ચાલો સિનેમા / કંગના રનૌતની યાત્રા ‘ક્વીન’ થી ‘રાની’ સુધી...

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Jan 11, 2019, 12:16 PM IST

પૂર્ણ થયેલા વર્ષમાં સલમાન ખાન, આમિર ખાન કે શાહરુખ ખાનમાંથી એકેય સુપરસ્ટાર બોક્સઓફિસ પર અપેક્ષા મુજબ દેખાવ કરવામાં સફળ રહ્યાં નથી. જેમાં અપવાદ તરીકે રણવીરસિંહનું નામ લેવું પડે. ગયા વર્ષની શરૂઆત ‘પદ્માવત’માં ખિલજી તરીકે કરી અને અંત ‘સિમ્બા’ જેવી સુપરહીટ ફિલ્મથી કર્યો. શો બિઝનેસમાં કશું પૂર્વાનુમાન મુજબ ચાલતું નથી. દરેક શુક્રવાર સરપ્રાઈઝ અને હાર્ટબ્રેક્સથી ભરેલો હોય છે.

બિગ બજેટ ફિલ્મો અને સુપરસ્ટાર ધરાવતી ફિલ્મો તેમના ચાહકોને નિરાશ કરે છે જ્યારે નાનકડા સિતારા અને ‘બધાઈ હો’ જેવી લો બજેટ ફિલ્મ દર્શકોના હૃદય જીતી જાય છે. આજકાલ હું જ્યાં પણ જાઉં છું લોકો મને ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમમિનિસ્ટર’ વિશે પૂછતા હોય છે. ફિલ્મનું ટ્રેલર અને તેથી પણ વધુ અનુપમ ખેરની સોશિઅલ મીડિયા પરની પોસ્ટને કારણે દર્શકોની ફિલ્મ તરફ ઉત્સુકતા વધી ગઈ છે.

કંગના રનૌતના નામ સાથે કોઈ ને કોઈ કારણસર વિવાદ જોડાયેલો જ રહ્યો છે. આ વર્ષે તેની આવી રહેલી ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ પણ તેમાંથી બાકાત નથી. એક સમયે આ ફિલ્મ પૂરી થશે કે કેમ તેવી શંકા સેવાઈ રહી હતી. જોકે હવે ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ છે એટલે રિલીઝ થવા આડે કોઈ ગ્રહણ રહ્યું નથી તેમ કહી શકીએ

ફિલ્મ હવે જ્યારે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે જો સિનેમાહોલ ભરાયેલા જોવા મળશે તો આ પ્રકારની પોલિટિકલ ફિલ્મને મળેલા પ્રતિસાદની બાબતમાં આ પ્રથમ ફિલ્મ બની રહેશે. આ વર્ષે હું જેની રાહ જોઈ રહી છું તેમાં કંગના રનૌત સ્ટારર ‘મણિકર્ણિકા’નો સમાવેશ થાય છે. કારણ કે પિરિયડ ફિલ્મ બનાવવી સરળ નથી હોતી અને તેમાં આ ફિલ્મ પણ અપવાદ નથી.

એકાદ વર્ષથી વધુ સમય પહેલા જ્યારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારથી વિવાદોએ ફિલ્મનો પીછો કર્યો છે. એક સમયે અફવા હતી કે ‘મણિકર્ણિકા’ ખોરંભે ચડી ગઈ છે. જો કે આ પ્રકારની વાતો ઐતિહાસિક ફિલ્મો માટે સામાન્ય ગણાય છે પછી તે ‘મુગલે આઝમ’ હોય કે ‘પદ્માવત’ હોય. આ પ્રકારની ઐતિહાસિક બેકડ્રોપ ધરાવતી ફિલ્મ બનાવવા માટે પેશન અનિવાર્ય છે. કારણ કે આવી ફિલ્મો માત્ર પૈસાના જોરે નહીં પણ પેશનના કારણે બનતી હોય છે.

એકાદ વર્ષથી કંગના રનૌત પણ જાહેરમાં ભાગ્યે જ જોવા મળે છે. એરપોર્ટ પરથી આવતી કે જતી હોય ત્યારની તસવીરો આવે તે વાત અલગ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પાત્રને જીવંત કરવા માટે કંગના રનૌત આખુ વર્ષ વ્યસ્ત રહી. જ્યારે ફિલ્મની જાહેરાત થઈ ત્યારે કંગનાએ કહ્યું કે,‘આ ફિલ્મ સાથે મારું સોએ સો ટકા કમિટમેન્ટ રહેશે.’ અને તે બાબત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે જોવા મળી. ફિલ્મના નિર્માતાઓએ કંગનાના કામનું મહત્વ આંક્યું અને તેના ‌વખાણ કરતા થાકતા નહોતા.

ઝી સ્ટુડિયો અને કમલ જૈન કે જેઓ ફિલ્મના પ્રોડ્યુસર છે તેમનો દાવો છે કે, રાણી લક્ષ્મીબાઈ યુદ્ધમાં જે રીતે લડે છે તેવી વોર સિકવન્સ આજસુધી ભારતીય સિનેમાના પડદે જોવા મળી નહીં હોય. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત એક્શન ડિરેક્ટર નિક પોવેલે ફિલ્મની એક્શન સિકવન્સ માટે 1000 કરતાં વધુ ફાઈટરોનું ઓડિશન લીધું હતું. ‌‌વળી ફિલ્મમાં 1857 વખતે જેવા શસ્ત્રો વપરાતા તેવા સાચુકલા શસ્ત્રો વપરાયા છે. આખી ક્રૂને યુદ્ધ દ્રશ્યો માટે ચાર મહિના તૈયારી કરાવી હતી.

કંગના રનૌતે ફિલ્મમાં કેપ-લોક પિસ્તોલ (વન શોટ પિસ્તોલ) અને તે સમયની રાયફલો ચલાવી છે. એ વિશે વાત કરતાં કંગના રનૌત કહે છે કે,‘તે સમયે લોકો માટે રાયફલ બહુ નવી હતી અને માત્ર ગણતરીના લોકો તેને વાપરતા હતા. જ્યારે બ્રિટિશ આર્મી એનફિલ્ડ રાયફલો વાપરતી ત્યારે રાણી લક્ષ્મીબાઈ તલવારની લડવાનું પસંદ કરતા હતા. યુદ્ધના દૃશ્યોમાં મારી જે ઢાલ છે તેનું વજન પાંચ કિલો હતું. અમારે જે પોશાક પહેરવાનો હતો તેનું પણ પોતાનું વજન હતું. આખી પ્રક્રિયા આમ તો કંટાળાજનક અને લાંબી હતી.

જેમ કે અમારી આખી ટીમ રાતે 2 વાગ્યે જાગી જતી અને 3 વાગ્યે સેટ પર આવી જતી. પછી મેકઅપ, હેરડ્રેસિંગ, કોશ્ચ્યુમ અને રીહર્સલમાં છ કલાક જતા. આ બધુ થયા પછી અમે 10 કે 11 વાગ્યે શૂટિંગ શરૂ કરી શકતા હતા. બધા યોદ્ધાઓ અને પ્રાણીઓ સાથે જે શૂટિંગ કરવાનું થતું પરિણામે માંડ ક્યારેક દિવસમાં એક સીન કમ્પ્લીટ કરી શકતા હતા.’ અને આવું ચાલ્યા કર્યું અને આખું વર્ષ પસાર થઈ ગયું. આખુ વર્ષ આકરી મહેનત કરી છે અને હવે જ્યારે ફિલ્મ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે લાંબા અને આરામદાયક હોલીડે પર જવાની છું એટલું નક્કી છે.’ આમ કહીને કંગના સ્મિત કરે છે.
[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી