વિચારોના વૃંદાવનમાં / જલાલુદ્દિન રુમિ: ‘ફકીર સામે ગાંગડુ માણસ’ વિનોબા પૂછે : ફાયદે સે ક્યા ફાયદા?

article by gunvant shah

ગુણવંત શાહ

Jan 06, 2019, 04:20 PM IST

પંડિત અને સંત વચ્ચે પાયાનો તફાવત હોય છે. પંડિત શબ્દો વહેંચી શકે, પરંતુ સંત શીતળતા વહેંચે છે. આલિમ અને ફકીર વચ્ચે આવો જ તફાવત રહેલો જણાય છે. આલિમ વિચારોને ગૂંચવી જાણે, પરંતુ ફકીરનું આચરણ ખુદાના બંદાને શોભે એવું હોય તેથી સામાન્ય માણસના જીવનમાં અજવાળું પાથરી શકે. આવા અજવાળાને ‘ફકીરી કી રોશની’ પણ કહે છે.

અજાણ્યો માણસ, એટલે પરાયો માણસ અને પરાયો માણસ એટલે એવો માણસ, જે આપણા માટે કશા જ કામનો નહીં. બસ વાત પૂરી! ધીમે ધીમે માનવતા અને જાનવરતા વચ્ચેની ભેદરેખા ક્ષીણ થતી જાય છે

આજથી લગભગ સાડા છ સદી પહેલાં અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં સપ્ટેમ્બરની 30મી તારીખે, 1207માં જન્મેલાં બાળક રુમિ મોગલોના આક્રમણથી બચવા માટે ભાગી છૂટ્યા અને ટર્કીના કોન્યા વિસ્તારમાં જઈને સ્થિર થયા. પિતા બહાઉદ્દિન વલદ ડાયરી લખતા અને રહસ્યમય અનુભૂતિની વાતો કરતા. પિતાના મૃત્યુ પછી જલાલુદ્દિન શેખ બન્યા અને ઉપદેશમાં એવી એવી વાત કરવા લાગ્યા, જે અત્યંત મૌલિક અને પરંપરાથી જુદી હતી. ઈ.સ. 1244માં રુમિને એક ગેબી અવાજ સંભળાયો, ‘મને તું બદલામાં શું આપશે?’ રુમિએ જવાબમાં કહ્યું, ‘મારું માથું. તું જેની માગ કરે છે તે કોન્યાનો જલાલુદ્દિન છે.’ ઇસ્લામી સૂફી પરંપરાની શરૂઆત રુમિથી થઈ. જલાલુદ્દિન રુમિએ એક ફકીર વિશે વાત કરી છે. સાંભળો:


એક ફકીરે કોઈ અજાણ્યા ઘરના બારણે ટકોરા માર્યા ત્યારે જે ડાયલોગ થયો તે વિચિત્ર હતો. ઘરમાં રહેતો માણસ ગાંગડુ હતો.
ફકીર: મને બ્રેડનો એક ટુકડો મળશે?
જવાબ: આ ઘર કાંઈ બેકરી નથી.
ફકીર: કાંઈ નહીં. મને એક ટુકડો માંસનો મળશે?
જવાબ: શું આ કસાઈની દુકાન છે?
ફકીર: ભલે, મને થોડોક લોટ મળશે?
જવાબ: શું અહીં અનાજ દળવાની ઘંટી છે કે?
ફકીર: અરે! મને થોડુંક પાણી પણ નહીં મળે?
જવાબ: આ કંઈ કૂવો થોડો છે?
ફકીર: અરે વાહ! કહેવું પડે!


ફકીર જે કંઈ માગે તેના જવાબમાં આવા ઉડાઉ જવાબો ઘરમાં રહેતા ગાંગડુ માણસે આપ્યા. છેવટે ફકીર ઘરમાં ઘૂસી ગયો અને ડગલો ઊંચો કરીને બોલ્યો, ‘હું અહીં શૌચ કરવા વિચારું છું. ગાંગડુ માણસે કહ્યું, ‘અરે! અરે! આ શું કરો છો?’ ફકીરે જવાબમાં કહ્યું, ‘આ જગ્યામાં કોઈ વસતિ નથી. અહીં કોઈ માણસ પણ રહેતો નથી. આ જમીનને ખાતરની જરૂર છે. છેવટે ફકીરે એ ગાંગડુ માણસને મણમણની સંભળાવી.’


‘ભાઈ! તું કયા પ્રકારનું પક્ષી છે? તું ફાલ્કન નથી કે રાજાને ખપમાં આવે. તું તો મોર પણ નથી, જે સુંદરતા વેરતો હોય. તું પોપટ પણ નથી, જે મીઠી વાણી સંભળાવે. તું નાઇટેન્ગલ પણ નથી કે મધુર સંગીત રેલાવે. તું હૂ પોઉ પણ નથી, જે સોલોમેનને સંદેશ પહોંચાડે. તું સ્ટોર્ક પણ નથી, જે પર્વતના ઊંચા શિખર પર માળો બાંધે. અરે ભાઈ! તું કરે છે શું? તું એવો સ્વાર્થી છે કે તારી પાસે જે હોય તે કોઈને પણ ન આપે. આખરે તું કઈ જાતનું પ્રાણી છે? તને તો દરેક લેવડદેવડમાં બસ લાભ જ જોઈએ છે!’ (‘The Essential RUMI, અનુવાદ: Coleman Barks, Harper One, પાન-116’)
⬛ ⬛ ⬛


વિનોબાજી વર્ષો પહેલાં પઉનારમાં ઋષિખેતી કરતા હતા. એક શહેરી યુગલ એમને મળવા ગયું, ત્યારે તેઓ બપોરના આકરા તડકામાં કોદાળી વડે ભોંય ખોદી રહ્યા હતા. યુગલે એમને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. તમે તડકો વેઠો તેનો શો ફાયદો? આરામ ક્યારે મળે? શરીરને પીડા પહોંચાડવાથી શો લાભ? આવું કરવાને બદલે વાચન-લેખનમાં વધારે સમય આપો તો ઘણો ફાયદો ન થાય? વિનોબાજીએ કામ અટકાવ્યું અને એક જ વાક્યમાં જવાબ આપ્યો, ‘ફાયદે સે ક્યા ફાયદા?’ યુગલ ચૂપ થઈ ગયું. વિનોબાજી ફરીથી કામે લાગી ગયા!
આપણે એક ફાયદાવાદી, લાભવાદી, લોભવાદી અને સુખવાદી સમાજનું સર્જન કરી બેઠાં છીએ. અજાણ્યો માણસ, એટલે પરાયો માણસ અને પરાયો માણસ એટલે એવો માણસ, જે આપણા માટે કશા જ કામનો નહીં. બસ વાત પૂરી! ધીમે ધીમે માનવતા અને જાનવરતા વચ્ચેની ભેદરેખા ક્ષીણ થતી જાય છે. આવું બને ત્યારે જલાલુદ્દિન રુમિએ પ્રસંગકથામાં રચેલા ઉપરોક્ત ડાયલોગ સાંભળવા મળે છે. વાતે વાતે આજનો માણસ પૂછે છે, આમાં મને શો લાભ? આવો સમાજ એટલે સૂકી રેતી જેવો સમાજ! રેતીના કણ એકબીજાથી છુટ્ટા ને છુટ્ટા. સમાજ તો ભીની માટી જેવો હોવો જોઈએ. જેમાં બધા કણ એકબીજા સાથે જોડાયેલા હોય. સર્વોદય વિચારધારાનો આ સાર છે.


ટર્કીના પ્રવાસે 22 દિવસ માટે જવાનું બન્યું ત્યારે હું સંત જલાલુદ્દિનની પવિત્ર દરગાહ પર ગયો અને મને બે-ત્રણ કલાક માટે મૌનપૂર્વક ત્યાંનું વાતાવરણ ઝીલવાનું અને ત્યાં મળતું સાહિત્ય ખરીદવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યાં એક વાર્તા સાંભળવા મળી હતી, જે સૂફીકથા હતી. એક ફકીર પોતાની ઝૂંપડી છોડીને બજારમાં લટાર મારવા નીકળ્યો. એ ફકીરને સામે બે મુસલમાનો વારાફરતી મળ્યા. ફકીરે પહેલાને પૂછ્યું, ‘ક્યાં ગયો હતો?’ પ્રથમ મુસલમાને કહ્યું, ‘જી, હું મારી પ્રિય ગણિકાને ત્યાં રાત ગાળવા માટે ગયો હતો.’ ફકીર મૌન રહ્યો. પછી બીજો મુસલમાન મળ્યો. ફકીરે પ્રશ્ન પૂછ્યો, ‘તું ક્યાં ગયો હતો?’


જવાબ મળ્યો, બજારમાં ‘શાકભાજી ખરીદવા ગયો હતો.’ તરત જ ફકીરે ગુસ્સામાં પ્રશ્ન પૂછ્યો, ‘તું કોઈ ઔરત કો ભાજી-તરકારી સમજતા હૈ ક્યા?’


પ્રેમનો મહિમા સંત જલાલુદ્દિને કાવ્યમય રીતે કર્યો, તેટલો ભાગ્યે જ કોઈ સંતે કર્યો હશે. અલ્લાહ પ્રેમમય છે અને એની ઇબાદત પ્રેમની મહિમા વિના ન થઈ શકે. જગત આજે ધર્મપ્રેમમાં પાગલ બન્યું છે, તેથી પ્રેમધર્મ વિસરાયો છે. જ્યાં પ્રેમ નથી, ત્યાં ઇબાદત ક્યાંથી? રુમિ બસ પ્રેમમય બનીને જીવનભર ઉપદેશ આપતા રહ્યા. સૂફી પંથને સૂફી ફકીરો ‘હૃદયના ધર્મ’ તરીકે ઓળખાવે છે. અલ્લાહનો વિયોગ પણ વિરહવેદના સર્જે ત્યારે ભક્તિ જન્મે છે. જે સમાજ પ્રેમને સેક્સ નામના નશામાં જ ફેરવી નાખે તે સમાજ રોગમય અને આતંકમય હરકતોનું નિર્માણ કરે છે. એવા રુગ્ણ સમાજે દંભ, હિંસા અને ક્રૂરતાનો અભિશાપ વેઠવો જ રહ્યો. જ્યાં પ્રેમ ન હોય ત્યાં કરુણા ન હોય. જ્યાં કરુણા ન હોય ત્યાં હિંસા હોવાની જ. જ્યાં હિંસાની બોલબાલા હોય ત્યાં મારામારી, કાપાકાપી અને કત્લેઆમ ગેરહાજર હોય કે?


હિંસાનું ખરું મારણ અહિંસા નથી, પ્રેમ છે. પ્રેમમાં પાગલ હોય એવા બે ‘મળેલા જીવ’ કદી કોઈને રંજાડે ખરા? પ્રેમથી વંચિત એવો જ માણસ બળાત્કાર કરી શકે. જે કોઈના પ્રેમમાં ડૂબે, તે બીજે જુએ ખરો? પ્રેમમય સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ સાવ ઓછું હોવાનું. હિંસા એટલે જ પ્રેમનો અભાવ. કૃષ્ણના ગોકુળમાં પ્રેમનો મહિમા હતો, તેથી ત્યાં અહિંસક આતંકમય સમાજ રચાયો હતો. ગોકુળવૃત્તિ નિષ્ફળ ગઈ તેથી કુરુક્ષેત્રવૃત્તિનું ચડી વાગ્યું! પ્રેમથી લથપથ એવા સમાજમાં હિંસા કરવા માટે કોઈને સમય જ નથી હોતો. જ્યાં પ્રેમમાં ઓતપ્રોત એવાં લાખો યુગલો હોય, ત્યાં વિશ્વશાંતિ માટે મથવું નથી પડતું. પ્રેમ વિના શાંતિ ક્યાંથી?

પાઘડીનો વળ છેડે
‘જીવનભર આપણે એકબીજાના
ચહેરાને નિહાળતા રહ્યા!
આજે પણ એ જ સ્થિતિ છે ને?
આપણે કઈ રીતે આપણી વચ્ચેના
પ્રેમને ગુપ્ત રાખી શકીએ?
આંખની પાંપણ દ્વારા વાત થાય
તો આંખ દ્વારા જે બોલાય, તે સંભળાય!’
- જલાલુદ્દિન રુમિ
Blog:http://gunvantshah.wordpress.comX
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી