન્સાફ?
સાલસ પર શૂરા સહુ, જુલમી આગળ રાંક.
અજા ઉપર શૂરો વરુ, સિંહ સમીપે રાંક.
જુલમી જુલમ કરે ઘણો, સૂઝે ન કાંઈ ઉપાય.
કરીએ કાગારોળ તો, ક્વચિત ફાયદો થાય.
- કવિ દલપતરામ (ક.દ.ડા.)
(લગભગ 125 વર્ષ પર લખાયેલી પંક્તિઓ)
* નોંધ: ‘દરિયાફ’ એટલે વિવેક, વિચાર.
Blog:http://gunvantshah.wordpress.com
X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી