બોલિવૂડ / તબુ ફિલ્મોની સંખ્યા વધારવામાં નથી માનતી

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Dec 21, 2018, 01:12 PM IST

તબુ વિશે કહેવાય છે કે અભિનેત્રીઓ છે અભિનેતાઓ છે અને એક તબુ છે. તબુએ ડાન્સ કર્યો છે, ફાઇટ સીન કર્યા છે, સંવેદનશીલ દૃશ્યો ભજવ્યાં છે. તેને કોઈ પણ રોલ આપો, ડિરેક્ટર કોઈ પણ હોય તે કોઈને નિરાશ નહીં થવા દેે. પછી તે ફિલ્મસર્જક હોય કે દર્શકો હોય! અભિનેતાઓ તબુ સાથે કામ કરવા માગે છે, પણ સાથે છૂપો ડર એ પણ છે કે ક્યાંક આખી ફિલ્મમાં એ ન છવાઈ જાય. યોગાનુયોગ અમે એક ફ્લાઇટમાં ભેગાં થઈ ગયાં અને તેની સાથે વાત કરવાની તક ઝડપી લીધી.

ફિલ્મ બિઝનેસમાં જે તે કલાકારે કેટલી સંખ્યામાં ફિલ્મોમાં કામ કર્યું છે તેના પર ભાર મૂકવામાં આવે છે, પણ તબુને જો ઓફર થતો રોલ પસંદ ન પડે તો તે ક્યારેય ‘હા’ નહીં પાડે, પછી ભલેને ફિલ્મ ગમે તેટલા મોટા બેનરની હોય કે ગમે તેટલી ફી ઓફર થઈ હોય. તબુ બિનજરૂરી ફિલ્મોની સંખ્યા વધારવાના મતની નથી

હું દિલ્હીથી મુંબઈ ફ્લાઇટમાં પરત આવી રહી હતી અને બાજુની સીટમાં તબુ મળી ગઈ. હંમેશાં બનતું આવ્યું છે કે અમે જ્યારે મળીએ ત્યારે જોયેલી ફિલ્મો અંગે ચર્ચા કરતા હોઈએ છીએ. તબુ સિનેમા સાથે કેવું મજબૂત જોડાણ ધરાવે છે એ તેનું પ્રતિબિંબ તેના પરફોર્મન્સમાં જોવા મળે છે. જો તેને ઓફર થતો રોલ પસંદ ન પડે તો તે ક્યારેય ‘હા’ નહીં પાડે, પછી ભલેને ફિલ્મ ગમે તેટલા મોટા બેનરની હોય કે ગમે તેટલી ફી ઓફર થઈ હોય.


એકાદ દાયકા અગાઉ એક સમય હતો જ્યારે તબુ સાવ જ લાઇમલાઇટથી દૂર હતી અને ફિલ્મો સાઇન કરવાની બંધ કરી દીધી હતી. લોકો અનુમાન કરવા લાગ્યા કે તબુ લગ્ન કરવાની હોવી જોઈએ. તે વખતે પણ આજની જેમ જ ફ્લાઇટમાં અમે બંને ભેટી ગયાં હતાં. મેં ત્યારે તેને આ અફવામાં કેટલું તથ્ય છે તે વિશે પૂછ્યું. ત્યારે તેણે કહ્યું હતું કે, ‘કારણ કે મેં પાંચ ટોચના નિર્માતાઓની ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો એટલે તેનો અર્થ એ નથી થતો કે હું ફિલ્મમાં કામ કરવાનું છોડી રહી છું કે લગ્ન કરીને ઠરીઠામ થઈ જવાની છું.

મને આવી વાતોના ખુલાસા કરવાનું જરૂરી નથી લાગતું.’ તે સમયે તબુ નિયમિતપણે હૈદરાબાદ આવનજાવન કરતી હતી, કારણ કે તેનું ત્યાં ઘર બની રહ્યંુ હતું. તે વખતે જે ફિલ્મો તબુએ નકારી તેને લીધે તેના મેનેજરને ચિંતા હતી, પણ તબુને મનમાંય નહીં. તે કહેતી કે, ‘હું બહુ સ્પષ્ટ હતી કે મારા ટીકાકારોના ડરે હું મારી યાદીમાં બિનજરૂરી ફિલ્મોની સંખ્યા વધારવાની નહોતી. ફિલ્મ બિઝનેસમાં સંખ્યા પર બહુ ભાર મૂકવામાં આવે છે, પણ સામા પ્રવાહે તરવાની મારામાં હિંમત હતી. જ્યારે વિદેશમાં ફિલ્મસર્જકો સમજતા હોય છે કે કલાકારો પોતાનામાં નવસંચાર કરવા માટે થોડો સમય બધાથી દૂર ચાલ્યા જતા હોય છે, પણ આ કોન્સેપ્ટ આપણે ત્યાં કોઈ સમજતું નથી, પણ મારે જે કરવું હોય છે તે હું કરતી રહું છું.’


‘ભૂતકાળમાં મેં ‘ભાગમતી’ જેવી ફિલ્મ કરી હતી, કારણ કે તેમાં હૈદરાબાદની વાત હતી. એ મારું શહેર છે એટલે મારે કામ કરવાનું જ હોય. હૈદરાબાદમાં રહેવા મળે એટલા માટે મેં રામગોપાલ વર્માની તેલુગુ ફિલ્મ પણ કરી, કારણ કે તે ફિલ્મના શૂટિંગના બહાને શહેરમાં ફરવા મળે, વિવિધ વાનગીઓ માણવા મળે અને મારી માતૃભાષામાં વાત કરવા મળે. સમીક્ષકો તેમનું કામ કરતા રહે છે અને હું મારું.

‘ફના’માં મેં કેમિયો કર્યો ત્યારે પણ મારી ટીકા થઈ હતી, પરંતુ મને તે પાત્ર ગમ્યું હતું અને તેના દ્વારા જે મેસેજ અપાયો તે ગમ્યું. ઘણાં વર્ષો પહેલાં ‘બીવી નં.1’માં કામ કર્યું ત્યારે પણ સમીક્ષકોએ મારી ટીકા કરી હતી, પણ મેં જે રીતે પંજાબી મહિલાનો લાઉડ રોલ કર્યો તેનાથી તેમને ખોટા સાબિત કર્યા. તે વખતે ડેવિડ ધવન સાથે કામ કરવું એક મજાનો અનુભવ રહ્યો અને પછી ફિલ્મ જ્યારે સુપર સક્સેસ ગઈ ત્યારે બધા જ ખુશ હતા.

બધા જ પ્રકારની ફિલ્મોમાં કામ કરવા આત્મવિશ્વાસ જોઈએ. બાલ્કીની ‘ચીની કમ’માં બચ્ચન સાથે કામ કરવા મળ્યાનું ગૌરવ છે. તો મીરાં નાયરની ફિલ્મ ‘લાઇફ ઓફ પાય’માં ઇરફાન ખાન સાથે કામ કરવાની તક મળી.

વિશાલ ભારદ્વાજે મને ‘હૈદર’માં રિપીટ કરી તે મારું સદ્નસીબ છે. અજય દેવગણ સાથે કંઈક કનેક્શન હોય તેવું લાગ્યા કરે છે, કારણ કે અમે જે પણ ફિલ્મો સાથે કરી તે ખાસ બની રહી. દાખલા તરીકે ‘રુક રુક’ ડાન્સ (વિજયપથ), ‘ગોલમાલ અગેઇન’ કે પછી ‘દૃશ્યમ્’ હોય. ‘ફિતૂર’માં રેખાએ છોડેલો રોલ મેં કર્યો, કારણ કે દિગ્દર્શક અભિષેક કપૂરને તે વખતે સપોર્ટની જરૂર હતી.’


મેં પૂછ્યું અને ‘અંધાધુન’ કઈ રીતે શક્ય બની? તબુએ સ્મિત કર્યું અને કહ્યું, ‘અંધાધુન’નો સંપૂર્ણ યશ શ્રીરામ રાઘવનને જાય છે. તેઓ જિનિયસ ડિરેક્ટર છે. ફિલ્મમાં મેં જે દુષ્ટ મહિલાનો રોલ કર્યો છે તેમાં મજા પડી. હવે બાકીનું આખું જીવન મને ખલનાયિકાના રોલ ઓફર થતા રહેશે તો મને નવાઈ નહીં લાગે.’ આટલું કહીને તબુ ખડખડાટ હસી પડે છે.
[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી