વિચારોના વૃંદાવનમાં / ગાંધીજી મહાન હતા, પરંતુ સત્ય એમનાથી પણ મહાન!

article by gunvant shah

ગુણવંત શાહ

Feb 10, 2019, 10:01 AM IST

ગ્રીસમાં પ્લેટોના અવસાન પછી એથેન્સમાં અકાદમીનું સંચાલન એરિસ્ટોટલ સંભાળતો હતો. પ્લેટોએ અકાદમીના પ્રવેશદ્વાર પર સૂચના મૂકી હતી: ‘જેમને ભૂમિતિમાં રસ ન હોય, તેવા માણસોએ આ પરિસરમાં પ્રવેશવું નહીં.’ આજે આપણી યુનિવર્સિટીઓમાં પ્રવેશદ્વાર પર સૂચના મૂકવી જોઈએ: ‘જેમને વિદ્યાપ્રાપ્તિમાં રસ ન હોય તેમણે આ કેમ્પસ પર પ્રવેશવાની ગુસ્તાખી કરવી નહીં.’ આવા મિજાજ સાથે આજના આ લિટરરી ફેસ્ટિવલમાં મારા વિચારો પ્રગટ કરવા માગું છું. ઉંમર થઈ છે અને તબિયત ઢીલી છે, પરંતુ હજી વિચારશક્તિ સાબૂત છે.
પ્લેટોનું અવસાન થયું પછી અકાદમીનો કારભાર મહાન વિચારક અને ગ્રેટ સિકંદરના ગુરુ એવો એરિસ્ટોટલ સંભાળતો હતો. એરિસ્ટોટલ આજના આપણા વાઇસ ચાન્સેલરો જેવો ન હતો. એ રોજ વર્ગમાં ભણાવતો પણ હતો. એ વર્ગમાં ભણાવતો હતો ત્યારે એક વિદ્યાર્થી ઊભો થયો અને બોલ્યો: ‘એરિસ્ટોટલ! તમે અત્યારે એમ કહો છો, પરંતુ પ્લેટો તો જરા જુદું કહેતો હતો.’ શિક્ષક એરિસ્ટોટલ મૌન રહ્યો અને એણે આગળ ભણાવવાનું ચાલુ રાખ્યું. પેલો વિદ્યાર્થી શાંત ન રહ્યો. એણે ત્રણ વાર એરિસ્ટોટલને રોકીને કહ્યું: ‘સર, તમે આમ કહો છો, પરંતુ પ્લેટો તો જુદું કહેતો હતો.’ છેવટે એરિસ્ટોટલે એ વિદ્યાર્થીને સ્પષ્ટ વાત કહી જ દીધી: ‘માય યંગ ફ્રેન્ડ! પ્લેટો વોઝ ગ્રેટ, બટ ટ્રુથ ઇઝ ગ્રેટર!’ આજના મારા પ્રવચનનો આ જ મિજાજ છે. ‘ગાંધીજી મહાન હતા, પરંતુ સત્ય એમનાથી પણ મહાન ગણાય.’ ગાંધીજી જે કહે, તેને આખરી સત્ય ગણવાનું તો ગાંધીજીને પણ મંજૂર ન હતું.

  • ગાંધીજી પણ માણસ હતા અને એમનું માણસપણું છીનવી લઈને અને એમના શબ્દો ટાંકીને આપણી વાતને સિદ્ધ કરવાનું બહુ યોગ્ય નથી. શાશ્વત ગાંધી અને અશાશ્વત ગાંધી વચ્ચેનો ભેદ સમજવો પડશે

આપણને એક કુટેવ પડી છે. વાતે વાતે ગાંધીજીને ટાંકીને સામેવાળાને શાંત કરી દેવાની ફેશન છોડવા જેવી છે. ગાંધીજી પણ માણસ હતા અને એમનું માણસપણું છીનવી લઈને અને એમના શબ્દો ટાંકીને આપણી વાતને સિદ્ધ કરવાનું બહુ યોગ્ય નથી. શાશ્વત ગાંધી અને અશાશ્વત ગાંધી વચ્ચેનો ભેદ સમજવો પડશે. સત્ય, અહિંસા, સાધનશુદ્ધિ અને સાદગી શાશ્વત અને ગાંધીનાં મહાન લક્ષણો હતાં. રેંટિયો શાશ્વત ન ગણાય. 1500 વર્ષ પછી કદાચ એ સાબરમતી આશ્રમમાં પણ જોવા નહીં મળે! ખાદી ન પહેરનાર, શરાબ લેનાર અને સાદાઈપૂર્વક ન રહેનાર મનુષ્ય પણ મહાન હોઈ શકે છે. બાહ્યાચાર જેમ ધર્મમાં નડતર બને છે, તેમ ગાંધીવિચારને પણ કનડી શકે. ખરી વાત શાશ્વત ગાંધીને સમજવાની છે.
થોડા દિવસ પર મને રાજકોટથી શ્રી દેવેન્દ્ર દેસાઈ મળવા આવ્યા. તેઓ ખાદીગ્રામોદ્યોગ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. તેઓ ‘સર્વોદય સમાજ’ નામનું સામયિક પણ ચલાવે છે. એમણે મને વિનંતી કરી: ‘ગાંધીજીએ પ્રબોધેલાં અગિયાર વ્રતો પર અમારા સામયિકને અગિયાર લેખોની લેખમાળા આપી શકો, તો આનંદ થશે.’ મેં જવાબમાં કહ્યું: ‘હું એ ન લખી શકું, કારણ કે એ બધાં જ વ્રત સાથે હું સહમત નથી. ગાંધીજીએ પ્રબોધેલાં બ્રહ્મચર્ય, અસ્વાદવ્રત અને વળી અપરિગ્રહ જેવાં વ્રત સાથે હું અસહમત છું. પછી લખું શી રીતે?’ વાત ત્યાં પૂરી થઈ.
ગાંધીજી મહાત્મા હતા. મારી વિચારશક્તિને હું કોઈ પણ મહાન માનવને ત્યાં ગીરવી મૂકવા તૈયાર નથી, ગાંધીજીને ચરણે પણ નહીં! અપ્રામાણિક સહમતી કરતાં પ્રામાણિક અસહમતી ગાંધીજીને જરૂર વધારે ગમે એ નક્કી. ગાંધીવાદીઓને આ વાત કોણ સમજાવે? મારી પાકી માન્યતા છે કે નવી પેઢી, અમારી જૂની પેઢી કરતાં મહાત્માજીની વધારે નજીક છે. કારણ શું? કારણ કે નવી પેઢી દંભી નથી. આજનો યુવાન પોતાના પિતાને કહી શકે: ‘ડેડ! આ તૃપ્તિ મારી ગર્લફ્રેન્ડ છે.’ બસ, નવી પેઢીની આવી નિખાલસતા ગાંધીજીને જરૂર ગમી જાય. જ્યાં દંભ હોય ત્યાં સત્ય ન હોય.
માઇકલ કોરડાની નવલકથા, ‘Worldly Goods’ હિટલરના જીવન પર આધારિત છે. એમાં હિટલરને શાકાહારી તરીકે રજૂ કરવામાં આવ્યો છે. એ નવલકથામાં એક પાત્રને મુખેથી બે વિધાનો પ્રગટ થયાં છે.
1. વેરની વાનગી તો ઠંડી પડે પછી જ ખાવી સારી.
2. સુંદર રીતે જીવવું, એ વેર લેવાનો ઉત્તમ રસ્તો છે.
આ એ વિધાનોમાં ઉપનિષદીય મંત્રની ઊંચાઈ જોવા મળે છે. આ બંને વિધાનોમાં મને બુદ્ધ, મહાવીર, ઈસુ, મોહંમદ અને ગાંધીના વિચારોનો પ્રતિઘોષ સંભળાય છે. આવનારી સદીઓમાં ગાંધીજી જૂજવે રૂપે પ્રગટ થતા જ રહેવાના છે. એમને મ્યુઝિયમમાં પૂરી દેવાનું યોગ્ય નથી. આ છે શાશ્વત ગાંધી.
ગાંધીજીએ પ્રબોધેલા બ્રહ્મચર્ય વ્રત સાથે હું દંભ કર્યા વિના સહમત થઈ શકું ખરો? કોઈ આશ્રમનો અધિપતિ આ વ્રતનું પાલન પરિશુદ્ધ સત્ય જાળવીને કરી શકે ખરો? (ખાનગીમાં) માત્ર એને જ ખબર હોય છે કે એનો પાયજામો ક્યાં ક્યાં જઈ આવ્યો!!! ધુમિલ પાણ્ડેયની પંક્તિઓ યાદ છે? સાંભળો:

હરેક ઈમાન કો
એક ચોર દરવાજા હોતા હૈ,
જો સંડાસ કી બગલ મેં
ખૂલતા હૈ!
વધારે શું કહેવું? ફિનિક્સ આશ્રમમાં ખીલેલા એક લવ-અફેરની વાત વિદ્વાન રામચંદ્ર ગુહાએ કરી છે. પ્રાણજીવન મહેતા ગાંધીજીના શરૂઆતના ચુસ્ત ટેકેદાર હતા. એમની દીકરી જયકુંવર રૂપાળી હતી અને રોમેન્ટિક હતી. એનાં લગ્ન ડો. મણિલાલ સાથે થયાં હતાં. એક વાર પતિ મોરિશિયસ ગયો ત્યારે જયકુંવર (જેકી) ગાંધીપુત્ર મણિલાલના પ્રેમમાં પડી. કસ્તૂરબાએ બધો વાંક જેકીનો જોયો. ગાંધીજીએ ખુલ્લાપણું બતાવ્યું તેથી પતિ-પત્ની વચ્ચે જામી પડી. (માત્ર આપણાં જ ઘરોમાં એવું બને તે વાત ખોટી છે). એક વાર મણિલાલ સિવાયના અન્ય પુરુષ સાથે જેકી અડપલાં કરી પકડાઈ ગઈ. ગાંધીજીએ બે અઠવાડિયાં માટે ઉપવાસ કરવાનો નિર્ણય લીધો. જેકીને ભારે પસ્તાવો થયો. 1912ના વર્ષમાં એક પત્ર લખીને પુત્ર મણિલાલે ગાંધીબાપુની માફી માગી. ગાંધીજીએ મણિલાલને તાર કર્યો અને તારના શબ્દો હતા: ‘Don’t ask me to forgive you, Ask God to forgive you.’ જેકીએ પછી ત્રણ પ્રતિજ્ઞા લીધી હતી: 1. એ જીવનભર સફેદ વસ્ત્રો જ પહેરશે. 2. એ જીવનભર મીઠું નહીં લે.
3. એ પોતાના વાળ કપાવી નાખશે. મને આ ત્રણ પ્રતિજ્ઞાઓ બિનજરૂરી લાગે છે. એ વાત અહીં અપ્રસ્તુત છે.

ગાંધીજીને દંભ બિલકુલ માન્ય ન હતો. સત્ય માટેની આવી ‘ચીકણી ચીવટ’ ધરાવનાર બીજો કોઈ અવતાર પૃથ્વી પર થયો હશે ખરો? આઇન્સ્ટાઇનની વાત સાચી હતી: ‘આવનારી પેઢીઓ નહીં માનશે કે આવો કોઈ મહામાનવ પૃથ્વી પર ચાલ્યો હતો.’
(તા. 18 જાન્યુઆરી-2018ને દિવસે એલેમ્બિકના સહયોગથી વડોદરામાં યોજાયેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ(GLF)માં શ્રી સોમ્ય જોશી સાથે ‘ગાંધી-150 વર્ષે’ પર યોજાયેલા સંવાદમાં પ્રગટ થયેલા મારા વિચારોનું હોમવર્ક).
પાઘડીનો વળ છેડે
ગાંધીજી જે સ્થળે જતા
તે સ્થાન તીર્થ બની જતું.
ગાંધીજી જ્યાં રહેતા તે સ્થાન
મંદિર બની જતું!
- જવાહરલાલ નેહરુ
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી