વિચારોના વૃંદાવનમાં / પ્રત્યેક યુદ્ધ ટાળવા જેવું નથી હોતું આ યુદ્ધ દેશ પર લાદવામાં આવ્યું છે

article by gunvant shah

ગુણવંત શાહ

Mar 10, 2019, 12:05 AM IST

અમેરિકા પાસે લશ્કર છે. ભારત પાસે લશ્કર છે. ફ્રાન્સ અને બ્રિટન પાસે લશ્કર છે. પાકિસ્તાનની વાત સાવ જુદી છે. પાકિસ્તાન પાસે લશ્કર નથી, પરંતુ લશ્કર પાસે પાકિસ્તાન છે. લશ્કર પાસે માનવભક્ષી આતંકવાદીઓ છે. ઇસ્લામ આજે આતંકવાદીઓના કબજામાં છે. કરબલાની લડાઈમાં શું બન્યું? પયગંબરના પૌત્ર ઇમામ હુસૈન અને એમનાં બાળબચ્ચાંને લોહી તરસ્યા યઝિદે પળવારમાં વધેરી નાખ્યાં. કરબલાની આ ઘટના પયગંબરના દેહવિલય પછી પચાસ વર્ષમાં જ બની હતી. રસૂલે ખુદાના જમાઈ ઇમામ અલીની હત્યા તેઓ જ્યારે ઇબાદત કરી રહ્યા હતા ત્યારે રમઝાનના પવિત્ર મહિનામાં કરવામાં આવી હતી. આતંકવાદીઓના રોલમોડેલ કોણ? ઇમામ હુસૈન કે યઝિદ? વાત જાણીતી છે કે કરબલાના રણમાં પાણીની પુષ્કળ તંગી હતી ત્યારે પણ ઇમામ હુસૈન જેવા દયાળુ દેવદૂતે શત્રુઓને જ નહીં, પરંતુ શત્રુઓના ઘોડાઓ માટે પણ પાણી મળે એવી ઉદારતા બતાવી હતી. કરબલાની શહાદત સગી આંખે જોવાની ઇચ્છા હોય તેણે ‘The Blood of Hussain’ ફિલ્મ જોવી રહી. અભિનંદન જૈન ધર્મ પાળનારો જવાન છે.

  • પાકિસ્તાનની મનોદશા ઝનૂનમુક્ત ન બને ત્યાં સુધી મોતનાં વાવેતર ચાલુ જ રહેશે. શિક્ષણના નામે ચાલતી સંસ્થામાં રહીને આતંકવાદી પ્રવૃત્તિ કરવી એ વાત ભારતના મુસ્લિમોને ખૂંચતી કેમ નથી?

પાકિસ્તાનના નેતાઓની અક્કલ બહેર મારી ગઈ છે? લશ્કરને પ્રેરણા પૂરી પાડનારી સંસ્થા ISIS છે. આજે પણ હિંસક માનસિકતા ઓસામા બિન લાદેનને અઝહર મસૂદને અને અન્ય આતંકવાદીઓને રોલમોડેલ ગણે છે. મોહંમદ પયગંબર પ્રત્યે આદર ઘણો, પરંતુ એમનાં લક્ષણોમાં વણાઈ ગયેલી ભલાઈ, ક્ષમા, સાદગી, સરળતા, ઉદારતા અને કરુણા સમાજમાંથી ગાયબ થઈ જાય, એ માટે તત્પર એવા આતંકવાદીઓને આરાધ્ય ગણવાની દુષ્ટતાનો જયજયકાર થાય તેવું માનસિક પર્યાવરણ પાકિસ્તાનમાં પ્રવર્તે છે. બસ, આ જ લડાઈના મૂળમાં છે. મારા હાથમાં અત્યારે એસ. હુસૈન ઝૈદી અને બ્રિજેશ સિંહ દ્વારા પ્રગટ થયેલું પુસ્તક ‘ડેન્જરસ માઇન્ડ્સ’ રાખ્યું છે. એમાં ક્રૂરતાની કથાઓ આપેલી છે. એક આશ્ચર્યજનક વાત વાંચવા મળી. આ પુસ્તકના લેખકે પહેલાં એક પુસ્તક લખ્યું હતું. જેનું મથાળું છે: Black Friday. આ પુસ્તક સાચા સેક્યુલર વિદ્વાને લખેલું છે. એનો મૂળ સૂર છે: ‘Islam does not give you licence to kill.’ આ પુસ્તક વિદ્વાનોએ હાથ પર લીધેલા એક પ્રોજેક્ટનું પરિણામ છે. એ પ્રોજેક્ટમાં એક ટીમ કામ કરતી થઈ. જેમાં મુસ્લિમ વિદ્વાનો સાથે હિન્દુ સંશોધકોએ પોતાનો ફાળો આપ્યો છે. માનશો? ડેલ કારનેગી જેવા વિશ્વના સૌથી લોકપ્રિય લેખકને પણ પયગંબરસાહેબની જીવનશૈલીમાંથી પુસ્તક માટે પ્રેરણા મળી હતી. એવું જ નેપોલિયન હિલ જેવા ‘સફળતા’ પર અનેક પુસ્તકો લખનાર માટે પણ પયગંબરની જીવનશૈલી પ્રેરણારૂપ બની હતી.
પયગંબરની વિદાય પછી એવું તે શું બન્યું કે ભલાઈ, નમ્રતા, કરુણા અને સરળતાની જગ્યાએ તલવારનો જ મહિમા થતો રહ્યો? ઇસ્લામના નામે તલવાર થકી લાખો માનવીનાં ડોકાં વઢાતાં જ રહ્યાં. કરુણાને બદલે ક્રૂરતાનો જ મહિમા થતો રહ્યો. ધર્મના પ્રસારને નામે હેવાનિયત અને દહેશતગર્દી ફેલાતી રહી. પાકિસ્તાન આજે ઇસ્લામની બેઇજ્જતી કરવામાં સૌથી મોખરે છે. આ પુસ્તકમાં ઇસ્લામની આવી દુર્દશા માટે જવાબદાર એવા બદમાશ આતંકવાદીઓની કથાઓ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂ થઈ છે. આપણા પર લાદવામાં આવેલી આ લડાઈના મૂળમાં પ્રદૂષિત ઇસ્લામ સાથે જોડાયેલું ઝનૂન જવાબદાર છે. આવી લડાઈની ચર્ચામાં અહિંસાના નામે અને ગાંધીજીના નામે સરકારની ટીકા કરવાનું ટાળવા જેવું છે. મહાભારતનું યુદ્ધ પણ પાંડવો પર લાદવામાં જ આવ્યું હતું. ગાંધીજીએ તો એમાં થયેલી હિંસા માટે કૃષ્ણનો જોરદાર બચાવ કર્યો છે. ગાંધીજીના શબ્દો બે વાર વાંચવા જેવા અને મનન કરવા જેવા છે. સાંભળો:
ગીતાના ઉપદેશક કે ગાનાર
કૃષ્ણ સાક્ષાત્ અહિંસાનો
અવતાર હતા અને અર્જુનને
લડાઈ કર એવો ઉપદેશ કરવામાં
તેમની હિંસાને લેશમાત્ર ઝાંખપ
નથી આવતી. એટલું જ નહીં,
પરંતુ એ બીજો ઉપદેશ દેત,
તો એમનું જ્ઞાન કાચું કહેવાત
અને તેથી
યોગેશ્વર તરીકે અથવા
પૂર્ણાવતાર તરીકે કદી ન પૂજાત
એવો મારો દૃઢ અભિપ્રાય છે.
(મહાદેવભાઈની ડાયરી-1 નવજીવન પાન-128)
આવી કટોકટી વખતે પણ સરકારની નિંદા કરનારી કોંગ્રેસના આદરણીય નેતાઓને ગાંધીજીના ઉપરોક્ત શબ્દો અર્પણ કરવા છે. આજની પરિસ્થિતિમાં આખો દેશ એક થઈને શત્રુનો સામનો કરે એ જ યોગ્ય ગણાય. કર્મશીલો પણ આવે વખતે માનવ અધિકારોની કે ન્યાયની ચર્ચાને નામે પાકાં કેળાં ન દળે તો લોકો તેમની વાત સાંભળશે. અખબારો અને ઇલેક્ટ્રોનિક માધ્યમોની આજે એટલી જ ફરજ છે કે સૈન્યનું મનોબળ તૂટે એવું કશુંય ન છાપે. સૈનિક તો આપણા માટે મરે છે. એ સરહદ પર ખડો રહે છે તેથી આપણે રાતે ઊંઘી શકીએ છીએ. પાકિસ્તાન સુધરવાનું નથી. હસન નિસાર જેવો કોઈ વીર નર્મદ ત્યાં ટીવી પર સાચી વાત આજે પણ કરી રહ્યો છે. એ લશ્કરને અને નેતાઓને રોકડું પરખાવે છે. એ કહે છે: ‘પાકિસ્તાનને એક નરેન્દ્ર મોદીની જરૂર છે.’ આવું કડવું જાહેરમાં બોલે છે, તોય હજી હસન નિસાર જીવે છે! હસનભાઈ વારંવાર કહે છે: પાકિસ્તાન મિસાઇલોનાં નામ ગઝની અને ઘોરી પાડે છે. આવા લૂંટારા અને બદમાશ લોકોનાં નામ પ્રજાને કેવી પ્રેરણા આપશે? એના બદલે મિસાઇલોનાં નામ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય હોવાં જોઈએ. આ લૂંટારા તો બહારથી આવેલા હતા!
જ્યાં સુધી પાકિસ્તાનની મનોદશા ઝનૂનમુક્ત ન બને ત્યાં સુધી મોતનાં વાવેતર ચાલુ જ રહેશે. ભારતના મુસલમાનો જ્યાં સુધી ધર્મમાંથી ઝનૂનની બાદબાકી ન કરે, ત્યાં સુધી હિન્દુ-મુસ્લિમ એકતા શક્ય નથી. દેવબંદની સંસ્થામાંથી જૈશ-એ-મોહંમદના બે આતંકવાદીઓ ઝડપાયા. ભારતમાં રહીને, શિક્ષણના નામે ચાલતી સંસ્થામાં રહીને આતંકવાદી પ્રવૃત્તિ કરવી એ વાત ભારતના મુસ્લિમોને ખૂંચતી કેમ નથી? આવું બને અને વારંવાર બને ત્યારે ઇસ્લામની બેઇજ્જતી થાય છે અને જગતના બિનમુસ્લિમોમાં મુસ્લિમો પ્રત્યે ઘૃણાભાવ જાગે છે. સમગ્ર દુનિયામાં વસનારી બિનમુસ્લિમ પ્રજાઓ મુસ્લિમ લોકોને વહેમ અને શંકાના ભાવથી જોતી થઈ છે. આવી વ્યાપક શંકા વચ્ચે જીવવામાં શી મજા? પ્રશ્ન હિન્દુ-મુસ્લિમ એકતાનો નથી, પ્રશ્ન સમગ્ર જગતની બિનમુસ્લિમ પ્રજા અને મુસ્લિમો વચ્ચે પડેલી મોટીમસ ખાઈનો છે. આજે પાકિસ્તાન દુનિયામાં એકલું પડી ગયું છે. હવે એ દેશ જે લુખ્ખી દાદાગીરી બતાવે છે, તેથી એ દેશની ગરીબી ઘટવાની નથી.
બે ઘટના એવી બની, જેને કારણે ભારતવાસીની છાતી ગજે ગજ ફૂલે.
1. ભારતીય પાઇલટ અભિનંદનની વતનવાપસી.
2. ઇસ્લામી દેશો (OIC)ની પરિષદમાં ભારતને આમંત્રણ મળે અને પાકિસ્તાન પરિષદમાં જવાનું ટાળે. સુષમા સ્વરાજ ગેસ્ટ ઓફ ઓનર બન્યાં. પાકિસ્તાન સુધરશે ખરું? રાહ જોવી પડવાની, કારણ કે જ્યાં ઝનૂન હોય ત્યાં વિચાર નથી હોતો. દેશના લોકતંત્રનું ભવિષ્ય લોકોના વિચારતંત્રની તંદુરસ્તી પર આધાર રાખતું હોય છે. જ્યાં જેહાદી ઝનૂન હોય ત્યાં લોકતંત્રને ગૂંગળામણ થતી હોય છે. લોકતંત્ર ગૂંગળામણ અનુભવે ત્યારે લશ્કરને ખૂબ ફાવતું આવે છે. લશ્કર પાસે બાહુબળ હોય છે, વિચારબળ નથી હોતું. ખરી વાત?
પાઘડીનો વળ છેડે
બીજાને મારશો
તેની સાથે તમારો
વિનાશ પણ નોંતરશો.
- સરદાર પટેલ (તા. 30-10-1945)
(મુકુલભાઈ કલાર્થી, ‘સરદારની અનુભવવાણી’, પાન-91)
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી