વિચારોના વૃંદાવનમાં / સંસાર જેવી મહાન યુનિવર્સિટી બીજી કોઈ નથી. સંસાર અસાર નથી

article by gunvant shah

ગુણવંત શાહ

Mar 17, 2019, 01:43 PM IST

વારંવાર કાને પડતું એક બોગસ વાક્ય છે: ‘આ સંસાર અસાર છે.’ આ એક વાક્યને કારણે સંસાર નામની મહાન યુનિવર્સિટીને ખૂબ જ મોટું નુકસાન થતું રહ્યું છે. ‘યુનિવર્સિટી’ શબ્દ મૂળે યુનિવર્સ પરથી આવેલો છે. પરિણામે સુખી સંસાર જેવી મધુર ઘટના એક સ્વપ્ન બનીને નવલકથાઓમાં થીજી ગઈ છે. ચીનના ફિલસૂફ લિન યુટાંગે એક સુંદર પુસ્તક લખ્યું છે: Importance of Living. એ પુસ્તકમાં વર્ષો પહેલાં એક વાત વાંચી હતી, જે હજી યાદ છે. આપણા દેશમાં જ્યારે બે પ્રેમીઓ વિખૂટાં પડે ત્યારે દિલ તૂટતાં હોય છે. આપણી ફિલ્મમાં જે ગીતો રચાયાં છે તેમાં કાયમ દિલ તૂટે છે અને દિલ મળે છે. માનશો? ચીનમાં જ્યારે બે પ્રિયજનો વિરહવેદનામાં શેકાય ત્યારે દિલ નથી તૂટતાં. લાંબા વિરહને અંતે જ્યારે બંનેનું મિલન થાય ત્યારે દિલ નથી મળતાં. બે જણાં એકબીજાને પત્ર લખે ત્યારે શું લખે છે? તેઓ લખે છે: જ્યારે આપણા બેનું મિલન થશે ત્યારે મારાં આંતરડાં તારાં આંતરડાંમાં ભળી જશે. ટૂંકમાં, ચીનમાં જ્યારે બે વિયોગી પ્રેમીઓ મળે ત્યારે બંનેનાં આંતરડાં મળે છે, દિલ નથી મળતાં. ચીન એક એવો દેશ છે, જ્યાં હૃદય કરતાં આંતરડાં પ્રિયજનો વચ્ચેના પ્રેમના કેન્દ્રમાં હોય છે. આ વાત વિચિત્ર લાગે તોય સાચી છે.

  • સેક્સનો અસ્વીકાર અત્યંત અસહજ બાબત છે અને તેથી પ્રકૃતિનું અપમાન ગણાય. રુગ્ણ સમાજને દહેજપ્રથા સામે વાંધો નથી, પરંતુ નિર્મળ પ્રેમસંબંધ સામે ઘણો મોટો વાંધો છે

આ ક્ષણે મને વર્ષ 1954માં જોવા મળેલી ફિલ્મ ‘ચિત્રલેખા’ યાદ આવે છે. એક પ્રૌઢ પ્રભાવશાળી સાધુના પાત્રમાં અશોકકુમાર સૌંદર્યવતી મીનાકુમારીના પરિચયમાં આવે છે. આશ્રમની મર્યાદાઓ ખાનગીમાં ધીરે ધીરે તૂટતી જાય છે અને બંને વચ્ચે મધુર સંબંધ રચાય છે. સંબંધ ગાઢ બને ત્યારે સાધુની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થાય છે. સાધુનું પાત્ર ભજવતો અશોકકુમાર મનોમન ભારે સંઘર્ષ અનુભવે છે. જ્યારે પ્રેમમાં પડેલ સાધુ પલાયનવાદી હરકતોનો આશરો લે છે ત્યારે શિષ્યા જેવી મીનાકુમારી એક ગીતમાં એ સાધુને વાસ્તવિકતાનો બોધ આપીને ગીત ગાય છે:
સંસાર સે ભાગે ફિરતે હો,
ભગવાન કો તુમ ક્યા પાઓગે?
અપમાન રચયિતા કા હોગા,
રચના કો અગર ઠુકરા દોગે તુમ.

કોઈપણ ધર્મની વાત કરો, એના ઉપદેશકો ક્યારેય સેક્સનો સ્વીકાર કરવામાં સહજ બની ન શકે. ફિલ્મના પાત્રમાં અશોકકુમાર આપણા ઘણા ખરા સાધુજનોનું પ્રતિનિધિત્વ કરતો જણાય છે. પોતાની કામવૃત્તિનો અનાદર કરીને સતત એની સાથે બાખડવું એ જ સાધનાનું કેન્દ્ર બની રહે છે. જેને આપણા સાધકો ‘બ્રહ્મચર્ય’ કહે છે તે આનંદનું ઉપસ્થાન નથી હોતું, પરંતુ જાત સાથેની પીડાકારક લડાઈનું કેન્દ્ર બની રહે છે. આ લડાઈ સાવ ખાનગી હોય છે અને એ લડાઈમાં મળેલી હાર અતિ ખાનગી હોય છે. ઘણુંખરું લોકો જેને ‘આશ્રમ’ કહે છે, તે વાસ્તવમાં પોતાની જાત સાથેનું અત્યંત દારુણ એવું સમરાંગણ હોય છે. આવું બ્રહ્મચર્ય કદી પ્રેમચર્ય કે આનંદચર્ય નથી હોતું, પરંતુ લંગોટમૂલક લડાઈનું વેદનાચર્ય જ હોય છે. આવા બ્રહ્મચર્યને બદલે જો સાધના સહજને કિનારે ચાલતી થાય તો આશ્રમને સહજદીક્ષા પ્રાપ્ત થાય. મહાત્મા ગાંધીએ જે પ્રયોગો અન્ય સ્ત્રીઓ સાથે કર્યા તે પ્રયોગો પણ બ્રહ્મચર્યને નામે જાત સાથેની લડાઈના પ્રયોગો બની રહ્યા! જો મહાત્માએ, લંગોટમૂલક બ્રહ્મચર્યને બદલે મનોશારીરિક કક્ષાએ ‘તંદુરસ્ત સેક્સ’ પર ભાર મૂક્યો હોત તો! તો ગાંધીયુગ ટનબંધી દંભચર્યથી બચી ગયો હોત!

સેક્સનો અસ્વીકાર ધર્મના નામે થાય અને વળી અધ્યાત્મના નામે થાય ત્યારે શું બને? ગીતમાં મીનાકુમારી સાધુ અશોક કુમારને કહે છે: ‘અપમાન રચયિતા કા હોગા, રચના કો અગર ઠુકરા દોગે તુમ.’ સેક્સનો અસ્વીકાર અત્યંત અસહજ બાબત છે અને તેથી પ્રકૃતિનું અપમાન ગણાય તેવો ગુનો છે. આપણા રુગ્ણ સમાજને દહેજપ્રથા સામે વાંધો નથી, પરંતુ નિર્મળ પ્રેમસંબંધ સામે ઘણો મોટો વાંધો છે. સાધુ અશોકકુમાર મુક્ત મનથી આશ્રમવાસીઓને જાહેરમાં જણાવી ન શકે? ‘હે પ્રિય મિત્રો! મને આશ્રમવાસી એવી આ સ્ત્રી પ્રત્યે પ્રેમનો ભાવ થયો છે. હું તમારાથી છુપાવીને કશુંય કરવા માગતો નથી. તમને નિખાલસપણે જણાવી દેવામાં મને લાગે છે કે સત્યની જાળવણી થશે. પ્રેમ થાય અને સત્ય નંદવાય તેના કરતાં તો સત્ય અને પ્રેમ બંને જળવાય, તેમાં જ આશ્રમની ખરી શોભા છે. અમે બંને હવેથી પતિ-પત્ની તરીકે આશ્રમજીવન જાળવીશું. આપણા ઘણાખરા ઋષિઓ પરણેલા હતા અને એમના લગ્નજીવન થકી સમાજને એક એકથી ચડિયાતા એવા ઋષિપુત્રો પ્રાપ્ત થયા છે. ઉત્તમોત્તમ સંતાનો પ્રાપ્ત કરવા માટે મૈથુનમાર્ગ સ્વીકારવામાં કોઈ જ પાપ નથી.’
વર્ષો પહેલાં જોયેલી ફિલ્મ પરથી લખાયેલો આ લેખ નબળી યાદદાસ્તના આધારે લખ્યો છે. ભૂલચૂક લેવીદેવી.
પાઘડીનો વળ છેડે
અંતર્બોધથી રસાયેલું મન,
એ પવિત્ર ભેટ છે.
અને બુદ્ધિગમ્યતાથી ભરેલું મન,
એ વફાદાર નોકર છે.
આપણે એવો સમાજ રચી બેઠાં છીએ,
કે જે નોકરનો આદર કરે છે
અને પવિત્ર ભેટને ભૂલી ગયો છે!
- આલ્બર્ટ આઇન્સ્ટાઇન
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી