રિતુદાની સ્મૃતિમાં... બર્ડ ઓફ ડસ્ક

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Nov 16, 2018, 06:48 PM IST

બંગાળી ફિલ્મસર્જકોમાં કશુંક ખાસ હોય છે. સર્જનાત્મકતા ઉપરાંત પોતાના વ્યક્તિત્વના મામલે પણ તેઓ મૂઠી ઊંચેરા સાબિત થતા રહ્યા છે. ફિલ્મસર્જક રિતુપર્ણો ઘોષમાં પણ કશુંક ખાસ હતું. અમસ્તી કંઈ હિન્દી ફિલ્મની દરેક હિરોઇન તેમની સાથે કામ કરવા તલપાપડ નહોતી થતી અને જ્યારે એ હિન્દી સિનેજગતની અભિનેત્રીઓને તક મળી છે ત્યારે નેશનલ એવોર્ડ જીતી લાવી છે. પછી તે કિરણ ખેરને ફિલ્મ ‘બાડીવાલી’ માટે હોય કે ‘ચોખેરબાલી’ માટે ઐશ્વર્યા રાયને મળેલો એવોર્ડ હોય. ફિલ્મ, ઇતિહાસ, સંગીત, કળા અને ફેશન જેવાં ક્ષેત્રોના તેઓ જાણતલ હતા. લેખક, ફિલ્મસર્જક, એક્ટર, ફેશન આઇકન અને એક ગે એક્ટિવિસ્ટ. તેમણે પોતાની સજાતીય ઓળખ છુપાવી નહોતી. તેમણે લિંગભેદથી પર જઈને માણસને માણસ તરીકે જોવાય તે માટે ઝુંબેશ ચલાવેલી.

ફિલ્મસર્જક રિતુપર્ણો ઘોષમાં પણ કશુંક ખાસ હતું. અમસ્તી કંઈ હિન્દી ફિલ્મની દરેક હિરોઇન તેમની સાથે કામ કરવા તલપાપડ નહોતી થતી અને જ્યારે એ હિન્દી સિનેજગતની અભિનેત્રીઓને તક મળી છે ત્યારે નેશનલ એવોર્ડ જીતી લાવી છે. ફિલ્મ, ઇતિહાસ, સંગીત, કળા અને ફેશન જેવાં ક્ષેત્રોના રિતુપર્ણો ઘોષ જાણતલ હતા

તેઓ ખુલ્લેઆમ કહેતા કે, તેઓ પુરુષ દેહમાં કેદ થયેલા એક સ્ત્રી છે. જ્યારે પોતાની જ ફિલ્મમાં મહિલા પાત્ર ભજવે છે ત્યારે બધાં બંધનોમાંથી મુક્ત થયા હોવાનું અનુભવે છે. આજે જ્યારે કલમ 377 દ્વારા સજાતીય સંબંધોને માન્યતા પ્રાપ્ત થઈ છે ત્યારે ફિલ્મસર્જક સંગીતા દત્તા પોતાના મેન્ટરની સ્મૃતિમાં ‘બર્ડ ઓફ ડસ્ક’ નામે ડોક્યુમેન્ટરી બનાવી છે.


ભારતીય લેખક-દિગ્દર્શક રિતુપર્ણો ઘોષે બંગાળી તરીકેની પોતાની પ્રાદેશિક ઓળખને વળોટીને ફિલ્મ દ્વારા એક અલગ પ્રભાવ ઉપસાવ્યો છે. સંગીતા દત્તાએ ડિરેક્ટરના અવાજ સાથે, તેમના ઇન્ટરવ્યૂ અને સ્મૃતિચિહ્્નોને વણી લીધાં છે. ઉપરાંત રિતુપર્ણો ઘોષ સાથે કામ કરી ચૂકેલાં કલાકાર અને કસબીઓ જેવાં કે સૌમિત્ર ચેટરજી, શર્મિલા ટાગોર, અપર્ણા સેન, પ્રોસેનજિત ચેટરજી, નંદિતા દાસ, અર્જુન રામપાલ, કોંકણા સેન શર્મા અને મીર સાથે કરેલી વાતોના અંશો છે. દસ્તાવેજી ચિત્રમાં ઘોષનો સિનેમેટોગ્રાફર અવિક મુખોપાધ્યાય, એડિટર અર્ધ્યકમલ મિત્રા, મ્યુઝિક કમ્પોઝર દેબજ્યોતિ મિશ્રા ઘોષની ફિલ્મમેકિંગની શૈલી વિશે વાત કરે છે. બર્લિન, લંડન કે સ્પેનમાં યોજાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોએ ફિલ્મસર્જક તરીકે ઘોષને વિશ્વ સમક્ષ મૂકવાનું કાર્ય કર્યું. માણસ પોતાના મૂળથી ઓળખાતો હોય છે.

રિતુપર્ણો જ્યાં જીવ્યા અને સર્જનાત્મક કાર્યો કર્યા તે શહેર કોલકાતા તેમનામાં ધબકતું રહ્યું. કોલકાતા તરફનો પ્રેમ, તેની સાંસ્કૃતિક ઓળખ તેમની ફિલ્મોમાં અચૂક જોવા મળતી. રિતુપર્ણોનો જીવનક્રમ અને બદલાતા જતા કોલકાતાને એકબીજા સાથે સાંકળીને ડોક્યુમેન્ટ્રીમાં રજૂ કરવામાં આવ્યાં છે. ભારતમાં ઘણું બધું બદલાઈ ગયું છે અને આજે જો ઘોષ જીવતા હોત તો સેક્શન 377 દ્વારા પ્રાપ્ત માન્યતાની ઉજવણી કરી હોત.


તેઓને પહેલા ફિલ્મસર્જક કહી શકાય જેઓએ પોતાના પ્રદાન અને પ્રભાવના માધ્યમથી થર્ડ જેન્ડરને સ્વીકૃતિ અપાવવામાં ભાગ ભજવ્યો હોય. શરૂઆતના જીવનકાળમાં પોતાની જાતીયતાને કારણે લઘુતાગ્રંથિનો ભોગ બનેલા રિતુપર્ણો તેમનાં બોલ્ડ નિવેદનો અને ફિલ્મો દ્વારા થર્ડ જેન્ડરને આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરતા રહ્યા. તેઓ કહેતા, ‘બી હૂ યુ વોન્ટ ટુ બી’, જે આજે યૂથ સ્લોગન છે.


ડિરેક્ટર સંગીતા દત્તાએ લાંબો સમય સુધી ઘોષ સાથે કામ કર્યું છે. પરિણામે તેમના સિનેમા તરફના દૃષ્ટિકોણ અને સંવેદનશીલતાના તેઓ સાક્ષી રહ્યાં છે. બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક કદમ આગળ લઈ જવામાં અને જેન્ડર ફ્રી ઓળખ માટેની લડતમાં ઘોષનું યોગદાન રહ્યું છે. મુંબઈમાં આયોજિત મામી ફેસ્ટિવલમાં ‘બર્ડ ઓફ ડસ્ક’નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. સંગીતા દત્તા કહે છે કે, તેઓ જ્યારે ‘રિતુપર્ણો ઘોષ: સિનેમા, જેન્ડર એન્ડ આર્ટ’ નામના પુસ્તકનું સંપાદન કરી રહ્યા હતા ત્યારે તેમને આ દસ્તાવેજીચિત્ર બનાવવાનો વિચાર સ્ફૂર્યો.

‘કોલેજકાળના દિવસોથી રિતુ મારો નજીકનો મિત્ર રહ્યો છે અને તેની સાથે કામ કરવાનો એક દશક કરતાં વધુ અનુભવ છે. તેની ફિલ્મો દર્શકોને થિયેટર સુધી ખેંચતી રહી છે તે મેં જોયું છે. બંગાળી ફિલ્મો કાયમ સ્મોલ બજેટમાં જ બને તેવી માન્યતાને બદલી નાખતા તેમણે ‘ચોખેરબાલી’ જેવી એપિક ફિલ્મ બનાવી. તેમની ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં ભારતને ખ્યાતિ અપાવી. રિતુ નામના સંકુલ વ્યક્તિત્વની કંઈકેટલીયે બાજુઓ હતી.

તેના યુનિક વોઇસને ઝડપવા માટે મેં તેની ફિલ્મો તરફ નજર કરી, તેની છેલ્લી ટ્રીલોજી કે જેમાં તેણે અભિનય કર્યો છે. ઉપરાંત તેના કેટલાક જૂના ઇન્ટરવ્યૂ પણ એ દિશામાં મદદરૂપ સાબિત થયા. રિતુદાના વ્યક્તિત્વ વિકાસમાં કોલકાતાનો ફાળો રહ્યો છે. આ શહેરને ફિલ્મ દ્વારા મેં નવેસરથી નિહાળ્યું છે. બાઉલ ગીત, ગંગા જેવાં પ્રતીકો પ્રવાહિતાનાં પ્રતીકો છે. રિતુદા લૈંગિક તફાવતથી ક્યાંય આગળના સ્તરે હતા. તેમની સાથે સંકળાયેલી સ્મૃતિઓ પુષ્કળ છે.’

[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી