વિચારોના વૃંદાવનમાં / મોહંમદઅલી ઝીણાના ખાસ મિત્ર કાનજી દ્વારકાદાસના પેન્સિલ્વેનિયા પેપર્સ

article by gunvant shah

ગુણવંત શાહ

Dec 30, 2018, 04:26 PM IST

મહાત્મા ગાંધી પેદા જ ન થયા હોત તોય ભારતને વહેલું કે મોડું સ્વરાજ મળ્યું હોત, પરંતુ મોહંમદઅલી ઝીણા પેદા ન થયા હોત, તો અલગ પાકિસ્તાનની રચના ન થઇ હોત એ નક્કી. 1892માં જન્મેલા કાનજી દ્વારકાદાસનું નામ ઝાઝું જાણીતું નથી. તેઓ ઝીણાના અંગત અને વિશ્વાસુ હિંદુ મિત્ર હતા. કાનજીભાઇએ શ્રીમતી એની બિસાન્ટની સાથોસાથ પોતાની રાજકીય કરિયર શરૂ કરી. શ્રીમતી એની બિસાન્ટ કાનજીને પુત્રવત્ સ્નેહ આપતાં હતાં. કાનજી દ્વારકાદાસે મુંબઇમાં મજૂર પ્રવૃત્તિમાં ઊંડો રસ લઇને તે ગાળામાં કોઇ એક્ટિવિસ્ટને શોભે તેવી પ્રવૃત્તિઓ હાથમાં લીધી હતી. એ વખતે તેઓ પ્રોસ્ટિટ્યુશન ઇન્કવાયરી કમિટી અને બાળકલ્યાણ સોસાયટીનું કામકાજ પણ સંભાળ્યું હતું. 1933માં એમણે રાજકારણનો ત્યાગ કર્યો અને મજૂર પ્રવૃત્તિ અને મજૂરોના અધિકાર માટે બધું જ જોર લગાવ્યું હતું. મુંબઇમાં રહીને એમણે મજૂર વર્ગોની ખૂબ મોટી સેવા કરી હતી.

હોમરૂલ ચળવળમાં કાનજીભાઈ સક્રિય રીતે જોડાયા. ઝીણા સાથે ગાઢ સંબંધ બંધાયા પછી ઝીણાની પત્ની રુતિના પરિચયમાં આવનારા કાનજી દ્વારકાદાસે રુતિની સંભાળ છેક મૃત્યુ સુધી રાખી હતી

અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં દુર્લભ કહી શકાય એવા પત્રો અને અન્ય વિગતો પ્રાપ્ત કરવાનું શરૂ થયું અને એ યુનિવર્સિટીઅે આવા દુર્લભ દસ્તાવેજો મુંબઇમાં રહેતા કાનજી દ્વારકાદાસના ભત્રીજા ઉદય દ્વારકાદાસને મોકલી આપ્યા. ઉદયભાઇ મારા પ્રિય વાચક અને શ્રોતા છે. એમણે ‘પેન્સિલ્વેનિયા પેપર્સ’ મને મોકલી આપ્યા. ખૂબ જ ટૂંકમાં એ દુર્લભ દસ્તાવેજોનો સાર અહીં પ્રસ્તુત છે:


1. બાવીસ વર્ષની ઉંમરે કાનજીભાઇએ મુંબઈની કોટન ટેક્ષ્ટાઇલ મિલના વણાટ વિભાગમાં એપ્રેન્ટિસ તરીકે કામ કર્યું. અત્યંત ધનવાન પરિવારમાં જન્મેલા કાનજીભાઇ બોમ્બે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ફ્રેન્ચમાં M.A.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.


2. વર્ષ 1927માં રાષ્ટ્રીયતાની ભાવના વધી રહી હતી ત્યારે શ્રીમતી એની બિસાન્ટે સ્થાપેલી હોમરૂલ ચળવળમાં કાનજીભાઇ સક્રિય રીતે જોડાયા. એ સમયગાળામાં તેઓ ઝીણા, નેહરુ અને એની બિસાન્ટના સીધા પરિચયમાં આવ્યા. ઝીણા સાથે ગાઢ સંબંધ બંધાયો પછી ઝીણાની પત્ની રુતિના પરિચયમાં આવનારા કાનજી દ્વારકાદાસે રુતિની સંભાળ આખરી માંદગીમાં છેક મૃત્યુ સુધી રાખી હતી. એ વખતે એની બિસાન્ટના અખબાર New Indiaના આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કર્યું.


1933માં શ્રીમતી બિસાન્ટનું મૃત્યુ થયું. 1937થી 1950 સુધી કાનજીભાઇએ અમેરિકાનો વિસ્તૃત પ્રવાસ કર્યો. 1946માં અને 1951માં અમેરિકન સરકારના મહેમાન તરીકે ત્યાં જઇને લેબર કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. એમણે જે પુસ્તકો પ્રગટ કર્યાં તેમાં મુખ્ય છે: 1. Fortyfive years with Labour 2. Ruttie Jinnah: The Story Great Friendship 3. Gandhiji Trough My Diary Leaves (1915-1948) 4. Women and Children in Industry.


કાનજી દ્વારકાદાસ પેપર્સમાં 1914થી 1965ના સમયગાળાની અત્યંત ઉપયોગી માહિતી મળી રહે છે. એમની ડાયરીમાં તે સમયના અન્ય મહાનુભાવોની અંગત બાબતો પણ જાણવા મળે છે. શ્રીમતી એની બિસાન્ટ મૂળે બ્રિટિશ થિયોસોફિસ્ટ હતાં, તે સાથે સમાજવાદી અને લેખિકા પણ હતાં. તેઓ ભારતના સ્વરાજ માટે લડનારાં નેતા પણ હતાં. એની બિસાન્ટ અને કાનજીભાઇ બંનેને ગાંધીજીની કેટલીક વાતો પસંદ ન હતી. ગાંધીજી અંગેની બંને જણાંની માન્યતા સરખી હતી.


3. તા. 5મી ફેબ્રુઆરી, (1922)
-ના પત્રમાં શ્રીમતી બિસાન્ટે લખ્યું કે ગાંધીજી કાયમ ખરેખરી પળે ખચકાટ અનુભવે છે. એમના હિંમતવાન શબ્દો દમ વિનાના હોય છે. તારીખ નથી મળતી એવા એક પત્રમાં શ્રીમતી બિસાન્ટ લખે છે: ‘અહીં પરિસ્થિતિ બહુ ખરાબ છે, આભાર ગાંધીનો જેઓ કાયદા પ્રત્યે અનાદર કેળવીને ઘણી મુશ્કેલી ઊભી કરતા રહે છે.’


4. એની બિસાન્ટ અને કાનજીભાઇનો સંબંધ કેવળ રાજકારણ સુધી મર્યાદિત ન હતો. શ્રીમતી બિસાન્ટે 1910ના અરસામાં યુવાનવયના વિચારક જે. કૃષ્ણામૂર્તિને દત્તક લીધા હતા. શ્રીમતી બિસાન્ટ અને તેમના અન્ય સાથીઓ જે. કૃષ્ણમૂર્તિને ‘વિશ્વગુરુ’ માનતા હતા.


5. મુંબઈનાં શુભા પંડ્યાએ એક મહત્ત્વનો પત્ર લખ્યો છે. એ પત્ર 4 ડિસેમ્બર, 2017 (મધરાતે 1:57 વાગે) લખાયો છે. પત્રમાં લખ્યું છે:
‘હું Mr. અને Mrs. જિન્નાહ પર શીલા રેડ્ડીએ લખેલું પુસ્તક વાંચવા આતુર છું, પણ એ ક્યાંય મળતું નથી.’


દસ્તાવેજોના આખરી પાનાં પર શીલા રેડ્ડીના એક પુસ્તકનો ઉલ્લેખ થયો છે. પુસ્તકનું શીર્ષક છે: ‘A Tragic Romance.’ એમાં ઝીણાસાહેબના લગ્નજીવનના અત્યંત કરુણ અંતની વિગતો જણાવવામાં આવી છે. એ પુસ્તકનો મૂળ સ્રોત પાકિસ્તાનના લેખક ખલેદ અહમદ ગણાય. દસ્તાવેજમાં એક પાના પર નોંધ વાંચવા મળે છે: ‘રુતિ જિન્નાહે નાની ઉંમરે ધર્માંતર કર્યું અને ઇસ્લામનો સ્વીકાર કર્યો પછી નવું નામ મરિયમ જિન્નાહ રાખ્યું. એણે એવા ઝીણા સાથે લગ્ન કર્યાં, જે માણસ પછીથી પાકિસ્તાનની સ્થાપના કરવાનો હતો. બંને જણાં મુંબઇમાં મોહંમદઅલી ઝીણા મેન્સનમાં સાથે રહ્યાં, જે સ્થાન South Court તરીકે જાણીતું હતું. લગ્નજીવનનું સુખ અત્યંત ટૂંકું સાબિત થયું!’


દસ્તાવેજના એક પાના પર નોંધ છે: ‘પાકિસ્તાનમાં આ વાત કોઇ નહીં માને કે ઝીણાસાહેબની પત્ની રુતિએ આત્મહત્યા કરી હતી. માત્ર 29 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થયું હતું. રુતિએ સરોજિની નાયડુ અને એમની પુત્રી પદ્મજા નાયડુને ઘણા પત્રો લખ્યા હતા. આભાર પદ્મજાનો કે એણે પત્રો સાચવી રાખ્યા. રુતિ અને સરોજિની વચ્ચેની ગાંઠ પાકી થતી ગઇ એનું એક કારણ એ પણ છે કે સરોજિની નાયડુએ પણ માત્ર 14 વર્ષની ઉંમરે હૈદરાબાદના એક ડોક્ટર સાથે લવ અફેર ચલાવ્યો હતો. એ ડોક્ટર નિઝામની સરકારી સેવામાં હતો. કાયદાવિદ્ મિત્ર ચમનલાલે સાવ જ નબળી અને લડખડાતી રુતિને પેરિસમાં જોઇ હતી. કાનજીભાઇ આવી અંગત વાત કોઇને કહેવા માગતા ન હતા. રુતિના જીવનનો અંત અત્યંત કરુણ હતો.’

પાઘડીનો વળ છેડે
પાકિસ્તાની લેખક સૈયદ શાહબુદ્દીન ડોસનાનીને (છેક પાછલી ઉંમરે પહોંચેલા તોય સંપૂર્ણ ભાનમાં હતા એવા) કાનજીભાઇએ મુંબઇમાં પોતાના ઘરમાં પથારીમાં પડ્યા પડ્યા બધું જ જણાવ્યું હતું. રુતિના અંતિમ કલાકોની બધી વિગતો પાકિસ્તાની લેખકે કાનજીભાઇ પાસેથી જાણી લીધી હતી. વળી સરોજિની નાયડુએ અત્યંત દુખી હૃદયે પુત્રી પદ્મજાને લખ્યું હતું: ‘રુતિના લગ્નજીવનમાં એવું ઝેર પ્રસરી ગયું હતું, જે એક સમયની રુતિની સુંદરતા, ઉમદાપણું, સ્વસ્થતા અને જીવનની પ્રવાહિતાને નષ્ટ કરી નાખે.’


બીજી વાત જડે છે. છેક છેલ્લા કલાકો દરમિયાન રુતિએ જે દર્દ સહન કર્યું તેનો આંખેદેખ્યો હેવાલ એક સ્વજને સરોજિની નાયડુને પત્રમાં લખી જણાવ્યો હતો: ‘બિચારી રુતિ! એ Vernolનો વધારે પડતો ડોઝ લઇને મૃત્યુ પામી છે.’


અવિભાજિત ભારતના ભાગલા અટકાવી શકે એવા મહાનુભાવો કોઇ હતા ખરા? દસ્તવેજો પરથી એવું અનુમાન તારવી શકાય કે એ બે મહાનુભાવો હતા: કાનજી દ્વારકાદાસ અને સરોજિની નાયડુ. હા, ત્રીજા હતા, ભૂલાભાઇ દેસાઇ (ભૂલાભાઇ અને લિયાકત અલી ખાન રોજ સાંજે શરાબની મહેફિલ જમાવનારા મિત્રો હતા). ગાંધીજી ડિપ્લોમસીમાં માનનારા મહાત્મા ન હતા. સરદાર અને ઝીણા વચ્ચેનું અંતર કાયમ રહ્યું. ઝીણા સાથે કાયમ ગાંધીજી જ વંધ્ય માથાકૂટ કરતા રહ્યા.
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી