દુર્બોધ લખાણ ઊંચી કક્ષાનું ગણાય ખરું? ‘પ્રસન્નગંભીરપદા સરસ્વતી’ની શોભા અનેરી

article by gunvant shah

ગુણવંત શાહ

Dec 09, 2018, 12:05 AM IST

કેટલીક ફિલ્મો એવી કે જોયા પછી વર્ષો વીતે તોય એની સ્મરણસુગંધ મનમાં જળવાઇ રહે છે. શ્રીમદ્્ ભાગવતનો દશમસ્કંધ આપણને કાયમ પ્રેમોપનિષદ માણ્યાની પ્રતીતિ કરાવનારો જણાય છે. આવી પ્રતીતિ કોઇ ફિલ્મને જોઇને થાય ખરી? ફિલ્મ ‘ટાઇટેનિક’ જોયા પછી આવી અનુભૂતિ થયેલી. એ જ રીતે કેટલીક ફિલ્મો મનમાં કાયમી સ્થાન જમાવીને બેઠી છે. ‘અમર પ્રેમ’, ‘ફોરેસ્ટ ગમ્પ’, ‘પ્રેમરોગ’ અને ‘એક દૂજે કે લિએ’ આવી ફિલ્મો ગણાવી શકાય. ઘણા વાચકો આ વાતે સંમત થશે.

આજનો સરેરાશ ગુજરાતી વાચક ધૂમકેતુ, મેઘાણી, રા.વિ. પાઠક કે પન્નાલાલને શોધે છે. એ વાચક પોતાની ચાંચ ન ડૂબે એવું દુર્બોધ સાહિત્ય વાંચવા બિલકુલ તૈયાર નથી

જે ફિલ્મમાં દર્શકોને બિલકુલ સમજ ન પડે એ ફિલ્મ અતિ ઉચ્ચ કક્ષાના વિવેચકોને જરૂર ગમી જાય છે. જે નવલકથા કે ટૂંકી વાર્તા વાંચતી વખતે મન કઠણ કરીને અંત સુધી પહોંચવું પડે અને જેમાં જરા પણ પકડ (ગ્રિપ) ન હોય, તે જ વાર્તા વિવેચકોને કલાવિધાનની દૃષ્ટિએ ગમી જાય એવું વારંવાર બને છે. ‘ખંડહર’ આવી ફિલ્મ હતી. એ ફિલ્મ જોવાનું બન્યું ત્યારે પ્રથમ અડધો કલાક સુધી કશી જ સમજ ન પડી. વાંક મારો હતો. મારી સમજણ ટૂંકી પડી, બાકી ફિલ્મ તો એવોર્ડને પાત્ર હતી. થોડાક સમય પર એક ટૂંકી વાર્તા વાંચી. છેક છેવટ સુધી જેમતેમ ટકી રહ્યો. મેં ગુજરાતીમાં એમ.એ. થયેલા એક આચાર્યને પૂછી જોયું: ‘આ વાર્તા વાંચી?’ જવાબ મળ્યો: ‘છેવટ સુધી સમજણ ન પડી’ મને એમનો નકારાત્મક અભિપ્રાય ગમી ગયો. મને થયું કે ગુજરાતમાં એકમાત્ર મૂર્ખ વાચક નથી. આવી વાર્તાઓના સંગ્રહને જરૂર એવોર્ડ મળવાનો! આવી ઊંચી કક્ષાની ભ્રમણામાંથી ગુજરાત ક્યારે છૂટશે? ઊંચી કક્ષાની કવિતાનું પણ આવું જ કે? જે કવિતા બે વાર વાંચ્યા પછી પણ ન સમજાય તે આપોઆપ કાવ્યગુણ ધરાવનારી ગણાય ખરી?


થોડાક સમય પર સુરતના જાણીતા કટારલેખક અને શિક્ષણવિદ્ પ્રોફેસર શશિકાંત શાહનું અવસાન થયું. એમનાં લખાણમાં સાહિત્યગુણ ઓછો, પરંતુ વાચકો સાથેની કનેક્ટિવિટી ઘણી. વાચકોને સમજ પડે એવું ઘણું લખીને તેઓ વિદાય થયા.


તેઓ ‘અવ્યવહારુ વાણિયા’ હતા. ગાંધીજી સિવાય દુનિયામાં કોઇ વાણિયો અવ્યવહારુ પાક્યો નથી. વાણિયો કદી વેચાતી લડાઇ વહોરે? તેલ જુએ, તેલની ધાર જુએ પછી ગોળ ગોળ બોલે પણ મગનું નામ મરી નહીં પાડે. શશિકાંત શાહ જુદી માટીના વાણિયા હતા. આખી દુનિયામાં જ્ઞાતિ કેવળ ત્રણ જ હોય છે: વાણિયા, વૈષ્ણવ અને વૈષ્ણવજન. શિક્ષણના ક્ષેત્રમાં કે યુનિવર્સિટીઓમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર ભાળે ત્યાં તો એમની કલમ તલવાર બની જતી. પરિણામે એમને વિશાળ શત્રુવૈભવ પ્રાપ્ત થયો. એવો વૈભવ એ જ એમની સંપ્રાપ્તિ! ગમે તેવા રેંજીપેંજી માણસની કદી ઇર્ષ્યા નથી થતી. ઇર્ષ્યાવૈભવ વિના શત્રુવૈભવ કદી પ્રાપ્ત નથી થતો. પરિણામે સુરતના સાહિત્યકારોના વર્તુળમાં પણ તેઓ અળખામણા બન્યા હતા.


આજનો સરેરાશ ગુજરાતી વાચક ધૂમકેતુ, મેઘાણી, રા.વિ. પાઠક કે પન્નાલાલને શોધે છે. એ વાચક પોતાની ચાંચ ન ડૂબે એવું દુર્બોધ સાહિત્ય વાંચવા તૈયાર નથી. એવું દુર્બોધ લખનારા સાહિત્યકારોનાં પુસ્તકો જે પ્રકાશક છાપે તેણે પોતાની દુકાન બંધ કરવી પડે એ નક્કી. માથું ચડે એવી વાર્તા, નવલકથા, કવિતા માટે એ પાંચ મિનિટથી વધારે ધીરજ ન રાખી શકે. આવા ઉન્નતભ્રૂ લેખકો ગુજરાતી ભાષાને અકાળ મૃત્યુ તરફ ધકેલે છે. ગુજરાતમાં એવા કેટલાય વિદ્વાન લેખકો છે, જે કેવળ પોતાના ઉપરાંત માત્ર બીજા પાંચ જ વાચકો માટે લખે છે. પ્રકાશક શરમના માર્યા એમનું અઘરું પુસ્તક છાપે છે અને 25 નકલો જાય ત્યારે ખુશ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં કેટલીય બેઠકો એવી હોય છે, જેમાં પ્રમુખસ્થાને કંટાળો બેઠેલો હોય છે. સામે જ બેઠેલા શ્રોતાઓ બગાસાં ખાય તે જોઇને પણ વિદ્વાન વક્તા પ્રવચન પૂરું કરવા તૈયાર નથી હોતો. એવા વક્તાઓને મેં ઓસામા બિન લાદેન કહ્યા છે. શ્રોતાનું બગાસું સૌથી નિખાલસ પ્રતિભાવ ગણાય. આવા નિર્દય વક્તાઓની યાદી હું ખાનગીમાં આપવા તૈયાર છું. એમને આમંત્રણ પાઠવનારો જૈશ એ મોહમ્મદનો દલાલ જાણવો.


વર્ષ 1960ના અરસામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન સુરતની એમ.ટી.બી. કોલેજના મધ્યખંડમાં મળ્યું હતું. કંટાળાજનક પ્રવચનો થયાં પછી શ્રોતાઓ કંટાળ્યા, ખૂબ જ કંટાળ્યા. પછી સદ્્ગત ચંદ્રવદન મહેતા બોલવા ઊભા થયા. ચં.ચી. એવા તો ખીલ્યા કે શ્રોતાઓને જાણે રાહત થઇ. આખા હોલમાં પ્રસન્નતાનાં વાઇબ્રેશન્સ પ્રસરી ગયાં. ચં.ચી.ના પ્રવચનમાં સાહિત્યગુણ ઓછો ન હતો, પરંતુ તેઓના પ્રત્યેક શબ્દને માંહ્યલાનો ટેકો હતો. આપણા કેટલાક વિદ્વાન વિવેચકો બોલે ત્યારે એમના શબ્દને માંહ્યલાનો સથવારો નથી હોતો. પરિણામે એમનો શબ્દ ‘અનાથ’ હોય છે. વક્તા જાણે બોલતી વખતે ગેરહાજર હોય છે. ઘણુંખરું વક્તા કરતાં માઇક થોડુંક નીચું હોય છે. એવા પણ વક્તાઓ હોય છે, જેઓ બામ ખપાવે ત્યારે વક્તા કરતાં માઇકની કક્ષા ઊંચી જણાય છે. વક્તા બોલે છે, બહુ બોલે છે, પરંતુ કશુંય શ્રોતાઓ સુધી પહોંચતું નથી. જ્હોન ડ્યૂઇ જેવો વિચારક કહે છે: એક દુકાનદાર કહેતો કે પોતે બધો માલ વેચી નાખ્યો છે, પરંતુ કોઇએ તે ખરીદ્યો નથી. આવા વક્તાઓની સભા ગોઠવવી એ પણ પાપ છે. આવા વક્તાઓ માતૃભાષાના અપ્રગટ શત્રુઓ ગણાય. બોલે છે, બહુ બોલે છે, પરંતુ શ્રોતાઓ સુધી કશુંય પહોંચતું નથી. તો પછી શું વક્તાએ લોકરંજન માટે જ બોલવાનું કે? આ યક્ષપ્રશ્નનો જવાબ મહાકવિ ભારવિના ‘કિરાતાર્જુનીયમ્’માં મળે છે. સાંભળો:


વનવાસ દરમિયાન અર્જુન શસ્ત્રોની શોધમાં નીકળી પડે છે. એને વનમાં સામે કિરાત (ભીલ) મળે છે. શંકર ભગવાન પોતે કિરાત બનીને અર્જુન સામે યુદ્ધે ચડે છે. લડાઇ બરાબર જામી છે. કિરાત સમર્થ અર્જુનને બિલકુલ ગાંઠતો નથી. બંને વચ્ચે સંવાદ થાય છે, ત્યારે અર્જુન કિરાતને એક સુંદર વાત કહે છે: ‘સ્પષ્ટ ઉચ્ચારણોથી વિભૂષિત, શ્રવણસુખદ, શત્રુઓનાં હૃદયને પણ પ્રસન્ન કરે તેવી પ્રસન્નગંભીરપદા સરસ્વતી તો ભાગ્યશાળીઓની જ હોય છે.’ અર્જુનના આ શબ્દો આપણા અતિવિદ્વાન સાહિત્યકારોએ ગાંઠે બાંધવા જેવા છે. ગાંધીજીનું એક વિધાન ખપ લાગે તેવું છે: ‘વિનોદ વિનાનું ગાંભીર્ય અને ગાંભીર્ય વિનાનો વિનોદ અર્થહીન છે.’ વિવેચકોએ તો અર્જુનનું વિધાન સતત યાદ રાખવું પડશે: ‘પ્રસન્નગંભીરપદા સરસ્વતી.’ જે સાહિત્યકાર લખતી કે બોલતી વખતે વાચક કે શ્રોતા પ્રત્યે અકરુણાવાન હોય છે, તેની ધરાર ઉપેક્ષા કરવાની કળા વાચકો કે શ્રોતાઓ પાસે હોય છે. સાવધાન! વાચકો બધું પામી જાય છે. તેઓ ભોળા હોય છે, મૂર્ખ નથી હોતા.


સાહિત્યકારો કલ્પનામાં ન આવે તેટલા ઇર્ષ્યાળુ હોય છે. આપણા સાહિત્યજ્ઞશ્રી સુમન શાહે ક્યાંક ‘આત્મનેપદી કાપાકાપી’ની વાત કરી હતી. ઊંચાં ગજાનાં અને નીચા સ્વભાવનાં સાહિત્યકારને તમે મળ્યા છો? મળો ત્યારે નાક પર રૂમાલ દબાવી રાખજો. કૃત્રિમતાના દુકાનદાર જેવા કોઇ સાહિત્યકારને મળવાનું બને ત્યારે એમના માંહ્યલાથી સાવ કપાઇ ગયેલા દુર્બોધ શબ્દો ન સંભળાય, તે માટે કાન પર પણ રૂમાલ દબાવી રાખજો. આપણા લાડકા વિનોદ ભટ્ટને આવા લોકો પ્રત્યે જબરો અણગમો હતો. વિનોદભાઇની આત્મકથા વાંચજો.


વાચકો સાથેની કનેક્ટિવિટી ન જળવાય ત્યારે ઉન્નતભ્રૂ એવા સાહિત્યકારને વાચકોની ઉપેક્ષા પજવે છે અને એ પજવણી ક્યારેક ઇર્ષ્યાને માર્ગે વળે એમ પણ બની શકે છે. સાહિત્યકાર હોવું અને નિખાલસ ન હોવું એ એક મ્યાનમાં બે તલવાર રાખવાની કુચેષ્ટા ગણાય. નિખાલસતા મનુષ્યની ઋજુતાને સંકોરે છે. પરિણામે અંદરથી જે ઊગે તે ‘પ્રસન્નગંભીરપદા સરસ્વતી’ની સીધી કૃપાનો પ્રસાદ હોય છે. સર્જકની વાતને જો અનુભૂતિનો ટેકો જ ન હોય, તો વળી લખવાની શી જરૂર? કલમનું ચારિત્ર્ય જળવાય, તો અડધું યુદ્ધ જીતી ગયા એમ કહેવાય. આજથી લગભગ 200 વર્ષ પહેલાં સ્વામીનારાયણ સંપ્રદાયના આદરણીય શ્રીજી મહારાજે ‘જાણપણું’ શબ્દ પ્રયોજેલો. જ્ઞાન અને શાણપણ જેવી બે બાબતોને જોડતો કોઇ સેતુ હોય, તો તે છે: ‘જાણપણું’ સાહિત્યના ક્ષેત્રે પણ ‘જાણપણું’ એ જ ખરી થાપણ છે. એવી થાપણ ન હોય, તો લખવાનું ટાળવું એ પણ ‘સ્વચ્છ’ પ્રદાન જ ગણાય. સ્વચ્છ પ્રદાન એટલે સ્વસ્થ સર્જન. સાહિત્યકાર અત્યંત દુર્બોધ લખે ત્યારે માતૃભાષા વહેલી મરે, તેવી તજવીજ કરતો હોય છે.

પાઘડીનો વળ છેડે
દુનિયાના સૌથી માલદાર માણસ બિલ ગેટ્સે પુસ્તક લખ્યું છે: ‘The Road Ahead.’ બિલ ગેટ્સ પુસ્તકનો આરંભ એક ફિલ્મના ઉલ્લેખથી કરે છે. ફિલ્મનું નામ છે: ‘ધ ગ્રેજ્યુએટ.’ એ ફિલ્મ 1967માં એન આર્બર (મિશિગન)માં જોયેલી. એમાં એક અશ્વેત દલિત કોલેજિયન કોઇ મોટા ધનપતિને મળે ત્યારે કહે છે: ‘મને કોઇ સલાહ આપો. મારે જો આગળ વધવું હોય, તો તમે કઇ ટિપ આપો?’ ધનપતિ જવાબમાં માત્ર એક જ શબ્દ બોલે છે: ‘પ્લાસ્ટિક.’ આજે આવો પ્રશ્ન કોઇ યુવાન પૂછે તો હું શું જવાબ આપું? હું એ યુવાનને કહું: ‘ઇન્ફોર્મેશન.’
Blog:http://gunvantshah.wordpress.comX
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી