પ્રેમ એટલે અૅકવા રીજિયા જેવું જીવન-રસાયણ, જેમાં બધું ઓગળી જાય!

article by gunvant shah

ગુણવંત શાહ

Sep 30, 2018, 12:05 AM IST

કોલેજમાં રસાયણશાસ્ત્ર ભણવાનું થયું ત્યારે એક બાબત હજી બરાબર યાદ રહી ગઇ છે: ‘Aqua regia.’ આ એક એવું પ્રવાહી છે, જેમાં ભલભલી ધાતુ પણ ઓગળી જાય. સોનું અને પ્લેટિનમ પણ એમાં ઓગળી જાય. આ પ્રવાહીમાં એક ભાગ નાઇટ્રિક એસિડ (HNO3) હોય અને ત્રણ કે ચાર ભાગ હાઇડ્રોક્લોરિક એસિડ (HCI) હોય. આ પ્રવાહી સૌથી નોખું-અનોખું. એની ધાતુ ઓગાળવાની ક્ષમતા સૌથી અનેરી! મોટા થયા પછી કોલેજમાં ભણેલું બધું ભુલાઇ ગયું પણ છેક પાછલી ઉંમરે એટલું સમજાયું કે પ્રેમ એટલે જીવનનું ‘ઍક્વા રીજિયા’ છે. એમાં બધું જ ઓગળી શકે. પ્રેમ અદ્્ભુત જીવન રસાયણ છે. હા, એ રસાયણમાં આતંકવાદ પણ ઓગળી શકે. જો ઓસામા બિન લાદેનને કોઇ સ્ત્રી પ્રત્યે પ્રેમની ઉત્કટ અનુભૂતિ થઇ હોત તો! તો 9/11 જેવી દુર્ઘટના ન બની હોત. મારી આ વાતમાં અંધશ્રદ્ધા રહેલી હોય તોયે એ અંધશ્રદ્ધા મને વહાલી છે.

પ્રેમ અદ્્ભુત જીવન
રસાયણ છે. હા, એ રસાયણમાં આતંકવાદ પણ ઓગળી શકે. જો ઓસામા બિન લાદેનને કોઇ સ્ત્રી પ્રત્યે પ્રેમની ઉત્કટ અનુભૂતિ થઇ હોત તો! તો 9/11 જેવી દુર્ઘટના ન બની હોત

આખરે આસારામનો ગુનો કઇ વાતમાં સંતાયેલો છે? જો આસારામને કોઇ એવી પ્રિયતમા મળી હોત, જેના પ્રેમમાં પાગલ બનવાની તક મળી હોત તો! તો બળાત્કાર સુધી વાત ન પહોંચી હોત એ નક્કી! આપણો સમાજ પણ કેવો? વર્ષો સુધી બળાત્કારનું પાપ વેઠી શકે, પરંતુ પરિશુદ્ધ પ્રેમથી લથપથ એવો લવ-અફેર ન વેઠી શકે, એવો રુગ્ણ સમાજ આસારામને જ લાયક ગણાય. આવો સમાજ આતંકવાદ વેઠી શકે, પરંતુ સાચકલો પ્રેમસંબંધ ન વેઠી શકે. આ દુનિયામાં યુદ્ધ છે, હુલ્લડ છે, આતંક છે, વેશ્યાગૃહો છે અને નન્સનું જાતીય શોષણ કરનારા ધર્મગુરુઓ છે, કારણ કે એકવા રીજિયા જેવું પ્રેમ રસાયણ ખૂટી પડ્યું છે. આપણું કોણ સાંભળે? લગે રહો આસારામ! પ્રેમનો કુલ જથ્થો ખૂટી પડે ત્યારે જ મહાયુદ્ધ થઇ શકે. ગોકુળની પ્રેમલીલા ક્ષીણ થઇ ત્યારે કુરુક્ષેત્રમાં લોહીની નદી છલકાઇ ઊઠી! મહાભારતનો મર્મ આ વાત સમજવામાં સમાયો છે.


વારંવાર ‘જયશ્રીકૃષ્ણ’ ઉદ્્ગારનારો સમાજ કૃષ્ણને નથી સમજ્યો તેવી હજી દહેજની પ્રથા ચાલુ છે. ચેન્નાઇમાં પ્રોફેસર હતો ત્યારે રંગસ્વામી નામનો વિદ્યાર્થી મને લગ્નની કંકોત્રી આપવા આવ્યો. મેં એને કટાક્ષમાં પૂછ્યું: ‘રંગસ્વામી, તારી વેચાણ કિંમત કેટલી?’ રંગસ્વામી મારો કટાક્ષ પામી ગયો અને બોલ્યો: ‘સર, 64000 રૂપિયા.’ મેં કહ્યું: ‘તને આ રકમ સ્વીકારવામાં કોઇ ખચકાટ નથી થતો?’ રંગસ્વામી પાસે જવાબ તૈયાર હતો: ‘સર, મારી બહેન પરણી ત્યારે મારા પરિવારે દહેજમાં રૂપિયા 70,000/- આપ્યા હતા, તેથી પૂરા 6000ની ખોટ ગઇ છે.’ રંગસ્વામી હૈદરાબાદ પાસે વારંગલમાં આવેલા પોલિટેક્નિકમાં પ્રાધ્યાપક હતો. દહેજપ્રથાને કારણે સર્જાયેલું આ તો એક કજોડું ગણાય. આવાં તો લાખો કજોડાં દેશમાં જ્ઞાતિ, ધર્મ, પેટાજ્ઞાતિ, દહેજ અને લગ્ન ગોઠવનારા નાતીલા મેચ-મેકર્સનાં ષડ્્યંત્રોને કારણે સર્જાતાં જ રહે છે. જો સમજીએ તો આ જ ખરું આતંકવાદી કારખાનું કે કાળખાનું! આવા સમાજમાં બળાત્કાર ન હોય તો બીજું શું હોય?


નામરજી હોય છતાં ગોઠવાયેલું પ્રત્યેક લગ્ન આખરે તો મંડપમાં અને વળી માંહ્યરામાં યોજાતો રિવાજમાન્ય અને સમાજમાન્ય ‘બળાત્કાર’ જ ગણાય. આ વાત સમજાય, તે માટે જે વિચારદ્રવ્ય જોઇએ તે કોઇ યુનિવર્સિટીમાં નથી મળતું. દેશમાં મોંઘીદાટ એમિટી યુનિવર્સિટી છે, ગલગોટિયા યુનિવર્સિટી છે અને સાથે તીર્થંકર મહાવીર જેવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, પરંતુ ક્યાંય તમે પ્રેમ યુનિવર્સિટી કે ‘યુનિવર્સિટી ઓફ લવ’ જોઇ છે? ‘યુનિવર્સિટી ઓફ લવ’ના પ્રવેશદ્વાર પર મોટા અક્ષરે સૂચના વાંચવા મળે તો! ‘તારા પાડોશીને, તું તારી જાતને કરે એટલો, પ્રેમ કરજે.’ મારું માનવું છે કે આજની બધી સમસ્યાઓનો ઉકેલ ઇસુ અને કિસુને સમજવામાં સમાયેલો છે. બંને મહામાનવો પ્રેમના મસીહા હતા. ઇસુને ચર્ચની બહાર અને કૃષ્ણને હવેલીની બહાર શોધવા રહ્યા. જે સમાજ ધર્મપ્રેમને ઉશ્કેરે, પરંતુ પ્રેમધર્મને ન સમજે તેને સભ્ય ગણવાની કુટેવ ક્યારે છૂટશે?


વર્ષો પહેલાં આવા ગાંડા વિચારો યુવાનો સુધી પહોંચાડવા માટે ‘પ્રેમશિબિરો’ યોજવાની ધૂન મન પર ચડી બેઠેલી. એવો એક યાદગાર શિબિર રાજકોટની યુનિવર્સિટીના કેમ્પસ પાસે કોઇ વાડીમાં યોજાયેલો. એનું સુંદર આયોજન તે વખતના યુવાન પ્રાધ્યાપક ભદ્રાયુ વછરાજાનીએ કરેલું. ભદ્રાયુના નિવાસનું નામ પણ ‘પ્રેમમંદિર’ છે. પાછળથી એવા શિબિરો ભદ્રાયુભાઇએ અન્ય સ્થળોએ પણ યોજેલા. આગ પ્રસરી જાય પછી કૂવો ખોદવાનો એ નિષ્ફળ વ્યાયામ હતો. શિબિરમાં ફી ભરીને પ્રવેશ મેળવવા માટે પડાપડી થતી. એમાં પરિણીત કે પ્રેમમાં હોય એવાં યુગલો જ પ્રવેશ પામે એવો આગ્રહ રાખવામાં આવતો. લોકો પરબ માટે દાન કરે, પરંતુ વિચારની પરબ માટે પૈસા ન આપે. જ્યાં અને જ્યારે મને પુસ્તકપ્રેમી, વિચારપ્રેમી અને યુવાપ્રેમી કુલપતિને મળવાનો મોકો મળે ત્યારે હરખનો પાર નથી રહેતો. હા, એવો મોકો હવે જવલ્લે જ મળે છે.


આપણને કદાચ વિચારવાની તકલીફ લેવાનું ગમતું નથી. જે માણસ કામ કરવામાં આળસ કરે તેને લોકો ‘આળસુ’ કહીને ભાંડે છે, પરંતુ જે માણસ વિચારવામાં પ્રમાદ સેવે તેને કોઇ પ્રમાદી નથી કહેતું! પરિણામે ભારતીય સમાજ હજી વિચારવંત સમાજ બની શક્યો નથી. આ દેશનો ભણેલો યુવાન કોઇ પણ જાતનો વિચાર કર્યા વિના પરણી જાય છે અને કશુંય વિચાર્યા વિના પિતા બની જાય છે. એ પિતાને ત્યાં વળી પુસ્તક વાંચનારો કે વિચારનારો દીકરો પેદા થાય તો ‘ભાંગમાં તુલસી’ જેવી ઉક્તિ સાચી પડે! કોઇ પણ પક્ષી પોતાની ફરજ સમજીને ગાતું નથી, પરંતુ એની પાસે ગાવા જેવું કશુંક છે માટે ગાય છે. એક માણસે પત્નીને કહ્યું: ‘મારા મૃત્યુ પહેલાં લગભગ નિર્જીવ કોથળા જેવો ખાટલામાં સૂતો હોઉં ત્યારે તું મશીનનો પ્લગ ખેંચી કાઢે તો મને મરવાનું ગમશે.’ પત્ની તરત ઊભી થઇ અને એણે ટીવીનો પ્લગ ખેંચી કાઢ્યો! આપણી વિચારવાની ટેવ પર સૌથી મોટો પ્રહાર ટીવી અને વળી ટીવી પર માથે મારવામાં આવતી જાહેરાતો દ્વારા થતો હોય છે. કોઇ રૂપાળી મોડેલ એવી ચીજની ખરીદી કરવા માટે આપણને ઉશ્કેરતી રહે છે, જે ચીજ વિના આપણું કશુંય અટકતું ન હોય! વિચારહીન ગૃહિણીનો સૌથી પ્રિય ટાઇમપાસ એટલે શોપિંગ. એ ગૃહિણીની રૂપાળી મૂર્ખતાની ખરી ખબર કેવળ દુકાનદારને જ હોય છે. સાડીની ભભકાદાર દુકાને એ ગૃહિણી હજી ખરીદી શરૂ કરે તે પહેલાં તો એને કોકાકોલાનો ગ્લાસ પકડાવી દેવામાં આવે છે!


વિચારશૂન્યતા કાંઇ આજનો રોગ થોડો છે? નુહુષનો પુત્ર યયાતિને શુક્રાચાર્યે યયાતિને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય તેવો શાપ આપ્યો. પુત્ર પુરુએ પિતાની વૃદ્ધાવસ્થા સ્વીકારી લઇને યયાતિને ફરી જુવાની પ્રાપ્ત કરાવી એવી કથા છે. કોઇ પણ વિચારવંત પુત્ર આવું ગાંડું કામ કરે? વિચારવંત પુત્ર પિતાને પ્રેમથી કહે છે: ‘પિતાશ્રી! હવે બાકી રહ્યાં તે વર્ષો મનન, ચિંતન અને તપ કરવામાં ગાળશો તો કલ્યાણ થાય.’ જે પુત્ર માતાપિતાને દહેજ લીધા વિના પરણવાની ના પાડીને પોતાને ગમતી યુવતી પરણવાની હઠ પકડે, તેને ધન્યવાદ આપનારા સમાજનું નિર્માણ ક્યારે થશે? મામાનું ઘર કેટલે? ક્યાંય વિચારનો દીવો બળે છે ખરો? એવો ‘વિચારદીપ’ હવે આપણી પ્રાઇવેટ કે ગ્રાન્ટ લેનારી યુનિવર્સિટીના કોઇ રળિયામણા કેમ્પસ પર પણ નથી ટમટમતો. ગામેગામ માંડ ટકી રહેલી લાખો ગંગાસ્વરૂપ લાઇબ્રેરીઓમાં કાચનાં કેદખાનાંમાં બંદીવાન બનેલાં પુસ્તકોને પ્રતીક્ષા રહેતી હોય છે કે ક્યારે ગ્રંથપાલ કબાટ ખોલે અને અમને કોઇ સુજ્ઞ વાચકના હાથમાં મૂકે? આવો હસ્તમેળાપ થાય ત્યારે ગ્રંથપાલને પણ જીવન સાર્થક થતું દીસે એમ બને. સદ્્ગત સાહિત્યકાર ભગવતીકુમાર શર્માની નવલકથા ‘અસૂર્યલોક’માં પુસ્તકાલયમાં કામ કરનારા ગ્રંથપાલનો મહિમા થયો છે. જેમાં લાઇબ્રેરીનો ગ્રંથપાલ નવલકથાનો નાયક હોય એવી ગુજરાતી નવલકથાઓ કેટલી? મૃત્યુ પામેલા પ્રિય લેખકને શ્રદ્ધાંજલિ આપવાની શ્રેષ્ઠ રીત કઇ? એ જ કે એમની કોઇ ઉત્તમ કૃતિનું વાંચન કરીને એમને સ્મરણાંજલિ આપવી. એમની ઉત્તમ નવલકથા ‘અસૂર્યલોક’નો નાયક તિલક વાસ્તવિક જીવનમાં ગ્રંથપાલ હોય છે. ગ્રંથપાલ એટલે સરસ્વતીના મંદિરનો દ્વારપાલ! વિચારશૂન્ય સમાજમાં લાઇબ્રેરી ગંગાસ્વરૂપ મટીને અખંડ સૌભાગ્યવતી બને, તો કદાચ વિચારવંત સમાજનું નિર્માણ થાય એમ બને. આવી પ્રતીક્ષા કરવા જેવી ખરી!!!

પાઘડીનો વળ છેડે
મારી પાસે એક સફરજન હોય,
તમારી પાસે પણ એક સફરજન હોય
અને
આપણે તે એકબીજાને આપીએ,
તો બંને પાસે એક એક સફરજન રહે છે.
પરંતુ જો
મારી પાસે એક વિચાર હોય
અને તમારી પાસે પણ એક વિચાર હોય
અને જો આપણે
તે એકબીજાને આપીએ, તો
બંને પાસે બે વિચાર રહે છે!
- જ્યોર્જ બર્નાર્ડ શો
Blog:http://gunvantshah.wordpress.comX
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી